Press Note Guj 20/02/2023 ડુંગળી પકવતા ખેડૂતો માટે સબસીડી અને MSP
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
સાંસદ રાજ્યસભા, પ્રભારી – દિલ્હી અને હરિયાણા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી,
અખબારી યાદી તા.૨૧.૦૨.૨૦૨૩
ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ અને મહેનત ખેડૂત કરે છે. હાલમાં ભાવનગર જીલ્લામાં ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુબ લાંબી કતારોમાં પરેશાની વેઠ્યા પછી જે ભાવ મળે છે તે માત્ર બે રૂપિયા કિલો જેવો ભાવ મળે છે અને પરિણામે ખેડૂતને પોતે કરેલી તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું અહેસાસ થાય છે. રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રી પાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી. સરકારે ખેડૂતના ઘરમાં જયારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગેની તાત્કાલિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે.
______________________________________________