Close

July 9, 2015

Letter to CM DT:- 09/07/2015

Click here to view/download press note.

એક ખાનગી કંપનીના કાર્યક્રમમાં કચ્છ આવી રહેલા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને ખુલ્લો પત્ર લખીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યની ભૂતકાળની ઉત્તમ પરંપરા હતી કે મુખ્યમંત્રીશ્રી કોઈ પણ જીલ્લાના પ્રવાસે જતા ત્યારે જીલ્લાના ધારાસભ્યશ્રીઓને આગોતરી જાણ કરીને જીલ્લાના પ્રશ્નો માટે ધારાસભ્યશ્રીઓ સાથે મીટીંગ રાખવામાં આવતી હતી. ભાજપનું શાસન આવ્યા બાદ છેલ્લા થોડા વર્ષોથી આ પરંપરાનું અનુસરણ થતુ નથી માટે કચ્છના કેટલાક પ્રશ્નો ખુલ્લા પત્રથી આપના ધ્યાને મુકુ છું.

(૧)  નર્મદાનું ૧ મીલીયન એકર ફીટ વધારાનું પાણી કચ્છ જિલ્લાને આપવાનું છે. મને સરકારી તંત્ર દ્રારા આપવામાં આવેલી અધિકૃત માહતી મુજબ આ કામના છેલ્લા અંદાજો બન્યા છે તે મુજબ ૫૧૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ કામ માટે આપની પક્ષની સરકાર કે જે છેલ્લા ૨૨ વર્ષથી શાસનમાં છે તે બજેટમાં ૧૫% રકમ ફાળવતી નથી. સરકારના નિયમો મુજબ ૧૫% રકમ ન ફળવાય ત્યાં સુધી વહીવટી મંજુરી જ ન મળે જેથી કામ શરૂ જ ન થાય. આમ કચ્છને ૧ મીલીયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું કામ એક ઇંચ પણ થયેલ નથી. કચ્છ જિલ્લાને નર્મદાના પાણીનો સાચો લાભ તો જ મળે કે જો આ કામ પુર્ણ થાય. માટે આગામી વર્ષે આ કામ માટે બજેટમાં ૭૫૦ કરોડ કરતા વધારે રકમ ફાળવવા વિનંતી છે.

(૨)   કચ્છ જીલ્લાના લખપત, અબડાસા, નાની બન્ની, મોટી બન્ની જેવા વિસ્તારો સતત દુષ્કાળનો ભોગ બને છે. આ વિસ્તારોના ઘાંસ ડેપો ઉપર પુરતું ઘાંસ નથી ખાસ કરીને વાયોર તથા ફુલાય ડેપો પર સતત તકલીફ રહે છે. તો આ અંગે વ્યવસ્થા થવા વિનંતી છે.

(૩)  કચ્છ જીલ્લો પશુધન આધરિત જીલ્લો છે માટે ચાર કે પાંચ પશુઓની મર્યાદામાં ઘાંસના કાર્ડ આપવાના બદલે જેટલા પશુ તેટલા કાર્ડ મળવા જોઈએ.

(૪)  સમગ્ર ગુજરાતને બાવળ કાપીને કોલસો પાડવાની છુટ છે તો પછી કચ્છી માડુઓ માટે જ આપે  મુકેલ પ્રતિબંધ તાત્કાલિક દુર કરવો જોઈએ.

(૫)  કચ્છમાં આવેલી કંપનીઓ કચ્છના સ્થાનિકને રોજીરોટી આપતી નથી માટે સરકારે સ્પષ્ટ નીતિ  બનાવી તેનો અમલ કરવો જોઈએ.

(૬)  કચ્છ જીલ્લમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની, આરોગ્ય કેન્દ્રો માં ડોકટરોની, પશુ દવાખાનાઓમાં ડોકટરોની તથા સરકારી તંત્રમાં પુષ્કળ જગ્યાઓ ખાલી છે. કચ્છ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે કચ્છી ભાષા બોલતા ઉમેદવારોને ૧૦% વધારે માર્કસ આપી સરકારી નોકરીઓમાં ભરતી કરવી જોઈએ.

(૭)   દરિયાકાંઠાના હવામાનના કારણે PGVCL ની વીજ લાઈનોને ક્ષાર લાગે છે  તેનું મેઈન્ટેનન્સ બરાબર  ન થતું હોવાથી વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે માટે વીજ વાયરોનું મેઈન્ટેનન્સ રેગ્યુલર કરવું જોઈએ.

(૮)  સાંઠગાંઠ ધરાવતા મોટા માથાઓના વાહનો છડે ચોક ઓવરલોડ ચાલે છે તેના સામે કોઈ પગલા  લેવાતા નથી એન નાના ટ્રાન્સપોર્ટરોને પરેશાન કરવામાં આવે છે. ટોલટેક્ષના નામે કચ્છી જનતાને લુંટવામાં આવે છે. રસ્તા બરાબર ણ હોવા છતા લેવાતો ટોલટેક્ષ બંધ થવો જોઈએ.

(૯)  કચ્છમાં દલિત,બક્ષીપંચ તથા જમીન વિહોણા લોકોને ભૂતકાળમાં સાંથણીની જમીનો અપાયેલ છે આ જમીનો માટે ભરવાની થતી નજીવી રકમ અજ્ઞાનતાના કારણે જે ગરીબ લોકો ભરી નથી શક્યા તેમની જમીન ખાલસા કરવામાં આવે છે તેના બદલે સરકારે વિલંબ માફ કરીને રકમ સ્વિકારી જમીનો તેમના નામે કરવી જોઈએ.

(૧૦) જે વિસ્તારમાં ખનીજ નીકળે છે તે જ વિસ્તારના લોકોને નોકરી અને કોન્ટ્રેકટના નાના નાના કામોમાં પ્રાધાન્ય આપવું જોઈએ.

(૧૧) કોઠારા વિસ્તારના ખેડૂતોને તેમના વીજ કનેક્શન માત્ર PGVCL દ્રારા પેન્થર વાયરો નહી નખાવવાથી વીજ કનેક્શન લાંબા સમયથી નથી મળતા તો તંત્રની નબળાઈના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડવી જોઈએ.

(૧૨) ચુંટણી સમયે નારાયણ સરોવર ખાતે નર્મદાનું પાણી સરોવરમાં બારે માસ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ આ પાણી નારાયણ સરોવર પહોંચ્યુ નથી.

(૧૩) હિંદુ અને મુસ્લિમ ધર્મના અનેક પુરાતન સ્થળો કચ્છમાં આવેલ છે તેમની જાળવણી અને વિકાસ માટે કંઈ થતુ નથી. તો ખાસ જોગવાઈ કરીને આ કામો થવા જોઈએ.

(૧૪) કચ્છમાં ફોસીલપાર્ક માટે ખાસ સહાય આપવી જોઈએ.

(૧૫) પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોના ગામો રેવન્યુ ગામો તરીકે જાહેર  કરવા જોઈએ.

(૧૬) કચ્છના લોકોના પરિવારિક સબંધો પાકિસ્તાનમાં છે તો તેમને વહેવારિક પ્રસંગો એ જવા આવવા માટે વિસા તથા નાગરિકતાના પ્રશ્નો ઉકેલવા તંત્ર મદદરૂપ બને તેવી ગોઠવણ કરવી જોઈએ.

        મુખ્યમંત્રીશ્રી ખાનગી કંપનીઓ કે અંગત વ્યક્તિઓના માટે જ કચ્છમાં આવે અને સાથે સાથે થોડા સરકારી કાર્યક્રમ કે જેમાં ભાજપનો મેળાવડો હોય તેવા યોજે તેના બદલે કચ્છની જનતાના પ્રશ્નો માટે આવે અને તેને ઉકેલે તે જરૂરી છે. સરકારી કાર્યક્રમોમાં ભૂતકાળમાં હંમેશા ચૂંટાયેલા ધારાસભ્યોને પક્ષાપક્ષીથી ઉપર રહીને માનસન્માન અપાતું હતું. ધારાસભ્યશ્રીઓ ને સરકારી કાર્યક્રમોમાં પ્રજાની વાત મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં કહેવાની તક મળતી હતી. આશા છે કે આ ઉચ્ચ પરંપરા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પુનઃ શરૂ કરે.

—————————————————————————————-