Press Note 20-11-2024 ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતા
અખબારી યાદી તા. ૨૦–૧૧–૨૦૨૪
- ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો
- કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બનતો.
- ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે.
- ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂરી પાડવામાં આવી.
- શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજ્જ્વળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે.
- આદિવાસી વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ ચલાવવામાં આવશે.
- દરેક જિલ્લા મથક પર કલેકટરશ્રીઓને આવેદનપત્ર આપીને સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગણી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને ૨૫% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેઈડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પ્રેસ અને મીડિયા સમક્ષ ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર થયેલા પરિપત્રની નકલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂરી પાડવામાં આવી હતી.
સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ કોર્સ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, એમ.બી.એ., એમ.સી.એ., એમ.ઈ. અને એમ.ફાર્મસીથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, આવા લાભ લેનારા મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજ્જ્વળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે. ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના ૩૭૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે, જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ સંપૂર્ણ હકીકત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી (આદિવાસી) વિભાગના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પારગી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રજૂ કરી હતી અને માંગણી કરી હતી કે સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે.
આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય સામે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ ચલાવવામાં આવશે અને દરેક જિલ્લા મથક પર કલેકટરશ્રીઓને આવેદનપત્ર આપીને સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગણી કરવામાં આવશે. જિલ્લામાં મથકો પર જરૂર પડે દેખાવો અને આંદોલનો પણ કોંગ્રેસ પક્ષના આદિવાસી વિભાગ દ્વારા કરવામાં આવશે અને આદિવાસી વિસ્તારના જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા અન્યાયની વિરુદ્ધમાં લોકોની વચ્ચે જઈને સરકાર મેનેજમેન્ટ કોટામાં મળતા પ્રવેશની શિષ્યવૃત્તિ આદિવાસી વિદ્યાર્થીઓ માટે પુનઃ શરૂ કરે તેવી માંગણી કરશે.