Press Note 04/01/2011 Vibrant Gujarat Guj
Click hear to download press note 04/01/2011 vibrant gujarat
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.૪.૧.ર૦૧૧
- વાયબ્રન્ટ ગુજરાતમાં થતાં ભ્રષ્ટાચાર અંગે જોઇન્ટ લેજીસ્લેટીવ કમિટિ(જે.એલ.સી.) રચવામાં આવે.
- હજારો નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો ભયંકર મુશ્કેલીમાં પીસાય છે તેમને રાજ્ય સરકાર મદદ કરતી નથી જયારે મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કરે છે.
- જયાં વાયબ્રન્ટ ઉત્સવ નથી થતાં ત્યાં વાસ્તવિક મૂડીરોકાણ ગુજરાત કરતાં વધારે.
- છેલ્લાં ત્રણ વર્ષમાં માનીતા ઉદ્યોગપતિઓને ૧૧૧પ૭ર૩૧૯.પ૭ ચો.મી.જમીન સરકારે મફતના ભાવે આપી.
- નોંધાયેલા શિક્ષિત બેરોજગારો ઘટવાના બદલે ગુજરાતમાં વધી રહ્યાં છે જે આજે આઠ લાખ કરતાં પણ વધારે છે.
- જો વિકાસ થયો છે તો ગુજરાતનું દેવું માત્ર ૮ વર્ષમાં ૧,૧૭૦૦૦ કરોડ કેમ થઇ ગયું?
- નવા એમ.ઓ.યુ. કરનારા પહેલાં જુના એમ.ઓ.યુ.નો સ્ટેટસ રિર્પોટ ફાઇલ કરે.’
- સન-ર૦૦૯ના વાયબ્રન્ટના એમ.ઓ.યુ.માં મોટા પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માત્ર પ.૧૦ ટકા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતના હિતમાં છે કે કેમ? અને વાયબ્રન્ટ ગુજરાતના નામે કેટલો ભ્રષ્ટાચાર થયો છે? તેની ચકાસણી કરવા જોઇન્ટ લેજીસ્લેટીવ કમિટી(જે.એલ.સી.) બનાવવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલની માંગણી. ગુજરાતના વિકાસમાં કોંગ્રેસપક્ષ હંમેશા મદદરુપ બનવા તત્પર રહે છે પરંતુ ગુજરાતના વિકાસના ભ્રામક પ્રચાર નીચે ગુજરાતની અબજો રુપિયાની પ્રોપર્ટી અને સંસાધનો માનીતા ઉદ્યોગપતિઓને ભ્રષ્ટાચારથી વાયબ્રન્ટ ઉત્સવ દરમ્યાન આપી દેવાનું કાવત્રુ ચાલે છે ત્યારે એક જવાબદાર અને રચનાત્મક વિરોધપક્ષ તરીકે કોંગ્રેસપક્ષ મૌન ન રહી શકે. વાયબ્રન્ટ ગુજરાતના નામે માનીતા ઉદ્યોગપતિઓને અઢળક જમીન પધરાવી દેવામાં આવે છે. જમીનો આપતી વખતે પારદર્શકતા કે જાહેર હરરાજી કરવામાં આવતી નથી જયારે ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને કોઇ જ સવલત આપવામાં આવતી નથી. ગુજરાતમાં અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારો મુશ્કેલીમાં પીસાય રહ્યાં છે ત્યારે બીજી તરફ માનીતા ઉદ્યોગકારોને માલામાલ કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી આંકડા મુજબ માનીતા ઉદ્યોગકારોને ૧૧૧પ૭ર૩૧૯.પ૭ ચો.મી.જમીન કે જે પ્રજાની માલિકીની હતી તે ફાળવી દેવામાં આવી છે. જમીનવિહોણા ખેડૂતો, નાના અગરીયાઓ, ગૌચર માટે માંગણી કરતાં માલધારીઓ કે ગૌશાળાના સંચાલકોને ભાજપ સરકાર એક વીઘો પણ જમીન આપતી નથી જયારે પોતાના માનીતા ઉદ્યોગકારોને મફતના ભાવે સરકારી જમીન મળે છે અને તેજ જમીનમાંથી મોટો નફો લઇને સરકારના આર્શિવાદથી ઉદ્યોગકાર જમીન વેચે છે.
વાયબ્રન્ટ ગુજરાતમાં એમ.ઓ.યુ.ની જાહેરાત માત્ર કાગળ પરજ રહે છે. ખરા અર્થમાં સાચુ મૂડીરોકાણ નહિંવત આવે છે. ગુજરાત સાચા મૂડીરોકાણમાં સન-૧૯૯રમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હતું. જયારે આજે સાચા મૂડીરોકાણમાં અન્ય રાજ્યો કરતાં ગુજરાત પાછળ છે. અનેક મોટા આંકડાઓના એમ.ઓ.યુ.ની જાહેરાત પછી કોઇજ પ્રગતિ ન થઇ હોય તેવા અસંખ્ય કિસ્સાઓ છે. તે પૈકી હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની(એચ.સી.સી.)એ રુ. ૪૦,૦૦૦/- કરોડ રુપિયાનું એમ.ઓ.યુ. ધોલેરા પાસે વોટર સીટી ડેવલપમેન્ટ માટે કર્યુ હતું. પરંતુ આ એમ.ઓ.યુ.પછી સાઇટ વીઝીટ થયાનું બહાર આવ્યું નથી. તેજરીતે યુનિવર્સલ સકસેશ એન્ટરપ્રાઇઝ દ્વારા એક લાખ કરોડ રુપિયાનું ટાઉનશીપ્ બનાવવા તથા ૧૦,૦૦૦/- મેગાવોટના પાવર પ્લાન્ટ માટે અને બંદરો માટે એમ.ઓ.યુ. થયા હતાં.આ એમ.ઓ.યુ. પછી શું થયું તેની કોઇને પણ ખબર નથી.૩૦,૦૦૦/ કરોડ રુપિયાના ખર્ચે ભાટીયા ગૃપ દ્વારા નેનો સીટી ડેવલપમેન્ટનો કરાર થયો હતો. પરંતુ તેમાં પ્રગતિ શૂન્ય છે. ૧૧,પ૦૦/ કરોડ રુપિયાના ખર્ચે વાઇટલ ઇનોવેશન સીટી વલસાડ પાસે બનાવવાનું એમ.ઓ.યુ. થયું હતું. આ પ્રોજેક્ટમાં ઓટો પાર્ટસ બનાવવાનું હબ બનશે અને કોરીયન કંપની આ એમ.ઓ.યુ.માં જોડાશે તેવી જાહેરાતો થઇ હતી પરંતુ આ પ્રોજેક્ટને પડતો મૂકાયો હોય તેમ અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે. કલેરીઝ લાઇફ સાયન્સ દ્વારા એસ.સી.ઝેડ બનાવવા માટે ૩૦,૦૦૦/કરોડનું એમ.ઓ.યુ. થયું હતું પરંતુ કશીજ પ્રગતિ થઇ નથી. આવા જો દાખલા આપીએ તો અઢળક કિસ્સાઓ છે. પ૦૦૦ કરોડનું એમ.ઓ.યુ. કરનાર પાંચ લાખ રુપિયાની પ્રગતિ કરે એટલે સરકાર એમ.ઓ.યુ.સંપૂર્ણ સફળ થયું છે અને પ૦૦૦ કરોડ જાણે રોકાણ થઇ ગયું હોય તેવી જાહેરાત કરે છે. ખરેખર વાયબ્રન્ટ ગુજરાતમાં ખોટી આંકડાકીય જાહેરાતો કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવે છે. જો ખરેખર વાયબ્રન્ટ ઉત્સવોમાં જાહેરાત થઇ હોય તેના ૧૦ ટકા જેટલું રોકાણ પણ હકીકતમાં આવ્યું હોય તો આજે ગુજરાતમાં કોઇ યુવાન રોજગારી વગરનો હોવો જોઇએ નહીં. પરંતુ સરકારી આંકડા જ બતાવે છે કે, ગુજરાતની અંદર બેરોજગારોની સંખ્યા ભૂતકાળ કરતાં અનેકગણી વધી છે. ગુજરાતમાં સન-૧૯૯૦માં માત્ર પપ૦૦૦/ સ્નાતક બેરોજગારો હતાં જે સન-ર૦૦૮માં ર,રર,૦૦૦/થઇ ગયાં છે. ઇજનેરો સન-૧૯૯૦માં માત્ર ૪૦૮પ બેરોજગાર હતાં જે આજે વધીને ૧૦,૦૦૦/ કરતાં પણ વધારે થઇ ગયાં છે. કૂલ શિક્ષિત બેરોજગારો સન-૧૯૯૦માં જે હતાં તેના કરતાં આજે ર.પ૦ લાખ જેટલાં વધી ગયાં છે. જો ખરેખર ગુજરાતમાં એમ.ઓ.યુ.ને અનુરૂપ સાચુ રોકાણ આવતું હોત તો ગુજરાતમાં આવી બેરોજગારી ન ઉભી થઇ હોત.
રાજ્ય સરકારે જ વિધાનસભામાં પ્રશ્ન ક્રમાંક-૧પ૦પ૩માં જણાવવું પડ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન ૮,૮,૮૮/- પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયાં હતાં અને તેમાંથી માત્ર ૭૩૭ પ્રોજેકટ કમિશન્ટ થયાં હતાં.ગુજરાતમાં જેમણે ભૂતકાળમાં એમ.ઓ.યુ.કર્યા છે તેઓએ એમ.ઓ.યુ. કેટલાનું કર્યુ હતું અને આજસુધિમાં ખરેખર રોકાણ કેટલું કર્યુ છે. તેનો સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યા વગર નવા એમ.ઓ.યુ. ન થવા જોઇએ. સન-ર૦૦૯ના વાયબ્રન્ટમાં થયેલાં એમ.ઓ.યુ.માંથી મોટા પ્રોજેક્ટો તો માત્ર પ.૧૦ ટકા રોકાણ તરફ આગળ વધ્યાં છે. સન-ર૦૦૯ના વાયબ્રન્ટ ગુજરાતમાં સાચુ મૂડીરોકાણ નહિવત આવ્યું છે. ચાલુ પ્રોજેક્ટોને વિસ્તરણ કરવાનું કામ પણ નવા એમ.ઓ.યુ. તરીકે ગણીને ગુમરાહ કરાય છે.
વાયબ્રન્ટ ગુજરાતના નામે માત્ર પ્રસિધ્ધીઓ અને અહમનું પોષણ થાય છે. રાજ્યના માહિતી ખાતા પાસે ૭૦૦ વ્યક્તિનો સ્ટાફ છે આમછતાં પ્રસિધ્ધિ અને જાહેરાતો માટે પી.આર.એફ.એજન્સી અને કન્સલટન્સ રાખીને પ્રજાની તિજોરીમાંથી કરોડો રુપિયા ખવાઇ રહ્યાં છે. વાયબ્રન્ટ ઉત્સવ-ર૦૦૯ દરમ્યાન જાહેરાતો અને હોર્ડિંગ્સ પાછળ ૬૯૧ લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને કરોડો રુપિયાની જાહેરાતો આપવામાં આવી હતી. પ્રજાના આવા કરોડો રુપિયાનો વ્યર્થ ખર્ચ કરવાના બદલે ગુજરાતના જ નાના ઉદ્યોગકારોને અને જરુરિયાતમંદને નાણાં આપવા જોઇએ. જે રાજયો વાયબ્રન્ટ જેવા ખોટા ઉત્સવો કરતાં નથી તે રાજયો પણ ગુજરાત કરતાં વાસ્તવિક મૂડીરોકાણમાં આગળ છે.ગુજરાત સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં માત્ર ત્રણ ઉદ્યોગકારોને જ પ૦૦૦ હેકટર જેટલી જમીન મફતના ભાવે આપી દીધી છે. કોંગ્રેપક્ષ ઉદ્યોગકારોના વિરોધી નથી પરંતુ માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગકારોને લાભો મળે અને જે સાચા અને નાના ઉદ્યોગકારો છે તેમને અહિત કરવામાં આવે છે. તેનોજ કોંગ્રેસપક્ષને વિરોધ છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રીએ ગુજરાત સરકારેજ પૂરી પાડેલ જમીનની ફાળવણીની હકીકતો પ્રેસ અને મિડિયાને પૂરી પાડી હતી.
ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે ડી.એલ.એફ., આઇ.ટી.સેઝને મંજૂરી મળી ગઇ છે અને ૩૦પ કરોડ રુપિયાનું મૂડીરોકાણ આવશે તેવી મોટી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ હકીકત તો એ છે કે તા.ર.૬.ર૦૦૯ના રોજ આ પ્રોજેકટને ડી-નોટિફિકેશનની મંજૂરી આપી દેવામાં આવી છે. અને આ પ્રોજેકટમાં ફૂટી કોડી પણ પ્રાપ્ત થવાની નથી.
ગુજરાતનો સાચો વિકાસ થતો હોય તો તેમાં ગુજરાત પરનું દેવું ઘટવું જોઇએ. હકીકતમાં ગુજરાતની જનતા ઉપર વેટના દરોમાં રપ ટકાનો વધારો નાખ્યા પછી અને કરોડો રુપિયાની આવકો મેળવી લીધા પછી પણ ગુજરાતની ઉપર પ્રવર્તમાન સરકાર આવી ત્યારથી જે નહિવત દેવું હતું તે વધીને આજે રુ. ૧,૧૭,૦૦૦ કરોડ રુપિયા થઇ ગયું છે. તટસ્થ બંધારણીય સંસ્થા(કેગ) દ્વારા પણ ગુજરાત સરકાર જે દેવું વધારી રહી છે તે ગુજરાતના હિતમાં નથી તેમ કહી ચૂકી છે.
ગુજરાતનો વિકાસ સમતુલિત કરવાના બદલે વાયબ્રન્ટ ઉત્સવો દ્વારા ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઇ વધારવાનું કામ થઇ રહ્યું છે. સરકારના માનીતાઓ અબજોપતી બની રહ્યાં છે જયારે ગુજરાતનો મધ્યમ વર્ગનો આમ આદમી વધુને વધુ કપરા જીવન તરફ ધકેલાઇ રહ્યો છે. અસમતુલિત વિકાસના કારણે અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરનો સામાન્ય માણસ કયારેય પોતાની માલિકીનું ઘર ન બનાવી શકે તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાજકોટમાં પિતાએ પોતાના સગા પુત્રની એમ કહીને હત્યા કરી કે હું મારા સંતાનનું ભરણપોષણ કરી શકું તેમ નથી. ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તેમની આ ગુજરાત સરકારને ચિંતા નથી. વાયબ્રન્ટ ઉત્સવના માધ્યમથી માત્ર ભ્રામક પ્રચાર કરીને ભ્રષ્ટાચારના દ્વાર ખોલાઇ રહ્યાં છે. જો ખરેખર વાયબ્રન્ટ ઉત્સવમાં કશુંજ ખોટું ન થતું હોય તો ગુજરાત સરકાર જોઇન્ટ લેજીસ્લેટીવ કમિટિ (જે.એલ.સી.)ની અમારી માંગણીનો સ્વીકાર કરે. દેશની સંસદને જે.પી.સી.ના મામલે આખા સત્ર સુધી નહીં ચાલવા દેનાર ભાજપમાં નીતિમત્તા હોય તો ગુજરાતમાં (જે.એલ.સી.)ની અમારી માંગણીનો સ્વીકાર કરે.
————————————————————————————————