Close

May 27, 2010

Aavedan Patra To Hon’ble Governer

મહામહીમ માન.રાજ્યપલશ્રીને સુપ્રત કરાયેલું આવેદનપત્ર

પ્રતિ,

મહામહિમ માન.રાજયપાલશ્રી,

રાજભવન,

ગાંધીનગર.

        અમો કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ તથા સંસદસભ્‍યશ્રીઓ અને મુખ્‍ય આગેવાનો આપશ્રીનું રાજયના બંધારણીય  વડા તરીકે આ આવેદન પત્રથી  ધ્‍યાન દોરીએ છીએ અને રાજયના હિતમાં આપની બંધારણીય સત્‍તાઓનો ઉપયોગ કરીને યોગ્‍ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.

        ગુજરાત સરકાર ગુજરાતની જનતાને આપેલાં વચનો પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્‍ફળ રહી છે. થોડા સમયમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણીઓ આવવાની છે. રાજયમાં પીવાના પાણીની ભયંકર તંગી પ્રવર્તે છે. ઘાસચારો મળતો નથી. રાજ્ય સરકાર તરફથી રાજ્યમાં દુષ્‍કાળ હોવાછતાં દુષ્‍કાળ જાહેર કરાયો નથી. કેટલ કેમ્‍પ, કેશડોલ્‍સ કે રાજય રાજય તરફથી કોઇપણ પ્રકારની રાહતની કામગીરી કરવામાં આવી નથી. કરોડો રુપિ‍યાના એમ.ઓ.યુ.ની જાહેરાતો કર્યા પછી વાસ્‍તવિક મૂડીરોકાણ ગુજરાતમાં આવ્‍યું નથી. બેરોજગારોની  સંખ્‍યામાં  સતત વધારો થઇ રહયો છે. રાજયમાં વિજળી ખેડૂતોને પૂરતી મળતી નથી.બીન જરુરી ખર્ચાઓ કે જે  પ્રસિધ્‍ધી અને અહમના પોષણ માટે છે તે વધી ગયા છે. આ ખર્ચાઓને પહોંચી વળવા ગુજરાતી જનતા પર વેટનું ભારણ અને વેટ ઉપર સરચાર્જ નાંખવામાં આવેલ છે. આ સંજોગોમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં સત્‍તાધારી પક્ષનું ભયંકર ધોવાણ થવાનું છે. તેનો અહેસાસ થતાં ગુજરાતમાં કોમ કોમ વચ્‍ચે રમખાણો પેદા કરીને ઉભા થયેલાં પ્રશ્‍નો તરફથી લોકોનું ધ્‍યાન બીજે ખેંચીને તેમજ ધાર્મિક લાગણી ઉશ્‍કેરણીને મત બેન્‍કનું રાજકારણ સત્‍તાધારી પક્ષની સરકાર કરવા જઇ રહી છે. સમગ્ર દેશ જાણે છે કે, ગુજરાતમાં ચાલી રહેલી સી.બી.આઇ.ની તપાસમાં કેન્‍દ્ર સરકાર કે કોંગ્રેસપક્ષનો કોઇ હાથ નથી. નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી ગુજરાતમાં તુલસીરામ પ્રજાપતિ, ગોપીનાથ પીલ્‍લાઇ, કૌશરબી જેવા અનેક નિર્દોશ લોકોના મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યા પછી એક નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ સી.બી.આઇ. કરે છે.આ વાત સ્‍વયં સ્‍પષ્‍ટ હોવાછતાં ભાજપના નેતાઓ પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવીને જે વાણી વિલાસ કર્યો તે સત્‍યથી સંપર્ણ વિકૃત અને રાજયમાં હુલ્‍લડો  પેદા  થાય અને ગુજરાતી ગુજરાતી વચ્‍ચે વૈમનસ્‍ય પેદા થાય તે પ્રકારનો હતો. આ પ્રેસ કોન્‍સફરન્‍સ પછી અમદાવાદ શહેરમાં હુલ્‍લડો પેદા થાય અને ધર્મના નામે ગુજરાતી ગુજરાતી વચ્‍ચે દુશ્‍મનાવટ પેદા થાય તેવા પોસ્‍ટરો લગાડવામા આવ્‍યા. પ્રેસ કોન્‍ફરન્‍સ અને પોસ્‍ટરોમાં સી.બી.આઇ.ની તપાસના કારણે ગુજરાતીઓનું અપમાન થઇ જતું હોય અથવા તો સંપૂર્ણ પોલીસ ફોર્સ ડી-મોરલાઇઝ થવાનો હોય તેવી વાહીયાત વાત કરવામાં આવી. હકીકતમાં ગુજરાત સરકારે નામદાર સુપ્રીમ કોર્ટ પાસે નકલી એન્‍કાઉન્‍ટરની હકીકત સ્‍વીકારી છે અને સી.બી.આઇ.ની તપાસ ન થાય એટલા માટે ૧૯ જેટલાં અધિકારીઓની ધરપકડ કરી છે. ગુજરાત સરકાર ૧૯ અધિકારીઓની ધરપકડ કરે તો તેનાથી પોલીસ ફોર્સ ડી-મોરલાઇઝ ન થાય અને સી.બી.આઇ. એકની ધરપકડ કરે તો ફોર્સ ડી-મોરલાઇઝ થાય તે વાત કોઇને પણ ગળે ઉતરે તેવી નથી. આમ છતાં આ પ્રકારની વાત હકીકતમાં એટલા માટે કહેવામાં આવે છે કે, નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની એફિડેવીટમાં કરેલી વાત કે આ નકલી એન્‍કાઉન્‍ટરો માટે અધિકારીઓ જવાબદાર છે અને નેમ તથા ફેમ માટે નિર્દોષોને મારી નાખતાં હતાં તે વાતને સુ‍પ્રીમ કોર્ટે સ્‍વીકારી નથી અને નામદાર સુ‍પ્રીમ કોર્ટે સી.બી.આઇ.ને નકલી એન્‍કાન્‍ટરમાં લાર્ઝર કોન્‍સ્‍પીરસી હતી કે કેમ ? તે તપાસવા પણ આદેશ આપેલો છે. તેનાથી આ નકલી એન્‍કાઉન્‍ટરના પડદા પાછળના મુખ્‍ય સૂત્રધારો બેબાકળા બન્‍યા છે અને રાજ્યમા ધર્મના નામે હુલ્‍લડો કરાવી રાજ્યનું નુકશાન કરવા તત્‍પર બન્‍યા છે. ગુજરાત પૂજય મહાત્‍મા ગાંધીજીના અહીંસાના સંદેશાના કારણે સમગ્ર વિશ્‍વમાં ગૌરવવંતુ સ્‍થાન છે.

        સન-ર૦૦રમાં પણ આજ ગુજરાતની સરકારે મત બેન્‍કની રાજનીતિ માટે હિન્‍દુ અને મુસ્‍લીમો વચ્‍ચે  હુલ્‍લડો કરાવી મતબેન્‍કની રાજનીતિ કરી હતી જેનાથી ગૌરવવંતા ગુજરાતના ઇતિહાસમાં કાળી ટીલી લાગી હતી.આજે પણ કેટલાંય હિન્‍દુઓ અને મુસ્‍લીમો જેલમાં છે અને કેટલાંય હિન્‍દુઓ અને મુસ્‍લીમોને ન કલ્‍પી શકાય તેવું નુકશાન  થયું હતું.ભાજપ વહીવટી રીતે સંપૂર્ણ નિષ્‍ફળ રહયાં પછી લોકોના રોષથી ચૂંટણી સમયે  ભાજપને નુકશાન ન  થાય તે માટે ગુજરાતમાં રમખાણો કરાવી ભલે ગુજરાતને નુકશાન થાય પરંતુ પોતાની વોટબેન્‍ક મજબૂત થાય તેવું કરવા સત્‍તાધારી પક્ષ જઇ રહયો છે.

        તાજેતરમાં પ્રેસનોટ અને પત્રીકાઓ પ્‍છી ગુજરાતના મુખ્‍ય અખબારોમાં લાખો રુપિ‍યાની જાહેરાત કે જે હુલ્‍લડો પેદા કરાવે અને ગુજરાતી ગુજરાતી વચ્‍ચે દુશ્‍મનાવટ પેદા કરે તથા કેન્‍દ્ર સરકાર સામે રાજય દ્રોહ થાય અને નામદાર સુપ્રીમ કોર્ટનું અવમાન થાય તેવી જાહેરાતો પ્રસિધ્‍ધ કરાવવામાં આવી હતી. આ પછી સમગ્ર રાજયમાં મોટા હો‍ર્ડિગ્‍સ અને દિવાલો ઉપર ચિત્રામણ એ રીતે કરવામાં આવ્‍યું છે કે, જેનાથી રાજયમાં હુલ્‍લડો ફાટી નીકળે. સત્‍તાધારી પક્ષના આ પ્રયત્‍નો જોતાં પણ ગુજરાતની ગૌરવવંતી જનતાએ શાંતિ અને ભાઇચારો જાળવી રાખતા; આ સત્‍તાધારી પક્ષની મેલીમુરાદ બર આવી નહોતી.તેથીજ અમદાવાદ શહેરમાં ખાસ સાગરીતો મારફત નાના મોટાં સ્‍કૂટર અકસ્‍માતને બનાવને હુલ્‍લડમાં ફેરવવા તથા હિન્‍દુ મુસ્‍લીમ વિસ્‍તાર નજીક હોય ત્‍યાં પથ્‍થરમારો કરાવવા ષડયંત્ર સત્‍તાધારી પક્ષે કરેલ છે.  કેટલાક પોલીસ અધિકારીશ્રીઓ પણ સરકારના દોરી સંચારના કારણે હુલ્‍લડો પેદા થાય તેવું વર્તન અમદાવાદ શહેરમાં કરી રહયાં છે. અમદાવાદ શહેરમાં છેલ્‍લાં થોડાં દિવસોથી જે કોમી તોફાનો શરુ થયા છે તે કોઇ કારણોસર નથી પરંતુ સત્‍તાધારી પક્ષના ષડયંત્રના કારણે શરુ થયા છે. સ્‍થાનિક રહીશો મારફત આ તોફાનો માટે જેઓના નામ ભૂતકાળમાં પણ આવેલાં છે. તેવા નામો આપવામાં આવતા હોવાછતાં તેમની સામે કોઇ પગલાં રાજય સરકારના ઇશારાના કારણે લેવામાં આવતાં નથી. અમદાવાદ શહેરમાં ષડયંત્રના ભાગરુપે નાના મોટાં અસામાજિક કામો કરનારા લોકો પાસે અસ્‍ત્રાના કે ચાકુ મારફત હુમલા કરવામાં આવે છે. આ હુમલો કરનાર કે કરાવનાર વ્‍યકિત એકજ હોય તેવું સ્‍પષ્‍ટ થાય છે. કારણ કે, અમદાવાદ શહેરમા જેને પણ ઇજા થાય છે તે ઇજા એકજ પ્રકારની જોવા મળી છે.

        સત્‍તાધારી પક્ષની આવી માનસિકતાના કારણે ભૂતકાળમાં તેમના પક્ષના વડાપ્રધાનશ્રીએ પણ જે તે સમયે ટીકા કરવી પડી હતી. કમનશીબે જે તે સમયે કેન્‍દ્રમાં  નિષ્‍પક્ષ અને પ્રામાણિક સરકાર નહીં હોવાથી ગુજરાતની સરકારને ગુજરાતમાં હુલ્‍લડો કરાવવા માટે કડક રીતે રોક લગાવવામાં આવી નહોતી. હુલ્‍લડો કરાવીને ગુજરાતને પૂષ્‍કળ નુકશાન કરાવી પોતાની મતબેન્‍ક મજબૂત કરવામાં સફળ રહેલી ભાજપની સરકાર સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી ચાલી રહેલી તપાસને અવરોધ કરવા  રાજયમાં પુનઃ હુલ્‍લડો કરાવવા ષડયંત્ર રચી રહી છે. જેના સામે કડક પગલાં ભરવા આપને અમો અનુરોધ કરીએ છીએ.

        નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ભ્રષ્‍ટ અને અપ્રામાણિક તથા નિર્દોષોની હત્‍યા કરનારા અધિકારીશ્રીઓ કે જેઓ ખોટી રીતે નામના મેળવતા અને મહત્‍વની પોસ્‍ટીંગ તથા મેડલ મેળવી લેતાં હતાં. તેઓની સામે કાર્યવાહી થવાથી ગુજરાતના નિષ્‍ઠાવાન અને પ્રામાણિક પોલીસ અધિકારીશ્રીઓનો જુસ્‍સો અને મોરલ વધ્‍યાં છે. પ્રામાણિક અધિકારીશ્રીઓને નામદાર સુપ્રીમ કોર્ટની ન્‍યાય આપવાની પ્રક્રિયાથી સંતોષ થયો છે અને આવા પ્રામાણિક અધિકારીઓને જુસ્‍સો વધવાથી ગુજરાતમાં સલામતી પણ વધશે.

        ગુજરાતમાં હુલ્‍લડો પેદા થાય તે પ્રકારના લખાણો લખવા કે પ્રસિધ્‍ધ કરવા તે ઇન્‍ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ગુનો બનતો હોવાછતાં રાજય સરકારે જાહેરાતો આપનાર , હોર્ડગ્‍સ લગાડનાર કે દિવાલો ઉપર લખાણ લખનાર સામે કોઇ ગુનો નોંધ્‍યો હોય કે તપાસ આદરી હોય તેવું અમાર ધ્‍યાને આવ્‍યું નથી. જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીની સ્‍પષ્‍ટ જવાબદારી હોય છે કે, હુલ્‍લડો પેદા થાય કે રાજય દ્રોહ થાય તેવા લખાણો કે હોર્ડિગ્‍સ  તાત્‍કાલિક દૂર કરવા જોઇએ તેની કાયદાથી જવાબદારી હોવાછતાં રાજય સરકાર પોતેજ હુલ્‍લડો પેદા થાય તેવું ઇચ્‍છતી હોવાના કારણે આવા લખાણો દૂર કરવામાં આવ્‍યા નથી. આ સંજોગોમાં આપશ્રી બંધારણીય વડા તરીકે  જવાબદારો સામે પગલાં ભરવાની કાર્યવાહી કરો તેમજ માન.રાષ્‍ટ્રપતિશ્રીને પણ ગુજરાત સરકારની પ્રવૃત્તિથી અવગત કરાવો તેવી અમો વિનંતી કરીએ છીએ.

        અમદાવાદ શહેરમાં ચાલતાં હુલ્‍લડો ગુજરાત સરકાર પ્રેરિત છે. ત્‍યારે આપના દ્વારા તેની ઉંડાણપૂર્વક તપાસ થાય અને અમદાવાદ શહેરમા કાયદો અને વ્‍યવસ્‍થા બરોબર જળવાય રહે તે માટે સૂચનાઓ આપો તેવી અમો વિનંતી કરીએ છીએ.

        આભાર સહ.

 આપનો સ્‍નેહાધિન

સિધ્‍ધાર્થભાઇ પટેલ                                         (શક્તિસિંહ ગોહિલ) 

પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,