Close

August 4, 2015

Press Note Guj Dt: 04/08/2015 on Suspension

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                              તા. ૦૪.૦૮.૨૦૧૫

     

          આપણા દેશના ઈતિહાસમાં ક્યારે પણ ન બની હોય તેવી સંસદીય પ્રણાલિકાઓને કલંકિત કરતી ઘટના ગઈ કાલે લોકસભામાં બની. સંસદમાં વિરોધપક્ષ સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને સંસદ સુચારોરૂપમાં ચાલે તે જોવાની જવાબદારી સત્તાધારી પક્ષના શિરે વિશેષ હોય છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદની કાર્યવાહી ખોરવી નાખવામાં આવતી હતી પરંતુ કોઈ પણ સાંસદને સ્પીકર દ્વ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. ગઈકાલે કોંગ્રેસના ૨૫ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાનો સ્પીકરનો હુકમ દેશમાં સૌને નવાઈ પમાડી દેનાર હતો. પરંતુ હક્કિતમાં આ જ મોદીની માનસિકતા છે, અને ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આવીજ અસંસદીય પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી હતી. મોદી એ બિનલોકશાહી રીતે ઉભા  કરેલા ગુજરાત મોડલનું પ્રતિબીંબ ગઈ કાલે લોકસભામાં જોવા મળ્યું હતું.

        ૨૦૦૨ થી ૨૦૧૩ સુધીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક પણ બજેટ સત્ર ગુજરાતમાં એવું ન હતુ કે જેમાં મોદીએ વિરોધપક્ષ ને સસ્પેન્ડ ન કર્યો હોય. ભૂતકાળમાં ગુજરાતમાં કોઈ પણ સત્તા પર હોય પરંતુ વિરોધપક્ષને બિનલોકશાહી રીતે ક્યારેય વારંવાર સસ્પેન્ડ કર્યા હોય તેવું બન્યું જ ન હતું. કોંગ્રેસના સાશનમાં  ભારતીય જનતા પાર્ટીના એક સિનીયર ધારાસભ્યે ફોર ક્રોસ કરીને મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી જે નિવેદન વાંચતા હતા તે ઝુંટવી લઈ ને તેના ટુકડા કરી મુખ્યમંત્રીના મોઢા પર માર્યા હતા તેમ છતા ભાજપના એ ધારાસભ્યને લાંબાગાળા માટે સસ્પેન્ડ કરવાના કે કોઈ શિક્ષાત્મક પગલા ગુજરાતમાં લીધા ન હતા. આ ઉચ્ચ પ્રણાલિકાઓને તોડીને શ્રી મોદીએ ગુજરાતમાં બહુમતીના જોરે સમગ્ર બજેટ સત્રમાં સમગ્ર વિરધપક્ષને સસ્પેન્ડ કરવાનું પાપ વારંવાર કર્યું હતું. ગુજરાતમાં અધ્યક્ષની ખુરશીને પણ પોતે દોરી સંચાર કરતા હોય તેવો સ્પષ્ટ અહેસાસ થાય તેવું વર્તન કરતા હતા.

        તા. ૨ માર્ચ,૨૦૧૨ ના રોજ (કોંગ્રસ વિધાનસભા પક્ષના નેતા) વિરોધપક્ષના નેતા તરીકે મેં વિધાનસભામાં RTI દ્વ્રારા પ્રાપ્ત થયેલા પુરાવાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી મોદી કેવો ભ્રષ્ટ્રાચાર કરીને માનીતા ઉદ્યોગપતિઓ ને લાભ આપે છે તેની વિગતો રજુ કરવાની શરુઆત કરી ત્યારે સત્તાધારી પક્ષે હોબાળો મચાવીને મને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. વિરોધપક્ષના નેતા તરીકે મારું વર્તન સંપુર્ણ સંસદીય હતુ અને કોઈ અસંસદીય શબ્દો કે સૂત્રચારો કે વેલમાં જવાની કોઈ ઘટના બની ન હતી માટે સ્પીકર વિરોધપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકવા તૈયાર ન થયા ત્યારે મોદી એ પોતાના એક મંત્રી મારફતે પ્રસ્તાવ રજુ કરાવી બીજા મંત્રી પાસે ટેકો મેળવી અને મને વિરોધપક્ષના નેતા તરીકે સમગ્ર  બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવાનું ગેરકાયદેસર કુત્ય કર્યું હતું. ગુજરાત વિધાનસભાના નિયમો મુજબ સ્પીકર ધારાસભ્યને નેમ કરે અને તેમ છતાં ધારાસભ્ય શાંત ન થાય તો તેને બહાર જવાનું કહે અને જો તે બહાર ન જાય તો સ્પીકર કહે તે પછી ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવી શકાય છે. આ સ્પષ્ટ નિયમની જોગવાઈ હોવા છતાં  મોદીએ કાયદા થી વિરુધ્ધ વિરોધપક્ષના નેતા તરીકે મને સસ્પેન્ડ કર્યો હતો. દેશની સંસદમાં પણ ગુજરાતમાં કરેલું અસંસદીય વર્તન શ્રી મોદી કરવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

        ભૂતકાળમાં ટેલીફોન કૌભાંડના આક્ષેપો માટે શ્રી સુખરામ સામે હોય કે ૨ જી સ્કેમની બાબત હોય કે પછી જેમના સામે કોઈ પણ પુરાવો  ન હતો તેવા નિર્દોષ રેલ્વે મંત્રી શ્રી બંસલના સામે આક્ષેપો હોય તેને લઈ ને ભારતીય જનતા પાર્ટી વિરોધમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદ ચાલવા દીધી ન હતી. આ પ્રકારની ભાજપની સંસદ ખોરવવાની ચેષ્ટા ને શ્રી અરુણ જેટલીએ એમ કહ્યું હતું કે પાર્લામેન્ટ નહી ચાલવા દેવી એ પણ પાર્લામેન્ટ્રી પ્રેકટીસની એક ટેકટીક છે અને વિરોધપક્ષનો આ અધિકાર છે આજે સત્તામાં આવ્યા પછી આના થી સદંતર વિપરીત ધોરણો રાખવાના? ભૂતકાળમાં એમ કહેવાનું જેના સામે આક્ષેપ છે તે રાજીનામું ન આપે ત્યાં સુધી ચર્ચા નહી જ થાય અને હવે સ્પષ્ટ પુરાવાઓ હોવા છતા ભાજપના મંત્રી અને મુખ્યમંત્રીઓના રાજીનામાં નહી લેવાનો ભાજપનો નિર્ણય પણ મોદીનું ગુજરાત મોડલ છે. ગુજરાતમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં જેમને નીચેની કોર્ટે સજા કરી દીધી છતાં એક કન્વીટેડ ક્રિમીનલ  મિનિસ્ટરને મોદીએ ગુજરાતના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. એક ટાડા ડીટેઈનઅને ૩૦૨ ના તોહમતદાર તથા અનેક ગુનાહોમાં સંડોવાયેલા ધારાસભ્યને પણ પોતાના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. મોદી અને મોરલ ક્યારે સાથે ચાલ્યા જ નથી અને તેજ તેમનું ગુજરાત મોડેલ છે  જેને તેઓ દેશમાં લાગુ કરવા જઈ રહ્યા છે. સ્પીકરનું કામ વિરોધપક્ષને સબક શીખવાડવાનું નથી પરંતુ સત્તાધારી પક્ષને અંકુશમાં રાખવાનું વધારે છે. સ્પીકર સંસદીય પ્રણાલિકાઓ તોડીને ચાલે તે માટે ગુજરાતમાં હંમેશા મોદીએ પ્રયત્ન કર્યા હતા. અને આજ મોડલ કદાચ દેશની સંસદમાં લાગુ કરવા જઈ રહ્યા છે.

        સત્તાધારી પક્ષ સૂત્રોચ્ચાર  કરીને વિરોધપક્ષના સભ્યોને ન બોલવાદે તેવું ક્યારે બનતું નથી પરંતુ ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી થયા પછી આદિવાસીઓના પ્રશ્ને સિનીયર ધારાસભ્ય પોતાની વાત કરતા હતા ત્યારે સત્તાધારી પક્ષના સભ્ય પાસે સૂત્રોચ્ચાર  કરાવીને તેમને મોદીએ બોલવા દીધા ન હતા. આ પણ એક મોદી મોડેલ છે જે કદાચ દેશની સંસદમાં જોવા મળશે.

        ગુજરાતમાં મોદીના શાસનકાળમાં દસ વર્ષમાં સૌથી ઓછા દિવસો વિધાનસભા મળી હતી અને તેમાં વારંવાર કોંગ્રસના ધારાસભ્યશ્રીઓને ગૃહ માંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. માત્ર દસ વર્ષમાં વિરોધપક્ષના ૨૫૯ ધારાસભ્યોને ગુજરાત વિધાનસભા માંથી જુદા જુદા ઠરાવો થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

        દેશની સંસદમાં બનેલી આ કલંકિત ઘટનાને દેશની જનતા અને જાગૃત નાગરિકો નહી ઉઠાવેતો આવતા દિવસોમાં લોકશાહીની ઉચ્ચતમ પરંપરાઓનું ગળુ દબાવી દેવાનું કૃત્ય કરતા પણ મોદી અચકાશે નહી.

————————————————————————————————-