Close

June 16, 2024

Press Note Guj 16-06-24 :- GIDC Scam

અખબારી યાદી                                                                                        તા. ૧૬–૬–૨૦૨૪

  • ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો.

         જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦           કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ

  • ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.

ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી(Gujarat Industrial Development Corporation)માં પ્રથમ તબક્કે૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે.જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.

આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.

આપણા રાજ્યમાં નાના-નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે, સ્થાનિકોને રોજી મળે તથા ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં અનેક અવિકસિત વિસ્તારોમાં નાની મોટી જીઆઈડીસી પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી હતી. આવા પ્રકારની જીઆઈડીસીઓ બનવાના કારણે અનેક નાના ઉદ્યોગકારો તથા વિશ્વકર્મા સમાજના ભાઈઓને ઉદ્યોગ કરવા માટેની તકો મળી અને સ્થાનિકોને રોજી પણ મળી હતી. ભાજપ સરકારે આ જીઆઈડીસીનો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદા કરવાના બદલે હેતુફેર કરી કરીને માનીતાઓને મિલ્કતો પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે તેનો એક ખૂબ મોટો કિસ્સો આજે બહાર આવ્યો છે.

ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પહેલે તબક્કે ૩ અબજ અને ૫૦ કરોડ તથા બીજા તબક્કામાં ૧૨ અબજ અને ૨૦ કરોડથી વધારેના ભ્રષ્ટાચારના જે ષડયંત્ર કર્યા છે તેની સિલસિલાબંધ વિગતો પ્રેસ અને મીડિયામાં શક્તિસિંહ ગોહિલે આપી હતી.

જીઆઈડીસીને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે જીઆઈડીસી વિકસિત બને અને ૯૦% પ્લોટ ફળવાય ત્યારે એ જીઆઈડીસીને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે અને આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં ૨૦% ઉમેરીને ત્યારબાદ જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.

ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે તા.૨૪-૪-૨૦૨૩ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટેજીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. ૨,૮૪૫ પ્રતિ ચો.મી. છે. અરજીઓ મંગાવ્યા બાદ તા. ૨૭-૭-૨૦૨૩ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને જીઆઈડીસીએ કહ્યું કેનિગમની ૫૧૮મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજીઓ તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં ૨૦% ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં. આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. ૮,૦૦૦થી વધારે તેને ચૂકવવી પડી હતી. દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ ૬,૦૦૦ થી ૭,૫૦૦ હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો ૨૦૨૨માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો. તો અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે. આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે ૫ લાખ ચો.મી. અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન આપવાની થાય. અને આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે પરંતુ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી એ પરિપત્રને માત્ર છ જ મહિનામાં એટલે કે તા. ૮-૨-૨૦૨૪ના રોજ ઉલટાવી નાંખીને એવો પરિપત્ર કર્યો કે દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે અને પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા ૨,૮૪૫ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે ૫ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય જેના કારણે સરકારની તિજોરી ઉપર ૩ અબજ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન એટલે ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફ.આઈ.આર. કરવામાં આવે.

(૧) નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી?(૨) અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે ? (૩) નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. (૪) ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.

ડૉ. મનિષ એમ. દોશી

મીડીયા કન્વીનર અને પ્રવક્તા