Close

July 27, 2010

Press Note Date 27/07/2010 GUJ

Click here to Download Press Note 27072010 GUJ Ltr To Shri Gadkariji

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                તા.ર૭.૭.ર૦૧૦

  • ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાનો ખુલ્‍લો પત્ર.
  • ગુજરાતની જ પોલીસે ત્રણ વર્ષ સુધી નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ કરી હતી અને છતાં આંધ્રપ્રદેશના કોઇપણ પોલીસની ધરપકડ કરાઇ ન હતી.
  • ગુજરાતમાં સી.બી.આઇ.ની તપાસ નામદાર સુપ્રિમ કોર્ટે ત્રણ વર્ષ સુધી ગુજરાત સરકારને સત્‍ય બહાર લાવવા તક આપ્‍યા પછી સોંપી છે.
  • ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખના સન્‍માનિત હોદ્દા પર બેઠેલા વ્‍યકિતને સામાન્‍ય જ્ઞાન પણ નથી.
  • ડી.જી.વણઝારાનું બનાસકાંઠા વિસ્‍તારમાં પોસ્‍ટીંગ કરીને તુર્તજ તુલશી પ્રજાપતિને આજ વિસ્‍તારમાં મારી નાખવામાં આવ્‍યો.
  • ડી.જી. વણઝારાનું પોસ્‍ટીંગ ગૃહમંત્રીશ્રી અને મુખ્‍યમંત્રીશ્રી જ કરી શકે.
  • દેશમાં જયારે નિર્દોષ મહિલા પર અત્‍યાચાર થયો છે ત્‍યારે અત્‍યાચારીની સત્‍તા ભ્રષ્‍ટ થઇ છે. રાવણ અને સિતાજીનો કિસ્‍સો તથા કૌરવો અને દ્રોપદીનો કિસ્‍સો એ ભા.જ.પ. અને કૌશરબીના કિસ્‍સા સાથે સાંકળી શકાય.
  • ગુજરાતના એડિશનલ ડી.જી.પી એ લેખિતમાં જણાવ્‍યું હતું કે માધુપુરા બેન્‍કના તહોમતદાર પાસેથી  શ્રી અમિત શાહે ર.પ૦ કરોડની લાંચ લીધી છે.
  • કોંગ્રેસના વરિષ્‍ઠ નેતાનું નામ ગુનેગાર તરીકે આવતાં તુર્તજ કોંગ્રેસે તેની સાથે છેડો ફાડી નાખ્‍યો હતો જયારે ભારતીય જનતા પાર્ટી ગુનેગારને છાવરે છે.
  • ફાઇલ થયેલું ચાર્જશીટ શ્રી અભય ચુડાસમાનું છે નહી કે અમિતભાઇ શાહનું.

ભારતીય જનતા પક્ષના રાષ્‍ટ્રીય પ્રમુખશ્રી  ગડકરીજીને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના  નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે આજે ખુલ્‍લો પત્ર લખીને જણાવ્‍યું છે કે, ગડકરીજી આપ દુનિયાની મોટી લોકશાહી  એવા ભારત દેશનાં બીજા નંબરના પક્ષના પ્રમુખ છો. આપનું પદ  મારા માટે આદર અને સન્‍માન આપવા લાયક છે આપશ્રીના ગુજરાતની અંદર ચાલતી સી.બી.આઇ.ની તપાસના સંદર્ભમાં  કરાયેલ નિવેદનને આજે વાંચ્‍યા પછી અતિ વિનમ્રભાવે સત્‍ય આપની પાસે આ ખુલ્‍લા પત્રથી રજુ કરુ છું. આટલા મોટા મહત્‍વના પદ પર બેઠા પછી કેસના સીધેસીધા તથ્‍યો પણ આપની જાણકારીમાં નથી તે જાણીને મને અત્‍યંત નવાઇ લાગી. આપશ્રીએ જણાવ્‍યું છે કે,સી.બી.આઇ આંધ્રના પોલીસ અધિકારીઓની કેમ ધરપકડ કરતી નથી? શું આપને એ વાતની ખબર નથી કે આજ કેસની તપાસ ગુજરાતની પોલીસે ત્રણ વર્ષ સુધી કરી હતી. તપાસનીશ ઉચ્‍ચ અધિકારીને ગુજરાત સરકારે પોતાની મરજી મુજબ બદલી કરીને તપાસ  કરાવી હતી. તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ પણ ફાઇલ કરેલું હતું. જો આપ એમ માનતા હો કે આંધ્રની પોલીસની ધરપકડ થવી જોઇએ તો પછી ગુજરાતની પોલીસે ત્રણ વર્ષ સુધી તપાસ કરી અને તેમાં  આંધ્રના પોલીસ અધિકારીઓની કેમ ધરપકડ  ન કરી? આપશ્રીએ નિવેદન કરતાં પહેલાં નામદાર સુપ્રિમ કોર્ટનું જજમેન્‍ટ વાંચ્‍યુ હોત તો પણ આ સવાલનો જવાબ આપને મળી ગયો હોત.

આપશ્રી કુદરતનો ક્રમ અને દેશની સંસ્‍કૃતિના ઇતિહાસથી વાકેફ હશોજ કે, આ દેશમાં નિર્દોષ મહિલા પર જે કોઇ રાજ સત્‍તાએ અત્‍યાચાર કર્યો છે તેની રાજસત્‍તા નષ્‍ટ થઇ છે.રાવણે સીતાજી પર અત્‍યાચાર કર્યો અને લંકા નષ્‍ટ થઇ. સતત જીતતા કૌરવોએ દ્રોપદીજી ઉપર  અત્‍યારચાર કર્યો અને કૌરવોનું પતન થયું એજ રીતે આ દેશની નિર્દોષ નારી કૌશરબી ઉપર અત્‍યાચાર કરનારાઓ તરફ કુદરતની સજાનો પ્રહાર થઇ રહ્યો છે. આ સંજોગોમાં જેમણે ગુનો કર્યો છે તેને આપશ્રી કે આપના પક્ષે છાવરવાનો પ્રયત્‍ન ન કરવો જોઇએ રાવણનો સાથ વિભિષણે પણ છોડી દિધો હતો કારણ કે, રાવણ પાપના રસ્‍તે હતો. ગુજરાતની પોલીસ અને ગુજરાત ભાજપના નેતાઓએ જે પાપ કર્યુ છે તેમાં આપે કે આપના પક્ષે ભાગીદાર ન થવું જોઇએ.

કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા નટવરસિંહનું નામ ખોટી પ્રવૃતિમાં જેવું બહાર આવ્‍યું કે તુર્તજ કોંગ્રેસપક્ષે નટવરસિંહને બચાવવાના બદલે તેમના સાથે છેડો ફાડી નાખ્‍યો હતો. આવા અનેક દાખલા જાહેર જીવનમાં આપને જોવા મળશે. ગુજરાતના ભાજપના નેતાનું નામ ગુનેગાર તરીકે આવ્‍યા પછી તેને બચાવવાનો પ્રયત્‍ન કેટલાઅંશે વ્‍યાજબી છે?

જો સી.બી.આઇ. કાંઇ ખોટું કરતી હોય કે કોઇના ઇશારે કાંઇ ખોટું થતું હોય તો નામદાર સુપ્રિમ કોર્ટ પાસે ફરિયાદ કરવી જોઇએ પરંતુ આમ કરવામાં એટલા માટે નથી આવતું કારણ કે, સી.બી.આઇ. કશુંજ ખોટું કરતી નથી અને તહોમતદારો સામેના પૂરતાં પુરાવા ઉપલબ્‍ધ છે.

આપ એ વાત સ્‍વીકારશો કે શ્રી અમિત શાહ સામે ગુજરાતની પોલીસના એડિશનલ ડી.જી.કક્ષાના અધિકારીએ તા.૧.૮.ર૦૦પનારોજ સી.આઇ.ડી.ક્રાઇમના વડા તરીકે ગુજરાતના ચીફ સેક્રેટરીને પત્ર લખ્‍યો હતો કે માધુપુરા સહકારી બેન્‍કના ૧૬૦૦ કરોડના કૌભાંડકારી આરોપી કેતન પારેખને જેલમાંથી મુક્ત કરવા ગૃહ રાજ્યમંત્રીશ્રી અમિત શાહે ર.પ૦ કરોડ રુપિયાની લાંચ લીધી છે. આ લાંચની તપાસ ગુજરાતની પોલીસ કરી શકશે નહી માટે સી.બી.આઇ.મારફત તપાસ કરાવવી જોઇએ. આમછતાં આ અંગેની તપાસનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો નથી. અડવાણીજીના મત વિસ્‍તારમાં વડું મથક ધરાવતી માધુપુરા સહકારી બેન્‍કમાં અડવાણીજીના વિસ્‍તારના મોટા ભાગના લોકોના કરોડો રુપિયા ફસાઇ ગયા હોય અને તેના તહોમતદારને મદદ કરવા જો અમિત શાહે ર.પ૦ કરોડ લીધાં હોય તો તે વ્‍યક્તિને આપશ્રી કેમ છાવરી શકો? શ્રી અમિત શાહ સામેનો આ આક્ષેપ સી.બી.આઇ.એ નથી કર્યો પરંતુ ગુજરાતની પોલીસના એડિશનલ ડી.જી.કક્ષાના વ્‍યકિતએ લેખિતમાં કરેલો છે.

ગુજરાતમાં સી.બી.આઇ.ની તપાસ કેન્‍દ્ર સરકાર કે કોંગ્રેસના કહેવાથી નથી ચાલતી. નામદાર સુપ્રિમ કોર્ટે  મહીનાઓ સુધી કેસની સુનાવણી કરી હતી. ગુજરાત સરકારને પૂરેપૂરી તક આપી હતી કે ગુજરાત સરકાર આ કેસની તપાસ કરે. ત્રણ વર્ષના અંતે નામદાર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના આઠ જેટલા સોગંદનામા પરના એકશન ટેકન રિપોર્ટ ધ્‍યાને લીધા હતા અને તે  પછી જયારે નામદાર સુપ્રિમ કોર્ટને એમ લાગ્‍યું કે  તપાસ બરાબર થતી નથી ત્‍યારે કોઇ લાર્જર કોન્‍પીરન્‍સી છે કે કેમ?, કોઇ ઓબ્‍લીક મોટીવ છે કે કેમ?, કૌશરબીના અસ્‍થીનું શું થયું? અને ત્રીજી વ્‍યકિત તુલશીરામ પ્રજાપતિ કે અન્‍ય કોણ હતું? તેની તપાસ નામદાર સુપ્રિમ કોર્ટે સોંપી છે. સમગ્ર તપાસનો અહેવાલ નામદાર સુપ્રિમ કોર્ટમાં સી.બી.આઇ.એ રજુ કરવાનો છે અને નામદાર સુપ્રિમ કોર્ટ પાસે આ સમગ્ર મેટર પેન્‍ડીંગ છે.દેશમાં થયેલાં અન્‍ય એન્‍કાઉન્‍ટરોમાં નામદાર સુપ્રિમ કોર્ટે  આ પ્રકારે કહેવું પડ્યુ નથી કારણ કે, ગુજરાતમાં ટૂંકા ગાળામાં અનેક હિન્‍દુ અને મુસલમાનોને મારી નાંખવામાં આવ્‍યા હતાં અને દરેક એન્‍કાઉન્‍ટરમાં એવી વાર્તા મૂકવામાં આવી હતી કે, મરનારના ખિસ્‍સામાંથી ચીઠ્ઠી મળી છે જેમાં મરનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને મારવા માંગતો હતો તેમ લખ્‍યું હતું. મરનારે આતંકવાદીની ટ્રેનિંગ લીધી હતી અને મરનાર પાસેથી દેશી તમંચો પ્રાપ્‍ત થયેલો છે. એક સામાન્‍ય માણસ પણ સમજી શકે કે, આતંકવાદની ટ્રેનિંગ લઇને આવનારો દેશી તમંચો લઇને ન આવે મારવા જનારો કયારેય પોતાના ખીસ્‍સામાં કોને મારવા જવું છું તેવી ચીઠ્ઠી ન મૂકે.

રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટ સમક્ષ પોતેજ સ્‍વીકારવું પડ્યુ હતું કે એન્‍કાઉન્‍ટર એ નકલી હતાં. રાજય સરકારે આ નકલી એન્‍કાઉન્‍ટરો, પોલીસ અધિકારીઓ નેમ,ફેમ અને પ્રમોશન માટે કરતાં હતાં તેમ કહી ગુજરાતના પોલીસ અધિકારીઓ પર દોષનો ટોપલો  નાખ્‍યો હતો. પરંતુ શંકા પ્રેરે એવી વાત એ હતી કે નજરે જોનારા સાક્ષી તુલશીરામ પ્રજાપતિને રાજસ્‍થાનની જેલમાં તપાસવા જવાની ગુજરાત સરકારે મંજૂરી આપતી ન હતી અને એ દરમ્‍યાન જ ડી.જી.વણઝારાનું પોસ્‍ટીંગ બનાસકાંઠામાં રેન્‍જ ડી.આઇ.જી. તરીકે કરવામાં આવ્‍યું હતું અને આ પોસ્‍ટીંગના સાત દિવસ પછી શ્રી વણઝારાની હકુમતના વિસ્‍તારમાં તુલશીરામ પ્રજાપતિને રાજસ્‍થાનની જેલમાંથી લાવી એન્‍કાઉન્‍ટરમાં મારી નાખવામાં આવ્‍યો હતો. શ્રી ડી.જી. વણઝારાનું પોસ્‍ટીંગ એ વર્ગ-૧નું પોસ્‍ટીંગ છે અને તેથી ગુજરાતના સામાન્‍ય વહીવટ વિભાગના નિયમો મુજબ વર્ગ-૧નું પોસ્‍ટીંગ, બદલી કે નિમણૂંક ગૃહમંત્રીશ્રી અને મુખ્‍યમંત્રીશ્રીની ફાઇલ પરની સહી વગર ન થઇ શકે. આ સ્‍વયં સ્‍પષ્‍ટ બતાવે છે કે,પોલીસ અધિકારીઓ પરજ દોષનો ટોપલો નાંખવાની કોશીષ કરનારી ગુજરાતની સરકાર કાવતરાની સૂત્રધાર હતી. શ્રી તુલશીરામ પ્રજાપતિએ  મરતાં અગાઉ ઘણાંદિવસો પહેલાં એન.એચ.આર.સી.ને પત્ર લખીને કહયું હતું કે, મને ગુજરાતની પોલીસ મારી નાખશે.

ગડકરીજી આપશ્રીને એટલું તો જ્ઞાન હોવું જોઇએ કે સી.બી.આઇએ જે ચાર્જશીટ રજુ કર્યુ છે તે અગાઉ પકડેલાં તહોમતદાર અભય ચુડાસમા તથા અન્‍યનું છે. સી.આર.પી.સી.ની જોગવાઇ મુજબ એ ચાર્જશીટના કોલમ-રમાં  શ્રી અમિતભાઇ શાહનું નામ છે. શ્રી અમિતભાઇ શાહ સામે હવે ૯૦ દિવસમાં ચાર્જશીટ રજુ કરવાનું થશે.

—————————————————————————————————-