Close

March 1, 2011

Press Note Guj Dt: 01/03/2011 on Governor’s address

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                 તા.૧-૩-ર૦૧૧

 

  • રાજ્યપાલશ્રીના પ્રવચનમાં સરકાર તરફથી  કોઇપણ જાતની ગુજરાતના આમ આદમી માટેની દિશા કે દ્રષ્ટિ નથી.
  • જેના હાથ હિંસાથી ખરડાયેલા હોય તે અહિંસાના પૂજારીનું મંદિર ન બનાવી શકે.
  • મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ગુજરાતની સરકાર વાયબ્રન્‍ટ બને છે પરંતુ આમ આદમીને કોઇ ફાયદો નથી.
  • આદિવાસી સમાજ માટે અપાયેલા આર.એસ.વી.એમ.ના પૈસા ભા.જ.પ.ની સાથે જોડાયેલાં એન.જી.ઓ.ખાઇ ગયાં.
  • રાજ્યમાં કાયદો અને વ્‍યવસ્‍થા સંપૂર્ણ કથળી ગઇ છે.
  • પોલીટેકનીક અને એન્‍જીનીયરીંગમાં પ્રિન્‍સીપાલથી લઇને પ્રાધ્‍યાપક સુધીની ૭૦ ટકા કરતાં પણ વધારે જગ્‍યાઓ ખાલી.
  • ભાવનગરની અમરગઢ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓની રાજ્ય સરકાર ચિંતા કરતી નથી.
  • ગુજરાતના આઇ.એ.એસ. અધિકારીના મુખ્‍યમંત્રીશ્રી સામેના ભ્રષ્‍ટાચાર અને અનૈતિક વર્તનના આક્ષેપની તટસ્‍થ તપાસ થાય.

ગુજરાત વિધાનસભામાં માનનીય રાજ્યપાલશ્રીનું પ્રવચન એ સરકારે તૈયાર કરી આપેલું સરકારી નીતિ, આયોજન અને આગામી કાર્યક્રમોની પ્રતિતિ કરાવતું હોય છે. ગુજરાતની સરકારે કોઇ દિશા કે દ્રષ્ટિ ગુજરાતના આમ લોકોના કલ્‍યાણ માટેની માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચનમાં રજુ કરેલી નથી. માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન ઉપર  બોલતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ગુજરાતની સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે વાયબ્રન્‍ટ બની જાય છે પરંતુ આમ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરતી નથી. મહાત્‍મા ગાંધીના મંદિર પાછળ કરોડો ખર્ચાયા પછી જો મહાત્‍માજીની વિચારધારાને દિલ અને દિમાગમાં ન ઉતારી શકાય તો એવા ખર્ચાનો કોઇ અર્થ નથી. કહેવાયું છે કે, ”મન ચંગા તો કથરોટમાં ગંગા”. જયારે ‍હિંસાથી ખરડાયેલા હાથ અહિંસાના પૂજારી મંદિર નિર્માણ કરે ત્‍યારે તે અહિંસાના પૂજારીનું અપમાન છે. મહાત્‍મા ગાંધી થર્ડ કલાસના ડબ્‍બામાં મુસાફરી કરતા હતાં જયારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી હવાઇ જહાજથી નીચે પગ મૂકતાં નથી. મહાત્‍મા ગાંધીજી ગરીબ અને વંચિતોને માટે હંમેશા ચિંતિત રહેતાં જયારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ધનપતિઓ માટે વાયબ્રન્‍ટ બને છે. મહાત્‍મા ગાંધીજી સાદી પોતડી પહેરતાં હતાં જયારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી દિવસમાં પાંચ વખત ડિઝાઇનર કપડાં બદલે છે.

        ગુજરાતના ગરીબો માટેના પૈસા પણ ગુજરાતની સરકાર ખાઇ જાય છે. તેનો દાખલો આપતાં વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્ર સમ વિકાસ યોજના નીચે પંચમહાલ જિલ્‍લાના ગરીબ આદિવાસીઓ માટે પંદર કરોડ રુપિ‍યા ફાળવેલા હતાં. ગરીબોને આ પૈસા પહોંચાડવાને બદલે ભા.જ.પ.ના મળતીયા ત્રણ એન.જી.ઓ.ને ૮૦ લાખ ૪૬ હજાર રુપિ‍યા ચૂકવી દેવામાં આવ્‍યા હતાં. ઇરમા સંસ્‍થા દ્વારા કેન્‍દની સૂચના મુજબ ચેકીંગ કરવામાં આવ્‍યું ત્‍યારે ખબર પડી કે લાભાર્થી કુટુંબોને કોઇ લાભ મળ્યો નથી અને ૧૬૩પ વાડીઓમાં જે પૈસા આપવા જોઇએ તે અપાયા જ નથી.

        આદિવાસી સમાજને સૌથી મોટો અન્‍યાય આ સરકાર કરી રહી છે. વનસંપતિ પરના અધિકારોનો કાયદો કેન્‍દ્ર સરકારે આપ્‍યા પછી પણ આદિવાસી સમાજને હક્કપત્રો હજુ સુધી આપવામાં આવ્‍યા નથી. આદિવાસી ભાઇઓની જમીન ધનપતિઓ ખરીદી લે અને જમીનનો આદિવાસી માલીક મજૂર બની જાય તેવા કાવતરા પણ આ સરકાર કરી રહી છે. જેમ કોઇ પ્રાણી ભયના કારણે કલર અથવા સીઝનના કારણે કલર બદલે તે રીતે ગુજરાતની સરકાર પણ પોતાના કલર બદલે છે. રાજ્યપાલશ્રીના પ્રવચનમાં લઘુમતી માટેની વાત કરવામાં આવી છે પરંતુ સત્‍ય હકીકત એ છે કે, માનનીય વડાપ્રધાનના કાર્યક્રમના અમલીકરણ માટે  અન્‍ય રાજ્યોને એકસલન્‍ટ અથવા વેરીગુડના પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા ત્‍યારે ગુજરાત આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવી શક્યુ નથી. સાચર કમિટીના અહેવાલની હોળી કરનારા લોકો હવે સાચર કમિટીની વાતો કરી રહ્યાં છે. ગુજરાતમાં લઘુમતી પર સૌથી વધારે હુમલાઓ થાય છે. ર૦૦૬-૦૭માં ૧ર૪૪ હુમલાઓ લઘુમતી ઉપર થયા હતાં અને તે ઘટવાના બદલે ર૦૦૭-૦૮માં ૧૩૭ર ગુન્‍હાઓ લઘુમતી ઉપર હુમલાના બનેલાં છે. રાજય સરકાર કોઇ રક્ષણ લઘુમતીને આપવા માંગતી નથી.

        ગુજરાતની સરકાર બંધારણીય જવાબદારીઓથી વિપરીત થતી રહી છે. માનવ અધિકાર પંચને યોગ્‍ય કર્મચારી કે અધિકારી આપવામાં આવતાં નથી. આર.ટી.આઇ.કમિશનના કાર્યબોજને જોતાં વધારે આર.ટી.આઇ.કમિશ્નરો મૂકવા જોઇએ. લોકાયુક્તની નિમણુંક કરવામાં આવતી નથી. વિરોધપક્ષને મળતું ઉપાધ્‍યક્ષનું બંધારણીય પદ વર્ષોથી ખાલી છે, જે બધાજ મુદ્દાઓ બંધારણના અને લોકશાહીના અપમાન સમાન છે.

        ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થા સંપૂર્ણ કથળી ગયેલી છે. ઉમરેઠ ખાતે એક બુટલેગરની સામે લખાણ કરનાર પત્રકારને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્‍યો હતો અને છતાં તે પોલીસની સામે કોઇ પગલા લેવામાં આવ્‍યા નથી.

પોરબંદરમાં મુળુભાઇ મોઢવાડીયાની હત્‍યામાં સંડોવાયેલા આરોપીઓને હથિયાર લાયસન્‍સો આપીને ગુજરાતની સરકારે સન્‍માનિત કરવાનું પાપ્ કરેલું છે. કચ્‍છમાં પોતાની જમીન માટેની લડત લડતાં  શ્રી જબ્‍બરદાન ગઢવીને આ સરકારે ન્‍યાય આપ્‍યો નથી કે તેનો જીવ બચાવવાનો પ્રયત્‍ન કરેલો નથી.

        રાજયમાં શિક્ષણનું સ્‍તર સદંતર કથળી રહ્યું છે. ટેકનિકલ એજ્યુકેશન લીધેલાં વિદ્યાર્થીઓ બેકાર રખડે છે, કારણ કે, રાજ્યમાં  ટેકનિકલ શિક્ષણ આપતાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, લેકચરર વિગેરેની ૭૦ ટકા જગ્‍યાઓ કરતાં વધારે જગ્‍યાઓ એન્‍જીનીયરીંગ અને પોલીટેકનીકમાં ખાલી છે. આ જગ્‍યાઓ તાત્‍કાલિક એડહોક ધોરણે ભરીને ચાલુ રાખી શકવાની સરકારને ચિંતા નથી. ભાવનગરની કે.જે.મહેતા મેડીકલ કોલેજમાં ભણતાં વિદ્યાર્થિઓનું એક વર્ષ પછી ભવિષ્‍ય મુશ્‍કેલીમાં મુકાયું છે ત્‍યારે તેની ચિંતા પણ ગુજરાતની સરકાર નથી કરતી.

         રાજ્યના મુખ્‍યસચિવશ્રીને ગુજરાતના જ એક હિન્‍દુ અધિકારી પત્ર લખીને મુખ્‍યમંત્રીશ્રીના ભ્રષ્‍ટાચાર અને અનૈતિક સબંધોની વાત કરી છે ત્‍યારે જો મુખ્‍યમંત્રી અણીશુધ્‍ધ હોય તો તેમણે તટસ્‍થ તપાસ સામેથી આપવી જોઇએ. સુપ્રિમ કોર્ટના સીટીંગ અથવા નામદાર સુપ્રિમ કોર્ટની બનાવાયેલી એસ.આઇ.ટી કે સી.બી.આઇ. મારફત તપાસ થવી જોઇએ તેવી માંગણી પણ વિરોધપક્ષના નેતાએ કરી હતી.

———————————————————————————————–