Close

January 4, 2013

પરિણામ – ૨૦૧૨

 પ્રિય સમર્થકો અને આત્‍મીય મિત્રો,

          તાજેતરની ચૂંટણીઓ પછી મને સંવેદનાથી ભરપુર અઢળક સંદેશાઓ મળતા રહયા છે. લોકશાહી વ્‍યવસ્‍થામાં વિધાનસભાની ચૂંટણીઓ સ્‍થાનિક પ્રશ્‍નો અને રાજય સરકારની કાર્યપઘ્‍ધતિઓને લોકોની વચ્‍ચે લઈ જઈને લડવાની હોય છે.

           હું ખુશ કિસ્‍મત રહયો છું કે ખૂબ જ નાની ઉંમરમાં ધારાસભામાં ચૂંટાયો હતો અને 199ર થી 199પ સુધી ખૂબ જ મહત્‍વના અનેક વિભાગોમાં ગુજરાત સરકારના એક મંત્રી તરીકે કામ કરવાનો અને સરકારી વહીવટને નજીકથી નિહાળવાનો અવસર મળ્‍યો હતો. 1995 પછી પણ ભાવનગરમાંથી ધારાસભ્‍ય તરીકે લાંબા સમય સુધી પ્રતિનિધિત્‍વ કર્યું છે.

           આ ચૂંટણીઓમાં પરિણામ મારી તરફેણમાં આવેલ નથી. મેં લોકોને, લોકપ્રશ્‍નોને, જનહિતના કામોને, સામાજીક સેવાને તેમજ જાહેર જીવનમાં નિતિમતાના સિઘ્‍ધાંતોને હંમેશા રાજકારણથી ઉપર રાખ્‍યા છે. મેં મારા પરાજયને ખેલદીલીથી સ્‍વીકાર્યો છે અને આ તકે સર્વેને ખાત્રી આપુ છું કે, ભાવનગર મારી કર્મભૂમિ છે અને તેના માટે હંમેશા કાર્યરત રહીશ. કેટલાક મિત્રોએ પેટા ચુંટણી લડવા, સંસદ લડવા , સંગઠનમાં હોદો મેળવવા અથવા કેન્દ્ર સરકારમાં બોર્ડના ચેરમેન બનવા સુચનો કર્યા છે. તેમને મારે કહેવુ છે કે પક્ષ દ્વ્રારા મને ખૂબજ આપવામાં આવ્યું છે  હવે કંઈ પણ અપેક્ષા નથી. કોંગ્રેસના એક સૈનિક તરીકે પક્ષમાં નિષ્ઠાથી કામ કરવું છે.

           સૈધાંતિક રાજકારણ કર્યું છે અને ચૂંટણીનું પરિણામ મારી તરફેણમાં નથી, મેં આજ સુધી જનઅધિકાર માટે લડત ચલાવી છે તેમજ લોકસેવાને રાજકારણથી ઉપર રાખી છે. તે જ રીતે કામ કરતો રહીશ. મારા માનનિય પ્રતિસ્પર્ઘીની એફીડેવીટ જોઈએ તો તેઓના સામે અત્‍યંત ગંભીર ગુન્‍હાઓ નોંધાયેલા છે અને છતાં તેઓએ મારા કરતા વધારે મતો મેળવ્‍યા છે.

 મારી એફિડેવિટ : 

http://docs.myneta.info/affidavits/ews3gujarat2012/407/Gohil_Shaktisinhji_Harichandrasinhji103006.PDF  

સમાચાર માઘ્‍યમોને ભરપુર મસાલો મળે તેવી નથી.વિજ્ઞાનના સ્‍નાતક અને કાયદાના અનુસ્‍નાતક તરીકેનો અભ્‍યાસ છે. એક પણ ગુન્‍હા બાબતનો કેસ નથી. જયારે મારા માનનિય પ્રતિસ્‍પર્ધીની એફીડેવિટ અતિ ગંભીર પ્રકારના ગૂન્‍હાઓથી ભરપુર છે.

http://docs.myneta.info/affidavits/ews3gujarat2012/476/Solanki_Parshottmbhai_Odhavjibhai103022.PDF   

પરંતુ લોકશાહી વ્‍યવસ્‍થામાં બહુમતિ લોકો જેને મતો આપે તે જીતે છે. મેં સામે ચાલીને મારા પ્રતિસ્‍પર્ધીને વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્‍યા અને ભાવનગરને ઉત્‍તમ પ્રતિનિધિત્‍વ પુરૂં પાડવામાં તેઓ સફળ રહે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

           હું મિનિસ્‍ટર થયો, વિરોધપક્ષનો નેતા થયો કે વર્ષો સુધી ધારાસભ્‍ય રહયો તે બધા પ્રસંગો કરતા મારામાં વિશ્વાસ મુકતા અને મારા પરાજય બદલ અફસોસ વ્‍યકત કરતા ઘણાં વધારે સંદેશા તાજેતરમાં મને પ્રાપ્‍ત થયેલા છે.માત્ર ભાવનગર કે ગુજરાત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી મારા શુભેચ્‍છકોએ જે લાગણી વ્‍યકત કરી છે. તે સર્વોનો હું આભારી છું. મારી ચૂંટણી દરમ્‍યાન મને મદદરૂપ બનનાર તેમજ સુચનો, પ્રતિક્રિયાઓ અને માર્ગદર્શન પુરૂં પાડનાર સજજનોનો પણ હું આભારી છું. યુવાનો, મિત્રોએ ઓનલાઈન સમર્થન અને પ્રચાર માટેનું કામ કરેલ છે તે હું કયારેય પણ ન ભૂલી શકું. પ્રેસ અને મિડિયાનો પણ હું આભારી છું. આભાર આપ સર્વે મિડિયાના મિત્રોનો. મિડિયાના મિત્રોનું સુંદર સમર્થન,રચનાત્‍મક ટીકાઓ અને ઉપયોગી માહિતી પ્રશંશનિય હતી. અને તે બદલ પૂનઃ આભાર….

           મારા મત વિસ્‍તારના ન્‍યાય માટે હંમેશા લડતો રહયો છું. ભાવનગરની મેડિકલ કોલેજના પ્રશ્‍ને મારા જ પક્ષની સરકારમાંથી 1994માં મિનિસ્‍ટર તરીકે રાજીનામું આપતા ક્ષણની પણ વાર લાગી ન હતી.  સ્‍વાર્થના સંધાન સાથે ભાવનગરના વિકટોરીયા પાર્કને બિલ્‍ડરને આપવાનો નિર્ણય થયો ત્‍યારે લડત કરી અને છેલ્‍લે ભાવનગરના છ અગ્રગણ્‍ય આગેવાનો સાથે સુપ્રિમ કોર્ટમાં હું પાર્ટી ઈન્‍ટરવિનર તરીકે જોડાયો અને વિકટોરિયા પાર્કની પ્રજાની માલીકીની જમીન બચાવી શકાય તેનો આનંદ છે. ભાવનગરના વિકાસ માટે ઘણું કરવાનું છે. આ તબકકે ભાવનગરના વિકાસ માટે વ્‍યકિતગત સ્‍વાર્થ અને પક્ષિય  રાજકારણથી ઉપર ઉઠવું પડશે. જનહિતને સર્વોપરી જોવું પડશે.

          ભાવનગરના તેજસ્‍વી વિદ્યાર્થીઓ હોય કે યુ.પી.એસ.સી.માં સફળતા મેળવેલા યુવાનો હોય તેમને મેં ભાવનગરના પ્રતિનિધી તરીકે પ્રોત્‍સાહિત કરવાનો પ્રયત્‍ન કર્યો છે. ભાવનગરના વિકાસ માટે કે સ્‍થાનિક સમસ્‍યાઓ માટે જયાં અને જયારે મારી જરૂર પડી છે ત્‍યાં અને ત્‍યારે હાજર થવાનો  તેમજ સહયોગ આપવાનો પ્રયત્‍ન કર્યો છે. જનહિતને રાજકારણથી ઉપર રાખવાનો પ્રયત્‍ન કર્યો છે અને હંમેશા કરતો રહીશ.

          સૈધાંતિક રાજકારણ આર્થિક સમૃઘ્‍ધિ આપી શકતું નથી અને વારસામાં મળેલી મિલ્‍કતોમાંથી કંઈ લેવું નહીં તેવી માનસિકતાના કારણે હવે હું ફરી મારી હાઈકોર્ટની પ્રેકટીસ શરૂ કરવા વિચારૂં છું. હાઈકોર્ટની પ્રેકટીસ મને આર્થિક ટેકો, બુઘ્‍ધિજીવી મિત્રોની જીવંત મિત્રતા અને જરૂરિયાતમંદની મફતમાં કાનુની સહાય કરવાનો ત્રિવેણી સંગમ આપે છે. કોંગ્રેસપક્ષના સેવક તરીકે પક્ષને મારી સેવાઓ એ મારી પ્રાથમિકતા રહેશે.

           તાજેતરની ચૂંટણીમાં સંન્‍નિષ્ઠ અને ઉત્‍તમ પ્રયત્‍ન છતાં સારા પરિણામ ન આવ્‍યા તેની નૈતિક જવાબદારી સ્‍વીકારી છે. કેટલાક મિત્રોની ખૂબ જ અપેક્ષાઓ હતી પરંતુ મિત્રો માફ કરજો હું તમારી અપેક્ષા મુજબ જીતી શકયો નથી. ભાવનગરની જનતાએ જેમને ચૂંટેલા છે તેઓ ભાવનગરનું હિત હૈયે રાખીને ભાવનગરનું ભલું કરવામાં સફળ રહે તેવી શુભેચ્‍છાઓ.

          અને હાં છેલ્‍લે મારે કહેવું છે કે, કેટલાક શુભેચ્‍છકોએ સુચન કર્યું  હતું કે મારે પક્ષ પલટો કરવો જોઈએ અને બી.જે.પી.માં જોડાવવું જોઈએ. આ સુચન કરનારાઓનો આભાર પરંતુ મારા માટે રાજકારણ વિચારધારા માટેનું છે, નહિં કે સત્‍તા માટેનું. મારે મન રાજકારણ એ લોકોને તેમના અધિકાર અપાવવા માટેનું સાધન છે, નહીં કે પૈસા પેદા કરવા કે સતા પડાવી લેવાનું શસ્‍ત્ર. હું કદી પણ મારા પક્ષની સમાનતા, ધર્મનિરપેક્ષતા  અને સાચી આંતરીક લોકશાહીની વિચારધારાને દગો ન આપી શકું.

 આભાર સહ, નવા વર્ષની હાર્દિક શુભેચ્‍છાઓ….

                                                                                           જયહિન્‍દ……

                                                                                                                                                                                                      આપનો,

                                                                                                                                                                                                    (શકિતસિંહ ગોહિલ)