પ્રતિભાવ : ‘કર્મશીલ જુઠ્ઠું બોલે કે?’
(An Article By Kamini Jaiswal)
સર્વોચ્ચ અદાલતમાં અત્યારે વેકેશનનો સમય છે. એટલે હું પણ મોટા ભાગના વકીલો અને ન્યાયમૂર્તિઓની માફક નિરાંતમાં હતી પરંતુ મારા પરિચિતના ફોને ગત રવિવારની એકવિધ ગતિને તોડી નાખી. તેમણે મને ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિમાં છપાયેલા અને ગુણવંત શાહે લખેલા એક લેખ વિશે માહિતી આપી. મને કોલ કરનાર પોતે જ ગૂંચવણમાં જણાતા હતા કારણ કે ગુણવંત શાહ ગુજરાતમાં એક પ્રખ્યાત અને સન્માન પામેલા સાહિત્યકાર છે તેમજ પોતાના તટસ્થપૂર્ણ લેખન માટે જાણીતા છે.
મારા મિત્રે આ લેખના કેટલાક અંશો મને ફોન પર વાંચી સંભળાવ્યા અને તેમાં તિસ્તા સેતલવાડનો ઉલ્લેખ હતો. ભારતીય સર્વોચ્ચ અદાલતમાં હું તિસ્તા સેતલવાડનું પ્રતિનિધિત્વ કરું છું અને તેથી મારા માટે આ લેખ લખવાનું જરૂરી બન્યું છે. ‘કર્મશીલ જુઠ્ઠું બોલે કે?’ એવું શીર્ષક ધરાવતા આ લેખમાં તિસ્તા સેતલવાડના પિતા અતુલ સેતલવાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને એક સિદ્ધાંતવાદી વ્યક્તિ ગણાવવામાં આવ્યા છે.
આ પછી આગળ વધતા લેખમાં કેટલાક બનાવોના ઉદાહરણો આપવામાં આવ્યા છે જે લેખકના મત પ્રમાણે એમ પ્રસ્થાપિત કરે છે કે કર્મશીલ હોવાના અંચળા હેઠળ તિસ્તા સેતલવાડ જુઠ્ઠું બોલે છે અથવા જુઠ્ઠાણું ચલાવે છે. ગુણવંત શાહે તિસ્તાના પિતાનો ઉલ્લેખ કર્યો છે તેથી સૌથી પહેલા તેમના કૌટુંબિક ઈતિહાસમાં જવું તે મહત્વનું બને છે. હવે કદાચ બહુ ઓછા લોકોને યાદ હશે કે તિસ્તા બ્રિટિશ શાસન સમયના બોમ્બે હાઈકોર્ટના એક અત્યંત પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડના પ્રપૌત્રી છે.
સર સેતલવાડની પ્રતિષ્ઠા એટલી ઊંચી હતી કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને ત્યારના અવિભાજિત પંજાબમાં માર્શલ લો હેઠળ આચરાયેલા અત્યાચારો પછી બ્રિટિશ સરકારે તેના કારણોની તપાસ માટે નીમેલી ‘ડિસઓર્ડર ઇન્કવાયરી કમિટી’ના એક સભ્ય તરીકે તેમની નિયુક્તિ કરી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને પંજાબમાં માર્શલ લો લાદવાના કારણો વિશેની આ અહેવાલના નિષ્કર્ષોમાં ‘અસંમતિની નોંધ’ (નોટ ઓફ ડિસેન્ટ) નોંધવાની હિંમત દર્શાવવાનું પ્રશંસનીય કાર્ય સર ચીમનલાલે, સમિતિના અન્ય ભારતીય સભ્ય, બાર એટ લો અને ગ્વાલિયર રાજ્યના ‘મેમ્બર ફોર અપીલ્સ’ સરદાર સાહિબઝાદા સુલતાન અહમદખા સાથે રહીને બજાવ્યું હતું.
સર સેતલવાડના પુત્ર એટલે કે તિસ્તાના દાદા, ભારતીય સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને આઝાદ ભારતના પ્રમુખ એટર્ની જનરલ હતા. એક સિદ્ધાંતવાદી પિતાની પુત્રી હોવા છતાં તિસ્તાએ પોતાના કૌટુંબિક મૂલ્યોની જાળવણી કરી નથી એમ પ્રસ્થાપિત કરવાનો ગુણવંત શાહનો ઇરાદો હોય તે હવે તેમણે સમજી લેવું જોઈએ કે આ સન્નારીનાં કૌટુંબિક મૂલ્યો ગુણવંત શાહની કલ્પનાની ક્ષિતિજોથી પણ આઘા અને વધુ ઊંડા છે.
તિસ્તા જાવેદ આનંદ સાથે પરણેલા છે તેવો ખાસ ઉલ્લેખ ગુણવંત શાહ કરે છે તેની સાથે જ તેમના લેખનો કોમવાદી રંગ સ્પષ્ટ થઈ જાય છે. વળી, વાચકો આનંદ અટક જોઈને ભૂલથી તેને હિન્દુ ન સમજી લે તે ચોક્કસ કરવા તેઓ તિસ્તાના નામની આગળ ‘બેગમ’ શબ્દનો પૂર્વગ પ્રયોજે છે. વધુ, ચાલકીપૂર્વક, તિસ્તા મુસ્લિમ સમાજમાં એક મુજાહિદ તરીકે જાણીતા છે તેમ સ્પષ્ટ કરવા તેઓ ૧૬.૩.૨૦૧૦ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલા જાવેદે પોતે લખેલા એક લેખનો ઉલ્લેખ કરે છે. ગુજરાતી સાહિત્ય વર્તુળમાં ગુણવંત શાહ એક સન્માનનીય નામ છે.
તેમણે ઘણાં મહત્વના પુસ્તકો લખ્યાં છે જેમને સામાન્ય વાચકો કે વિવેચકો બંનેની સરાહના મળી છે. નિ:શંકપણે, અત્યાર સુધીમાં તેઓ સમજયા હોવા જોઈએ કે પ્રામાણિકતા બે પ્રકારની હોય છે અને તેમાં બૌદ્ધિક પ્રામાણિકતા રૂપિયા અને પૈસામાં મપાતી બીજી પ્રામાણિકતા કરતાં વધુ ઊંચી અને સૌથી વધારે મહત્વની છે. આથી, ઉપરના ઉદાહરણો ટાંકવામાં તિસ્તા એક મુસ્લિમ સાથે પરણેલા હોવાના કારણે જ ભારતમાં ૧૯૪૭ પછી થયેલા સૌથી ભયંકર રમખાણોનો ભોગ બનેલાઓને ન્યાય આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમ જણાવવાનો પોતાનો ઇરાદો નહોતો તેમ ગુણવંત શાહ પ્રામાણિકતાપૂર્વક કહી શકે છે?
તેઓ સમજે છે કે તિસ્તાએ પોતાનું નામ બદલીને મુસ્લિમ નામ ધારણ કર્યું નથી અથવા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો નથી? લેખકના આ અપ્રામાણિકતા ઇરાદાપૂર્વકની અથવા ઇરાદા વિનાની હોઈ શકે છે અને હું એમ ધારવાનું પસંદ કરીશ કે તે ઇરાદા વિનાની છે કારણ કે તેમ ન હોય તો કોમી રમખાણો દરમિયાન જેનું પેટ ફાડી નાખવામાં આવ્યું હતું તે સગભૉ કૌસરબાનુંનું ઉદાહરણ તેઓ કેવી રીતે ટાંકી શકે તેના વિશે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)માં નોંધવામાં આવેલા નિવેદનને આધારે જ ગુણવંત શાહ તિસ્તાને જુઠ્ઠાં કહે છે.
હું એમ જણાવું છું કે શાહે આ વિધાન ભૂલથી કર્યું છે કારણ કે તેઓ કદાચ જાણતા નથી કે જે સીટની વિશ્વસનીયતા પર તેઓ એટલો બધો આધાર રાખે છે તેણે સર્વોચ્ચ અદાલતની નજરમાં પોતાની વિશ્વાસાર્હતા ગુમાવી દીધી છે અને તે પણ એટલી હદે કે સીટના બે વધારાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, શિવાનંદ ઝા અને ગીતા જોહરીને આ ટીમમાંથી બહાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યારે સીબીઆઈની તપાસ હેઠળના સોહરાબુદ્દીન કેસની તપાસમાં પોતાની ઇરાદાપૂર્વકની નિષ્ફળતા બદલ ગીતા જોહરીય ઉઘાડાં પડી જ ગયા છે.
એક અન્ય મુદ્દો જે ગુણવંત શાહ સાવ જ વિસરી ગયા છે તે છે ‘તહેલકા’એ કરેલો પર્દાફાશ જે ૨૦૦૭માં ટેલિવિઝન પર પ્રસારિત થયો હતો અને જેમાં (કૌસરબાનું કેસના) ગુનેગારે પોતે જ કેમેરાની સામે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. આ પ્રતિષ્ઠિત લેખક દ્વારા લખાયેલા આ લેખનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ પાસું તેમણે કરેલો સોહરાબુદ્દીન કેસનો ઉલ્લેખ છે. તેઓ કહે છે અને હું તેમના જ શબ્દો ટાંકું છું, ‘૨૪ (એ.કે. ૫૬) રાઇફલો, ૨૭ હેન્ડ ગ્રેનેડ, ૫૫૦ કાર્ટરિજ અને ૮૦ મેગેઝિન્સ મળી આવ્યાં હતાં.’ તેઓ આગળ લખે છે, ‘તો શું આ માણસ સૂફી ફકીર હતો?’
છેક ૧૯૯૫માં મધ્યપ્રદેશના એક ગામડામાંથી જપ્ત થયેલા આ શસ્ત્રોના આંકડા તેમને ફકત રાજ્ય સરકારના સત્તાવાળાઓ પાસેથી જ મળી શકે. જોકે આપણે આ બાબતનું પિષ્ટપેષણ કરવાની જરૂર નથી પણ વધુ મહત્વની બાબત શાહ દ્વારા કરવામાં આવેલી હકીકતો સાચી હોય તો, શાહને માહિતી પૂરી પાડનારાઓએ એમ પણ જણાવવું જોઈએ કે સોહરાબુદ્દીનની ભૂમિકા એક નાના-મોટા ગુનાઓ કરવાની જ હતી જેણે આ શસ્ત્રો પૂરા પણ પાડ્યા નહોતા અને તેનો ઉપયોગ પણ કર્યો નહોતો. તે તો ફકત આ શસ્ત્રો જેને સાચવવા માટે આપવામાં આવ્યાં હતા તેવી ટોળકીનો એક ભાગ જ હતો.
અહીં સોહરાબુદ્દીનને શકનો લાભ આપવાનો ઇરાદો નથી. તેની સામે કેસ ચાલ્યો છે, ગુનેગાર ઠેરવવામાં આવ્યો છે અને પછી છુટો કરવામાં આવ્યો છે. દેશના કાયદાએ પોતાનું કામ કર્યું છે. પણ મુદ્દો જરા જુદો છે. સોહરાબુદ્દીન નાનોમોટો ગુનેગાર હતો તેથી તેને ઠંડા કલેજે પતાવી દેવો તે સાચું અને યોગ્ય છે. તેમ ગુજરાત પોલીસ જણાવે છે? ગુજરાત પોલીસે શરૂઆતમાં નોંધેલ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે સોહરાબુદ્દીન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યો હતો. હવે પુરાવા પ્રાપ્ત થયા છે તે જણાવે છે કે એન્કાઉન્ટર બનાવટી હતું.
વડાપ્રધાન બનવા માટેની પોતાની ઉઘાડી મહત્વાકાંક્ષા સિદ્ધ કરવામાં સહાયભૂત થઈ શકે તે માટે ઓછામાં ઓછા છ બનાવટી એન્કાઉન્ટર દ્વારા પોતાની એક અત્યંત શક્તિશાળી પુરુષ તરીકેની છબી ઉપસાવવાના પ્રયાસો કરનાર રાજ્યના સર્વોચ્ચ સત્તાના સ્થાને બેઠેલા રાજકારણીની આકાંક્ષાઓ વિશે પોતાનો દ્રષ્ટિકોણ શું છે તે ગુણવંત શાહ ગુજરાતની જનતાને સમજાવી શકે છે? ઘણીવાર એમ કહેવામાં આવે છે કે સમજ અથવા છાપ (પર્સેપ્શન) વાસ્તવિકતા કરતાં વધારે મહત્વની છે અને જાહેર સમાજની વાત હોય ત્યારે આ વધારે સાચું છે.
સોહરાબુદ્દીન… સોહરાબુદ્દીન… સોહરાબુદ્દીનની કાગારોળમાં પેલી નિર્દોષ બાઈ કૌસરબી તો સાવ ભુલાઈ જ ગઈ છે. ૨૦૦૫ના નવેમ્બરની તે રાત્રે ગુજરાત પોલીસના અધિકારીઓએ હૈદરાબાદથી હુબલી જતી બસને આંતરી અને તેઓ એકલા સોહરાબુદ્દીનને જ લઈ જવા માગતા હતા ત્યારે આ વફાદાર અને બહાદુર મહિલાએ તેને એકલો જવા દીધો નહીં અને તે તેને વળગેલી જ રહી જેથી ગુજરાત પોલીસને તેને પણ અમદાવાદ લાવવાની ફરજ પડી. રાજ્યે હવે કબૂલ કર્યું છે કે તેને મારી નાખવામાં આવી હતી. માનવજીવનની જયોત બુઝાવી નાખવાના આ કૃત્યને એક બનાવટી એન્કાઉન્ટર તરીકે પણ રેકર્ડ પર લેવામાં આવ્યું નથી તે સમજાય છે?
અને આમ છતાં રાજ્ય સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપાય તેનો સતત ત્રણ વર્ષ સુધી ભારે વિરોધ કર્યો હતો. દરેક સુનાવણીમાં રાજ્યના વધારાના એડવોકેટ જનરલ અને મુખ્યપ્રધાનના સચિવને સુપ્રીમ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા. આ કેસની તપાસ સીબીઆઈને સોંપાય તે અંગેની ગુજરાત વહીવટીતંત્રની આ નામરજીનું ગુણવંત શાહે વિશ્લેષણ કરવું જોઈતું હતું. અને તે એક યા બીજા સ્વરૂપમાં ન્યાયની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરવા બરાબર છે કે નહીં તે અંગે પોતાનો અભિપ્રાય આપવો જોઈતો હતો.
એમ બની શકે કે ભવિષ્યમાં આ કેસ આ દેશના સૌથી ભયંકર કેસોમાંનો એક બની રહે જેમાં પોતાની સત્તાનો સ્વાર્થ માટે એક રાજકીય વહીવટીએ પોલીસ વિભાગના તદ્દન સિદ્ધાંતવિહોણા તત્વોનો કાયરતાપૂર્વક ઉપયોગ કર્યો હોય. એક વર્ષ અને બે મહિના પછી પ્રથમદર્શી રીતે સોહરાબુદ્દીનનું મોત એક બનાવટી એન્કાઉન્ટર હતું તેવી કબૂલાત કરતો વચગાળાનો અહેવાલ ૨૦૦૬ના ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવ્યો ત્યારે એક અત્યંત મહત્વના સાક્ષી તુલસી પ્રજાપતિને ન્યાયિક પ્રક્રિયાના દેખીતા અને ઉઘાડા ગેરઉપયોગ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ મારફતે ઉદયપુરથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પાસે તેને મારવામાં આવ્યો હતો.
અહીં બે મુદ્દા નોંધવાની જરૂર છે. આ લેખમાં ગુણવંત શાહ કૌસરબીની બાબતમાં ચૂપ રહ્યા છે? અને બીજું, તુલસી પ્રજાપતિની ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા વિશે પણ તેઓ કેમ ચૂપ રહ્યા છે? આ ગુનામાં રાજ્ય સરકારની પોતાની સીઆઈડી (ક્રાઇમ)એ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિપુલ અગ્રવાલ સહિત કેટલાક પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. જાવેદ આનંદ સાથેનાં લગ્નને કારણે તિસ્તા જો બેગમ હોય તો તુલસીનો ધર્મ કયો છે? સોહરાબુદ્દીન સાથે તે જોડાયેલો હતો તેથી મુસ્લિમ કે તેની માતાનું નામ નર્મદાબહેન છે તેથી હિન્દુ?
ગુણવંત શાહ એક લેખક છે અને હું એક વકીલ. અમે બંને સમાજના એવા પાસાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જે તંદુરસ્ત લોકશાહી માટે અત્યંત મહત્વનાં છે. બંને જાહેર જીવનમાં બોલીએ છીએ અને લખીએ છીએ આથી અમારા બંને માટે હકીકતો અને તેમની રજૂઆતના કેન્વાસ બંને વિશે નિશ્વિત હોવું જરૂરી છે. ગુણવંત શાહને બધા જ સંજોગો અથવા સમગ્ર ઘટનાક્રમ વિશે જાણકારી નહોતી તેમ ધારવું તે ભોળપણ છે. આથી એટલું જ કહી શકાય કે આ ચર્ચા હેઠળનો લેખ લખીને અને પોતાની સાહિત્યિક સમજ ગ્રહણ કરી શકે તેના કરતાં અનેક ગણા વધારે અટપટા, સંકુલ અને ગંભીર પ્રશ્નો સાથે પોતાનું નામ જોડીને ગુણવંત શાહે ગુજરાત રાજ્યની કુસેવા કરી છે.
હું તિસ્તાના બચાવમાં આ લખતી નથી. તેઓ પોતાની સંભાળ રાખી શકે છે. હકીકતમાં આ લેખ તો ગુજરાતના કાયદાને માન આપતા બધા જ નાગરિકોને બેઠા થઈ જઈને ગુજરાત રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે નોંધવા માટેની એક હાકલ છે. જાહેર જીવનનો જુસ્સો ધરાવતા અને સુસંસ્કૃત સમાજને ટેકો આપનારા નાગરિકોએ આ દેશમાં પોતાના અસ્તિત્વની યોગ્યતા સાબિત કરવી હોય તો તેમણે બધી જ તાકાત કામે લગાડીને, બની શકે તે ન્યાયિક મંચની બહાર, એક ગંભીર ગુનાને દબાવી નાખવાના હેતુથી થઈ રહેલા સત્તાના ઇરાદાપૂર્વકના દુરુપયોગને ઉઘાડો પાડવો જોઈએ.
ગુજરાતના નાગરિકોને પૂછવા દો કે રાજ્ય સરકારે શા માટે સચિવ, ગૃહ સચિવ અને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ને સીબીઆઈના ડાયરેક્ટરને મળવા મોકલ્યા? અખબારોના અહેવાલો પ્રમાણે કેન્દ્રીય એજન્સીના વડાને એમ જણાવવા કે આ મહાનુભાવો માને છે કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવામાં સીબીઆઈ ગુજરાતમાં જાહેર મતની વિરુદ્ધ જઈ રહી છે. આ એક એવું અભૂતપૂર્વ પગલું અથવા બનાવ છે જેના વિશે ક્યારેય સાંભળવામાં આવ્યું નથી. ન્યાયની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરવા ગુજરાતના એક ડીજીપી તો પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષની વિચારણા પછી આ તપાસનો આદેશ આપ્યો છે.
ખુદ રાજ્ય સરકારે ગુજરાત અને રાજસ્થાનના મળીને ૧૪ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈ એક વધુ પોલીસ અધિકારી, ડીસીપી (ક્રાઇમ) અભય ચુડાસમાની ધરપકડ કરી તેની સાથે જ એવી હોહા શરૂ થઈ ગઈ કે આ તપાસ ગુજરાતની પ્રજાની લાગણીની વિરુદ્ધ છે. શું રાજ્યપાલે આ હકીકતની નોંધ ન લેવી જોઈએ? ગુજરાત સરકારનું કામકાજ ભારતીય બંધારણની કલમ ૧૬૬ હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમો પ્રમાણે ચાલે છે કે કેમ અને કઈ વહીવટી અથવા બંધારણીય યોગ્યતા હેઠળ અને કોની સૂચના અથવા સામેલગીરી હેઠળ મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી, સીબીઆઈના ડાયરેકટરને મળવા દિલ્હી ગયા હતા?
(લેખિકા સુપ્રીમ કોર્ટનાં સિનિયર એડવોકેટ છે.)