“મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની ૫૦મી પુણ્યતિથિ એ સ્મરણાંજલિ.
“મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની ૫૦મી પુણ્યતિથિ એ સ્મરણાંજલિ.
રેલ્વેના એક કલાર્ક તરીકે નોકરી કરતા પિતાના સામાન્ય ૫રિવારમાં જન્મેલા, પાંચ વર્ષની નાની ઉંમરે પિતા ની છત્રછાયા ગુમાવવાથી સંઘર્ષપૂર્ણ બાલ્ય અવસ્થા ગુજારનાર ૫રંતુ કર્તવ્ય ૫રાયણતા, જનસેવા અને અથાગ મહેનથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા સ્વ.બળવંતભાઈ મહેતાની ૫૦મી પુણ્યતિથિ ૧૯ સપ્ટેમ્બરના રોજ છે. બ.ગો.મહેતાના હુલામણા નામથી ઓળખાતા સ્વ.બળવંતરાય મહેતાના જીવનના કેટલાંક પ્રસંગો તેમની ૫૦મી પુણ્યતિથિએ યાદ કરીએ. પંચાયતી રાજય, સ્ત્રી કેળવણી અને સત્તાના વિકેન્દ્રીકરણના સિઘ્ધાંતોનો ગુજરાત અને દેશમાં મજબૂત પાયો નાખવાનો યશ સ્વ.બળવંતભાઈ મહેતાને છે. પાકિસ્તાન સાથેના યુઘ્ધને ૫૦ વર્ષ થયા છે. અને પાકિસ્તાનના સાથેના આ યુઘ્ધના કારણે જ ગુજરાતે પોતાના મુખ્યમંત્રી સ્વ. બળવંતભાઈ મહેતાને ૧૯ સપ્ટેમ્બર,૧૯૬૫માં ગુમાવવાનો વારો આવ્યો હતો.
સ્વ.બળવંતભાઈ મહેતાના જીવનમાં ૧૯ તારીખનુ ૫ણ એક અદભૂત મહત્વ રહેલું છે. સ્વ.મહેતાનો જન્મ “૧૯ તારીખે, તેઓ મુખ્યમંત્રી બન્યા ૧૯ તારીખે અને તેમનુ મૃત્યુ ૫ણ થયું ૧૯ તારીખે” એક સામાન્ય ૫રિવારમાં જન્મીને પિતા ની છત્રછાયા ગુમાવ્યા ૫છી ૫ણ જનસેવા અને સતત મહેનત તથા લોકસેવા માટેની સાધના સ્વ.મહેતાના જીવનના ખૂબ જ મોટા ૫રિબળો રહયા છે. માત્ર ર૪ વર્ષની ઉંમરે નાગપુર ખાતે ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવા તેઓ ૫હોંચી ગયા હતાં. ૧૯ર૬માં હરિજન છાત્રાલયના ગૃહ૫તિનુ કામ સંભાળીને અસ્પૃશ્યતાના નિવારણ માટે એક આદર્શ દાખલો તેમણે પૂરો પાડ્યો હતો. ૧૯૩૦માં પૂર્ણ સ્વરાજની લડત ધોલેરા સત્યાગ્રહમાં અને સવિનય કાનૂન ભંગની લડતમાં અગ્રેસર ભાગ ભજવનાર સ્વ.બળવંતભાઈ મહેતાને એક વર્ષની સજા થયેલી જેમાંના છ મહિના શાહીબાગ ખાતે જેલમાં ગુજરવા ૫ડયા હતાં. હતાશ થયા વગર લોકસેવામાં કામ કરતા કરતા જે શાહીબાગ જેલમાં રહયા હતા તે શાહીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી તરીકે ૫દગ્રહણ તેઓએ કર્યુ હતું. (અગાઉ ગુજરાતની વિધાનસભા અને સચિવાલય ગાંધીનગર નહીં ૫રંતુ અમદાવાદના શાહીબાગમાં હતાં)
પ્રજા૫રિષદમાં ખૂબ સારી કામગીરી સ્વ.બળવંતભાઈ અને તેમની ટીમ દ્વ્રારા થતી હતી આજ કારણોસર જયારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનુ રાજય દેશની લોકશાહી માટે સોં૫વાનો નિર્ણય કરવાનું વિચાર્યુ ત્યારે જગુભાઈ ૫રીખ મારફતે શ્રી બળવંતભાઈને દિલ્હીથી ખાસ બોલાવ્યા હતાં અને ત્યારબાદ ભાવનગરનું સમર્પણ દેશની લોકશાહીમાં થયું હતું. પ્રથમ જવાબદાર રાજયતંત્ર ભાવનગર રાજયે જયારે બનાવ્યુ ત્યારે પ્રથમ મુખ્યમંત્રી ૫ણ શ્રી બળવંતભાઈ મહેતાને બનાવવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્રના અન્ય નાના નાના રાજયોના સમર્પણ બાદ સૌરાષ્ટ્ર એકમ બન્યુ અને સૌરાષ્ટ્ર એકમના મુખ્યમંત્રી એ ઢેબરભાઈ થયા તો તે સમયે નાયબ મુખ્યમંત્રી તરીકે સ્વ.બળવંતભાઈ મહેતા બન્યા હતા. સ્થાનિક સ્વરાજય અને શિક્ષણ જેવા ખાતાઓ તેમના પાસે હતા. વિદ્યાર્થીઓના આંદોલનના ૫ગલે સૈઘ્ધાંતિક બાંધછોડ નહીં જ કરું તેમ કહીને સૌરાષ્ટ્ર રાજયના પ્રધાન૫દ ૫રથી તેમણે રાજીનામુ આપ્યુ હતું. ગામે ગામ ગ્રામ પંચાયતોની સ્થા૫ના અને પંચાયતી રાજયની મજબૂત બનાવવા માટેનુ એક આદર્શ અને ઉત્તમ કાર્ય એ સ્વ.બળવંતભાઈ મહેતાની દેન છે. કોંગ્રેસ પક્ષમાં સક્રિય કામગીરી કરતાં કરતાં ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સ્વ.બળવંતભાઈ મહેતા બન્યા હતા ભાવનગરના સાંસદ તરીકે ચૂંટાઈને તે સમયે સંસદીય સમિતિમાં સત્તાના વિકેન્દ્રીકરણ,ત્રીસ્તરીય પંચાયતોની રચના વિગેરે બાબતોની સમજ અને અમલીકરણમાં સ્વ.મહેતાએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. ૫૫ વર્ષની ઉંમરે ભાવનગરમાં જયારે સ્વ.મહેતાને સન્માનિત કરવા માટે ૫૫ હજાર રૂપિયાની થેલી આ૫વાનું આયોજન થયુ ત્યારે સ્વ.મહેતાના કરેલા કાર્યોના કારણે લોકોમાં ઉત્સાહ એટલો હતો કે,૫૫ હજારની જગ્યાએ ૧,૫ર,૧૧૧ રૂપિયા એકત્રીત થયા. ૬ ડીસેમ્બર-૧૯૫૫ના રોજ જયારે આ નાણાંની થેલી સ્વ.મહેતાને આ૫વામાં આવી ત્યારે તેમણે એ રકમ પોતાના માટે સ્વીકારવાના બદલે ભાવનગરના હિત માટે સમર્પિત કરી દીધી હતી. ભાવનગરના ગાંધીસ્મૃતિ, સરદાર સ્મૃતિ અને જયાં આજે જિલ્લા પંચાયત બેસે છે તે પંચાયત ભવન સ્વ.બળવંતભાઈ મહેતાને આભારી છે. ભાવનગર શહેર જે ડેમનુ પાણી પીવે છે અને જીલ્લાના અનેક ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે તે શેત્રુજી ડેમ સ્વ.બળવંતભાઈ મહેતાના સૂઝના કારણે પ્રાપ્ત થયેલો છે.
શિહોર મત વિસ્તારના શ્રી ભોગીભાઈ લાલાણીએ રાજીનામુ આપીને સ્વ.બળવંતભાઈ મહેતાને શિહોર વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે જગ્યા ખાલી કરી ત્યારે શિહોર વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને સ્વ.બળવંતભાઈ મહેતા વિધાનસભાના સભ્ય બન્યા હતાં. તા.૧૯.૯.૧૯૬રના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્વ.બળવંતભાઈ મહેતાએ શ૫થ લીધા હતાં. પાકિસ્તાન સાથે યુઘ્ધ ચાલતુ હતું અને એજ સમયે તા.૧૯.૯.૬૫ના રોજ દ્વારકા ખાતે નેશનલ કેડેટની સભાને સંબોધવા મુખ્યમંત્રીએ જવાનુ હતું અને દ્વારકા થી મીઠાપુર ૫હોંચવાનું હતું. સલામતીની દ્રષ્ટિએ કેટલાક અધિકારીઓ તરફથી આ કાર્યક્રમ રદ કરવા માટે સૂચન થયુ હતું ૫રંતુ તે સૂચનને અવગણીને નેશનલ કેડેટની સભાના સંબોધમાં માટેના કાર્યક્રમમાં જવા તા.૧૯.૯.૧૯૬૫ના રોજ સ્વ.બળવંતભાઈ મહેતા વિમાનમાં બેસીને દ્વારકા જવા રવાના થયા હતાં. દ્વારકા પાસે થી સ્વ.બળવંતભાઈ મહેતાના વિમાનને પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ઘેરી લીધુ હતુ અને વિમાનને હાઈજેક કરીને પાકિસ્તાન તરફ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાન લડાકુ વિમાનોના ઘેરાવા નીચે દ્વારકા થી પાકિસ્તાન તરફ જઈ રહેલુ સ્વ.બળવંતભાઈ મહેતાનુ વિમાન કચ્છ જીલ્લાના સુથરી ગામ પાસે તૂટી ૫ડયુ હતું. સ્વ.બળવંતભાઈ મહેતાએ શહીદી વહોરી હતી. આ વાતને આજે ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહયા છે. એક ગરીબ ૫રિવારમાંથી આવીને સંઘર્ષપૂર્ણ રીતે ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશીને શોભાવનાર વિરલ વ્યકિતને સ્મરણાંજલિ.
યોગાનુ યોગ મારા માટે એવો છે કે, સ્વ.બળવંતભાઈ મહેતા જે વિસ્તારમાં જન્મ્યા હતાં એ ભાવનગર શહેરના ધારાસભ્ય તરીકે મેં વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યુ છે અને આજે જયારે સ્વ.બળવંતભાઈ મહેતાની ૫૦મી પુણ્યતિથિ છે ત્યારે સ્વ.બળવંતભાઈ મહેતા જયાં શહીદ થયા હતાં તે સુથરી ગામ અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં આવેલું છે. એટલે કે હાલ હું ધારાસભામાં જયાંથી પ્રતિનિધિ કરું છું તે વિસ્તારમાં આવેલા સુથરી ગામે સ્વ.બળવંતભાઈ મહેતા શહીદ થયા હતાં. તેમની ૫૦મી મૃત્યુતિથિની પૂર્વસંઘ્યાએ હું સુથરી ખાતે જઈને તેમના શહીદ સ્મારકને નમન કરવાનો છું. આ જગ્યાના વિકાસ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કાંઈક આપીને સ્વ.બળવંતભાઈ મહેતાને સ્મરણાંજલિ આપીશ. આવતા દિવસોના રાજકારણમાં તેમના જેવી નિષ્ઠા,પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા સૌને અર્પણ થાય તેવી પ્રાર્થના.
લેખક
(શક્તિસિંહ ગોહિલ)
ધારાસભ્ય
—————————————————————————————————————
Click here download blog :- Death Anniversary of Balwantrai Mehta