મોદીની પ્રસિદ્ધિની ભૂખથી ભાજપની આબરૃના ધજાગરા
મોદીની પ્રસિદ્ધિની ભૂખથી ભાજપની આબરૃના ધજાગરા
બિહારના પાટનગર પટણા ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક મળી, પરંતુ મોદીના કારણે ભાંગરો વટાઈ ગયો. બેઠકમાં આવનારા સમયમાં પક્ષની રણનીતિ, પાર્ટીનો એજન્ડા અને પક્ષને મજબૂત કરવાની વાતો બાજુમાં રહી ગઈ અને ભાજપા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર વચ્ચે રીતસરનું યુદ્ધ જ ખેલાઈ ગયું. આ તો બન્યું એવું કે, ભાજપના જાનૈયાઓ જાન લઈને પટણા ગયા, પરંતુ મોદીએ ગાયેલા એક ફટાણાને કારણે નીતિશકુમારે બધા જાનૈયાઓને ભૂખ્યા રાખ્યા.
વર્ષો પહેલાં એક ઉક્તિ હતી કે : ‘બાદશાહ સલામત ખાન કે આને કી ખબર ઉનકા હુક્કા આને સે હોતી થી.’ મતલબ કે, દરબારમાં હુક્કો આવે તે પરથી લોકોને નક્કી કરતાં કે, હવે બાદશાહ આવશે. આવું જ ગુજરાતના મુખ્યમંત્રીનું છે. નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં પહેલાં તેમનાં પોસ્ટરો પહોંચી જાય છે. એ રીતે તેમના પ્રોપેગેન્ડા મેનેજરોને ભાજપાની પટણામાં મળનારી કારોબારીની બેઠક પહેલાં મોદીની વાહ વાહ કરતાં પોસ્ટરો પટણાની દીવાલો પર ચીપકાવી દીધાં. અખબારોમાં નીતિશકુમાર સાથે હાથમાં હાથ પકડીને મોદી ઊભા છે તેવી જાહેરખબરો પ્રગટ થઈ ગઈ. કારોબારી રાષ્ટ્રીય કક્ષાની હતી, પરંતુ નીતિન ગડકરી, અડવાણી, સુષમા સ્વરાજના બદલે મોદીનાં વિજ્ઞાાપનો ખુદ ભાજપાના હાઈકમાન્ડ માટે પણ આશ્ચર્યજનક તો હશે જ, પરંતુ આ જાહેરાતોથી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ભડક્યા. બિહારમાં ટૂંકમાં જ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મુસ્લિમોમાં સૌથી અપ્રિય એવા મોદી સાથે પોતાનો ફોટો જોઈ નીતિશકુમાર રાતાચોળ થઈ ગયા. કારણ કે મોદી સાથેની ગાઢ દોસ્તીનો મેસેજ બહાર જાય તો નીતિશકુમારે મુસ્લિમોના મત ગુમાવવા પડે. વળી જે તસવીર છપાઈ તેમાં પણ મોદીના પ્રચારકોએ યુક્તિ કરી હતી. કેટલાક સમય અગાઉ લેવાયેલી તસવીર સાચી અને ઓરિજિનલ હતી, પરંતુ પાછળ એનડીએનું બેનર હતું. તે બેનર કોમ્પ્યુટરની કરામતથી હટાવી બેકગ્રાઉન્ડ ભગવું કરી દેવાયું હતું. બિહારનાં અખબારોમાં આ વિજ્ઞાાપનો જોઈ બગડેલા નીતિશકુમારે જાહેરમાં કહ્યું : “મારી તસવીરનો વિજ્ઞાાપનોમાં ઉપયોગ કરતાં પહેલાં મોદીએ મારી પરવાનગી લીધી નથી. આ અંગે હું કાયદેસરનાં પગલાં લઈશ. વળી મોદીએ કોસી પૂર હોનારત વખતે રૃ. ૫ કરોડ બિહારને આપ્યા હતા તેનાં ગુણગાન તેમણે પોસ્ટરોમાં ગાયાં છે. કોઈને મદદ કરી હોય ને પોતે જ પોતાની પ્રશંસા કરે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે અને અસભ્ય પણ છે. બિહારને એ કુદરતી હોનારત વખતે હજારો કરોડ રૃપિયાનાં દાન મળ્યાં છે. તેની સામે મોદીએ કરેલી મદદ એક નાનકડા દાણા જેટલી છે. હું તપાસ કરીશ અને તેમાંથી જે રકમ વપરાઈ નહીં હોય તે રકમ હું મોદીને પાછી મોકલી આપીશ.”
નીતિશકુમારનું આ સખત વલણ જોઈ ભાજપના શીર્ષસ્થ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે બચાવ કર્યો કે, “આ પોસ્ટરો મોદીએ છપાવરાવ્યાં નથી.”
એટલે નીતિશકુમારે વિજ્ઞાાપનો રિલીઝ કરનાર એડ્. એજન્સી પર દરોડા પાડયા. તેમાંથી બહાર આવ્યું કે, નવસારીના ભાજપાના સાંસદ સી. આર. પાટિલે જ આ વિજ્ઞાાપનો મોકલી આપી હતી.
નીતિશકુમારની પાર્ટી એનડીએનું એક ઘટક છે. પટણામાં ભાજપાના વરિષ્ઠ નેતાઓ આવેલા હોઈ તેમના માનમાં ડિનર રાખ્યું હતું, પરંતુ મોદી સામે ગુસ્સે ભરાયેલા નીતિશકુમારે બધાંને ફોન પર જણાવી દીધું કે, “મારે ત્યાં જમવા આવશો નહીં.”
નીતિશકુમારના આ કડક વલણથી ભાજપાનું હાઈકમાન્ડ હતપ્રભ થઈ ગયું. નીતિન ગડકરી તો ક્યાં ખોવાઈ ગયા તેની ખબર જ ના પડી. આવી રહેલી ચૂંટણીઓમાં માઈલેજ લેવા કારોબારીની બેઠક પટણામાં રાખી હતી, પરંતુ કારોબારીના એજન્ડાના બદલે ટી.વી. ચેનલો અને અખબારોમાં નીતિશ-મોદી યુદ્ધ જ છવાઈ ગયું.
નીતિશકુમાર આટલેથી અટક્યા નહીં. તેઓ બીજા દિવસે ભાજપાના અન્ય નેતાઓની સાથે સ્વાભિમાન રેલીને સંબોધવાના હતા. નીતિશકુમારે મોદી સાથે એક મંચ પર બેસવાનો ઇનકાર કરી દઈ સ્વાભિમાન રેલીમાં ગયા જ નહીં.
મોદીના એક નહીં, પરંતુ બીજા પોસ્ટરે પણ વિવાદ સર્જ્યો છે. મોદીએ એક પોસ્ટર એવું છપાવરાવ્યું કે, ગુજરાતના મુસ્લિમો મોદીના શાસનમાં સુખી અને સમૃદ્ધ થયા છે. આ વાત સત્ય હોય તો પણ તેમાં એક અસત્ય પણ હતું. ગુજરાતના સુખી મુસ્લિમોના સાચુકલા પરિવારની તસવીર છાપવાના બદલે મોદીના પોસ્ટરમાં યુ.પી.ના આઝમગઢની એક કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીની તસવીર પ્રગટ કરી દેવામાં આવી હતી. આ કોલેજના પ્રિન્સિપાલ અને તસવીરવાળી મુસ્લિમ કન્યાએ પણ તેમની અનુમતિ વગર મોદીના શાસનની પ્રશંસા કરતાં પોસ્ટરમાં તેમની તસવીર છાપવા સામે સખત વિરોધ નોંધાવ્યો.
આમ બંને પોસ્ટરોએ નરેન્દ્ર મોદીને જ નહીં, પરંતુ ભાજપાના હાઈકમાન્ડને અંદરથી ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધાં. એમાંયે નીતિશકુમારે ‘મોદી કા બિહાર મેં ક્યા કામ હૈ’ કહીને જે રીતે પોતાના ઘેર જમવા આવવાનું નોંતરું પાછું ખેંચી લીધું તે તો મોદી સહિત ભાજપના તમામ નેતાઓના ગાલ પર એક લપડાક જ હતી. દેશના કોઈ ચીફ મિનિસ્ટરે મોદી, અડવાણી કે ગડકરીને તેમની જમીન બતાવી દીધી હોય તેવું બન્યું નથી. મોદીની પ્રસિદ્ધિની ભૂખે બિચારા નીતિન ગડકરી, અડવાણીજી, અરુણ જેટલી અને સુષમાજીને ભૂખ્યાં રાખ્યાં અથવા તો હોટેલમાં ખાવા જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. એક માત્ર મોદીના કારણે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને અપમાનિત થવું પડયું.
ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, નીતિશકુમાર એક સામાન્ય અને પછાત વર્ગમાંથી આવે છે. તેમની ગણના એક સજ્જન રાજકારણીની છે. તેમનું અંગત જીવન પણ સાદગીભર્યું છે. તેઓ પોતાના માટે પણ ગોબેલ્સ પ્રચારથી દૂર રહે છે. ચૂંટણી વખતે કમાન્ડોઝની મદદ વગર સાઈકલ પર પણ ફરે છે. કોમ કોમ વચ્ચે નફરતનું ઝેર ફેલાવવાથી દૂર રહે છે, પરંતુ તે સરકાર રચવા તેમની પાસે પૂર્ણ બહુમતી ના હોઈ ભાજપાના ટેકાની તેમને જરૃર છે. આ સત્ય જાણવા છતાં ભાજપા હાઈકમાન્ડને આપવામાં આવનાર ડિનર રદ કરી દેવાની હિંમત ધરાવે છે તે દર્શાવે છે કે, તેઓ જરૃર પડે તો કડવા નિર્ણયો પણ લઈ શકે છે.
પરંતુ ભાજપાની ભાંજગડનું આ નાટક આટલેથી અટક્યું નથી. બીજા દિવસે પટણામાં સ્વાભિમાન રેલી યોજાઈ. નીતિશકુમારે તો તેમાં ગેરહાજર રહી તેમની નારાજગી વ્યક્ત કરી. મોદી તો નીતિશકુમાર વિરુદ્ધ કાંઈ બોલી શક્યા નહીં. તેથી આખા દેશના મીડિયાનું ધ્યાન તેમના પોસ્ટર અને નીતિશકુમાર સાથેના વિવાદથી હટાવવા ફરી સોનિયા ગાંધી પર નિશાન તાક્યું અને સોનિયા ગાંધીને ભોપાલ ગેસકાંડ માટે ‘મોત કા સોદાગર’ તરીકે નવાજ્યાં. રાજીવ ગાંધી તો હવે હયાત નથી એટલે સોનિયાને સંભળાવ્યું. તેના જવાબમાં કોંગ્રેસના રાજીવ શુક્લાએ નરેન્દ્ર મોદીને પોસ્ટરોની યાદ અપાવી ‘જૂઠ કા સોદાગર’ તરીકે બિરદાવ્યા. ભોપાલ ગેસ હોનારત વખતે જે કાંઈ થયું તે ખરેખર ખૂબ જ દુઃખદ હતું. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીને ભોપાલ સાથે શું લેવાદેવા છે કે તેઓ સીધા ૨૬ વર્ષ જૂની ઘટના માટે સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવી તેમના માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરે છે એ સમજાતું નથી. ભોપાલ દુર્ઘટના થઈ ત્યારે સોનિયા ગાંધી નહોતાં પાર્ટી પ્રમુખ, નહોતાં વડાં પ્રધાન કે નહોતાં મધ્યપ્રદેશનાં ચીફ મિનિસ્ટર. તેઓ એ સમયે રાજનીતિમાં હતાં જ નહીં. તે વખતે તેઓ રાજીવ ગાંધીનાં પત્નીથી વિશેષ કાંઈ નહોતાં. મોદીએ બોલવું જ હોય તો ગુજરાતમાં ઘણાં પ્રશ્નો છે. ગુજરાતના મેડિકલ માફિયા ડો. કેતન દેસાઈએ ગુજરાતના ઘણાયે મેરિટ્સવાળા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા છે અને પૈસા આપનાર ધનવાનોને છોકરાઓને ડોક્ટર બનાવી દીધાં છે. આખા દેશના તબીબી શિક્ષણનો દાટ વાળી દેનાર ડો. કેતન દેસાઈ અંગે મોદી એક પણ શબ્દ બોલવા તૈયાર નથી કે તેમની સામે કોઈ પગલાં લેવા પણ તૈયાર નથી. લાગે છે કે, સોનિયા ગાંધી પર પ્રહાર કરી મોદી પોતાની જાતને અડવાણી- ગડકરી કરતાં મોટા નેતા તરીકે સાબિત કરવા માંગે છે અને પટણામાં વટાયેલા ભાંગરાથી દેશનું ધ્યાન બીજે દોરી દેવા તેમણે આ ચાલાકી કરી છે. ટૂંકમાં નીતિશકુમારના કાતિલ હુમલાથી ઘવાયેલા મોદીએ યુક્તિપૂર્વક નીતિશકુમાર સામે લડવાનું માંડી વાળી બીજો જ મોરચો ખોલ્યો. ભાજપાની રાષ્ટ્રીય કારોબારીનો અસલી હેતુ સર્યો કે કેમ તે તો અડવાણી અને ગડકરી જાણે. પરંતુ પટણામાં નીતિશકુમારના હાથે અપમાનિત થઈ ચૂપચાપ ઘરભેગા થઈ જવું પડયું તે એક કડવું સત્ય છે.
ગુજરાત માટે પણ આ એક મોટી દુર્ઘટના છે. ગુજરાતના લોકપ્રિય ગણાતા મોદી સાથે કોઈ ચીફ મિનિસ્ટર બેસવા તૈયાર નથી. એટલું જ નહીં, પરંતુ મોદીથી આભડછેટ રાખે છે તે એક પ્રકારનું ગુજરાતનું અપમાન છે. એમાં ગુજરાતની પ્રજાનો વાંક છે કે ભ્રામક પ્રચારમાં રાચતા મોદીનો એ તો પ્રજાએ નક્કી કરવાનું છે. બહુ નજીકથી જાણતા લોકોને ખબર છે કે મોદીને પોતાના પ્રચારનું ગજબનાક ‘ઓબ્સેશન’ છે. કોઈ જાહેર કાર્યક્રમમાં તેમનો મોટો ફોટો લટકાવવામાં આવ્યો ના હોય તો તેઓ જતા નથી એવું કેટલાક કહે છે. ઉદઘાટનો, ભવ્ય સમારંભો, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવો, મહિલા સંમેલનો, ર્સ્વિણમ ઉજવણીઓ – એ એમનો જબરદસ્ત શોખ છે. ગાંધીનગર ખાતેના સચિવાલયના અધિકારીઓ, કલેક્ટરો, ડીડીઓ અને પોલીસ વડાઓ બસ આ જ કામમાં લાગેલા રહે છે. તે બધાં જ ખૂબ ત્રાસી ગયા છે. બ્યૂરોક્રેટ્સને વહીવટમાં ઓછા અને ઉજવણીમાં વધુ વ્યસ્ત રાખવામાં આવે છે. મોદી અંદર જઈ તપાસ કરે તો જ તેમને ખબર પડે કે, અધિકારીઓ તેમના માટે શું બોલે છે. ગરીબ કલ્યાણ મેળાઓથી માંડીને જાત જાતના રથ કાઢવાની પ્રવૃત્તિ એ એક પ્રકારનો પબ્લિસિટી સ્ટંટ જ છે. સરકારના નામે આ કાર્યક્રમો યોજાતા હોઈ ગુજરાતની પ્રજાના જ કરોડો રૃપિયા અંગત પ્રસિદ્ધિ માટે વપરાય છે. પ્રજાને પણ હવે ધીમેધીમે ખ્યાલ આવી રહ્યો છે. એક ગરીબ દર્દીને પાલનપુર પાસેના કાણોદરથી બસમાં બેસી અમદાવાદ આવવું હોય પણ રોજના સમય પ્રમાણે બસ જ આવતી નથી. તપાસ કરતાં ખબર પડે કે, રાજ્ય સરકારે બધી એસ.ટી. બસો ગરીબ કલ્યાણ મેળામાં મોદીનું પ્રવચન સાંભળવા જનારાઓ માટે ખેંચી લીધી છે અને જેમણે મોદીને સાંભળવા જવું હોય તેઓ મફતમાં જઈ શકે છે, પરંતુ બીજી બાજુ ગરીબ દર્દીને અમદાવાદ આવવા એ દિવસે બસ જ નથી.
મોદીને માત્ર મેળાઓનો જ શોખ છે તેવું નથી. મોદી ભાષણ કરે અને ગુજરાતની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ફરજિયાત તેમને સાંભળે તેવો તેમનો આગ્રહ હોય છે. સ્કૂલમાં ટી.વી. ના હોય તો સ્કૂલના આચાર્યે કે બીટ નિરીક્ષકે ઘરના પૈસા ખર્ચીને ભાડેથી ટી.વી. લાવી સ્કૂલમાં ગોઠવવું પડે છે. ટી.વી. પર, અખબારોના પાને અને પોસ્ટરોમાં છવાઈ રહેવાનો મોદીનો આ શોખ તેમને બિહારમાં ભારે પડી ગયો. ગુજરાતમાં જાહેર રસ્તાઓ પર, ગામડાંઓમાં અને ઠેરઠેર મોદીના હોર્ડિંગ્સ શાહરુખ ખાન, સલમાન ખાન કે અભિષેક બચ્ચન કરતાં પણ વધુ છે, પરંતુ બિહારમાં માત્ર બે જ પોસ્ટરો મૂકવા જતાં માત્ર મોદીને જ નહીં, પણ ભાજપાના નેતાઓને પણ નીતિશકુમારે લાફો ઝીંકી દીધો. ગુજરાતમાં કરાતો ભ્રામક પ્રચાર બિહારમાં ન ચાલ્યો. બિહાર એ ગુજરાત નથી એ વાતનો અહેસાસ નીતિશકુમારે કરાવી દીધો છે. ચંદ્રાબાબુ નાયડુ પણ મોદીથી આભડછેટ રાખે છે. તેમના જ પક્ષના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ પણ અંદરથી મોદીને પસંદ કરતા નથી. એનડીએના કેટલાક નેતાઓ તો મોદીનો પડછાયો લેવા તૈયાર નથી.
મોદીએ પટણામાં જે કાંઈ કર્યું તેથી ભાજપને ફાયદો થયો છે કે નુકસાન તેની આત્મખોજ ભાજપાના વરિષ્ઠ નેતાઓએ જ કરવી જોઈએ.