Worth Reading Article Chinicum Sandesh 04/08/2010
જેઠમલાણીએ ગુજરાતને લોહીલુહાણ કેમ કરવું છે ?(ચીની કમ)
ચીનીકમ સંદેશ તા. ૦૪.૦૮.૨૦૧૦
ગુજરાતની સીબીઆઈ કોર્ટમાં રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ, રિમાન્ડ અને જામીન અંગે ચાલી રહેલા કાનૂની જંગ પર આખા દેશની નજર છે. સી.બી.આઈ. તરફથી દેશના પ્રખર ધારાશાસ્ત્રી તુલસી છે જ્યારે અમિત શાહ તરફથી દેશના પ્રથમ નંબરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી છે.
બંને નામાંકિત ધારાશાસ્ત્રીઓના માથાના વાળ સફેદ છે. બંને પાસે અનેક કેસો લડવાના અનુભવનું ભાથું છે. બેઉ કાયદાની આંટીઘૂંટીઓના જાણકાર છે. અમિત શાહની ધરપકડ વાજબી ઠરે છે કે કેમ તે ખુદ સીબીઆઈ માટે એક ટેસ્ટ કેસ છે. શોહરાબુદ્દીન જો ગુનેગાર હતો તો તેને સજા કરવાનું કામ પોલીસનું છે કે અદાલતનું તે પણ હવે સ્પષ્ટ થશે. સુપ્રીમ કોર્ટની બારીક નજર હેઠળ આ તપાસ ચાલતી હોઈ આ કેસમાં ક્ષતિને કોઈ ગુંજાઈશ નથી. એન્કાઉન્ટર ખોટું સાબિત થશે તો ગુનેગારને સજા થવાની જ છે. અમિત શાહની ધરપકડ પોલિટિકલ હશે તો સુપ્રીમ કોર્ટ સીબીઆઈને પણ છોડશે નહીં. આવા હાઈપ્રોફાઈલ કેસમાં સીબીઆઈ અદાલત સમક્ષ જે દલીલો ચાલી તેમાં રામ જેઠમલાણી ધારાશાસ્ત્રી કરતાં રાજકારણી વધુ લાગ્યા. તેમણે અમિત શાહને પ્રામાણિક અને સ્વચ્છ ઇમેજ ધરાવતા રાજકારણી કહ્યા તે તો ઠીક છે,પરંતુ અમિત શાહના મુદ્દે ગુજરાતમાં લોહીની નદીઓ વહેશે તેવા તેમના વિધાનથી ગુજરાતની પ્રજા ચોંકી ગઈ છે. રામ જેઠમલાણી અત્યંત આદરણીય ધારાશાસ્ત્રી છે. પ્રથમ પંક્તિના વકીલ છે. ૮૬ જૈફ વર્ષની વયે તેઓ ચાર માળ ચાલીને ચડી જાય તેવી તેમની ર્સ્ફૂિત છે. કદીક કોંગ્રેસની મદદથી, તો કદીક શિવસેનાની મદદથી અને હવે ભાજપાની મદદથી તેઓ રાજ્યસભામાં ગયા છે. કોંગ્રેસની સરકાર વખતે દેશના કાયદામંત્રી રહી ચૂક્યા છે. દેશની પાર્લમેન્ટ પર હુમલો કરાવનાર અફ્ઝલ ગુરુને ફાંસી ના થાય તે માટેની તરફેણ કરી ચૂક્યા છે. ઇન્દિરા ગાંધીના હત્યારાઓ તરફથી કેસ લડી ચૂક્યા છે.
અને હવે તેઓ અમિત શાહ તરફથી કેસ લડી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા તેમને યાદ કરાવવા માગે છે કે, પાછલાં વર્ષોમાં ગુજરાતની પ્રજાએ ઘણું સહન કર્યું છે. મહાગુજરાતના આંદોલન વખતે, ૫૬ના તોફાનોમાં, અનામત આંદોલનમાં, નવનિર્માણ આંદોલનમાં, ગોધરાકાંડ અને તે પછીનાં હત્યાકાંડ વખતે ગુજરાતમાં નિર્દોષ હિન્દુ અને મુસલમાનો ઘણું લોહી વહેવડાવી ચૂક્યા છે.
રાજકારણીઓએ ચાંપેલા પલિતામાં અનેક નાનાં બાળકો અને સ્ત્રી-પુરુષોને જીવતાં સળગાવી દેવાયાં છે અને હવે ગુજરાત શોહરાબુદ્દીન કે અમિત શાહના મુદ્દે ફરી ગુજરાતમાં લોહીની નદીઓ વહેવડાવવા તૈયાર નથી. રામ જેઠમલાણી જેવા ધારાશાસ્ત્રી પણ એલ. કે. અડવાણી જેવી ઉશ્કેરણીજનક ભાષા બોલે તે ગુજરાતને પસંદ નથી. યાદ રહે કે, ગોધરા ટ્રેનકાંડ વખતે અડવાણી દેશના ગૃહમંત્રી હતા અને તે વખતે પાર્લમેન્ટમાં તેઓ બોલ્યા હતા કે, “આ ઘટનાના શું પ્રત્યાઘાત પડશે તે હું કહી શકતો નથી.” ગૃહમંત્રી તરીકે તેમણે ઉચ્ચારેલાં વિધાનો શાંતિ સ્થાપવા માટે હતાં કે અશાંતિ ઊભી કરવા તે કોઈ પણ વ્યક્તિ સમજી શકે તેમ છે. અડવાણીએ રામ રથયાત્રા કાઢી તે પછી આખા દેશમાં હિંસા ફેલાઈ હતી. હવે રામ જેઠમલાણી જેવા વયોવૃદ્ધ ધારાશાસ્ત્રી કમ રાજકારણી આવી ભાષા વાપરે તો હવે તેમણે જ નક્કી કરવાનું છે કે તેઓ ગુજરાતને કયા માર્ગે લઈ જવા માંગે છે.
આશ્ચર્યની વાત એ છે કે, રામ જેઠમલાણીએ પત્રકાર પરિષદને સંબોધતાં પ્રિન્ટ મીડિયાને સીબીઆઈના સ્ટેનોગ્રાફર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને સીબીઆઈના માઉથપીસ કહ્યાં. લાગે છે કે, રામ જેઠમલાણી એક ધારાશાસ્ત્રી હોવા છતાં તેમને આ દેશના પવિત્ર બંધારણે બક્ષેલા વાણી અને અખબારી સ્વાતંત્ર્યની ખબર જ નથી. આમાં સ્મૃતિદોષ પણ હોઈ શકે છે અથવા તો જે પૈસા આપે તેના વકીલ બની તેમની સામેની વ્યક્તિને ગમે તેમ બોલવું તે તેમની કુટેવ થઈ ગઈ છે. બની શકે કે ઉંમરના કારણે તેમણે બોલવામાં સંયમ ગુમાવ્યો હશે, પરંતુ મીડિયાને સીબીઆઈના સ્ટેનોગ્રાફર કહેવામાં તેમણે વિવેક ગુમાવ્યો છે. તેમની ઉંમર જોતાં આ વાણી દયાને પાત્ર છે.
રામ જેઠમલાણી એ વાત સારી રીતે જાણે છે કે, અખબારો અને ન્યૂઝ ચેનલો સીબીઆઈના વેતન પર નભતાં નથી. ઓસામા બિન લાદેન, હાજી મસ્તાન, દાઉદ, અરુણ ગવળી, છોટા શકીલ, મટકાકિંગ કલ્યાણ, ચાર્લ્સ શોભરાજ, ભીંડરાનવાલે કે છોટા રાજન એ મીડિયાની પેદાશ નથી. લક્ષ્મણ બંગારુ, એ. રાજા, સુખરામ, લાલુ, જયલલિથા કે અજિત જોગી જેવા ભ્રષ્ટાચારીઓ મીડિયાની પ્રોડક્ટ્સ નથી. મીડિયાએ તો તેમને ખુલ્લા પાડવાનું કામ કર્યું છે. બાબરી મસ્જિદનો ધ્વંસ મીડિયાએ કર્યો નહોતો. રામ રથયાત્રા કાઢી દેશમાં તોફાનો મીડિયાએ કરાવ્યાં નહોતાં. શોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર મીડિયાએ કર્યું નથી. આ એન્કાઉન્ટર બોગસ છે એવી એફિડેવિટ મીડિયાએ કરી નથી. શોહરાબુદ્દીનને ખંડણી ઉઘરાવવાનું કામ મીડિયાએ સોંપ્યું નહોતું. એ જ શોહરાબુદ્દીન જોખમી લાગતાં તેને પતાવી દેવાની સોપારી આપવાનું કામ મીડિયાએ કર્યું નહોતું. શોહરાબુદ્દીનની પત્નીને ઝેરના ઇન્જેક્શનથી પતાવી દઈ તેની લાશ સગેવગે કરવાનું કામ મીડિયાએ કર્યું નહોતું. આ બધી ઘટનાઓના સાક્ષી તુલસી પ્રજાપતિનો પણ કાંટો કાઢી નાંખવાનું કામ મીડિયાએ કર્યું નહોતું. મીડિયાએ તો આ બધી ઘટનાઓથી પ્રજાને વાકેફ જ કરી છે, પરંતુ ‘દર્પણ જૂઠ ના બોલે’ની જેમ કોઈની સામે અરીસો ધરવામાં આવે છે ત્યારે ઘણાને પોતાનું અસલી રૃપ જોવું ગમતું નથી અને તે વખતે હતપ્રભ લોકો આયનાને ગાળો બોલે તેમ મીડિયાને પણ ભાંડવાં માંડે છે. રામ જેઠમલાણીની આ એક પ્રકારની હતાશા છે. જિંદગીમાં અનેક પક્ષો બદલી ચૂકેલા રામ જેઠમલાણી કેટલાક રાજકારણીઓનાં કરતૂતોને છાવરવા ઉશ્કેરણીજનક વાણીથી દૂર રહે અને બીજાઓની ભૂલો માટે મીડિયાને દોષી ઠેરવવાનું બંધ કરી દે.
જેઠમલાણી કોઈને સાચો જ અન્યાય થયો હોય તેવા સારા અને સાચા માણસોનો કેસ લડવા માટે ઓછા પ્રસિદ્ધ છે. તેઓ ખતરનાક ગુનેગારોના જ કેસ લડે ત્યાં સુધી તો ઠીક, પરંતુ રાષ્ટ્રદ્રોહીઓની પણ જાહેરમાં વકીલાત કરતા આવ્યા છે. ગાંધીજીના વખતમાં તેઓ વકીલ હોત તો ગાંધીજીના જીવતાં તેઓ અંગ્રેજોના વકીલ બનવાનું પસંદ કરત અને ગાંધીજીના મૃત્યુ બાદ તેઓ નથ્થુરામ ગોડસેના વકીલ બનવાનું પસંદ કરત. એમને જેની વકીલાત કરવી હોય તેની વકીલાત કરે, જેટલા પક્ષો બદલવા હોય બદલે, પરંતુ ગુજરાતમાં લોહીની નદીઓ વહેડાવવાની વાત કરી કોમી પલિતો ચાંપવાના પ્રયાસથી દૂર રહે. તેમની ઉંમરના ધારાશાસ્ત્રીના મોંમાં આવા શબ્દો શોભતા નથી. ગુજરાતની અસ્મિતાની ચિંતા કરાવાવાળાઓને ગુજરાતમાંથી કોઈ જ વકીલ ના મળ્યા ?
===============