Close

December 29, 2015

Press note Dt: 29/12/2015 આગામી બજેટ માટેના સૂચનો.

તા. ૨૯ ડીસેમ્બર. ૨૦૧૫

માન. સૌરભભાઈ પટેલ,

માન. મંત્રીશ્રી- નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર,

       વિષય:- આગામી બજેટમાં લોક ઉપયોગી આયોજન અને જોગવાઈ થવા માટેના સૂચનો.

        ઉપરોક્ત વિષય બાબતે નીચે મુજબના સૂચનો રજુ કરૂ છું.

(૧)     કચ્છ જીલ્લાને નર્મદાનું એક મીલીયન એકર ફીટ વધારાનું પાણી ફાળવવાનું છે. આ કામ માટે પૂરતા નાણા ફળવાતા ન હોવાથી બિલકુલ કામ થયેલ નથી. છેલ્લે ૨૦૧૩માં બનેલા અંદાજ મુજબ ખર્ચ ૫૧૮૬ કરોડનો છે. બજેટમાં ૩૦૦ કે ૪૦૦ કરોડ ફળવાય છે પરંતુ સરકારનો પરિપત્ર ગત વર્ષ સુધી એવો હતો કે કુલ બજેટના ૧૫% નાણા એટલે કે ૭૫૦ કરોડ ન ફળવાય ત્યાં સુધી વહીવટી મંજુરી જ ન મળે. પરિણામે વર્ષના અંતે એક પણ રૂપિયો વપરાતો નથી. માટે આ વર્ષની બજેટની જોગવાઈમાં કચ્છને નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી પુરૂ પાડવાના કામના અંદાજના ઓછામાં ઓછા એટલા રૂપિયા ફાળવવા કે જેથી વહીવટી મંજુરી મળે અને કામ શરુ થઈ શકે.

(૨)    ભારત સરકાર તરફથી બી.આર.જી.એફ. યોજના ચાલતી હતી. આ યોજનામાં વિકાસના કામો ખાસ અંગભુતના લેવાના હોય છે. જેના થી SC અને ST વિસ્તારોના કામો વધારે ફાયદાકારક બને છે. આદિવાસી વિસ્તારવાળા બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,ડાંગ,નર્મદા અને પંચમહાલ એમ છ જીલ્લાને ખુબ સારો લાભ મળતો હતો. કેન્દ્ર સરકારે તા. ૦૧/૦૪/૨૦૧૫ થી આ યોજના બંધ કરી દીધી છે. તો હવે ગુજરાત સરકારે રજૂઆત કરવી જોઈએકે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય માંથી બી.આર.જી.એફ. ની ગ્રાન્ટ પુન: શરૂ કરી યોજના ચાલુ રાખે અથવા રાજ્ય સરકાર બજેટમાં જોગવાઈ કરીને આ યોજના શરૂ રાખે.

(૩)        GST નો ગુજરાત સરકાર સતત વિરોધ કરતી હતી. GST આવે તો મેન્યુફેક્ચર કરતા ગુજરાત રાજ્યને મોટુ નુકશાન થશે તેવી દલીલ હતી. તો હવે GST ના મામલે સરકારનું શું સ્ટેન્ડ છે? વિરોધ જે બાબતોનો ૨૦૦૭ થી કરીને GST બીલ પસાર થવામાં રૂકાવટ લાવવામાં આવતી હતી તેમાં હવે શું બદલાવ છે? સરકાર પોતાના વિરોધના અને હવેના દ્રષ્ટિકોણને જાહેર કરે.

         આપના મારફત જે બજેટ રજુ થાય છે તેમાંથી લોક ઉપયોગી અને સામાજીક સુરક્ષા માટેના કામોનું તથા વિકાસના આયોજનના કામો માટેનું મોટાભાગનું બજેટ વપરાતું નથી અને વણવપરાયેલ આ રકમનો આંકડો ખુબ મોટો હોય છે. તેના સામે બિન આયોજન અને વ્યર્થ ખર્ચ ખુબ વધારે હોય છે. તો આ અંગે નાણાકીય શિસ્ત ઉભી કરવી જરૂરી છે.

(૪)     વેટ અંગેના સૂચનો.

  • ગુજરાતમાં વેટના દર ખુબજ ઊંચા છે માટે વેટનું ભારણ ઘટાડવા વેટના દર નીચા લાવવા જોઈએ.
  • ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩ % અને ડીઝલ પર ૨૧ % વેટ છે. ઉપરાંત સેસ છે. માટે પેટ્રોલ-ડીઝલ ખુબ મોંધા છે તો આ વેટના દર ઘટાડવા અને સેસ દૂર કરવી.
  • સીએનજી ઉપર વેટ શૂન્ય કરવો જોઈએ જેથી સીએન્જી વાહનો વધશે અને પ્રદુષણ ઘટશે.
  • ગુજરાતમાં મોટા કરદાતાઓ પાસે ખુબ મોટી રકમ લેણી છે તેની વસુલાતમાં સરકાર ઉદાસીન છે પરંતુ નાના વેપારીઓ ઉપર ખુબજ કડકાઈ થાય છે ત્યારે નાના કરદાતાઓ પ્રત્યે સહાનુભુતિ રાખવી જોઈએ.
  • ટેક્ષ ઈનપુટ ક્રેડિટ શૂન્ય કરવી જોઈએ.
  • રાજસ્થાનમાં કોટા સ્ટોન,માર્બલ અને ગ્રેનાઈટ ઉપર માત્ર ૫% વેટ છે. જયારે ગુજરાતમાં વેટ ઘણો વધારે છે. તો તે ઘટાડવો જોઈએ.
  • ચાઇનીઝ કંપનીઓના અતિક્રમણના કારણે સિરામિક ઉદ્યોગને નુકશાન થઈ રહ્યું છે. માટે ગુજરાતના સિરામિક ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ બજેટમાં જાહેર કરવી જોઈએ.
  • નાના ઈંટ ઉત્પાદકો ઉપર થી વેટ સંપૂર્ણ નાબુદ કરવો જોઈએ.
  • દવાઓ અને આરોગ્ય આનુઆંશિક સારવારો ઉપર થી વેટ નાબુદ કરવો.
  • ખાનગી હોસ્પિટલમાં અપાતી દવાઓ અને ઈન્જેકશનો ઉપર વેટ લેવો જોઈએ નહી.

(૫)      ટ્રસ્ટ ફાળો એ કર નથી માત્ર ફી છે. તેમ છતાં દર વર્ષે સરકાર ટ્રસ્ટ ફાળાના નામે   કરોડો ઉઘરાવે છે તે બંધ થવા જોઈએ. ટ્રસ્ટ ફાળો ઘટાડવો જોઈએ.

(૬)      એસ.સી. અને એસ.ટી. માટેના વસ્તીના ધોરણે બજેટ ફાળવણી જોઈએ. પરંતુ એસ.સી. માટે ૭% નાણાની ફાળવણી બજેટમાં થતી નથી. ગૌણ સદર સરકાર ખોલતી નથી તેથી વંચિતોને નુકશાન થાય છે.

(૭)   રૂ. ૮૦૦ સુધીની કિંમતના બુટ-ચંપલ તથા મધ્યમ વર્ગ એક ટંકનું ભોજન લે છે તેવા આહાર પર થી વેટ સંપૂર્ણ નાબુદ થવો જોઈએ.

(૮)      ખેડૂતના પુત્રો કે ભાઈઓ વચ્ચે જમીનના વહેંચણીના સમયે લેવાતા સ્ટેમ્પના રૂપિયા અન્યાય કર્તા છે. માટે તે નાબુદ થવા જોઈએ.

(૯)      વિદ્યુત શુક્લ સરકાર ખુબ જ મોટા પ્રમાણમાં લે છે જેથી ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોટું ભારણ આવે છે. માટે વિદ્યુત શુલ્ક ઘટાડવું જોઈએ.

(૧૦)    ફિક્સ પગારના કારણે યુવાનોનું શોષણ થાય છે અને સારા યુવાનો સરકારી સેવામાં આવતા નથી માટે ફિક્સ પગાર બંધ કરી પૂરતા પગાર સરકારી નોકરીમાં આપવા જોઈએ.

(૧૧)    આઉટ સોસિંગમાં મોટો ભ્રષ્ટ્રાચાર ચાલે છે. તે બંધ કરીને નિયમિત નોકરી આપવી જોઈએ.

(૧૨)    નર્મદાની કેનાલોનું કામ ખુબ જ બાકી છે માટે પૂરતા નાણા કેનાલોના કામ માટે ફાળવવા.

(૧૩)    પ્રસિદ્ધિઓ, મેળાઓ અને વૈભવો પાછળ વપરાતા રૂપિયામાં કાપ મુકીને નક્કર કામો કરવા બજેટમાં આયોજન કરવું જરૂરી

(૧૪)    ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં અનેક જગ્યાઓ મેડીકલ,પેરામેડીકલ અને અન્ય સ્ટાફની ખાલી છે તે તાત્કાલિક ભરવા બજેટમાં આયોજન થવુ જોઈએ. ભૂતકાળમાં જીવન રક્ષક દવાઓ સંપૂર્ણ મફત મળતી હતી તેની યાદી ખુબજ નાની કરવામાં આવી છે તો આગામી બજેટમાં આ જીવન રક્ષક દવાઓ સંપૂર્ણ મફત કરવી જોઈએ. સરકારી હોસ્પિટલમાં સારવાર ખુબજ મોંઘી બની ગઈ છે તો તેના માટે બજેટમાં જોગવાઈ કરીને સરકારી હોસ્પિટલોની સેવાઓ નહિવત ખર્ચે મળે તેવું આયોજન થવુ જોઈએ.

(૧૫)  શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરી સસ્તુ શિક્ષણ મળે અને ખાલી જગ્યાઓ ભરાય તેવું આયોજન કરવું જોઈએ.

(૧૬)   મારી વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન આપશ્રી તેમજ જે તે વખતના મહેસુલ મંત્રી અને   હાલના મુખ્યમંત્રી આપના પક્ષના ઉમેદવારના પ્રચાર માટે આવેલા હતા ત્યારે આપે કહ્યું હતુ કે ચૂંટણીની આચાર સંહિતા પૂરી થાય કે તુરંતજ લખપત અને અબડાસામાં કોલસા પાડવાની છુટ અપાશે. આપના આ વચનને બે વર્ષ થવામાં છે તો આ વચન આગામી બજેટમાં પૂર્ણ કરશો. (અપના પ્રવચનની વીડીઓ આપ કહેશો તો હું મોકલી આપીશ)

(૧૭)    સ્થાનિકને નોકરીનો અમલ ઉદ્યોગો કરતા નથી. નિતી વધારે સ્પષ્ટ અને ખરેખર સ્થાનિક નજીકના લોકોને નોકરી મળે તેવુ આયોજન જરૂરી છે.

(૧૮)    જે વિસ્તારમાંથી કિંમતી ખનીજ નીકળે છે તે વિસ્તારના વિકાસ માટે ચોક્કસ રકમ અનામત રાખીને ત્યાજ વાપરવા બજેટમાં જોગવાઈ કરવા વિનંતી.

(૧૯)     નખત્રાણા ખાતેની કોલેજમાં સરહદી વિસ્તારના ગરીબ બાળકો અભ્યાસ કરે છે માટે તેને ગ્રાન્ટેડ કરવાની જાહેરત આગામી બજેટમાં કરવા વિનંતી છે.

 

આપનો સ્નેહાધિન,

(શક્તિસિંહ ગોહિલ)

——————————————————————————————————————————————————————

 

Letter to FM 001

Letter to FM 002Letter to FM 003Letter to FM 004