Press Note Guj Dt:25/04/2020 સરકારી કર્મચારીઓને મળવાપાત્ર DA (મોંધવારી ભથ્થા) બાબત.
Press Note 25.04.2020 સરકારી કર્મચારીઓને મળવાપાત્ર DA (મોંધવારી ભથ્થા) બાબત
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી
અખબારીયાદી તા. ૨૫.૦૪.૨૦૨૦
કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ગરીબ અને મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયેલ છે ત્યારે સરહદ પર લડનાર અને સંરક્ષણ માટે સેવા આપી નિવૃત થયેલ સૈનિકો તેમજ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મળવાપાત્ર DA (મોંધવારી ભથ્થા) ઉપર કાતર ચલાવવી તે યોગ્ય નથી. માન. પ્રધાનમંત્રીશ્રી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ નિર્ણયની પુનઃવિચારણા કરી પગાર અને પેન્શનમાં મળતા DA ઉપર કાતર ન ચલાવે તેવી માંગ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરી છે.
હાલમાં આપણી સરહદ પર લડતા જવાનો, હોસ્પિટલમાં અડીખમ સેવા આપતા ડોક્ટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ દળના જવાનો તથા અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાને કોરોના થાય તો થાય પણ ફરજ નહીં ચૂકીએ તેવા ભાવથી જે કામ કરે છે અન્ય તમામ વિભાગના કર્મચારીઓ પણ લોકડાઉનના કારણે સરકારશ્રીની ઘરે રહેવાની સુચના હોવાથી ઘેર બેઠાબેઠા શૈક્ષણિક, હિસાબી, વહીવટી સહિત જરૂરી કામકાજ કરે જ છે તેમને પ્રોત્સાહન લાભ આપવાના બદલે તેમને તેમના અધિકારથી મળવાપાત્ર મોંધવારી ભથ્થામાં કાપ મુકવાથી સમગ્ર તંત્રમાં હતાશા આવશે અને કોરોના સામેની લડતના કોરોના વોરિયર્સ ઉપર વિપરીત અસર પડશે. સરકારે તા. ૨૩/૦૪/૨૦૨૦ના હુકમથી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી ૨૦૨૦ થી ૩૦ જુન ૨૦૨૧ સુધી મોંધવારી ભથ્થુ અને મોંધવારી રાહતના રૂપે મળનાર ભૂતકાળ અને ભવિષ્યના હપ્તાઓ બંધ કરી દીધા છે અને જાન્યુઆરી ૨૦૨૦ થી ૩૦/૦૬/૨૦૨૧ મોંધવારી ભથ્થાનો કોઈ પણ લાભ નહીં મળે તેવું ફરમાવેલ છે. આનાથી લગભગ ૧૧૩ લાખ સૈનિકો, કર્મચારી અને પેન્શનરોને નકારાત્મક અસર થશે. દેશની સેવા માટે અડીખમ લડતા જવાનો, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ અને પોલીસ જવાનોને પણ મોંધવારી ભથ્થાના કાપના નકારાત્મક નિર્ણયમાંથી બાકાત નથી રાખ્યા.
છેલ્લા ૩૦ દિવસમાં કર્મચારી અને મધ્યમવર્ગને આ પ્રથમ માર નથી પરંતુ સરકારે ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ “નેશનલ સેવિંગ સ્કીમ” માં ૧ થી ૧.૫ % નો વ્યાજમાં કાપ મુકીને ૩૦ કરોડ રોકાણકારોને ૧૯૦૦૦ કરોડનું વાર્ષિક નુકશાન કરેલ છે. એટલું જ નહીં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સેવિંગ એકાઉન્ટનું વ્યાજ ૩.૭૫% થી ધટાડી ૩ % અને ફિક્સ ડીપોઝીટ ઉપર પણ વ્યાજ ૦.૨૫ થી ૦.૫૦ % ધટાડી SBIનાં ૪૪.૫૧ કરોડ ખાતા ધારકોને ૯૪૨૯ કરોડ રૂપિયાનું વાર્ષિક નુકશાન કરેલ છે.
સરકારે ગરીબ અને મધ્યમવર્ગની આવક પર કાતર મારતા પહેલા પોતાના બિનજરૂરી અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ. દેશની સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી મિલકતોને રીડેવલપમેન્ટ માટેના વિસ્તા (VISTA) પ્રોજેક્ટ પાછળ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા હાલ વાપરવાનું માંડી વાળવુ જોઈએ. ૧,૧૦,૦૦૦ કરોડ રૂપિયા બુલેટટ્રેનનો પ્રોજેક્ટ મુલતવી રાખી શકાય. સરકારી કર્મચારીઓને પોતાની મહેનતના મળવાપાત્ર ખર્ચ સિવાયના સરકારી ખર્ચમાં જો ૩૦% કાપ મુકીએ તો વધારાના ૨ લાખ ૫૦ હજાર કરોડ બચી શકે. આ પૈસા ગરીબ, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, હોસ્પિટલો, કામદારોનાં કલ્યાણ માટે વાપરી શકાય.
————————————————————————————–