ઈન્દિરાજી મારી દ્રષ્ટીએ
એક સમયે જેમના માટે એમ કહેવાતું કે ભારતના પ્રધાન મંડળમાં એક જ મર્દ મંત્રી છે તે ઇન્દિરા ગાંધી. ૧૯મી નવેમ્બર ઇન્દીરાજીનો જન્મ દિવસ છે, ત્યારે આ મહાવિભૂતિની બહુમુખી પ્રતિભાના વિવિધ પાસાઓને સ્પર્શ કરવાનો મારો પ્રયત્ન છે. માત્ર રાજકીય નેતા તરીકે નહીં પરંતુ ઇન્દિરા ગાંધીએ એક બાળક, એક કર્તવ્યનિષ્ઠ પુત્રી, જવાબદાર માતા, વિચક્ષણ દ્રષ્ટા, સંવેદનશીલ મહિલા, રાષ્ટ્ર પ્રેમી, રાજકીય વ્યક્તિ, અડીખમ મનોબળવાળું વ્યક્તિત્વ, દુશ્મનો માટે દુર્ગા અને માનવ માટે માનવતાનું મહાઅમૃત, વાત્સલ્યનો વડલો, સોલીડ સેક્યુલર.
ઇન્દીરાજીનું બાળપણ :
૧૯મી નવેમ્બર, ૧૯૧૭ માં અલ્હાબાદમાં ગર્ભશ્રીમંત નહેરુ પરિવારમાં જન્મ, કુટુંબ બોલાવે ઇન્દુ તરીકે. ઇન્દુ એટલે ચંદ્ર શીતળ પ્રકાશના અધિપતિ. બેજ વર્ષમાં ગર્ભશ્રીમંત પરિવારની તમામ સંપત્તિ આઝાદીની લડત માટે સમર્પિત. બાળક તરીકે સતત માં-બાપને જેલમાં જતાં જોયા અને બાલ્યાવસ્થા માતા પિતાના પ્રેમથી વંચિત. એકલું બાળક સોફા ઉપર ઉભા રહે, શૂન્ય સાથે કરે વાર્તાલાપ અને ભવિષ્યના નેતૃત્વનું થાય ઘડતર.
કર્તવ્ય નિષ્ઠ પુત્રી :
વિદ્યાર્થીની તરીકે ઉજ્જવળ કારકિર્દી દરમ્યાન માતાની બિમારી આવતાં અભ્યાસ છોડ્યો અને સ્વીત્ઝરલેન્ડ જઈ સેવાની સાધના કરી. મા-બાપની સેવા અને સાનિધ્યને જ પોતાની પ્રથમ પ્રાયોરીટી બનાવી. માતા-પિતા આઝાદી માટે લડત લડતાં, તો માતા – પિતાના જેલવાસ દરમ્યાન કયારેય ફરિયાદણ ન બની. એક બાળક તરીકે પણ આઝાદીને લડત માટે વાનર સેનાનું નેતૃત્વ કર્યું. સમય આવ્યે પોતાના દફતરમાં આઝાદીની લડતના કાગળો છુપાવી અંગ્રેજની પોલીસોને પણ ગુમરાહ કરી. પિતા એ જેલમાં રહીને વણાટથી બનાવેલી સાડી ગુજરાતની વહુ ઈન્દિરાજી માટે લગ્ન સમયે અમુલ્ય સેલુ બન્યું.
જવાબદાર માતા :
અનેક રાજકીય કારકિર્દીના ચડાવ – ઉતાર વચ્ચે માતાની પવિત્ર ફરજ ન ચુક્યા. બાળકોનું ભણતર હોય, ગણતર હોય કે બાળકોના શોખ કે બાળકોનું ભવિષ્ય હોય હંમેશા માતૃત્વની મહેર બાળકો ઉપર અવિરત રહી.
વિચક્ષણ દ્રષ્ટા :
દેશના અર્થતંત્રના મોટા આધારસ્તંભની જ્યારે આવશ્યકતા હતી ત્યારે પ્રધાનમંત્રી તરીકે ઇન્ડો સોવિયત ટ્રીટી કરી દેશના અર્થતંત્રને બળ પુરું પડ્યું. રાજકીય પીઠાધીશોને આત્માના અવાજની વાત કરી પાઠ ભણાવ્યો. ઓછું બોલે પરંતુ અસરકારક પરિણામ આપે તે ઇન્દિરા. સવાલ રશીયાનો હોય, ચાઈનાનો હોય કે પાકિસ્તાનનો હોય વિચક્ષણ વિદેશ નીતિ દુરંદેશી હતી.
સંવેદનશીલ મહિલા :
કોઈ વિકસિત દેશના સર્વોચ્ચ સત્તાધીશ સાથે ભોજન હોય કે અંતરિયાળ અને અવિકસિત આદિવાસી વિસ્તારમાં લોક નૃત્ય હોય. જ્યાં ઈન્દિરાજી જોડાય ત્યાં સંવેદનાની સરવાણી વહયા વગર ન રહે. મધર ટેરેસાના આંસુ સાથે પણ જેની સંવેદનાઓ સુર મિલાવે અને ગરીબી હટાવોનો અલખ જગાવે તે ઇન્દિરા ગાંધી.
રાષ્ટ્રપ્રેમી :
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામે પાકિસ્તાનની અવળચંડાઈ મર્યાદાઓની માઝા મૂકી ચુકી હતી ત્યારે રાજકીય ભાષણો કે પક્ષીય લાભ લેવાના બદલે એક રાષ્ટ્રનેતા તરીકે પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી પાકિસ્તાનને હંમેશા ચચળતી રહે તેવી લપડાક મારી. અમેરિકાનો અહંકાર, પાકિસ્તાનની પજવણી કે ચીનની ચાંચિયાગીરીએ કોઈની કરામત જેના પાસે કારગત ન નીવડી તે રાષ્ટ્ર ભક્ત એટલે ઇન્દિરા ગાંધી.
રાજકીય વ્યક્તિ :
આત્માનો અવાજ આવકારદાયક છે તેવી જાહેર જીવનમાં વાત ઉભી કરી. તંત્રને તૂટતું જોતાં કટોકટી પણ જાહેર કરી. પરંતુ સરમુખત્યાર બનવાને બદલે જાતે જ લોકશાહીના જતન માટે લોક ચુકાદો માંગ્યો, ચુકાદો વિરુદ્ધ આવ્યો તો તે લોક ચુકાદાને માથે ચડાવી, સતત લોકોની વચ્ચે રહી દુશ્મનોના દમનને સહન કરી, લોકોના દિલ અને રાજસત્તા માત્ર ગણતરીનાં મહિનાંઓમાં જ પાછા જીતી લીધાં.
વાત્સલ્યનો વડલો :
અનેક રાજકીય જવાબદારીઓ અને આંતરરાસ્ટ્રીય નેતૃત્વને પરિસ્થિતિ વચ્ચે પણ વ્હાલસોયી દાદી તરીકે રાહુલ અને પ્રિયંકાને માત્ર વાત્સલ્ય જ નહીં પરંતુ તેમનામાં સ્નેહ સાથે સમજણનું અવિરત સિંચન કર્યું.
સોલીડ સેક્યુલર :
રાષ્ટ્રના હિત માટે ઓપરેશન બ્લુ સ્ટાર અનિવાર્ય લાગતાં તે માટે આગળ વધ્યાં. ઓપરેશન બ્લુ સ્ટાર પછી ઈન્ટેલીજન્સ અહેવાલમાં લખાયું કે ઇન્દિરાજીની સીક્યોરીટીમાં શીખ ધર્મના અધિકારીઓને દુર કરવા. ફાઈલ જયારે ઈન્દિરાજી સમક્ષ આવી ત્યારે પોતાના જીવના જોખમને પણ જીરવી જઈને ફાઈલ પર લખ્યું કે “હું સેક્યુલર છું અને માત્ર મારા અંગરક્ષક ચોક્કસ ધર્મનાં છે તેના કારણે તેમને હું દુર ન કરી શકું.”
ક્યાં આજના છપ્પનની છાતીના નામે છાકટા થનારા અને બીકથી કબુતરને પણ ફરકવા ન દેનારા નિર્માલ્ય નેતા
અને ક્યાં ખરા જવામર્દ મહિલા ઇન્દિરા ગાંધી.