Press Note Guj 28/09/22 ભાવનગરવાસીઓને આપેલા વચનોનો હિસાબ વડાપ્રધાનશ્રી આપે.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી અને પ્રભારી – દિલ્હી
અખબારીયાદી તા.૨૮.૦૯.૨૦૨૨
વડાપ્રધાનશ્રી ભાવનગર આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, ભાવનગરની પરંપરા છે કે અતિથીને આવકારીએ છીએ પરંતુ હાલના વડાપ્રધાનશ્રી સત્તાધીશ તરીકે જયારે જયારે ભાવનગર આવ્યા છે ત્યારે ત્યારે જે મોટી મોટી વાતો કરીને ગયા હતા તેમાંથી કશું જ થયું જ નથી તેનો હિસાબ માન. વડાપ્રધાનશ્રી ભાવનગરવાસીઓને આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
શક્તિસિંહે જણાવ્યું હતું કે, ભાવનગરના જવાહર મેદાન ખાતે ખુબ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેના નિમંત્રણ કાર્ડ પાછળ RTI માંથી મળેલી માહિતી મુજબ ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વખતે દરિયામાં જઈને નાળિયેર નાંખ્યા બાદ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રવેશધ્વાર એ ભાવનગર બની જશે અહીં કલ્પસર યોજના બનશે અને કલ્પસરની પાળી ઉપરથી ગેસની પાઈપલાઈન તથા પાણીની પાઈપલાઈન આવશે અને એજ પાળીઓ ઉપરથી ટ્રેન અને મોટો હાઈવે પણ પ્રસાર થશે અને કલ્પસરએ માત્ર ભાવનગર નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની કાયાપલટ કરી નાંખશે. આ જાહેરાતને આજે વર્ષો વીત્યા છતા અહિયાં આગળ એક ઈંટ પણ કલ્પસરની મુકાઈ નથી.
1) ૨૦૦૮માં માનનીય વડાપ્રધાનશ્રી એક મુખ્યમંત્રી તરીકે ભાવનગર આવ્યા ત્યારે કહ્યું હતું કે, ઘોઘા, તળાજા અને વલ્લભીપુર ખાતે મોટા GIDC બનાવવામાં આવશે અને તેની હું જાહેરાત કરું છુ. (એક પણ GIDC બનેલું નથી).
2) મીઠીવીરડી (સરતાનપર) ને સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપી દેવમાં આવશે (મીઠીવીરડીને કોઈ દરજ્જો મળ્યો નથી.)
3) શીપ બિલ્ડીંગ પાર્ક, પ્લાસ્ટિક પાર્ક, ફ્રુટ પાર્ક અને આધુનિક પોર્ટ બની જશે (આ માંથી કશું જ થયું નથી).
4) ખાનગી કંપનીઓના ૨૦૦૦ કરોડના રોકાણ આવશે અને હજારો લોકોને નવી રોજગારી મળી જશે (કોઈ મોટી કંપની આવીજ નથી)
5) ભાવનગર ખાતે મરીન યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવશે (કોઈ યુનિવર્સીટીની બની જ નથી.)
6) ૨૮૦૦ કરોડના ખર્ચે મરીન શીપ બિલ્ડીંગ સ્થપાશે. (કશું જ થયું જ નથી).
હાલના વડાપ્રધાનશ્રી ભાવનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૬/૦૧/૨૦૧૨ના રોજ આવેલા અને ત્યારે
1) ૪૨૫ કરોડના નવા કામોની જાહેરાત કરી હતી.
2) ૧૭૫ કરોડનું મરીન શીપ બિલ્ડીંગ યાર્ડની જાહેરાત કરી હતી.
3) ૧૯૦૦ કરોડ જીલ્લાના વિકાસ માટે ફળવાયા હતા. જહાંગીર મિલની જમીન ઉપર આધુનિક ડાયમન્ડ પાર્ક બનાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરોક્ત જાહેરાતો પૈકી કશુ જ કામ થયું નથી.
હાલના વડાપ્રધાનશ્રી ૧૪/૦૨/૨૦૧૪ના રોજ ફરી ભાવનગર આવ્યા હતા અને ત્યારે
1) મહુવા પોર્ટને આધુનિકરણ કરીને તેની સમગ્ર કાયાકલ્પ કરવાની જાહેરાત કરી હતી.
2) સાગર કાંઠા વિસ્તારમાં ૨૫ નવી આધુનિક શાળાઓ, ૧૬ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ૫ મોડલ તાલુકા શાળાઓના સ્થાપનાની જાહેરાત કરી હતી.
3) સાગરખેડૂ વિકાસ યોજના માટેની અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આમાંથી કશુંજ કામ થયું નથી.
ભાવનગરના અંદર ભૂતકાળમાં થયેલી જાહેરાતો પૈકી કોઈ જ કામ થયા જ નથી અને હવે જયારે ફરી ચૂંટણી સમયે વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે ત્યારે માત્ર જાહેરાતો નહીં પરંતુ નક્કર કામો થાય તથા ભૂતકાળના કામોનો હિસાબ માનનીય વડાપ્રધાનશ્રી આપે તેવી અપેક્ષા.
દેશ આઝાદ થયા પછી રજવાડાઓના એકત્રીકરણમાં સૌ પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકૃમારસિંહજીએ કરી હતી માટે શ્રી કૃષ્ણકૃમારસિંહજીને “ભારત રત્ન” થી નવાજીત કરવામાં આવે તે ભાવનગરવાસિયોની માંગણીને પણ વડાપ્રધાનશ્રી સ્વીકારે તેવી અપેક્ષા શક્તિસિંહ ગોહિલે રાખી હતી.