Press Note Date : 31/08/2010 GUJ
Click here to Download Press Note Date : 31/08/2010 CLP Meeting
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબાર યાદી તા.૩૧-૮-ર૦૧૦
• ગુજરાતના ગૃહમંત્રી ખંડણીખોરી કરતાં પકડાયા છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે.
• વિધાનસભાના અધ્યક્ષશ્રી અશોકભાઇ ભટ્ટની તંદુરસ્તી માટે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓની પ્રાર્થના.
• છ મહિના પછી વિધાનસભાનું એક દિવસ માટેનું સત્ર તે સંસદીય પ્રણાલિકાઓનું અપમાન છે.
• સરકારી સમારંભોમાં પ્રજાના પૈસે સસ્તી પ્રસિધ્ધી કરી અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની અવગણના લોકશાહીથી વિરુધ્ધ.
• ગરીબોને ઘેરબેઠાં મળતી યોજનાઓના બદલે ગરીબ કલ્યાણ મેળાનાં વચેટીયાઓ પૈસા ખાઇ જાય છે.
• ગરીબ કલ્યાણ મેળાના નામે ગુજરાતના લાભાર્થીઓને ભિક્ષુક જેવી પરિસ્થિતિમાં મૂકવાનું લોકશાહીનું કલંકીત કામ.
• સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓને આમંત્રણ નહીં આપીને સરકારશ્રીના પરિપત્રોનું ઉલ્લંઘન.
• વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે કોંગ્રેસને મળવું જોઇએ.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષની એક મહત્વની બેઠક આજરોજ મંગળવારે સાંજે ૪-૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળી હતી.પ્રવર્તમાન પરિસ્થિતિ અને આગામી વિધાનસભાના સત્રના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા વિચારણાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી. આજની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, સિધ્ધાર્થભાઇ પટેલ, ઉપ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, પૂર્વ નેતાશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, દંડક શ્રી ઇકબાલભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહયાં હતાં. વિધાનસભા કોંગ્રેસપક્ષની આજની બેઠકમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતાં.
ઠરાવ-૧
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી છે. રાજયનાં પૂર્વ ગૃહમંત્રીશ્રી પોતેજ ખંડણી ઉઘરાવતા અને ગુન્હાહિત કૃત્યોની કાવતરાખોરી કરતાં હાલ જેલમાં છે. ગુજરાતની જનતાને અસલામતીના ઓથાર નીચે જીવવું પડે છે. જેમણે રક્ષણ આપવુ જોઇતું હતું તેજ ભક્ષક બનેલાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલિતો પર સતત અત્યાચાર થતાં આવ્યા છે અને તેમને રક્ષણ આપવાની રાજય સરકારે ચિંતા કરી નથી. વર્તમાન ભાજપ સરકારની નીતિ-રિતી દલિત વિરોધી રહી છે. તાજેતરમાં વડોદરા શહેરમાં એક દલિત પૂર્વ કોર્પોરેટરશ્રીએ દલિતોની મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવવા જતાં તેમના પર ભાજપના આગેવાનોએ તેમના નેતાઓની હાજરીમાં ખૂની હુમલો કર્યો હતો. આ માજી કોર્પોરેટરશ્રીનો કાનનો પડદો તૂટી ગયો હતો અને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના એકદમ નજીકના લોકો દ્વારા ગેરકાયદેસર ચાલતાં ખનીજ ખોદાણ સામે જાહેર હિતની અરજી દાખલ થઇ હતી. પ્રજાના હિતમાં ભાજપની સામે લડનાર યુવાનની નામદાર ગુજરાત હાઇકોર્ટની સામે જ ક્રૂર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર રાજયમાં લૂંટ, બળાત્કાર, ખૂન, ધાડના તથા દલિત વિરોધી અત્યાચારના ગુનાઓ સતત વધી રહ્યાં છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી ગુનેગારોને છાવરવાના બદલે પોતે લીધેલાં સોગંદને અનુરૂપ વહીવટ આપીને કામ કરે તેવો આજની સભા અનુરોધ કરે છે.
ઠરાવ નં-ર
ગુજરાતમાં સંસદીય પ્રણાલિકાઓ ખૂબજ ઉચ્ચ પ્રકારની રહી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ સંસદીય પ્રણાલિકાઓને લાંછન લાગે તેવું કામ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કરી રહયાં છે. છ મહિના પછી વિધાનસભાનુ સત્ર મળી રહ્યું છે ત્યારે ગુજરાતના અનેક પ્રશ્નો વિધાનસભાની ફલક પર ચર્ચાવા જોઇએ તેના બદલે માત્ર બે જ દિવસનું સત્ર બોલાવીને ગુજરાતની સંસદીય પ્રણાલિકાઓનો ભંગ કરેલો છે. આ બે દિવસમાં પણ એક દિવસ તો માત્ર શોકદર્શક ઉલ્લેખો પછી ગૃહની કામગીરી બંધ રહેવાની છે અને તેથી માત્ર એક દિવસનું સત્ર એ લોકશાહી પરંપરાઓ માટે કલંકરુપ છે. આજની આ સભા માત્ર એકજ દિવસના સત્રને બદલે પૂરાં દિવસોનું ચોમાસું સત્ર બોલાવવા માટે અનુરોધ કરે છે.
ઠરાવ નં.૩ સરકારી સમારંભો રાજકીય સભારંભો તરીકે યોજી શકાતા નથી. ગુજરાત સરકારના પોતાના જ પરિપત્રો છે અને પ૦ વર્ષના ગુજરાતના ઇતિહાસમાં કોઇપણ મુખ્યમંત્રીશ્રીએ સરકારી સમારંભોને રાજકીય સમારંભો બનાવેલા નથી. સરકારી સમારંભોમાં સરકારની નીતિઓ અને પ્રજા ઉપયોગી બાબતોની ચર્ચાઓ થતી હોય છે. રાજકીય ટીકા ટીપ્પણીઓ, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સરકારી સમારંભોમાં થઇ શકતાં નથી. આમછતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સરકારી સમારંભોને રાજકીય પક્ષના સમારંભો બનાવી રહ્યાં છે અને પ્રજાના પૈસે સમારંભો યોજી પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યાં છે તેને આજની સભા સખ્ત શબ્દોમાં વખોડે છે. ઠરાવ નં.૪
ગરીબ વ્યક્તિને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાના લાભો તેમને ઘેરબેઠાં વર્ષોથી પહોંચાડવામાં આવતા હતાં. ગરીબ વ્યક્તિઓ માટેના કલ્યાણની યોજનાઓ કે જે રાજયની બંધારણીય ફરજ છે. ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાઓ ગરીબ વ્યક્તિઓને ઘેરબેઠાં પહોંચાડવાના બદલે જાણે કે પોતે પોતાની પેઢીમાંથી ગરીબોનું કલ્યાણ કરવા નીકળ્યા હોય તે રીતે અહમના પોષણ માટે લાખો રુપિયા રાજ્યની પ્રજાની તિજોરીમાંથી વેડફે છે. તે નિંદનીય છે. ગરીબ કલ્યાણ મેળામાં સાચા લાભાર્થીઓને લાભથી વંચિત રાખવામાં આવે છે અને ભાજપના કાર્યકર્તાઓ વચેટીયા બનીને નકલી લાભાર્થીઓ તથા યોજનાના લાભાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. રાજ્યની એસ.ટી.કોર્પોરેશનની બસો રોકી રાખીને અનેક ગરીબ મુસાફરોને મુશ્કેલીઓમાં મૂકવામાં આવે છે. નજીવી રકમના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી ના સમારંભમાં હાજરી આપવા અને તેમનો બકવાસ સાંભળવા મજબૂર કરવામાં આવે છે. લાભાર્થીઓને સ્ટેજ પર બોલાવીને સરકારી યોજનાનાનો લાભ એવી રીતે આપવામાં આવે છે કે જેથી તે લાભાર્થી પોતે ભિક્ષુક હોય તેવી ક્ષોભજનક પરિસ્થિતીમાં તેને મૂકાવવું પડે છે. આજની આ સભા ગરીબોને અપમાનિત કરતાં અને સરકારશ્રીની તિજોરીને ખોટી રીતે લૂંટતા તાયફાઓ બંધ કરવા મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કરે છે.
ઠરાવ નં.પ
સરકારી સમારંભોમાં સ્થાનિક ધારાસભ્યશ્રીનું સંપૂર્ણ માન જાળવવાની સરકારી તંત્રની ફરજ છે. જે તે વિસ્તારના માન.ધારાસભ્યશ્રીનું સરકારી આમંત્રણ પત્રિકામાં નામ હોવું જોઇએ અને સ્ટેજ પર તેમનું સ્થાન હોવું જોઇએ. આ અંગેના સરકારી પરિપત્રો, પ્રોટોકોલની પુસ્તિકા તેમજ ભૂતકાળમાં અધ્યક્ષશ્રીના આદેશો પણ મોજુદ છે. આમછતાં છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસપક્ષના ધારાસભ્યશ્રીઓને સરકારી કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતા નથી કે પ્રોટોકોલ જાળવવામાં આવતો નથી જયારે બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં રાજકીય પક્ષના હોદ્દેદારોના નામ ન છાપી શકાય તેવી જોગવાઇ હોવાછતાં ભાજપના હોદ્દેદારોના નામ અને હોદ્દા છાપવામાં આવે છે જે સરકારશ્રીના પરિપત્રોથી વિરુધ્ધ છે. રાજયમાં આ પ્રકારની જયાં જયાં પ્રવૃત્તિ થઇ છે ત્યાંના જવાબદાર અધિકારી સામે ગુજરાતના મુખ્ય સચિવશ્રી તાત્કાલિક પગલાં ભરે તેવો અનુરોધ આજની આ સભા ગુજરાતના મુખ્ય સચિવશ્રીને કરે છે.
ઠરાવ નં.-૬ ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ બંધારણીય રીતે ભરવાનું ફરજીયાત છે. ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં સત્તાધારી પક્ષ સિવાયના સભ્યને ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવેલું છે. સત્તાધારી પક્ષ કયારેય ઉપાધ્યક્ષના પદ પર બિરાજમાન થતાં નથી. ગુજરાતની આવી ઉત્તમ સંસદીય પ્રણાલિકાઓ અને બંધારણીય જોગવાઇઓ હોવાછતાં ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છેલ્લાં ઘણાં વર્ષોથી ખાલી રાખવામાં આવેલું છે. આજની આ સભા ભાજપની ગુજરાત સરકારના આ બિન સંસદીય અને ગેરબંધારણીય વર્તનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને અનુરોધ કરે છે કે, ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ તાત્કાલિક ભરવું જોઇએ અને તે પદ વિરોધપક્ષને મળવું જોઇએ.
ઠરાવ નં.-૭
તાજેતરમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબજ છે. ભારે વરસાદ અને પુરના કારણે ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીનોનું ધોવાણ થયેલ છે. મોંઘા ભાવના બિયારણ-ખાતરનો ઉપયોગ કરી ખેડૂતોએ મહેનત કરી પાકનું વાવેતર કરેલ છે તે ઉભા પાકને ભારે નુકશાન થયેલ છે, જમીનોના ધોવાણ અને ઉભા પાકને નુકશાનથી ખેડૂત વર્ગ ભારે વ્યથામાં છે ત્યારે રાજય સરકાર આ અન્વયે ખેડૂત વર્ગને પૂરતી સવલતો આપે તેમજ જમીનના ધોવાણ થયા છે તેને સમતળ સર્વે કામગીરી સત્વરે હાથ ધરી યોગ્ય વળતર ચુકવવામાં આવે તે માટે રાજય સરકારને અનુરોધ કરે છે.
========================================