Close

July 21, 2010

Press Note Date : 21/07/2010 GUJ

Click here to Download PRESS NOTE Dt. 21/07/2010 GUJ

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

અખબારી યાદી      તા. ર૧-૦૭-૨૦૧૦

સ્‍વ. અમિત જેઠવા ખૂબ જ જાણીતા પર્યાવરણ અને આર.ટી.આઇ.ના એકટીવીસ્‍ટ હતાં. શ્રી જેઠવા સત્‍તાધારી પક્ષના અનેક માફીયાઓ તેમજ પ્રજાને નુકશાન કરનારા તત્‍વો સામે હિંમતપૂર્વક લડતા હતાં. ગુજરાતના ગૌરવ સમા રક્ષીત જંગલ (ગીરમાં) ગેરકાયદેસર ખનીજ ખોદાણની સામે તેમણે એક જબરજસ્‍ત ઝૂંબેશ ચલાવીને સત્‍તાધારી પક્ષના મોટા માથાઓને ખૂલ્‍લાં પાડવાનું કામ મર્દાનગીપૂર્વક કર્યુ હતું. સ્‍વ. શ્રી જેઠવા ગુજરાતની વર્તમાન ભ્રષ્‍ટ સરકારની ભ્રષ્‍ટ નિતીઓ તથા ભ્રષ્‍ટાચાર સામે લડતા હોવાના કારણે  તેમને ખતમ કરી નાંખવામાં આવ્‍યા છે તે અત્‍યંત દુઃખદ છે. સૌથી વધારે આઘાતજનક બાબત એ છે કે, ગુજરાતના ઉચ્‍ચ ન્‍યાયાલયની સામે જ સ્‍વ.જેઠવાની હત્‍યા કરવામાં આવી છે. ન્‍યાયના મંદિર પાસે પી.આઇ.એલ. લઇને જનારા સ્‍વ. શ્રી જેઠવાએ પ્રજા હિતમાં લડતાં લડતાં પોતાનો જીવ ગુમાવ્‍યો છે. જાહેર હિતની અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરીને ગેરકાયદેસર ખનીજ ખોદાણ કરનારા લોકો કે જેમાં ભાજપના મોટા માથાઓ છે તેમના વિરુધ્‍ધ લડનારા સ્‍વ. શ્રી જેઠવાના હત્‍યારાઓ અને તે હત્‍યા પાછળ કાવતરુ કરનારા પડદા પાછળના તત્‍વોને ખુલ્‍લાં પાડીને ન્‍યાય આપવામાં આવે તેમાં જ ગુજરાતનું ગૌરવ છે. સ્‍વ. જેઠવાના પિતાશ્રીએ મુખ્‍યમંત્રીશ્રીના ખાસ નજીકના અને ભાજપના સંસદસભ્‍યશ્રી દિનુભાઇ બોઘાભાઇ સોલંકીનું આ ખૂનમાં જોડાણ હોવાનો આરોપ મૂકેલો છે ત્‍યારે શ્રી જેઠવાની હત્‍યાના સંદર્ભમાં ન્‍યાય અપાવવો તે અત્‍યંત જવાબદારીવાળું કામ બની રહેશે.

રાજયના રા.ક.ના ગૃહમંત્રીશ્રીના વિસ્‍તારમાં થયેલી અમાનવીય હત્‍યા બતાવે છે કે, ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થા નથી અને માત્ર અસામા‍જીક તત્‍વોને ગુંડાગીરીને છૂટો દોર આપવામાં આવ્‍યો છે. મુખ્‍યમંત્રીશ્રી અને સરકાર સાથે સાંઠગાંઠ ધરાવનારા લોકોની વિરુધ્‍ધ જે કોઇ અવાજ ઉઠાવે અથવા નામદાર  હાઇકોર્ટ સમક્ષ જવાની કોશીષ કરે તો નામદાર ગુજરાત હાઇકોર્ટની સામેજ તેની હત્‍યા થાય તે સૌના માટે શરમજનક છે. પૂજ્ય મહાત્‍મા ગાંધીના ગુજરાતમાં પ૦ વર્ષના ઇતિહાસમાં આવી અરાજકતા કયારેય પણ નહોતી. જાહેર હિતની અરજી કરીને પ્રજાના હિતમાં લડનારા એક પ્રામાણિક અને નિષ્‍ઠાવાન યુવાનની હત્‍યા નામદાર ગુજરાત હાઇકોર્ટ સામે થઇ છે ત્‍યારે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે નામદાર હાઇકોર્ટ પણ આ હત્‍યાના સંદર્ભમાં  ન્‍યાય અપાવવા સુઓમોટો કરવા પ્રયત્‍ન કરશે તેવી આશા વ્‍યક્ત કરી છે. મુખ્‍યમંત્રીશ્રીના નજીકના સાગરીત અને ભાજપના સંસદસભ્‍યશ્રીની સામે જયારે આરોપ મૂકાયો છે ત્‍યારે ગુજરાતની પોલીસ તરફથી સાચો ન્‍યાય મળે તેવી અપેક્ષાઓ રહેતી નથી. નામદાર ગુજરાત હાઇકોર્ટના સુપરવિઝન નીચે સી.બી.આઇ તપાસ કરે તેવી નામદાર સુપ્રીમ કોર્ટની પહેલ થાય તો જ ન્‍યાય મળશે તેવી આશા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે વ્‍યક્ત કરી છે.

વાયબ્રન્‍ટ ગુજરાતના ગૌરવપૂર્ણ સ્‍વર્ણિમ વર્ષમાં શ્રી નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ગુજરાતનું ગૌરવ સતત ખંડિત થયું છે તેનો આ નક્કર પુરાવો છે.

================================