Close

December 2, 2012

Press Note Guj Dt: 02/12/2011 Satkarm (Bnr)

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

 

અખબારી યાદી                                                                          તા. ૦ર-૧ર-ર૦૧૧

  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ભાવનગર ખાતે જ કરેલી જાહેરાતોની પ્રેસનોટો કોંગ્રેસપક્ષે રજૂ કરી અને મુખ્‍યમંત્રીશ્રીની પોકળ જાહેરાતોનો કર્યો પર્દાફાશ.
  • મુખ્‍યમંત્રીશ્રીએ તા. ૧લી મે-ર૦૦પ અને તેમના અન્‍ય કાર્યક્રમોમાં ભાવનગર માટે કરેલી જાહેરાતો પૈકી કશું જ કામ થયું નથી.
  • પ્રજાની તિજોરીના કરોડો રૂપિયા વેડફીને દિલમાં બદ્દભાવના સાથે મુખ્‍યમંત્રીશ્રીનું સદ્દભાવના નાટક.
  • ભાવનગરના અનેક પ્રશ્નોને કોંગ્રેસપક્ષ જશોનાથ ચોક ખાતે એકત્રિત બનીને વાચા આપશે.
  • સર ટી હોસ્‍પિટલમાં M.C.I.ના ધોરણ મુજબ નર્સિગ સ્‍ટાફ ૯૦૦ જોઇએ તેના બદલે માત્ર
    ર૯૧ છે.
  • સર ટી હોસ્‍પિટલમાં સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોક્ટરો જ નથી.
  • સર ટી. હોસ્પિસ્‍ટલમાં એન્જીયોગ્રાફી માટે પણ સગવડ નથી
  • સરકારી હોસ્‍પિટલમાં મોટા ભાગની સેવાઓ મફત મળતી હતી આજે સેવાઓ મોંઘી દાટ છે.
  • ખેડૂતોને મીટર વગરના વિજ-જોડાણ મળતા નથી.
  •  જિલ્‍લાના સરકારી તંત્ર અને સરકારી નાણાંનો મુખ્‍યમંત્રીશ્રીના રાજકીય નાટકો માટે બેફામ દુરપયોગ.
  • ૧૦ વર્ષમાં ગુજરાત પરનું દેવું ૧,૩૭,૦૦૦/- કરોડ.
  • ૧૦ વર્ષમાં એસ.ટી. બસોના પ,૯૦૦ રુટો બંધ થયાં.
  • ર૦૦૦ની સાલમાં એસ.ટી.ના વાહનો ૮,પ૭૩ હતાં તે ૬,પ૧૪ થયાં.
  • ૧૯૯પમાં સરકારી કર્મચારીઓ ર,૧પ,૦૦૦ હતાં તે ભાજપના શાસનમાં વસ્‍તી મુજબ વધવાના બદલે ઘટીને ૧,૭૪,૦૦૦.
  • ૧૦ વર્ષમાં અર્ધ સરકારી કર્મચારીઓની સંખ્‍યામાં ૮૦,૦૦૦નો ઘટાડો.
  • સરકારના ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગાર ૮,રપ,૪૮૮.
  • રક્ષિત જંગલ, ગૌચર અને પડતર જમીનો મફતના ભાવે માનીતાઓને ભ્રષ્‍ટાચારથી મુખ્‍યમંત્રીશ્રીએ પધરાવી.
  • ૧૦ વર્ષમાં પહેલાં ખેડૂતોને મળતી વિજળીમાં ૩,૭પ૬ (યુનિટ ૧૦ લાખમાં) વિજળીનો ઘટાડો
  • વિકલાંગોને ઠંડા પીણાનાં વિતરણનું સતકર્મ કોંગ્રેસપક્ષ કરશે.

દિલમાં બદભાવના સાથે શબ્‍દોની સદ્દભાવનાના નામે પ્રજાની તિજોરીના કરોડો રુપિયા વેડફતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને ભાવનગરની જનતાના ભાવનગરના પ્રશ્‍નો ઉકેલવા સત્તકર્મ કરવા કોંગ્રેસપક્ષની આગેવાની નીચે તા.૩.૧ર.ર૦૧૧ને શનિવારના રોજ જશોનાથ ચોકમાંથી હાકલ કરશે.

ભૂતકાળમાં મુખ્‍યમંત્રીશ્રીએ ભાવનગરમાં આવીને જે જે મોટી જાહેરાતો કરી હતી અને તેની માહિતી ખાતાએ જે પ્રેસનોટો ઇસ્‍યુ કરી હતી તેની નકલો પ્રેસ અને મિડિયાને કોંગ્રેસપક્ષ દ્વારા આપવામાં આવી હતી, અને એ વાત પ્રસ્‍થાપિત કરી હતી કે, મુખ્‍યમંત્રીશ્રીની જાહેરાતો માત્ર કાગળ પર જ રહી છે, અને ભાવનગરને અન્‍યાય કરવામાં આવ્‍યો છે. તા. ૧.પ.ર૦૦પના રોજ મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભાવનગરમાં રાખીને સરકારી તિજોરીમાંથી કરોડો રુપિયાનો ખર્ચ કરેલો હતો. આ દિવસે મુખ્‍યમંત્રીશ્રીએ જે જાહેરાતો કરી હતી તેની પ્રેસનોટ આજે પણ ગુજરાત સરકારના માહિતી ખાતાની વેબસાઇટ ઉપર ઉપલબ્‍ધ છે. મુખ્‍યમંત્રીશ્રીએ સાડા પાંચ વર્ષ પહેલાં ભાવનગરમાં આવીને જે જાહેરાતો કરી હતી તે માત્ર કાગળ ઉપર જ રહી છે. મુખ્‍યમંત્રીશ્રીએ તા.૧.પ.ર૦૦પના રોજ ભાવનગર અને અલંગ રર૦૦ કિ.મી.ના ગેસ ગ્રીડ નેટવર્કથી જોડી દેવાની જાહેરાત કરી હતી આજે સાડા પાંચ વર્ષ પછી ભાવનગર કે અલંગમાંથી કશું જ મળ્યું નથી. મુખ્‍યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી હતી કે, “અબ ખાડીકા તેલ નહી જાડીકા તેલ“ રતન જયોતમાંથી બાયોફ્યુઅલની દિશામાં આગળ વધી ચૂક્યાની વાતો કરી હતી, પરંતુ તેમાં કોઇ જ પરિણામ નથી. જી.આઇ.ડી.સી.ને નવા માળખાઓ આપીને વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની પણ જાહેરાત ભાવનગરમાં મુખ્‍યમંત્રીશ્રીએ કરી હતી. આજે સાડા પાંચ વર્ષ પછી ભાવનગરના ચિત્રા હોય કે વરતેજ કે પછી જિલ્‍લાના અન્‍ય જી.આઇ.ડી.સી.માં કોઇ જ સુવિધા ભાવનગરને પ્રાપ્‍ત થઇ નથી. ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી વિના અંતરાયથી મળી રહેશે તેવી જાહેરાત કરનારા મુખ્‍યમંત્રીશ્રીને ભાવનગરના ખેડૂતો કેટલાં ક્લાક વીજળી મેળવે છે તેની જાત માહિતી મેળવવા કોંગ્રેસપક્ષે અનુરોધ ક્રયો છે. ભાવનગરમાં મુખ્‍યમંત્રીશ્રીએ ર૦૦પમાં એવી જાહેરાત કરી હતી કે, જી.આઇ.એસ. પધ્ધતિનું લોકાર્પણ થઇ ગયું છે અને હવે પાણીપુરવઠો , ટેલિફોન લાઇન તેમજ ગેસ કનેકશન ફોલ્‍ટ નિવારણની પધ્ધતિ વિકસાવી દેવામાં આવશે. આજે આ જાહેરાતને સાડા પાંચ વર્ષ થયા પછી આ દિશામાં કશું જ કામ થયું નથી. ભાવનગરના વિકાસ માટે સમૂહમંથન અને વિડીયો પ્રસ્‍તુતિને અનેક રીતે મુલવીને ભાવનગરના વિકાસ માટેની ઘણી બધી વાતો ર૦૦પમાં મુખ્‍યમંત્રીશ્રીએ કરી હતી પરંતુ આજે તેમાંથી કશું જ ભાવનગરને મળ્યું નથી.

તા. ૧લી મે-ર૦૦પના રોજ ભાવનગર ખાતે વિકલાંગ કલ્‍યાણનાં ક્ષેત્રે બોલતાં ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી હતી કે વિકલાંગ કલ્‍યાણ બોર્ડના કમિશ્‍નર તરીકે વિકલાંગ વ્‍યક્તિને જ મૂકવામાં આવશે. આ જાહેરાતને સાડા પાંચ વર્ષ થયા પછી પણ આજે આ જગ્‍યા પર કમિશ્‍નર તરીકે શ્રી સંજય નંદન કામ કરે છે કે જેઓ વિકલાંગ નથી. આજે વિશ્વ વિકલાંગ દિન છે અને ભાવનગરના આંગણે સમગ્ર ગુજરાતના વિકલાંગોએ તેમના વ્‍યાજબી પ્રશ્‍નો માટે મુખ્‍યમંત્રીશ્રીની બદ્દભાવના માટે લડવાનો વારો આવ્‍યો છે. વિકલાંગ પ્રવાસી શિક્ષકોને રાજ્ય સરકારે જ કેન્‍દ્રની આપેલી બાંહેધરી મુજબકાયમી રીતે નોકરીમાં સમાવવાના થાય છે. કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજના રાજય સરકારે સ્‍વીકારી ત્‍યારે જ પ્રવાસી શિક્ષકોની ચોકકસ વર્ષોની કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજના પછી રાજ્યની જવાબદારીમાંથી ગુજરાત સરકાર અન્‍યાયી રીતે પાછળ હટી રહી છે. વિદ્યા સહાયકની ભરતીમાં વિકલાંગ વ્‍યક્તિઓનો સમાવેશ થતો નથી. વિકલાંગ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ખાલી જગ્‍યાઓ પૂરવા માટે સરકારને ચિતા નથી.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જે જિલ્‍લામાં જાય છે. ત્‍યાં પેકેજની જાહેરાત કરે છે. પરંતુ હકીકત તો એ છે કે, આ જાહેરાતોમાં કોઇ જ નવી યોજના હોતી નથી. જિલ્‍લાને મળવાપાત્ર બજેટરી યોજનાને તેમજ કેન્‍દ્રની સહાયને જાણે કે નવું પેકેજ આપતાં હોય તે રીતે દર્શાવીને બે જવાબદારીભરી જાહેરાત કરવામાં આવે છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ખૂબ જ મોંઘા નિમંત્રણકાર્ડ અને પુસ્‍તિકાઓ છપાવીને ભાવનગરમાં કલ્‍પસરના નામે ખૂબ મોટા ખર્ચાઓ કર્યા હતાં. મુખ્‍યમંત્રીશ્રીએ વર્ષો પહેલાં ભાવનગર આવી હોડીમાં બેસી દરિયામાં નાળીયેર નાખીને એમ કહ્યું હતું કે, હું કલ્‍પસરનું ખાતમૂર્હુત કરુ છું. સમગ્ર સૌરાષ્‍ટ્રની કાયાપલટ થઇ જશે. આ વાતને વર્ષો થયાં પરંતુ કોઇ જ પ્રગતિ થઇ નથી. મુખ્‍યમંત્રીશ્રીએ જ્યારે જાહેરાત કરી ત્‍યારે ૬૪૦ કિ.મી.ના મીઠા પાણીના સરોવર “ કલ્‍પસર”ની વાત કરી હતી. ભાવનગરમાં આ જાહેરાત કર્યા પછી થોડાં જ દિવસોમાં અમદાવાદ જિલ્‍લાના એક કાર્યક્રમમાં ધોલેરા ખાતે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું બંદર બનાવવાની જાહેરાત કરી. જો કલ્‍પસર બને તો ધોલેરાનો દરિયાકાંઠો ડૂબમાં જાય આમ ધોલેરા બંદર અને કલ્‍પસર બન્‍ને સાથેશક્ય નહીં હોવા છતાં બન્‍ને વિસ્‍તારની જનતાને મુખ્‍યમંત્રીશ્રી ગુમરાહ કરે છે.

પહેલાં ૬૪૦ કિ.મી.ની વાત કરનારા મુખ્‍યમંત્રીશ્રીની સરકાર હવે કલ્‍પસરની લંબાઇ ૩૪૦ કિ.મી.જેટલી જ ઘટાડી દેવાની પેરવી પણ કરી રહી છે.

ભાવનગરના પાસે જે સુવિધાઓ અને વિકાસ માટેની અસ્‍કયામતો હતી, તેને પણ પ્રવર્તમાનસરકાર લૂંટી રહી છે. ગુજરાતમાં વાયબ્રન્‍ટના નામે લાખો કરોડો રૂપિયાના એમ.ઓ.યુ.ની વાત કરનાર સરકાર ભાવનગરના વિકાસ માટે એકપણ યોજનાપરિપૂર્ણ કરી શકી નથી. ભાવનગરનું વિકટોરીયા પાર્ક બચાવવા માટે સુપ્રિમ કોર્ટમાં સહીયારો પુરુષાર્થ કરવાથી ફાયદો મળ્યો છે,પરંતુ સુંદરાવાસ બંગલો સુપ્રિમ કોર્ટના હુકમ પહેલાં જ રાજ્ય સરકારે માત્ર પરિપત્ર કરીને બિલ્‍ડરને પધરાવી દિધો છે. તે પરિપત્ર રદ કરીને સુંદરાવાસ બંગલો ભાવનગરને તાત્‍કાલિક પરત આપવા કોંગ્રેસપક્ષે માંગણી કરી છે.

ભાવનગરનું બંદર ભૂતકાળમાં ધમધમતુ હતું તેને અદાણીના લાભાર્થે મૃતઃપાય સરકારે કર્યુ છે. આલ્‍કોક એશ ડાઉનને નફો કરતી ઉત્તમકંપની તરીકે સજ્જ કરી શકાય તેમ છે. પરંતુ બદ્દઇરાદાથી આલ્‍કોક એશ ડાઉનને ખોટમાં નાંખીને માનીતા ઉદ્યોગપતિને વેચી મારવાનું ષડયંત્ર પણ ગુજરાત સરકાર કરી રહી છે. ભાવનગરના જેમ્‍સ અને જ્વેલરી પાર્કની વર્ષો પહેલાં કરેલી વાતોનું કોઇ જ નક્કરપરિણામ નથી આવ્‍યું. અલંગ શીપબ્રેકીંગ યાર્ડના પ્‍લોટને વિવાદાસ્‍પદ રાખીને સમગ્ર ઉદ્યોગને અનિચ્ચિતતામાં રાખવામાં આવે છે. મેરીટાઇમ બોર્ડ બોર્ડની આવકનો હિસ્‍સો અલંગની માળખાકીય સુવિધામાં ઉપયોગમાં લેવાના બદલે તેનો દુરપયોગ થઇ રહ્યો છે. અલંગ સાથે જોડાયેલા નાના કામદારો અને નાના વેપારીઓને કોઇ જ સહાય ગુજરાત સરકાર તરફથી નથી મળતી. ભાવનગરના જમીન વિહોણા દલિતોને નવી સાંથણીની જમીન આપવામાં આવતી નથી અને જેમની પાસે છે તેમને પણ શરત ભંગના નામે પરેશાન કરાય છે. કાળીયાબીડ (રામનગર વસાહત)ને રેગ્‍યુલરાઇઝ કરવા માટે જાહેરાત થઇ હોવા છતાં કોઇ પ્રગિત નથી. શ્રી શંકરસિંહજી વાઘેલાની સરકારે મિલ્‍ટ્રી સોસાયટીના પ્‍લોટ ધારકોને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા જી.આર. કરેલો હોવા છતાં માજી સૈનિકોને આ સરકાર પરેશાન કરી રહી છે.

મુખ્‍યમંત્રીશ્રીના દિલમાં ખરેખર સદ્દભાવના હોય તો કુંભારવાડાની ગલીઓ, ઇન્‍દિરાનગરના રસ્‍તાઓ, ચિત્રા, ફુલસર, બોટતળાવ, હાદાનગર વોર્ડના વિસ્‍તારો, કાળીયાબીડના અંદરના રસ્‍તાઓ, કરચલીયાપરાથી લઇને ભાવનગર શહેરના સામાન્‍ય લોકો રહેતાં વિસ્‍તારોમાં સ્‍થાનિક માળખાકીય સુવિધાઓ નજરે જોવા મુખ્‍યમંત્રીશ્રી પદયાત્રા કરે.

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર સતત અકસ્‍માતો થયાં કરે છે. આ રસ્‍તાને પહોળો કરવા માટેની સૈધ્‍ધાંતિક સ્‍વીકૃતિ અને આયોજન છતાં શા માટે વિલંબ થઇ રહ્યો છે  ?

ભાવનગરના ભાલ વિસ્‍તારના ગામોમાં ખારાશ આગળ વધે છે અને દરિયાનું પાણી ગામોમાં ઘૂસે છે.આ ગામો માટે ભૂતકાળની સરકારોએ કરેલાં ગ્રામરક્ષક અને સીમ રક્ષક પાળાઓ રીપેર કરવા સુધીની પણ સરકારને ચિંતા નથી. હરણ, ભૂંડ અને રોઝના ત્રાસમાંથી ખેડૂતોને બચાવવાનું કોઇ આયોજન જ નથી. ભાવનગરની આયુર્વેદ કોલેજ હોય કે સર ટી હોસ્‍પિટલ હોય જનતાની સુવિધામાં વધારો કરવાના બદલે હાલની સુવિધાઓ પણ ખૂંચવી લેવાનું પાપ સરકાર કરી રહી છે.

કોંગ્રેસપક્ષ ભાવનગર જિલ્‍લાના પ્રશ્નોને એકત્રીત કરવા અને ભાવનગરના હિતમાં મુખ્‍યમંત્રીશ્રીને સતકર્મ કરવા આહવાન આપવા માટે જશોનાથ ચોક ખાતે સવારના ૧૧-૦૦ કલાકથી કાર્યક્રમ યોજશે. કોંગ્રેસપક્ષના કાર્યક્રમમાં સરકારી તંત્રનો દુરપયોગ કે જનતા પાસેથી નાણાં ઉઘરાવવાનું ભાજપના જેવું પાપ કરવામાં નહીં આવે. ભાવનગરની જનતાને સ્‍વયંભૂ અને સ્‍વૈચ્‍છાએ જશોનાથ ચોક ખાતે ઉપસ્‍થિત રહેવાં કોંગ્રેસપક્ષે જાહેરનિમંત્રણ પાઠવેલ છે.

——————————————————————————————————-