Close

July 25, 2014

Press Note Guj 25/07/2014 on Finance Department

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                      તા.૨૫.૦૭.૨૦૧૪

  • ગુજરાતની જનતા ૨૦૦૪-૦૫માં વેટનો ટેક્સ માત્ર રૂ. ૮,૩૦૯ કરોડ ભરતી હતી, જ્યારે ૨૦૧૩-૧૪માં ગુજરાતની સરકારના વેટના ટેક્સનો બોજો રૂ. ૪૫,૩૦૭ કરોડ થઈ ગયો છે.
  • ગુજરાત સરકાર નાણાકીય અશિસ્ત કરે છે અને મંજૂરી વગરના બેફામ રૂપિયાનો બગાડ કરે છે તેવો પી.એ.સી. કમિટીનો રિપોર્ટ.
  • ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩% અને ડીઝલ પર ૨૧% ઉપરાંત સેસ ગણીને સૌથી વધારે ગુજરાતીઓ પર વેટનું ભારણ.
  • સોના ઉપર ૧% અને ઈમીટેશન જ્વેલરી ઉપર ૫% ટેક્સ, એ બતાવે છે કે સામાન્ય માણસ ઉપર સરકારના ટેક્સનું સૌથી વધારે ભારણ.
  • ગુજરાતમાં મોટા માથાઓ પાસે કરોડો રૂપિયાની ટેક્સની ઉઘરાણી બાકી અને બીજી તરફ સામાન્ય માણસ ઉપર ગુજરાત સરકારની વસુલાત માટે બળજબરી.
  • મે. બાયોટર ઈન્ડસ્ટ્રીઝ પાસે રૂ. ૮૫૪.૫૧ કરોડ લેવાના હતા, છતાં તેની પ્રોપર્ટીની હરાજી નહીં.
  • ગુજરાતમાં રૂ. ૧૬,૫૬૬.૪૧ કરોડની રીકવરી સરકારના મળતિયાઓ પાસે બાકી.
  • વ્યવસાય વેરો નાબુદ કરવો જોઈએ.
  • બજેટમાં કચ્છના અછત અસરગ્રસ્ત વિસ્તાર માટે કોઈ સંવેદના નહીં.
  • ટેક્સ ઈનપુટ ક્રેડીટ શૂન્ય કરવી જોઈએ.
  • નાના ઈંટ ઉત્પાદકો ઉપર વેટ નાબુદ કરવો જોઈએ.
  • રાજસ્થાનમાં કોટા સ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટ ઉપર માત્ર ૫% વેટ છે, જ્યારે ગુજરાતમાં અનેકગણો વધારે વેટ છે.
  • ટ્રસ્ટ ફાળો એ કર નથી, માત્ર ફી છે, તેમ છતાં દર વર્ષે ગુજરાત સરકાર ટ્રસ્ટ ફાળાના નામે કરોડો ઉઘરાવે છે.
  • ખાનગી હોસ્પિટલો પર વેટના નામે સરકારની દાદાગીરી.
  • એસ.સી. અને એસ.ટી. માટે ૭% નાણાની જોગવાઈ કે ગૌણ સદર ખોલવામાં સરકારની સંપૂર્ણ ઉદાસીનતા.

             ગુજરાત વિધાનસભામાં નાણાં વિભાગની માંગણીઓ ઉપર બોલતા શ્રી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વેટનું સૌથી વધારે ભારણ ગુજરાતની જનતા ઉપર છે. સૌથી વધારે ટેક્ષ ગુજરાતની જનતા ઉપર નાંખીને ગુજરાતની જનતાને મોંઘવારીના આ સમયમાં અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં મુકવાનું પાપ ગુજરાતની સરકાર કરી રહી છે. સન ર૦૦૪-૦પમાં ગુજરાતની જનતા માત્ર રૂ. ૮૩૦૯ કરોડ રૂપિયા જ વેટના ટેક્ષ પેટે ભરતી હતી. ગુજરાતની ભાજપની સરકારે જુદા જુદા પરિપત્રો અને નવા નવા નુસકાઓ કાઢીને ગુજરાતની જનતા ઉપર સતત વેટનો ટેક્ષ વધારીને આજે ર૦૧૩-૧૪માં ગુજરાતની જનતાએ રૂ. ૪પ,૩૦૭ કરોડ રૂપિયા વેટના ટેક્ષ પેટે ભરવા પડયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. શ્રી ગોહિલે પી.એ.સી.ના કેગના રીપોર્ટના પાના નં. ૪ર ઉપરે ટાંકીને કહયું હતું કે, નાણાંકીય અંકુશ માટેની સર્વોત્તમ સમિતિએ પણ પોતાના અહેવાલમાં કહયું છે કે, ગુજરાતની સરકાર સંપૂર્ણપણે નાણાંકીય શિસ્તને અને ખર્ચાઓને યોગ્ય દિશામાં કરવાની બાબત પરનો અંકુશ ગુમાવીને બેઠી છે. ગુજરાત સરકાર બીન જરૂરી પુષ્કાળ વધારાના ખર્ચાઓ કરે છે અને વિધાનસભાએ મંજૂરી આપી હોય તે હદથી બહાર જઇને નાણાંનો દુર્વ્યય કરે છે. ગુજરાતમાં અનેક વસ્તુઓ ઉપર દેશના અન્ય રાજ્યો કરતાં ખૂબ વધારે ટેક્ષનું ભારણ છે. માણસની તંદુરસ્તી માટે માણસ શુધ્ધ પાણી પીવે તે આવકારદાયક છે અને એટલા જ માટે મહારાષ્ટ્ર હોય કે તામિલનાડુ હોય પેકેજ મીનરલ વોટર ઉપર જીરો ટકા ટેક્ષ છે એટલે કે બિલકુલ ટેક્ષ લેવાતો નથી. જયારે ગુજરાત પેકેજ મીનરલ વોટર ઉપર ૧પ ટકા જેટલો ભારેખમ ટેક્ષ લે છે. ગુજરાતમાં પેટ્રોલ ઉપર ર૩ ટકા અને ડિઝલ ઉપર ર૧ ટકા વેરો છે. ૬ વર્ષ અગાઉ ઓકટ્રોય નાબૂદ થઇ ત્યારે પેટ્રોલ તથા ડિઝલ ઉપર ૩ ટકા અને ર ટકા એમ ફીઝ નાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં ગુજરાતમાં ડિઝલમાં ઓછામાં ઓછા ૧.૭૦ પૈસાનો વધારે ભાવ છે, અને પરિણામે ગુજરાતના લોકોને વધારે ટેક્ષ ભરવો પડે છે અને સાથોસાથ ગુજરાતનો ટ્રક માલિક કે બસ માલિક ગુજરાત બહાર ડિઝલ પુરાવાનું પસંદ કરે છે. સી.એન.જી.ઉપર દેશમાં અન્ય રાજ્યોમાં ૦ થી પ ટકાનો વેરો છે જયારે ગુજરાતમાં સી.એન.જી.ઉપર ૧પ ટકાનો વેટ લેવામાં આવે છે. આમ ગુજરાતની જનતા ઉપર પેટ્રોલ અને ડિઝલમાં ટેક્ષનુ઼ મોટુ ભારણ છે. સામાન્ય રીતે શ્રીમંતોની વપરાતી વસ્તુઓ ઉપર ટેક્ષ વધુ હોય અને સામાન્ય વ્યક્તિના વપરાશની ચીજવસ્તુઓ ઉપર ટેક્ષ ઓછો હોવો જોઇએ.પરંતુ સોના ઉપર એક ટકો ટેક્ષ છે જયારે સામાન્ય માણસ જવેલરીનો ઉપયોગ કરે છે તેના ઉપર પ ટકા જેટલો ભારે ટેક્ષ ગુજરાતમાં લેવાય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વિગેરે રાજ્યોમાં ખૂજર ઉપર કોઇ વેરો લેવાતો નથી કારણ કે સામાન્ય માણસનો પૌષ્ટીક આહાર તરીકે ખજૂરનો ઉપયોગ કરે છે જયારે ગુજરાતમાં પ ટકા જેટલો ભારે ટેક્ષ ખજૂર ઉપર પણ લેવામાં આવે છે.

શ્રી ગોહિલે ભાજપના સભ્યોને ટોણો મારતાં કહયું હતું કે, કોણ, કયાંથી ગયુ છે. તેનાથી કોઇ મતલબ નથી પરંતુ જયાં જાય ત્યાંના લોકો માટે ગયેલી વ્યકિતની સંવેદનાઓ કેવી છે? મહાત્મા ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા પરંતુ આફ્રિકામાં જઇને તેમની સંવેદનાઓ આફ્રિકામાં થતાં અન્યાય માટે ખૂબ જ ઉત્કૃષ્ઠ હતી. અને તેથી આફ્રિકામાં જન્મેલા કોઇપણ વ્યકિતઓ જે નેતૃત્વ ન આપી શકી તે મહાત્મા ગાંધીજીએ આફ્રિકાના લોકો માટે પૂરું પાડયુ છે. કોઇ (શ્રીમતી આનંદીબેન) માંડલથી પાટણ જાય કે પાટણથી અમદાવાદ આવે, કે કોઇ (શ્રી સૌરભભાઇ પટેલ) બોટાદ થી વડોદરા જાય, કોઇ (શ્રી આત્મારામભાઇ પરમાર) સુરતથી ગઢડા આવે કે પછી કોઇ ગુજરાતમાંથી વારાણસી જાય તે મહત્વનું નથી પરંતુ ત્યાંના લોકો માટેની તેની સંવેદનાઓ કેટલી જીવંત છે તે મહત્વની છે. મારી કચ્છના પ્રતિનિધિત્વ તરીકે સંવેદનાઓ જીવંત છે અને એટલા જ માટે આ બજેટમાં નાણા વિભાગે કચ્છના દુષ્કાળગ્રસ્ત લખપત, અબડાસા અને બન્ની વિસ્તાર માટે કોઇ ઉલ્લેખ નથી કર્યો. તે વાતનું દુઃખ છે. ગુજરાતમાં આજે પણ સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડેલો છે ત્યારે કચ્છની જનતા માટે પૂરતી વ્યવસ્થાની જોગવાઇ બજેટમાં નથી તે દુઃખની વાત છે. પશુઓ માટે ધાસ પૂરું પાડવામાં આ સરકાર નિષ્ફળ રહી છે.

નાણાં વિભાગની જવાબદારી છે કે, યુટીલાઇઝેશન સર્ટીફિકેટ મેળવીને ચોકકસ નાણા ચોકકસ જગ્યાએ જ વપરાયા છે તેનું ધ્યાન રાખવું જોઇએ પરંતુ ગુજરાતમાં રૂ. ૯૧ર૧.૪૩ કરોડના યુટીલાઇઝેશન સર્ટીફિકેટ નિયમસર રીતે સબમીટ થયા નથી.

 હારમનાઇઝેડ (એચ.એસ.એમ.) કોડ સિસ્ટમ ઓફ ની જરૂર છે જેનાથી આઇ.પી.સી.નો લાભ લીધેલ છે.ઉપરાંત એચ.એસ.એમ. માલ અને સર્વિસ ટેક્ષ માટે પરંતુ ગુજરાતે એચ.એસ.એમ.કોડ ૭-૭ વર્ષ થયા છતાં એસાઇન કર્યો નથી. અન્ય રાજય કેરાલા હોય કે ઉત્તરપ્રદેશ હોય તેમણે એચ.એસ.એમ.કોડ એસાઇન કરી દીધો છે.

નાના માણસોને દબડાવીને બાકી રકમની ઉઘરાણી કરતું કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ મોટા લોકો ઉપર કેવું મહેરબાન રહે છે તેના દાખલાઓ આપતાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ર૩ યુનિટના પ૦ ડિલરો પાસે ૧૩૯ કેસોના કરોડો રૂપિયા આ સરકારે વસુલ્યા નથી. મેસર્સ બાયોટર ઇન્ડસ્ટ્રીઝ પાસે રૂ. ૮પ૪.પ૧ કરોડ લેવાના હતા. એસેસમેન્ટ થઈ ગયું હતું, બધી જ અપીલો નીકળી ગઈ હતી, તેમ છતાં ૮પ૪.પ૧ કરોડ રૂપિયા માટે પ્રોપર્ટીની હરાજી ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી ન હતી આવા અન્ય જેરપન પ્લાસ્ટીક, પટેલ રણછોડ હીરજી, ગ્રેનીટો સિરામીક, દિપક પેટ્રોકેમ વિગેરેના છે. ગુજરાતમાં મોટા માણસો પર સરકારની મહેરબાનીના કારણે તા.૩૧.૩.ર૦૧રની સ્થિતિએ ગુજરાતમાં ૧૬,પ૬૬.૪પ કરોડ રૂપિયા બાકી લેણાં સરકારના છે. આમા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી જેનુ લેણું બાકી હોય તેવા ૪૮૮૮.પ૬ કરોડ બાકી રહી છે.

ગુજરાતમાં વ્યવસાય વેરાની આવક વેટની આવકની સામે સાવ નજીવી છે. ૦.૦૦૬% જેટલી જ આવક વ્યવસાય વેરાની છે. તેની સામે નોકરશાહીના ખર્ચાઓ વધારે છે અને વ્યવસાય વેરાના નામે ગુજરાતની જનતાને ખૂબ જ હાડમારી ભોગવવી પડે છે. શ્રી શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, મારું સૂચન છે કે, વ્યવસાય વેરો સંપૂર્ણ નાબુદ કરવો જોઈએ.

ગુજરાતમાં ઈંટ ઉપર જે વેટ લેવામાં આવે છે તે ઘણો વધારે છે, માટે ૫૦ લાખ કરતાં ઓછી ઈંટ પેદા કરતાં એકમો ઉપરથી વેટ નાબુદ કરવો જોઈએ અને ૫૦ લાખ કરતાં વધુ ટર્નઓવર હોય તેવા ઈંટ ઉત્પાદકો પર ૨% વેટ રાખવો જોઈએ. સામાન્ય માણસ કોટા સ્ટોનનો ઉપયોગ કરે છે, જ્યારે આપણા મંદિરોમાં મોટાભાગે માર્બલ અને ગ્રેનાઈટ વપરાય છે. રાજસ્થાનમાં આના પર ૧૨.૫% વેટ હતો, તે ઘટાડીને આજે ૫% વેટ કરવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતમાં વેટ ખૂબ ઊંચો છે, પરિણામે ગુજરાતનો વેપાર રાજસ્થાનમાં જતો રહ્યો છે. ગુજરાતે પણ કોટા સ્ટોન, મારબલ અને ગ્રેનાઈટ ઉપર ૫% જ વેટ રાખવો જોઈએ.

જૂના સેલ્સટેક્સના કાયદામાં મોચી દ્વારા હાથેથી બનાવેલા ઓછી કિંમતના બુટ-ચંપલ પર સેલ્સટેક્સ હતો નહીં, તે જ રીતે વેટના કાયદા નીચે પણ ગુજરાતમાં હાથેથી બનાવાતા બુટ-ચંપલ પર રૂ. ૮૦૦ની કિંમત સુધી વેટ ન રાખવો જોઈએ.

ગુજરાતમાં કેટલીક સેવાઓ સામે લેવાતી ફીને પણ કરની જેમ લેવામાં આવે છે. આ અંગેનો દાખલો આપતાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ફાળો એ કર નથી પણ ફી છે. જેટલી સેવા અપાય તે સેવાના સંદર્ભમાં જ ફી લઈ શકાય, પરંતુ ગુજરાતમાં તા. ૨૮-૫-૨૦૧૪ની સ્થિતિએ ટ્રસ્ટ ફાળાની રૂ. ૧૩૩ કરોડની રકમ જમા છે અને દર વર્ષે સરેરાશ ટ્રસ્ટ ફાળો રૂ. ૧૨ કરોડ અને વ્યાજ રૂ. ૮ કરોડ એમ થઈને રૂ. ૨૦ કરોડની ગુજરાત સરકારને આવક થાય છે. જેની સામે સેવાઓ પાછળનો ખર્ચ માત્ર રૂ. ૯ કરોડ છે. મહારાષ્ટ્ર સરકારે ટ્રસ્ટ ફાળો ઘટાડીને સેવાના ખર્ચને અનુરૂપ જ લેવાનો નિર્ણય કર્યો છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ ટ્રસ્ટ ફાળો ઘટાડવો જોઈએ, જેથી માનવતાનું અને સેવાનું કામ કરતા ટ્રસ્ટો ઉપર ભારણ આવે નહીં.

સેલ્સટેક્સના અધિકારીઓ પોતાના અહમ્ માટે ગુજરાતના લોકોને કેવો ત્રાસ આપે છે તેનો એક દાખલો આપતાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, એક અધિકારીને એક ખાનગી હોસ્પિટલમાં વીવીઆઈપી સ્વાગત ન મળ્યું તો તેણે સેલ્સટેક્સની આખી ફોજ મોકલીને અમદાવાદની ખાનગી હોસ્પિટલો ઉપર રેડ પડાવી અને “તમારા પાસે વેટના રજીસ્ટર છે તે બતાવો અને કેટલી દવાઓ અને કેટલા ઈન્જેકશન આપ્યા છે તેની વિગત આપો’ તેવી માહિતી માંગી હતી. હકીકતમાં, દર્દીને અપાતા ઈન્જેકશન કે દવાઓ એ વેચાણ નથી પણ સારવારનો એક ભાગ છે અને તેથી જ વેટના કાયદા મુજબ સરકારી હોસ્પિટલો વેટનો નંબર લેવા કે રજીસ્ટર રાખવા બંધાયેલા નથી. આ હોસ્પિટલો વ્યવસાય વેરો તો ભરે જ છે. હકીકતમાં સરકારી હોસ્પિટલો કે સરકાર સાથે જોડાયેલી ઓટોનોમસ અને સેમી-ઓટોનોમસ હોસ્પિટલો પણ વેટ રજીસ્ટર રાખતી નથી તે હકીકત હોવા છતાં માત્ર અહમ્ ખાતર અમદાવાદની હોસ્પિટલોને સેલ્સટેક્સ અધિકારીઓએ હેરાનગતિમાં મૂકી હતી.

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, સરકારે એસ.સી. અને એસ.ટી. માટે ૭% નાણાની જોગવાઈ કે ગૌણ સદર ખોલવામાં સંપૂર્ણ ઉદાસીનતા દાખવી છે.

———————————————————————————————————-