Close

June 15, 2010

જેઠમલાણીને નોમિનેશનઃ ભાજપનું આત્મગૌરવ ક્યાં ગયું?

જેઠમલાણીને નોમિનેશનઃ ભાજપનું આત્મગૌરવ ક્યાં ગયું?

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કરતી અને ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ બિહાર સહિતનાં રાજ્યના મુસ્લિમો કરતાં બહેતર છે તથા બિહાર પૂર વખતે ગુજરાત સરકારે બિહારને કરેલી મદદના ઢોલ પીટતી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને નરેન્દ્ર મોદી સાથે બતાવતી જાહેરખબરો બિહારનાં અખબારોમાં છપાઈ તેમજ મોદી-નીતિશને સાથે બતાવતાં પોસ્ટરોથી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ભડક્યા અને તેમણે ભાજપના નેતાઓને ઝાટકી કાઢયા તે પછી ભાજપે સત્તાવાર રીતે જે પ્રતિક્રિયા આપી તેમાં શું કહ્યું છે ખબર છે ? એ જ કે ભાજપ પોતાના આત્મસન્માન અને ગૌરવના મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે તથા ભાજપની નીતિઓ એકદમ સ્પષ્ટ છે. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૃડીએ આ નિવેદન કર્યું છે અને આ નિવેદનને ખરેખર તો જોક ઓફ ધ યર ગણાવી શકાય.

ભાજપમાં ખરેખર આત્મગૌરવ અને સ્વમાન જેવું કંઈ બચ્યું છે ખરું એ સવાલ આમ તો જે લોકો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે તે લોકો લાંબા સમયથી પૂછી જ રહ્યા છે પણ ગયા અઠવાડિયે બનેલી એક ઘટના પછી ભાજપે આત્મગૌરવ અને સ્વમાનની કે સ્પષ્ટ નીતિની વાત કરવાનો અધિકાર જ ખોઈ દીધો છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ ઘટના છે રામ જેઠમલાણીનું રાજ્યસભા માટે ભાજપના ઉમેદવાર તરીકે નોમિનેશન. ૧૭ જુલાઈએ રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી છે અને ભાજપે આ ચાર બેઠકો માટે જે બે ઉમેદવારોને ટિકિટ આપી છે તેમાં એક રામ જેઠમલાણી છે.

રામ જેઠમલાણી દેશના સૌથી મોટા ક્રિમિનલ લોયર છે અને મોટા મોટા ગુનેગારોના અને આતંકવાદીઓના કેસ એ લડે છે. ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને ફાંસીની સજામાંથી બચાવવા માટે એ લડેલા ને શેરબજારમાં અબજો રૃપિયાનાં કૌભાંડ કરનારા હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા કૌભાંડીઓના કેસ પણ એ લડેલા. જેસિકા લાલ હત્યા કેસમાં જેને ફાંસીની સજા થઈ છે તે મનુુ શર્માનો કેસ પણ એ લડેલા ને બીજા એવા ઘણા લોકોના કેસ એ લડયા છે કે જેમની છાપ સામાન્ય લોકોમાં ગેંગસ્ટર્સ અને અસામાજિક તત્ત્વો તરીકેની છે. જોકે જેઠમલાણી વકીલ છે અને વકીલ તરીકે એ તેમનો ધંધો છે એટલે તે સામે વાંધો લઈ શકાય તેમ નથી. જેઠમલાણી ધંધો લઈને બેઠા છે એટલે એવા ચોખલિયાવેડા તેમને પરવડે પણ નહીં ને એ કારણસર ભાજપ જેઠમલાણીને નકારે એવી અપેક્ષા પણ નથી કેમ કે કેતન પારેખ જેવા કૌભાંડીના કેસ તો અરુણ જેટલી પણ લડેલા જ છે. ભાજપ એવા લોકોને જ્યારે ટિકિટો આપીને સંસદ ને વિધાનસભાઓમાં મોકલે છે ત્યારે જેઠમલાણી તો એવા બધા ધંધામાં સીધા સંકળાયેલા નથી એટલે એ મુદ્દે ભાજપનો વાંક કાઢી શકાય તેમ નથી પણ જે મુદ્દાને ભાજપ પોતાના અને દેશના આત્મગૌરવ ને સ્વમાન સાથે સાંકળે છે તે મુદ્દાનુંં શું ? આ મુદ્દો છે સંસદ પર હુમલાના કેસમાં જેને ફાંસીની સજા થઈ છે તે અફઝલ ગુરુની ફાંસીનો મુદ્દો. ભાજપ આ મુદ્દાને દેશના સ્વાભિમાનનો મુદ્દો ગણાવે છે અને કોંગ્રેસ મતબેંકના રાજકારણ માટે અફઝલને ફાંસી નથી આપતી તેવો આક્ષેપ કરે છે. અફઝલને ફાંસીને મુદ્દે ભાજપે સંસદને માથે લીધી છે અને દેશવ્યાપી આંદોલનો પણ કર્યાં છે અને આ મુદ્દે માનનીય રામ જેઠમલાણી સાહેબનું વલણ શું છે તે જાણવું પણ જરૃરી છે.

અફઝલ ગુરુને ફાંસી અપાઈ તે પછી માનવાધિકારવાદીઓએ કાગારોળ મચાવી દીધી હતી કે અફઝલ ગુરુને પોતાનો બચાવ કરવાની પૂરેપૂરી તક નથી અપાઈ અને તેને અન્યાય થયો છે તે જોતાં તેને ફાંસી ના અપાવી જોઈએ. આ કાગારોળ મચાવનારાં જે મોટાં માથાં હતાં તેમાં એક માથું જેઠમલાણી હતા. જેઠમલાણી એ વખતે રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય હતા અને તેમણે ૨૮ નવેમ્બર, ૨૦૦૬ના રોજ રાજ્યસભામાં કરેલા પ્રવચનમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે અફઝલ ગુરુને પોતાનો બચાવ કરવાની પૂરેપૂરી તક નથી અપાઈ અને તેને અન્યાય થયો છે તે જોતાં તેને ફાંસી આપવી જોઈએ નહીં. જેઠમલાણીને આતંકવાદી અફઝલ ગુરુ પર આટલો પ્રેમ કેમ ઊભરાઈ આવ્યો હતો ? કેમ કે એ વખતે તે લાલુપ્રસાદ યાદવની સોડમાં ભરાયેલા હતા અને લાલુપ્રસાદ યાદવની મહેરબાનીથી તે રાજ્યસભામાં નોમિનેટેડ સભ્ય બન્યા હતા. જે માણસ અફઝલ ગુરુને ફાંસી નહીં આપવાની વાત કરે તેની ભાજપ અત્યારે પાલખી ઊંચકીને ફરે છે ત્યારે ભાજપનં આત્મગૌરવ અને સન્માન ક્યાં જતાં રહ્યાં છે ? આ દેસના લાખો લોકોની લાગણીઓને ભાજપના નેતાઓ અફઝલની ફાંસીમાં વિલંબના નામે ઉશ્કેરે છે અને એ જ અફઝલની દલાલી કરનારાને રાજ્યસભામાં મોકલે છે. ભાજપને પોતાની વિશ્વસનીયતાની કે આ દેશના લોકોની લાગણીની પણ પરવા નથી તેનો આ પુરાવો છે. જેઠમલાણીના કિસ્સામાં તો ભાજપ બીજું પણ ઘણું બધું ભૂલી ગયો છે. જેઠમલાણીનો ઈતિહાસ જ્યાં સત્તા મળે ત્યાં ગુલાંટ લગાવવાનો છે અને સત્તા માટે તેમને ગમે તેની સોડમાં ભરાવામાં શરમ નથી આવતી. જેઠમલાણી એક જમાનામાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ હતા ને પછી ભાજપ છોડીને જતા રહેલા. એ પી તે વિશ્વનાથ પ્રતાપસિંહની પંગતમાં બેઠા ને ૧૯૯૬માં કેન્દ્રમાં ત્રીજા મોરચાના ત્રેખડની સરકાર રચાઈ તેમાં પ્રધાન બની ગયેલા. ૧૯૯૮માં ભાજપની કેન્દ્રમાં સરકાર રચાઈ ત્યારે વાજપેયીના પગ પકડીને પાછા ભાજપના પડખામાં ભરાઈ ગયેલા ને પછી લાગ્યું કે હવે ભાજપમાં કસ નથી એટલે જતા રહેલા. જે વાજપેયીએ તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવેલા તે જ વાજપેયી સામે તે ૨૦૦૪માં લખનૌમાં ચૂંટણી લડેલા ને તેમણે ભાજપને કોમવાદી ને અને બીજી ભરપેટ ગાળો આપેલી. વાજપેયીનું ખસી ગયું છે અને આ માણસ દેશ પર રાજ કરવાને લાયક નથી તેવં તેમણે કહેલું. ભાજપની આબરૃનો આ હદે ધજાગરો કરનારા જેઠમલાણી અત્યારે ભાજપને પ્યારા થઈ ગયા છે.

ભાજપની આબરૃનો વધારે ધજાગરો તો જેઠમલાણીએ કરણ થાપરના ડેવિલ્સ એડવોકેટ કાર્યક્રમમાં કર્યો. રામ જેઠમલાણીએ પોતે ભાજપના ઉમેદવાર બનીને ભાજપ પર ઉપકાર કર્યો હોય તેમ જાહેર કર્યું કે પોતે માફી આપવામાં અને ગઈગુજરી ભૂલી જવામાં માને છે તેથી ભાજપે જે કંઈ કર્યું તેને પોતે ભૂલી ગયા છે અને માફી પણ આપી દીધી છે. જેઠમલાણીનો અત્યારે કોઈ હાથ પકડવા તૈયાર નથી ત્યારે ભાજપે તેમનો હાથ પકડીને તેમના પર ઉપકાર કર્યો છે તે વાત માનવાને બદલે આ માણસ ભાજપ પર પોતે ઉપકાર કર્યો હોય તેવી વાત કરે એ હદે નગુણાપણું દર્શાવે છે એ જ બાબત જેઠમલાણી જેવા માણસ પર ભરોસો ના મૂકી શકાય તે સાબિત કરવા માટે પૂરતી કહેવાય. ભાજપના નેતાઓમાં સ્વમાન અને આત્મગૌરવ જેવું કંઈ બચ્યું હોય અને તેમનામાં શરમનો છાંટો પણ હોય તો તેમણે આ કાર્યક્રમ પછી જેઠમલાણીને લાત મારીને તગેડી મૂકવા જોઈતા હતા અને રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને આદેશ આપવો જોઈએ કે જેઠમલાણીની વિરુદ્ધ મતદાન કરે અને તેમને એટલી ખરાબ રીતે હરાવે કે એ માણસ ફરી ભાજપ તરફ જોવાની કે તેની સામે બોલવાની હિંમત ના કરે. જો ભાજપના નેતાઓમાં તો આત્મગૌરવ જેવું કશું છે નહીં અને એ લોકોની હેસિયત પક્ષ પર કબજો જમાવીને બેઠેલા પાંચ-સાત બુલડોગ્સ સામે પૂંછડી હલાવીને પેં-પેં કર્યા કરતાં કુરકુરિયાંથી વિશેષ કંઈ છે નહીં એટલે તેમની પાસેથી તો એવી અપેક્ષા રાખી શકાય તેમ નથી પણ રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો માંહ્યલો જાગે તો એ લોકો જેઠમલાણીને ઘરભેગો કરી જ શકે. એ જરૃરી પણ છે. રાજસ્થાન ભાજપના ધારાસભ્યો એટલું કરશે તો આ દેશ પર બહુ મોટો ઉપકાર થશે.