Close

May 31, 2010

Press Note Date : 31/05/2010 GUJ

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

 અખબારી યાદી                                                                     તા.  ૩૧.૦૫.ર૦૧૦

  • ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રીની માનસિકતા દલિત વિરોધી છે.
  • ગુજરાતના પ્રતિષ્ઠિત દલિત નેતાઓ વિરુધ્‍ધ એક જ પ્રકારની ફરિયાદ મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે થઇ રહી છે.
  • ગુજરાતના દલિત નેતાઓ વિરુધ્‍ધ મુખ્‍યમંત્રીશ્રીએ કરાવેલી ફરિયાદનો ગુજરાતના ‍દલિતો જડબાતોડ જવાબ આપશે.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની દલિત વિરોધી નીતિના કારણે ગુજરાતમાં બેકલોગની અનેક જગ્‍યાઓ ખાલી છે.
  • હંમેશા બેફામ આક્ષેપો કરનારા અને વાણી વિલાસ કરનારા મુખ્‍યમંત્રીશ્રીની દલિત વિરોધી નીતિ સામે દલિત નેતાઓએ અવાજ ઉઠાવતાં મુખ્‍યમંત્રીશ્રી બેબાકળા બન્‍યા.
  • દલિત વિરોધી નીતિના કારણે ગુજરાતમાં જી.પી.એસ.સી.માં પહેલી વખત દલિત સમાજના બાળકોને મોટો અન્‍યાય.
  • ગુજરાત સરકારની બેજવાબદાર વ્‍યવસાયલક્ષી શિક્ષણ નીતિના કારણે શિક્ષણ ક્ષેત્રે  દલિતોને ખૂબ મોટો અન્‍યાય.

ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રીની માનસિકતા અને વર્તન એ દલિત વિરોધી રહ્યું છે. પોતે હંમેશા અનેક નેતાઓ માટે મનફાવે તેવા નિવેદન અને વાણી વિલાસ કરતાં હોય છે. પ્રથમ વખત દલિત વિરોધી મુખ્‍યમંત્રીશ્રીના નિવેદનની સામે ગુજરાતના નિષ્‍ઠાવાન  પ્રામાણિક દલિત નેતાઓએ જયારે સમાજની લાગણી વ્‍યકત કરતી પ્રેસનોટ ઇસ્‍યુ કરી તો તેની સામે સત્‍તાનો દુરપયોગ કરીને મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં એકજ પ્રકારની કમ્‍પલેઇન અનેક જગ્‍યાએ દાખલ કરવાની જે સૂચનાઓ આપી છે તે તેમની દલિત વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. જે નેતાઓ વિરુધ્‍ધ માન. મુખ્‍યમંત્રીશ્રીએ ફરિયાદો આપવા માટે તેમના પક્ષના આગેવાનોને સુચના આપી છે અને જે દલિત નેતાઓને ખોટી રીતે  સંડોવવાનો પ્રયત્‍ન કર્યો છે, તે નેતાઓએ હંમેશા દલિત સમાજના પ્રશ્‍નો માટે જાગૃતતાથી કામ કર્યુ છે અને દલિત સમાજમાં તથા આમ સમાજમાં તેમની એક પ્રતિષ્‍ઠા છે. મુખ્‍યમંત્રીશ્રીના સત્‍તાના જોરે થયેલા આ હીન પ્રયાસને ગુજરાતનો દલિત સમાજ કયારેય માફ નહીં કરે.

ગુજરાતમાં પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં રાજય સરકારનો વહીવટ દલિત વિરોધી રહ્યો છે. સરકારમાં બેકલોગની અનેક જગ્‍યાઓ ખાલી છે. આ જગ્‍યાઓ ભરવામાં આવતી નથી અને જગ્‍યાઓને નાબૂદ કરવાનો પણ પ્રયત્‍ન ગુજરાત સરકાર કરી રહી છે. દલિત નેતાઓ જયારે કોઇપણ કામ લઇને જાય છે ત્‍યારે તેમને સકારાત્‍મક સહયોગ પણ ગુજરાતની સરકાર આપતી નથી. દલિત કર્મચારીઓના પ્રમોશન જયારે આપવાના પ્રશ્‍ન આવે છે ત્‍યારે પણ ગુનાહિત વિલંબ આ ગુજરાતની સરકારમાં થઇ રહયો છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ કે જે દલિત સમાજ માટે હોય તે નાણાં છેલ્‍લાં પાંચ વર્ષના આંકડાઓ જોઇએ તો મોટી રકમ દલિત સમાજના હિતની વણ વપરાયેલી પડી રહે છે. શિક્ષણનું વ્‍યવસાયીકરણ કરવામાં આવ્‍યું છે અને દલિત વિદ્યાર્થી સેલ્‍ફ ફાયનાન્‍સની નીતિના કારણે વિદ્યાભ્‍યાસ લઇ જ શકે નહી તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ પ્રવર્તમાન ભાજપની સરકારના વહીવટમાં ચાલી રહયું છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતાની સત્‍તાના જોરે અને પોતાના અહમના કારણે ગુજરાત રાજયના  દલિત નેતાઓની વિરુધ્‍ધમાં જે ફરિયાદો લખાવીને પરેશાની ઉભી કરવાનો પ્રયત્‍ન કર્યો છે તેને ગુજરાતનો દલિત સમાજ જડબાતોડ જવાબ આપશે.

        ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં હંમેશા જે ઓપન મેરીટસમાં સીલેકટ થઇ જાય,. એ પછી અનામત માટેની જગ્‍યાઓ બાકી રહેતી હતી. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના દલિત વિરોધી વલણના કારણે જે તે વખતે જી.પી.એસ.સી.માં પણ એવો એક પરિપત્ર  કરીને  નિર્ણય કરવામાં આવ્‍યો છે કે જે કોઇ ઉમેદવાર જી.પી.એસ.સી.ની પરીક્ષા આપવા જાય તેણે પહેલાં ઓપ્‍શન ભરવું પડે કે તેમને ઓપન મેરીટમાં સ્‍પર્ધા કરવી છે કે રીઝર્વ કવોટામાં કરવી છે ? ગુજરાત સરકારના આ પ્રકારના દલિત વિરોધી નિ‍ર્ણયના કારણે પ્રવર્તમાન જે પરિણામો  જાહેર થયા તેમાં જી.પી.એસ.સીમાં દલિત ભાઇઓને અને દલિત બહેનોને ખૂબજ ઓછી જગ્‍યાઓ પ્રાપ્‍ત થઇ છે. ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં જી.પી.એસ.સી.માં સૌથી ઓછાં દલિત ભાઇઓ અને બહેનોને નોકરીઓ મળી હોય તેવું પ્રથમ વખત ગુજરાતમાં બન્‍યું છે, જેનું કારણ દલિત વિરોધી મુખ્‍યમંત્રીશ્રીએ કરેલો પરિપત્ર જવાબદાર છે.

=========================================