Close

October 5, 2012

Press Note Guj Dt: 05/10/2012

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                   તા. ૫-૧૦-ર૦૧ર

  • હાર ભાળી ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અઢળક પૈસાના જોરે મેનેજ થયેલા ખોટા સર્વે કરાવે છે.
  • પૈસાના જોરે ખોટા સર્વેથી પોતે જીતશે તેવી વાત કરનારા મુખ્યમંત્રીના હાલ ચંદ્રાબાબુ નાયડુ જેવા થશે.
  • ગુજરાતમાં માત્ર લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ મળે છે અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી આમ ગુજરાતીને સબસીડીથી સસ્તા ગેસના બાટલા આપતા નથી.
  • ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળીમાં છેલ્લા ૧૦ વર્ષમાં ,૭૫૬ મિલિયન યુનિટનો ઘટાડો.
  • છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં એસ.ટી.ના ,૯૮૬ રૂટ બંધ થયા.
  • ૨૦૦૦ની સાલમાં એસ.ટી.ના ,૫૭૩ વાહન હતા, તે ઘટીને આજે ,૫૧૪ થઈ ગયા છે.
  • ધંધુકા ખાતે કાર્યકરોના વિશાળ સંમેલનને વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું.

દેશના કોંગ્રેસશાસિત રાજ્યોએ પોતાના રાજ્યોની જનતાને સસ્તા ભાવે ગેસના સિલિન્ડર મળે તે માટે કેન્દ્ર સરકારના ૬ સિલિન્ડર ઉપરાંત પોતાના રાજ્યમાંથી સબસીડી આપીને રાજ્યના સબસીડીવાળા સિલિન્ડરો આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને ગેસના સસ્તા સિલિન્ડર મળે તેની કોઈ જ ચિંતા કર્યા વગર તદ્દન વાહીયાત વાત એવી કરી છે કે, “ગુજરાતમાં તો હું બધાને પાઈપલાઈનથી ગેસ આપી દઉં છું અને એટલે મારે ગેસના સિલિન્ડરમાં સબસીડી આપવાની જરૂર જ નથી.” વિધાનસભામાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ધંધુકા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરતાં ગુજરાત સરકારે જ વિધાનસભામાં રજૂ કરેલા સામાજિક આર્થિક સમીક્ષા – ૨૦૧૧-૨૦૧૨ પુસ્તકના પાના નં. ૩૭ના સંદર્ભને ટાંકીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીનું આ એક વધુ જૂઠ્ઠાણું છે. ગુજરાત સરકારના જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં લખ્યું છે કે, માત્ર મર્યાદિત સંખ્યામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં માત્ર ૩,૦૦,૯૬૫ ઘરને જ પાઈપલાઈનથી ગેસ મળે છે. આમ, ૬ કરોડની જનતામાં ૩ લાખને જ પાઈપલાઈનથી ગેસ આપવાનો અને સમગ્ર ગુજરાત કે જે ગેસના સિલિન્ડર ખરીદ કરે છે તેમને કોઈપણ જાતની રાહત કે સબસીડી ગુજરાતના મુખ્યમંત્રી આપતા નથી. ઉપસ્થિત મેદનીમાં સવાલ કર્યો હતો કે, “તમારામાંથી કોઈને પાઈપલાઈનથી ગેસ મળે છે ખરો ?” અને જનતામાંથી એકપણ હાથ ઊંચો થયો ન હતો. સમગ્ર ગુજરાતમાં માત્ર શહેરના કેટલાક ઘરોમાં જ નહીંવત્ રીતે પાઈપલાઈનથી ગેસ મળતો હોવા છતાં ગુજરાતની જનતાને ભાજપની સરકાર સબસીડીવાળો ગેસ આપવા માંગતી નથી. બીજી તરફ તટસ્થ ઓડીટ કરતી સંસ્થા “કેગ” દ્વારા સ્પષ્ટ રીતે લખીને અપાયું છે કે, ખરીદ કિંમત કરતાં પણ કરોડો રૂપિયા ઓછી કિંમતે સસ્તો ગેસ ગુજરાતની સરકાર મુખ્યમંત્રીના માનીતા ઉઘોગપતિ અદાણીને આપે છે.

ગુજરાતમાં ૧૨ વર્ષ સુધી જનતાના ઉપયોગનું એકપણ કામ ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપની સરકારે કર્યું નથી. ૧૨ વર્ષ સુધી ગરીબ માણસને એકપણ ઘરનું ઘર આપવાની ચિંતા નહીં કરનાર મુખ્યમંત્રીએ જ્યારે ઘર પોતે આપી દીધા હોવાની જાહેરાત કરી ત્યારે કચ્છ લડાયક મંચ દ્વારા આર.ટી.આઈ.ની નકલ ગુજરાત સરકાર તરફથી જ જે મળી હતી તે આપીને મુખ્યમંત્રીના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાતમાં કોઈને ઘર મળ્યું નથી. દાહોદ ખાતેની જનસભામાં ગુજરાતના મુખ્યમંત્રીએ ૧૨ વર્ષ પછી જ્યારે પોતાની સત્તા હાથમાંથી ખસકી રહી છે ત્યારે આદિવાસી ભાઈઓને પાકા મકાન આપવાની હાસ્યાસ્પદ વાત કરી છે. ગુજરાતમાં માજી સૈનિકો અને દલિત પરિવારોને સાંથણીમાં જમીન આપવાનો વર્ષોથી શિરસ્તો હતો. ભૂતકાળની કોંગ્રેસની અને અન્ય સરકારોએ માજી સૈનિકો અને દલિતોને સાંથણીની જમીન આપી હતી. ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રીએ દલિત કે માજી સૈનિકને નવી તો સાંથણીની જમીન આપી નથી, પરંતુ જે ભૂતકાળમાં અપાઈ હતી તેને પણ શરતભંગના નામે પડાવી લેવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું છે.

ગુજરાતમાં જ્યારે હવે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને સત્તા ગુજરાતના મુખ્યમંત્રીના હાથમાંથી જઈ રહી છે ત્યારે પૈસાના અઢળક ખર્ચાઓ કરીને પોતે જાતે મેનેજ કરીને સર્વે પ્રસિદ્ધ કરાવે છે અને સર્વેમાં ભાજપને બહુમતી સીટો મળી જવાની છે તેવા જૂઠ્ઠાણાંઓ અને ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન ગુજરાતના મુખ્યમંત્રી કરે છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને આ પ્રકારના જૂઠ્ઠા સર્વેના આધારે સત્તા બચી શકતી નથી તેનો દાખલો આપીને કહ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં ભાજપના સાથી ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી સમયે સતત આવા સર્વે પ્રસિદ્ધ કરાવ્યા હતા કે, ફરી ચંદ્રાબાબુ નાયડુ જ આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી બનશે અને તેઓ નં. 1 મુખ્યમંત્રી છે, સી.ઈ.ઓ. ઓફ પોલીટીક્સ છે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે આંધ્રપ્રદેશની જનતાએ આંધ્રપ્રદેશના જે-તે વખતના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના જે હાલ કર્યા હતા તે જ હાલ ગુજરાતની જનતા ગુજરાતના મુખ્યમંત્રીના કરશે.

ગુજરાતમાં ભૂતકાળમાં દરેક ગામે એક એસ.ટી.ની બસ જતી હતી અને ગરીબ માણસોને આવવા-જવા માટેની સૌથી સસ્તી બસની સેવાઓ ઉપલબ્ધ હતી. છેલ્લા ૧૦ વર્ષના શાસનમાં ગુજરાતમાં એસ.ટી. બસના ૫,૯૮૬ રૂટ બંધ થયા છે. ૨૦૦૦ની સાલમાં એસ.ટી. બસના વાહનો ૮,૫૭૩ હતા, તે ઘટીને ૬,૫૧૪ થઈ ગયા છે. આમ, વિકાસની વાત કરનાર ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના માનીતાનો વિકાસ કર્યો છે, પરંતુ આમ ગુજરાતીને ઉપયોગમાં આવતી એસ.ટી.ની બસોના રૂટ પણ બંધ કરવાનું પાપ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતના ખેડૂતોને ૧૫,૪૮૯ મિલિયન યુનિટ વીજળી ખેતી માટે મળતી હતી. ખેતીની અઘતન સુવિધાઓ પ્રાપ્ત થઈ, ૧૦ વર્ષમાં દુષ્કાળ નથી, લોકોની પાણીની જરૂરિયાત વધી છે, નવસાધ્ય જમીનો ખેડૂતોએ કરી છે અને તે રીતે ગુજરાતના ખેડૂતોને ખરા અર્થમાં મળતી વીજળીની વધારે જરૂરિયાત પૂરી પાડવી જોઈએ તેના બદલે આજે ૧૦ વર્ષ પછી ખેડૂતોની વીજળીમાં પ્રવર્તમાન મુખ્યમંત્રીએ ઘટાડો કરીને હાલ ખેડૂતોને ૧૧,૭૩૩ મિલિયન યુનિટ જ વીજળી આપવામાં આવી છે. આમ, આ આંકડો જોઈએ તો એ વાત સાબિત થાય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ૩,૭૫૬ મિલિયન યુનિટ વીજળી ૧૦ વર્ષ પહેલાં જે મળતી હતી તેના કરતાં પણ ખેડૂતો માટે ઘટાડી દેવામાં આવી છે. આ સીધો અને મોટો અન્યાય પ્રવર્તમાન ભાજપની સરકારે ખેડૂતોના માટે કર્યો છે.

ભૂતકાળમાં સરકારી દવાખાનાઓમાં તમામ જીવનરક્ષક દવાઓ કોંગ્રેસની સરકારો મફત આપતી હતી. પ્રવર્તમાન સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓનું પ્રમાણ સદંતર ઘટાડી દીધું છે. સરકારી હોસ્પિટલમાં તમામ ખર્ચાઓ એ પ્રજાના પૈસે જ કરવામાં આવે છે અને પરિણામે આમ ગુજરાતીને જે મફત સેવા સરકારી હોસ્પિટલમાં મળતી હતી તે સંપૂર્ણ બંધ થવાને કાંઠે આવીને બેઠી છે. કોંગ્રેસના વિકાસદર્શન-૨૦૧૨ના મુદ્દામાં જ્યારે ગુજરાતના આમ નાગરિકોને કોંગ્રેસ સત્તામાં આવે તો કેન્સર, ટીબી, હૃદયરોગ, કીડની અને લીવરના રોગોમાં સંપૂર્ણ વીમાનું કવચ આપવાની જાહેરાત થઈ છે ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી કે જેમણે ૧૨ વર્ષ સુધી લોકોના આરોગ્ય માટે કશું જ કર્યું નથી તે લોકોને હવે આરોગ્યની સુવિધાઓ સરકાર આપશે તેવી હાસ્યાસ્પદ વાત કરી રહ્યા છે.

ધંધુકા ખાતે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ધંધુકા મતવિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનને સંબોધન કરતાં સાંસદશ્રી સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના અનેક કરતૂતોને હું જાણી ચૂક્યો છું અને માટે જ ગુજરાતના હિતમાં હવે પરિવર્તન એ જ જરૂરી છે. બક્ષીપંચ, દલિત અને આમ ગુજરાતીને સૌથી વધારે અન્યાય કરનારી આ સરકારને ઉખાડી ફેંકવા શ્રી સોમાભાઈએ હાકલ કરી હતી.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજીભાઈ વડલાણી તથા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મુર્તુજાખાન પઠાણે ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

————————————————————————————————–