Close

July 8, 2014

Press Note Guj Dt:08/07/2014 on Gujarat Budget

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                            તા.૦૮.૦૭.૨૦૧૪

  

  • વિધાનસભામાં બજેટ ઉપરની ચર્ચામાં ભાગ લેતા શક્તિસિંહ ગોહિલે ભાજપના કરોડો રૂપિયાના ભષ્ટાચારો ખુલ્લા પાડ્યા.
  • ગુજરાત સરકારની નીતિ માનીતાઓને માલામાલ કરવાની અને ગુજરાતને પાયમાલ કરવાની છે.
  • ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિઓને કરોડોની રાહત પરંતુ ગુજરાતના યુવાનોનું ફિક્સ પગારથી શોષણ.
  • એલ.એન્ટ.ટી. કંપની ને ૨૦ લાખ સ્ક્વેર મીટર કરતા વધારેની જમીન વેલ્યુએશન કમિટીએ ૨૮૦૦ રૂપિયા લેવાના કહ્યા છતા કેબિનેટે રૂપિયા ૭૦૦ માં આપી.
  • સામાન્ય માણસનું ઝુપડું તોડી નાખનારી ગુજરાતની સરકારે એસ.આર. કંપનીનું ૭ લાખ ૨૪ હાજર ૮૯૭ ચોરસ મીટરનું દબાણ કાયદેસર કર્યું.
  • ગુજરાત સરકાર પોતાની વીજ ક્ષમતા માત્ર ૩૨% વીજ ઉત્પાદન કરીને માનીતાઓ પાસેથી કરોડો રૂપિયાની વિજળી ખરીદે છે.
  • અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્ષનો વધારોએ ખુલ્લી લુંટ છે.
  • ૫૦ લાખ મકાનો મધ્યમવર્ગને આપવાની ચૂંટણી સમયે વાત કરનાર સરકારે શહેરોમાં ઝુપડું પણ બને તેવી જોગવાઈ કરી નથી.
  • ગુજરાતમાં નર્મદા ડેમમાં પુરતું પાણી હોવા છતા માત્ર ૨ લાખ ૯ હજાર હેક્ટરને જ નર્મદાનું પાણી.
  • તલાટી મંત્રી ભરતી કૌભાંડમાં નાસ્તો-ભાગતો તોહમતદાર ભાજપનો મંત્રી છે.
  • યુવાનોના પૈસા પડાવનાર નંદલાલ કૃષિ મહોત્સવના સ્ટેજ પર બેઠેલાનો ફોટો વિધાનસભામાં રજુ કર્યો.
  • ભરતી કૌભાંડમાં પકડાયેલ કલ્યાણસિંહતો મોહરું છે. હક્કિતમાં કૌભાંડ દ્વ્રારા કલ્યાણતો ભાજપના મોટા માથાનું થતું હતું.

           કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર દ્વ્રારા રજુ થયેલા ગુજરાતના બજેટ ઉપરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિધાનસભામાં જણાવ્યું હતુ કે કોઈ પણ સરકારનું બજેટ એ રાજ્ય શાશનની નિયત અને ઈચ્છા શક્તિની અરીશો છે. ચાણક્યએ રાજ્યના અર્થતંત્ર કેવું હોવું જોઈએ તેના વિશે કહ્યું છે કે રસોઈ પીરસતા વાસણની જેવું રાજ્યનું અર્થતંત્ર હોવુ જોઈએ. એટલે કે જેમ રસોઈ પીરસતા વાસણનું ઉપરનું મોઢું ખુલ્લું હોય છે અને તેને તરત ભરી શકાય છે અને જયારે પીરસવાનું હોય ત્યારે નાનામાં નાની કટોરી ને જરૂરિયાત મુજબનું પીરસી શકાય છે. તેજ રીતે રાજ્ય શાશનને પણ ટેક્ષ લેવાનો હોયતો મોટા લોકો પાસેથી મોટો ટેક્ષ લેવો જોઈએ અને છેલ્લે ગરીબના ઝુંપડામાં સૌથી પહેલા જરૂરિયાત મુજબના લાભ પહોચાડવા જોઈએ. પરંતુ કમનસીબે ગુજરાતમાં ચાણક્યની નીતિથી વિરુધ્ધ એટલેકે માનીતા ઉદ્યોગપતિઓને ભષ્ટાચારથી ભરપુર કરોડો રૂપિયાના લાભ અપાય છે અને જરૂરિયાતમંદ સામાન્ય વ્યક્તિ ઉપર કર નાખવામાં આવે છે અને તેને કોઈ રાહત મળતી નથી. ગુજરાતમાં સાવ નજીવા ફિક્સ પગારથી યુવાનોને સરકારી નોકરીમાં રખાય છે આ પ્રકારના ફિક્સ પગારએ યુવાનોનું શોષણ છે તેમ ગુજરાત હાઇકોર્ટે કહ્યા છતાં ગુજરાતની સરકાર યુવાનોને પુરતો પગાર આપતી નથી. વિધવા બહેનોને મદદની સૌથી વધારે જરૂર છે તેમને પુરતું વિધવા પેન્શન મળતું નથી. ખેડૂતો, શ્રમિકો, નાના ઉદ્યોગકારો અને મધ્યમવર્ગના લોકોને આ બજેટમાં પણ કોઈ રાહત અપાઈ નથી. સરકારના આ બજેટથી ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ વધશે શ્રી ગોહિલે ગુજરાતમાં ચાલતા મોટા ભષ્ટાચારોના કેટલાક નક્કર દાખલાઓ આપતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં માનીતા ઉદ્યોગપતિઓને મફતના ભાવે ખુબજ કિમતી જમીનો આપીને માલામાલ કર્યા છે અને સામે ગુજરાત પાયમાલ થયું છે. એલ.એન્ડ.ટી. લિમીટેડ કંપનીએ જુલાઈ ૨૦૦૭ માં જુદાજુદા સ્તરે ૨૦ લાખ ચોરસ મીટર કરતા વધારે જમીનની માગણી કરી હતી. આ જમીન સુરતના હજીરા ખાતે ખુબજ મહત્વના વિસ્તારમાં આવેલી હતી. રાજય લેવલની કિમત નક્કી કરવાવાળી કમિટી એસ.એલ.વી.સી.એ આ જમીનની કિંમત ૨૦૨૦ અને ૨૮૦૦ રૂપિયા એમ નક્કી કરી હતી. કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી ફાઈનલ હોવા છતા ગુજરાતની નરેન્દ્ર મોદી વાળી આ કેબિનેટે  માત્ર ૭૦૦ રૂપિયામાં આ જમીન આપી દેવાનો નિર્ણય કરીને કરોડો રૂપિયાનો ભષ્ટાચાર આચરેલો છે. આજ એલ.એન્ડ.ટી. કંપની એ વડોદરા જીલ્લામાં બોપોદ અને આખોલ ગામ ખાતે હજારો સ્ક્વેર મીટર જમીન ટેકનોલોજી પાર્ક બનાવવા માટે માંગી હતી. આ જમીનની કિંમત વેલ્યુએશન કમિટીએ ૩૪૬ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર નક્કી કરેલ હતી, તેમ છતા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપની કેબીનેટે માત્ર ૧૩૪ રૂપિયામાં પ્રતિ સ્ક્વેર મીટર જમીન આપી દેવાનો નિર્ણય કર્યો હતો.

       ગરીબ માણસ સરકારી જમીન પર નાનું ઝુંપડુ પણ બનાવેતો સરકાર તેના પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન કરે છે. જ્યારે એસ.આર. સ્ટીલ લિ. કંપનીએ સુરત ખાતે ૭,૨૪,૮૯૭ સ્ક્વેર મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતુ તેને જુન ૨૦૦૯ સરકારે રેગ્યુલરાઇઝ કરવાનો નિર્ણય કર્યો. આ જમીન રેગ્યુલરાઇઝ કરવા માટે વેલ્યુએશન કમિટીએ ૨૦૨૦ રૂપિયા  પ્રતિ સ્ક્વેર મીટર જમીનનો ભાવ નક્કી કર્યો અને તેના ઉપર દંડ લેવાનુ કાયદા મુજબ જરૂરી હતુ આમ  છતા નરેન્દ્ર મોદીની કેબિનેટે પ્રતિ ચોરસ મીટર ૨૦૨૦ રૂપિયાના બદલે માત્ર રૂપિયા ૭૦૦ એસ.આર કંપની પાસેથી વસૂલ કરીને ગેરકાયદેસરનું દબાણ કાયદેસર કરી આપી રૂપિયા ૨૩૮.૫૦ કરોડનો ખુબ મોટો ભષ્ટાચાર કરેલો હતો.

       વિધાનસભામાં બોલતા શ્રી ગોહિલે અમદાવાદ શહેરમાં સામાન્ય માણસો ઉપર કમરતોડ પ્રોપર્ટી ટેક્ષ લાદવામાં આવ્યો છે તેનો વિરોધ કરતા જણાવ્યું હતુ કે કરોડપતિઓના ફાયદા માટે સામાન્ય લોકો પર ન પોષાય તેવા ટેક્ષ ન નાખવા જોઈએ. અમદાવાદમાં રહેતા મધ્યવર્ગના લોકો માટે પોતાની પ્રોપર્ટી એ પોતાના જીવનનું એક અતૂટ અંગ છે. અને આવી પ્રોપર્ટી પર સામાન્ય માણસને ન પોષાય તે રીતે પ્રોપર્ટી ટેક્ષ એ અન્યાય કરતા છે. સરકારની એ.એમ.ટી.એસ. બસોના રૂટ બંધ કરવાની નીતિનો પણ શ્રી ગોહિલે વિરોધ કર્યો હતો. ચુંટણી સમયે પાંચ વર્ષમાં ૫૦ લાખ મકાનો મધ્યમવર્ગના લોકોને આપવાની વાત કરનાર ભાજપની સરકારે હાઉસિંગ બોર્ડના ટ્રોમાં ગોટાળા પકડાતા ટ્રો ને રદ કરવાની ફરજ પડી હતી. આ બજેટમાં માત્ર ૩ લાખ જેટલા શહેરી લોકો માટે મકાનો બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ હક્કિતમાં જે રકમ ફાળવામાં આવી છે તેનાથી શહેરમાં એક ઝુપડું પણ બની શકે તેમ નથી.

       નર્મદાએ ગુજરાતની જીવાદોરી છે અને નર્મદા નદીના કારણે ગુજરાતમાં ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર જમીનને પીયતનો લાભ મળવાનો છે. જો કેનાલોના કામ આ સરકારે પુરા કર્યા હોત તો આજે ગુજરાત માટે સુવર્ણકાળ શરૂ થયો હોત. રાજય સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં આજે માત્ર ૨ લાખ ૯ હજાર હેક્ટરને જ પીયતનું પાણી મળે છે. કચ્છને નર્મદાનું પાણી પહોચાડવા માટે આ સરકારે સંપૂર્ણ ઉદાસીનતા રાખી છે. માત્ર નજીવી રકમ કચ્છ માટે ફાળવીને કચ્છને નર્મદાના નીર પહોચી જશે તેવી મજાક આ સરકારે કરી છે. હક્કિતમાં આ નજીવી રકમથી કચ્છના માત્ર  અંજાર સુધી પાણીના કદાચ દર્શન થશે પરંતુ ખેડૂતને ખેતર સુધીકે કચ્છના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચવાનું જ નથી.

       ગુજરાતમાં વીજ ગુજરાત સરકારના વીજ એકમોમાં વિધુત પેદા કરવાની ૪૮ હજાર ૧૭૪ મિલિયન યુનિટ ક્ષમતા છે તેના સામે ઉત્પાદન માત્ર ૧૫ હજાર ૮૫૦ મિલિયન યુનિટ એટલેકે ક્ષમતાના માત્ર ૩૨% જ આ સરકાર વીજ ઉત્પાદન કરે છે. અને આ રીતે ઓછું વીજ ઉત્પાદન કરીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી મનફાવે તેવા ભાવે ગુજરાત સરકાર કરોડો રૂપિયાની વિજળી ખરીદીને વીજ ખરીદીમાં નકલ્પી શકાય તેવો ભષ્ટાચાર કરી રહી છે. ગુજરાતમાં ૨૦૦૧ની સાલ માં જયારે વીજ ઉત્પાદન ક્ષમતા ૩૯ હજાર ૭૭૦ મિલિયન યુનિટ હતી ત્યારે વીજ ઉત્પાદન ૨૩ હજાર ૩૨૭ મિલિયન યુનિટ ગુજરાતની સરકાર કરતી હતી એટલેકે ઉત્પાદન ક્ષમતાના ૫૮.૬૫% વીજ ઉત્પાદન ગુજરાતમાં થતું હતુ.

       ગુજરાતમાં યુવાનોને રોજગારીની વાતો કરનારી આ સરકારના સમયમાં સરકારના ચોપડે જ નોધાયેલા જ સરકારી આંકડા મુજબ શિક્ષિત બેરોજગારો સાડા સાત લાખ કરતા વધારેની સંખ્યામાં છે. જે કંઇક ભરતીઓ થાય છે તેમાં પણ ભષ્ટાચાર ભરપુર થાય છે. અને તે ભાજપના મળતીયાઓના માધ્યમથી થાય છે તેમ જણાવતા શ્રી ગોહિલે વિધાનસભામાં કહ્યું હતુ કે તલાટી કમ મંત્રીઓ ની ભરતીમાં જે લાખો રૂપિયા લેવાતા હતા તેની ક્રિમીનલ ફરિયાદ દાખલ થયા પછી પુરવણી ચાર્જશીટમાં ભાજપના સંગઠનના એક મંત્રી નંદલાલનું નામ ખુલ્યું છે. પુરવણી ચાર્જશીટમાં આ નંદલાલ પકડવાના બાકી છે અને નાસ્તા ભાગતા ફરે છે તેથી મળી આવતા નથી તેવું પોલીસ જણાવે છે. આ ભષ્ટાચારને છાવરનારી સરકાર સામે શ્રી ગોહિલે વિધાનસભામાં એક તસ્વીર રજુ કરીને જણાવ્યું હતુ કે નંદલાલતો ખુલ્લેઆમ ભાજપના મંત્રી તરીકે ફરે છે અને તાજેતરના કૃષિ મહોત્સવમાં સ્ટેજ ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં બેઠેલા છે તેનો ફોટો શ્રી ગોહિલે રજુ કર્યો હતો. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે કલ્યાણસિંહ ચંપાવત જેવાતો માત્ર મોહરા છે હક્કિતમાં ભષ્ટાચારનું મૂળ ભાજપના મૂળ સાથે જોડાયેલું છે.

———————————————————————————————————————————————————-

નોંધ : – તોહમતદાર નંદલાલનો કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠેલાનો ફોટો . 

 

 

Nandlal_Patel_ Press Note 08.07.2014