Close

January 29, 2023

Press Note – 29/01/2023 પેપર લીક કૌભાંડ

Click here to download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

સાંસદ રાજ્યસભા, પ્રભારી – દિલ્હી અને હરિયાણા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી,

 

અખબારી યાદી                                                                                                           તા.૨૯.૦૧.૨૦૨૩

ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ની જુનિયર કલાર્કની જે ભરતીની પરીક્ષા હતી તેનું પેપર લીક થવાના કારણે આજે ફરી એકવાર પરીક્ષા રદ કરવામાં આવી છે. આશરે ૯ લાખ ૫૩ હજાર જેટલા વિદ્યાર્થી યુવા યુવતીઓ આ કડકડતી ઠંડીમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતે કરેલી અથાગ મહેનત માટે થઈને પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા હતા. ત્યારે આ ઘટના પહેલીવાર નથી ! છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન આશરે ૨૨ વખત અલગ અલગ ભરતી અને પરીક્ષાના પેપર લીક થયેલ છે. જેનું મને અત્યંત દુઃખ છે. યેનકેન પ્રકારે ૧૫૬ સીટો સાથે જંગી બહુમતીથી ચૂંટાયેલી આ ગુજરાત ભાજપ સરકારનો આ અહંકાર “યે આગે સે ચલી આતી હૈ” જેવી પેપર ફૂટવાની ઘટના મુજબ જ બનતા ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથેના ચેડા અને તેઓને સંપૂર્ણ અન્યાય થયેલ છે. ગુજરાત સરકારની આ કેવી વ્યવસ્થા છે? તેમની જવાબદારી ક્યા ગઈ ? આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં પેપર લીક થાય તે આ અહંકારી અને બેશરમ ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે આ એક વાર નથી બન્યું વારંવાર બની રહ્યું છે. લોકો આપને મત આપે છે અને ભાજપની તોતિંગ બહુમતિવાળી સરકાર બને છે. એનો અર્થ એવો નથી કે સરકાર એવા અહંકારમાં રહે. મહેનતકશ વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી જાય ! ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સહેલું નથી. મહિનાઓ જ નહિ વર્ષોની મહેનત બાદ ૨૦૦ કી.મી. દુર પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષા આપવા જવું અને વ્યવસ્થા ન હોય તો આગલી રાતે રાતની મુસાફરી કરીને પહોચવું પડે અને પછી જો પેપર ફૂટે ? તો તે વિદ્યાર્થીઓની માનસિકતા શું થઇ હશે? ગુજરાતના યુવાનોમાં સરકારી નોકરી માટે મહેનત કરનાર સૌને હતાશા ઉભી થઇ છે. આના માટે સંપૂર્ણ જવાબદારી ગુજરાત ભાજપ સરકારની જ છે. હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે આ કેસમાં સંડોવાયેલ તમામ ગુનેગારોને તુરંત પકડીને કડક પગલાં લે અને સજા થાય તેવી કાર્યવાહી કરે. આ પહેલીવાર નથી પરંતુ વારંવાર થાય છે ત્યારે તેના મૂળ સુધી જઇયે તો ક્યાંકને ક્યાંક ભાજપના લોકો જ આમાં સંકળાયેલા નીકળે છે. જે આ સરકાર માટે અત્યંત શરમજનક છે. તો આના માટે લીફાફોપી ન કરવામાં આવે. જે વિદ્યાર્થી ભાઈ બહેનોને કેન્દ્ર સુધી આવવા જવાનો ખર્ચ થયો હોય અને રાત રોકાણ થયેલ હોય અને તેની મહેનત એળે ગઈ છે ત્યારે આનું વળતર કોઈ પૈસાથી તો ચૂકવાય તેમ જ નથી. પરંતુ મધ્યમ વર્ગના પરિવારોના માટે કમ સે કમ જે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષા આપવા ગયા હોય તેઓને આપની ભૂલે પેપર લીક થવા કારણે જે નુકશાન થયું છે તેનું વળતર પણ દરેક યુવા યુવતીઓને આપવામાં આવે, ગુજરાતના ૯ લાખ ૫૩ હજાર જેટલા યુવા યુવતીઓના ભવિષ્ય સાથે આ ચેડા જ છે ત્યારે હું આશા રાખું છું કે સરકાર માત્ર સત્તા મળી જાય છે, મતો મળી જાય છે. એના અહંકારમાં ન રહે અને ગુજરાતના આ વિદ્યાર્થી યુવા યુવતીઓનાં ભવિષ્યને અત્યંત ગંભીરતાથી ધ્યાનમાં લે.

 —————————————————————————————————————————–