Close

December 4, 2023

Press Note 04/12/2023 – પાકિસ્તાનમાં જેલમાં બંધ ભારતીય માછીમારોનો

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

સાંસદ રાજ્યસભા, પ્રમુખ –  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,

રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી

 

અખબારીયાદી                                                                                                   તા.૪.૧૨.૨૦૨૩

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો પ્રશ્ન રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો

 

  • જીપીએસ (વેસલ) સિસ્ટમ માટે ભારત સરકારે આપેલ રકમમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) દ્વારા ઉજાગર થયેલ ભ્રષ્ટાચારની સીબીઆઈ મારફત તપાસ કરવાની માંગણી કરતા શ્રી શક્તિસિંહ ગોહિલ
  • પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ માછીમારો અને તેમના પરિવારો માટે પત્ર સેવા પુનઃ ચાલુ કરવામાં આવે.
  • માછીમારના લોનના હપ્તા બંધ કરી નવી ફીશીંગ બોટ માટે પુનઃ સબસીડી ચાલુ કરવામાં આવે.
  • પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ માછીમારોના પરિવારોને ભરણપોષણ માટે પૂરતી રકમ આપવામાં આવે.

આજે રાજ્યસભામાં ઝીરો અવરમાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો પ્રશ્ન ઉઠાવતાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનના દરિયાકિનારાને અડીને આવેલ છે. આજે પણ ગુજરાતના 156 માછીમાર પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનના કાયદામાં ભૂલથી સરહદ પાર કરી હોય તો મહત્તમ ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ છે, પરંતુ આ કેદ માછીમારો પૈકી ઘણાં માછીમારો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાતની દરિયાઈ સીમામાંથી માછીમારોને વારંવાર બોટ સહિત ઉઠાવી લઈ જાય છે. આ ફિશિંગ બોટમાંથી મશીનરી વગેરે વસ્તુઓ ચોરી જાય છે, જેથી એ બોટ પાછી પણ આવે તો પણ એ બોટ માછીમારો માટે કોઈ કામની રહેતી નથી.

શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અગાઉ આદરણીય મનમોહનસિંહજીની સરકાર વખતે પાકિસ્તાનની કેદમાં રહેલ માછીમારો પોતાના પરિવારને પત્ર લખી શકતા હતા અને તેમનો પરિવાર પણ માછીમારોને પત્ર લખી શકતો હતો, જે આ સરકારમાં બંધ થઈ ગયું છે. એક પરિવારનો સભ્ય દુશ્મન દેશની જેલમાં કેદ હોય અને પરિવાર તેની ખબર પણ ન જાણી શકે ત્યારે તેમની માનસિક સ્થિતિ શું હશે ?  તે આપણે સમજી શકીએ છીએ. જેથી આ બંધ થયેલ પત્ર સેવા પુનઃ ચાલુ કરવી જોઈએ.

અગાઉ માછીમારની જે બોટ જપ્ત કરી હોય તે માછીમારના લોનના હપ્તા બંધ કરી દેવામાં આવતા હતા અને નવી ફીશીંગ બોટ માટે સબસીડી પણ આપવામાં આવતી હતી, જે પણ હાલ બંધ છે, જે પુનઃ ચાલુ કરવી જોઈએ.

માછીમારના પરિવારમાંથી કમાનાર પુરુષ સભ્યો લગભગ સાથે જ માછીમારી કરતા હોય છે. માછીમાર પરિવારના કમાનાર પુરુષ સભ્ય પાકિસ્તાનની જેલમાં બંધ હોય ત્યારે તેમના બાળકો અને મહિલા માટે ભરણપોષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા પરિવારના ભરણપોષણ માટે મળતી રકમ અપૂરતી છે, જેથી ભરણપોષણ માટે પૂરતી રકમ પરિવારને મળવી જોઈએ.

અગાઉની સરકારે જીપીએસ (વેસલ) ટ્રેકિંગ સિસ્ટમ માટે મોટી રકમ આપી હતી. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી માછીમાર ભારતની દરિયાઈ સીમામાં રહે તેવી તેને જાણ રહે અને દરિયાઈ સીમા પાર ન કરી લે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની ઈમ્પ્લીમેન્ટીંગ એજન્સી ગુજરાત સરકાર હતી. કેગે પણ સ્વીકાર્યું છે કે ભારત સરકારે માછીમારોની સલામતી સારૂ જીપીએસ સિસ્ટમ માટે જે રકમ આપી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેથી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ચાલતી નથી. ભારત સરકારે આપેલ રકમમાં થયેલ ભ્રષ્ટાચારની સીબીઆઈ મારફત ખાસ તપાસ થવી જોઈએ તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરી હતી.

———————————————————————————————————————————

Click here to Download Press Note 04.12.23