Close

October 18, 2010

Press Note Date : 18/10/2010 GUJ

Pl. Click here to Donwload Press Note 18/10/2010 GUJ Bor Talav

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

અખબારી યાદી તા.૧૮.૧૦.ર૦૧૦

ભાવનગરની પ્રજાની માલિકીના બોર તળાવ અને વિકટોરીયાપાર્કની સર્વે નં.૪૭૧ તથા ૪૭રની જમીનના વિવાદમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ભાવનગરની જનતાની તરફેણમાં ચુકાદો.

ઘણાં લાંબા સમયથી ચાલી રહેલાં ભાવનગરના બોર તળાવ અને વિકટોરીયાપાર્કની જમીનના વિવાદના સંદર્ભમાં  નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઇસ્‍કોન બિલ્‍ડર્સ કે જેમણે પાલીતાણા સુગર મિલ પાસેથી વિવાદાસ્‍પદ જમીન ખરીદ કરેલ છે તેમણે પીટીશન દાખલ કરી હતી.ગુજરાત સરકાર તથા ભાવનગર મહાનગરપાલિકા વિગેરે આ મેટરમાં પક્ષકાર  હતાં. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે તેમજ ભાવનગરના અગ્રગણ્‍ય નાગરિકો શ્રી બુધાભાઇ પટેલ, શ્રી પ્રતાપભાઇ શાહ, શ્રી અરુણભાઇ મહેતા, શ્રી વી.બી.તાયલ, શ્રી દર્શનભાઇ ભટ્ટ વિગેરેએ પક્ષકાર તરીકે નામદાર સુપ્રીમ કોર્ટમાં જોડાવાની અરજી કરી હતી. વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવીટ ફાઇલ કરીને તમામ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતાં કે, ભાવનગરનું બોર તળાવ અને વિકટોરીયાપાર્ક આઝાદી આવી ત્‍યારથી પ્રજાની માલિકીનું છે. પાલીતાણા સુગર મિલ દ્વારા જે સર્વે નંબરની જમીનો ખરીદ કરવામાં આવી હતી તે જમીનોની સાથે સર્વે નં.૪૭૧ તથા ૪૭રની વિકટોરીયાપાર્ક અને બોર તળાવની જમીન દસ્‍તાવેજમાં દર્શાવવામાં આવી હતી તે વેચનારની માલિકીની ન હતી અને તેથી પ્રજાની માલિકીની જમીન જે તે સમયે પાલીતાણા સુગર મિલની બનતી જ ન હતી અને તેથી ઇસ્‍કોન બિલ્‍ડર્સની આ જમીન પર કોઇ માલિકી બની શકે નહીં. રજુ થયેલાં તમામ રેવન્‍યુ રેકર્ડ તથા દસ્‍તાવેજી પુરાવાઓ પરથી સંપૂર્ણ સ્‍પષ્‍ટ છે કે બોર તળાવ તથા વિકટોરીયાપાર્ક ભાવનગરની જનતાની માલિકીના હતાં અને છે. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આજરોજ તા.૧૮.૧૦.ર૦૧૦ના રોજ મેટર ચાલી હતી અને ઇસ્‍કોન બિલ્‍ડર્સની જે માંગણી હતી તે સર્વે નં.૪૭૧ અને સર્વે નં.૪૭રની જમીન તેમને આપી દેવામાંઆવે તેમજ બોર તળાવની આ જમીનનું પાણીમાં થતું ડુબાણ પણ સરકારે બંધ કરી દેવું, આ બન્‍ને સર્વે નંબરને ‍બીન ખેતીની મંજૂરી આપી દેવી તથા આ બન્‍ને સર્વે નંબરોનો કબજો ઇસ્‍કોન બિલ્‍ડર્સને આપી દેવામાં આવે. ઉપરાંત જે કબજો ઇસ્‍કોન બિલ્‍ડર્સ પાસે છે તેમાં કોઇ હસ્‍તક્ષેપ કરવો નહી. નામદાર સુપ્રીમ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ ઇસ્‍કોન બિલ્‍ડર્સની પીટીશન ડીસમીસ કરવાનું વલણ અખત્‍યાર કરતાં ઇસ્‍કોન બિલ્‍ડર્સને પોતાની પીટીશન નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી લેવાની ફરજ પડી હતી.

શ્રી ગોહિલે આશા વ્‍યક્ત કરી છે કે, હવે જયારે નામદાર સુપ્રીમ કોર્ટનું વલણ ન્‍યાયની સંપૂર્ણ યોગ્‍ય દિશામાં પ્રજા હિતમાં રહેલું છે ત્‍યારે રાજય સરકાર અને મહાનગરપાલિકા પ્રજાની માલિકીની આ જમીન અંગે જરુરી સરકારી હુકમો તાત્‍કાલિક કરશે અને ઇસ્‍કોન બિલ્‍ડર્સ દ્વારા નામદાર સુ‍પ્રીમ કોર્ટમાં પછડાટ મળ્યા પછી પણ જો કાયદાકીય દાવપેચ ઉભા થશે તો તેમાં જનહિતમાં સરકારી તંત્ર સંપૂર્ણ જાગૃત રહીને પ્રજા હિતને નુકશાન ન થાય તેની તકેદારી રાખશે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રીએ ભાવનગરના જાગૃત નાગરિકો, ભાવનગરની જનતા તથા સરકારી અધિકારીશ્રીઓએ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખેલાં વલણને આવકારેલ છે. તમામ રાજકીય પક્ષોએ જનતાના હિતમાં આ પ્રશ્‍નમાં હજુ પણ જો જરુર ઉભી થાય તો રાજકારણથી પર ઉઠીને પ્રજાના હિતમાં લડવા તત્‍પર રહેવું પડશે તેમ જણાવ્‍યું હતું.

=======================================