ઉંઝામાં ઉમિયા માનો અદભૂત ઉત્સવ
ઉંઝા ખાતે ૧૮મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ સન-૨૦૦૯, ઉમિયા માતાજીના સાનિધ્યમાં યોજાઈ ગયો. ઉમિયા માતાજીના પ્રાંગણમાં કડવા પાટીદાર સમાજ તરફથી યોજાયેલો આ મહોત્સવ ઐતિહાસિક અને અદભૂત હતો. મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાજકીય માણસ સામાન્ય રીતે માઈક્રોફોનની સામે આવે એટલે સલાહ અને ઉપદેશ આપ્યા વગર રહી શકે નહિ પરંતુ, ઉંઝાના ઉત્સવનું આયોજન, કડવા પાટીદાર સમાજની પ્રગતિ, માતાજીના જ્યોતિ રથથી કરોડો રૂપિયા ઉભા કરી સમાજના ઉત્થાનમાં વાપરનાર કડવા પાટીદાર કે, જેના વિષે એમ કહેવાય છે કે, કણમાંથી મણ પેદા કરે તે કડવા પાટીદાર. આવા સમાજના ધાર્મિક ઉત્સવો પ્રસંગે મેં નિર્ધાર કર્યો કે અહીં ઉપદેશ અપાય નહીં, પરંતુ આશીર્વાદ લેવાય અને માતાજીના ગુણગાન ગવાય.
મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે મા ઉમિયા માતાજીનું મંદિર ૬૩ ફૂટ ૯ ઇંચ ઉંચાઈ ધરાવતું હાલમાં હયાત છે. ઈતિહાસ અને ધર્મ ગાથાઓમાં એવો ઉલ્લેખ છે કે, ઉંઝા ખાતે પ્રથમ મા ઉમિયા માતાજીનું મંદિર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઉંઝા ખાતેનું માતાજીનું મંદિર પૂર્ણ સ્વરુપનું મંદિર છે. એવું કહેવાય છે કે, માતાજીના શરીરના ૫૧ અંશ જે જે જગ્યા પર પડ્યા ત્યાં શક્તિપીઠ ઉભી થઈ. શિવ દ્વારા જગતની ઉત્પત્તિ માટે મા ઉમીયાનો અવતાર થયો હતો. એટલે જ જગતની માતા તરીકે ઉમિયા માતાજીને ગણવામાં આવે છે .રાજા વ્રજપાલસિંહજી દ્વારા ઉંઝામાં વિક્રમ-૨૧૨, માં ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહા હવનનું આયોજન થયું હતું. કડવા પાટીદાર સમાજનો ઈતિહાસ પણ ઘણો લાંબો છે. પાટીદારો આર્યો છે, અને મધ્ય એશીયામાંથી પંજાબ થઈ વાયા રાજસ્થાનથી ગુજરાતમાં આવીને વસ્યાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.
કડવા પાટીદાર સમાજે ઉત્તમ સંગઠન અને વ્યવસ્થિત આયોજનના ઉંઝા ઉત્સવમાં સમાજને દર્શન કરાવ્યા. દાનની સરવાણી નહીં પરંતુ દાનનો સમુદ્ર છલકાયો હોય તેવું ઉંઝા ખાતે જણાયું હતું. ઉંઝા ખાતે એકત્રિત થયેલા દાનનું સરસ આયોજન અને સંકલ્પ પણ કડવા પાટીદાર સમાજ તરફથી જાહેર થયા છે.
તા. ૨૮.૧૧.૦૯ થી તા. ૦૨.૧૨.૦૯ સુધીના સરસ આયોજન દરમ્યાન તા. ૩૦.૧૧.૦૯ની સાંજે કડવા પાટીદાર સમાજના સ્ટેજ પરથી મને વાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે મારા ક્ષેત્રના અનેક લોકોએ જે સમાજને ભ્રૂણહત્યા અટકાવવાથી માંડીને ટપક પદ્ધતિ અપનાવવા સુધીની માત્ર સલાહો આપી હતી. તે સમાજને સલાહ આપવાના બદલે માત્ર પ્રશંસા અને ઐતિહાસિક વાતો કરીને મેં મારા શબ્દોને મેં માર્યાદિત રાખ્યા હતાં.
ઉંઝાની ભૂમિ પર મા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે અને એજ ઉંઝાની જમીન સાથે જોડાયેલા પરિવારના શ્રી વસંતરાય કે જેઓ વિશ્વ વિખ્યાત સંગીતકાર અને સરોદવાદક છે. પ્રચલિત ફિલ્મ “Slumdog Millionaire” ના એકટર શ્રી દેવ પટેલના મૂળ પણ ઉંઝા સાથે જોડાયેલા છે. આયુર્વેદ ક્ષેત્રે આદભૂત યોગદાન આપનાર વૈદરાજ નગીનદાસ જે. શાહ પણ મૂળ ઉંઝાના વતની છે.