Close

March 9, 2011

Press Note Guj Dt: 09/03/2011 on Budget

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                    તા.૦૯.૦૩.૨૦૧૧

  • રાજય સરકારનું બજેટ ગરીબ અને શ્રીમંતો વચ્‍ચે ખાઈ વધારનારું અને અસમતુલિત વિકાસ કરનારું છે.
  • બજેટમાં ગુજરાત સરકારે એકપણ રૂપિયાની રાહત નથી આપી અને પર૪ કરોડ રૂપિયાનો કરબોજ
    નાંખ્‍યો છે.
  • મુખ્‍યમંત્રીશ્રીની મિથ્‍યા પ્રશંસા કરનારા માટે વિરોધપક્ષના નેતાની શાયરી :

કરોગે જો કદમબોસી, તો દિલ મેં દર્દ હોગા,

અપની હી નજર સે, તુમ ખુદ ગિર જાઓગે.

પાઓગે બહુત કુછ, સબકુછ ગવાં કરકે,

સાયા ભી તુમ્‍હારા યૂં ગમખ્‍વાર નજર આયેગા.

  • જંગલમાં પેશકદમી કરનારા ઉદ્યોગપતિને જમીનની લહાણી, પરંતુ આદિવાસી જમીનવિહોણા.
  • સુપ્રિમ કોર્ટથી બચવા લંડનની ઈરોસ કંપનીને માલામાલ કરી અને ગુજરાતની જનતા પર રૂા. ર૪૪ કરોડની ગ્રીન સેસ નાંખી.
  • ગામડાઓની સતત ઉપેક્ષા, ર૦૦૮-૦૯માં ગ્રામ વિકાસને ફાળવાયેલા પૈસામાંથી રૂા. ૧૧,૦૦૦ લાખ વપરાયા નહી.
  • ગુજરાતના આમ આદમીની સામાજીક સેવાઓ માટે ફાળવાયેલા પૈસામાંથી ર૦૦૮-૦૯માં રૂા. ૬પ,૦૦૦ લાખ વપરાયા નથી જે પૈસા મુખ્‍યમંત્રીશ્રીના વૈભવ માટે વપરાયા.
  • એસ.સી., એસ.ટી.ને વસ્‍તી મુજબ નાણાં ફાળવવા જોઈએ, તેના બદલે ભાજપની ગુજરાત સરકારે રૂા. ૧,૦૦૦ કરોડ ઓછા ફાળવ્‍યા.
  • મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાન કરતાં ગુજરાતમાં ડિઝલ પ્રતિ લીટરે રૂા. ૧.૭૦ મોઘું છે, કારણ કે, ગુજરાત સરકારનો ટેક્ષ દેશમાં સૌથી વધારે છે.
  • દેશમાં સૌથી વધારે વિજળીની ડયુટી ગુજરાતની જનતા પર.
  • ગુજરાતના ખેલાડીઓ માટે નથી સારા કોચ કે નથી સારા મેદાન, છતાં મુખ્‍યમંત્રીશ્રીના અહમ્‌ના પોષણ માટે ખેલ ઉત્‍સવમાં કરોડો વેડફી નાખ્‍યા.
  • વાતાવરણ એવું હોવું જોઇએ કે, ભલે રમે આખું વિશ્વ પણ જીતશે તો ગુજરાત.
  • જી.એસ.પી.સી., એલ. એન્‍ડ ટી. કંપનીને ર૧૭ કરોડ રૂપિયા એસ્‍ટીમેટ કરતાં વધારે કોન્‍ટ્રાકટમાં આપી દીધા.
  • ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સદંતર કથળી ગઈ છે. માત્ર એક સલામત અને આખું ગુજરાત અસલામત.
  • મુખ્‍યમંત્રીશ્રીના પુસ્‍તક કે જેમાં વાલ્‍મિકી સમાજનું અપમાન છે, તેના સૌજન્‍ય માટે જી.એસ.પી.સી.ના પૈસાની લ્‍હાણી.

આજે ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્‍ય ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારનું બજેટ ગરીબો અને શ્રીમંતો વચ્‍ચેની ખાઈ વધારનારું અને અસમતોલ વિકાસને પેદા કરનારું છે. બજેટના કારણે આમ આદમીની ઉપેક્ષા અને મુઠ્ઠીભર માનીતા માલામાલ થાય એ પરિસ્‍થિતિનું નિર્માણ થશે. બજેટમાં એકપણ રૂપિયાની રાહત આપવામાં આવી નથી.

શ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, બજેટમાં રૂા. ૫૨૪ કરોડનો નવો કરબોજ ગુજરાતની જનતા ઉપર નાંખવામાં આવ્‍યો છે. ચાણક્‍યનું અર્થશાસ્‍ત્ર છે કે, મોટા પાસેથી મોટો કર લો અને નાના માણસને એનાથી સુવિધા આપો. મોટા ઉપર રાજ્‍યસત્તા કડક બને અને નાના અને ગરીબ માણસો ઉપર કૃપા દૃષ્‍ટિ રાખે એ ચાણક્‍યનું અર્થશાસ્‍ત્ર છે. વન વિભાગની જમીન ઉપર એસ્‍સાર જેવી કંપનીઓ કોઈ અધિકાર વિના કબજો કરે અને આદિવાસીઓને જંગલની જમીનો અપાતી નથી. લંડનની ઈરોઝ કંપની માટે લાલ જાજમ પાથરવામાં આવે છે અને ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે. ઈરોઝ કંપનીને ફાયદો આપીએ અને ગ્રીન સેસના નામે ગુજરાતની આમ જનતા ઉપર રૂા. ૨૪૪ કરોડનો કરબોજ નાંખવામાં આવે, તે કેટલું વ્‍યાજબી છે.

પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીએ કહ્યું છે કે, સાચું ભારત ગામડામાં વસે છે ત્‍યારે ગુજરાત સરકારે મહાત્‍મા ગાંધીજીની વાતો કરવાનું હમણાં હમણાંથી શરૂ કર્યા પછી પણ આ ગામડાની ચિંતા કરતી નથી. વર્ષ ૨૦૦૭-૦૮માં ગ્રામીણ વિકાસ માટેની જે જોગવાઈ કરી હતી, તેમાંથી રૂા. ૩,૨૨૫ લાખ વપરાયા વિનાના પડી રહ્યા છે. વર્ષ ૨૦૦૮-૦૯માં ૧૧ હજાર લાખ કરતાં વધુ રકમ ગ્રામીણ વિકાસ વિભાગના વપરાયા વિનાના પડી રહ્યા છે અને ૨૦૦૯-૧૦માં ગ્રામીણ વિકાસ માટેના રૂા. ૨૫ હજાર લાખ વપરાયા વિનાના પડી રહ્યા છે.

શ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, દલિત કે આદિવાસી દરેકની આપણે ચિંતા કરવી જોઈએ. વર્ષ ૨૦૦૮-૦૯માં રૂા. ૬૫ હજાર લાખ સામાજિક સેવાઓમાં વણવપરાયેલા રહ્યા. વર્ષ ૨૦૦૯-૧૦માં રૂા. ૬૦ હજાર લાખ વણવપરાયેલા રહ્યા. સામાજિક વિકાસમાં બહુ મોટા રનવેની વાત ના કરીએ તો ચાલશે, પરંતુ ગામડાના કોઝવેની ચિંતા કરવી પડશે. બજેટના આયોજનના કુલ બજેટમાંથી અનુ. જાતિ માટે રૂા. ૨,૦૩૦ કરોડની જોગવાઈ કરી છે, જે ૫.૪૬% જેટલી છે. પ્‍લાનિંગ કમિશનના જણાવ્‍યા મુજબ, એસ.સી. અને એસ.ટી. માટે વસ્‍તીની ટકાવારી મુજબ જોગવાઈ કરવી જોઈએ. એ મુજબ એસ.સી.ની વસ્‍તી ૭% છે અને એસ.સી.ની વસ્‍તી ૧૪% છે. આમ, એસ.સી. માટે રૂા. ૨,૬૦૦ કરોડ જોઈએ, જેમાં રૂા. ૫૮૦ કરોડ ઓછા ફાળવ્‍યા છે અને એસ.ટી. માટે રૂા. ૫,૨૦૧ કરોડ ફાળવવા જોઈએ તેને બદલે રૂા. ૪,૮૪૮ કરોડ ફાળવ્‍યા છે. આદિવાસી હોય, એસ.સી. હોય કે લઘુમતી હોય, પરંતુ એ હિન્‍દુસ્‍તાની હોવાથી એને સાથે રાખવાના પ્રયત્‍નો કરવા જોઈએ. ચાલુ બજેટમાં સરકારે રૂા. ૨૧,૧૨૫.૮૭ કરોડનું દેવું લેવાનું કહ્યું છે. આટલું દેવું લીધા બાદ પણ સરકાર કર્મચારીઓનો પગાર નિયમિત કરી શકતી નથી કે પેન્‍શનર નિવૃત્ત થાય ત્‍યારે તેના અધિકારના પૈસા પણ તેને મળતા નથી.

અન્‍ય રાજ્‍યોમાં વેટના દર વધારે છે તેમ કહી આ બજેટમાં સરકારે વેટના દર વધાર્યા છે. પરંતુ, અન્‍ય રાજ્‍યોમાં જે જે વસ્‍તુઓ પર વેટના દર નીચા છે તે તે વસ્‍તુઓ પર વેટના દર નીચા લાવવા અંગે સરકારે કાંઈ કર્યું નથી. ઓક્‍ટ્રોય નાબુદ કરી ત્‍યારે પેટ્રોલ ઉપર ૩% અને ડીઝલ ઉપર ૨% સેસ નાંખ્‍યો. હાલ ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩% અને ડીઝલ ઉપર ૨૧% વેટ છે. ગુજરાતના પાડોશી રાજ્‍યો મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાનમાં ડીઝલ ગુજરાત કરતા ૧ રૂપિયો અને ૭૦ પૈસા જેટલું સસ્‍તું છે.

શ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૦૭-૦૮માં ગુજરાતમાં ૯.૩૫% વીજ ડયુટી લેવામાં આવી છે. રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ બજેટ સ્‍ટડી કરીને ૧૪ રાજ્‍યો જે એકસરખા છે તેના આંકડા આપ્‍યા છે, તે જોઈએ તો ક્‍યાંક ૦.૫%, ક્‍યાંક ૨% તો ક્‍યાંક ૪% વીજ ડયુટી લેવામાં આવે છે. આમ, વીજ ડયુટીમાં ૧૪ રાજ્‍યોમાં સૌથી વધારે વીજ ડયુટી ગુજરાત રાજ્‍યમાં લેવાય છે. મોટાભાગના રાજ્‍યોમાં રહેઠાણના ગ્રાહકો પર વીજ ડયુટી ૪થી ૧૫ પૈસા જેટલી છે, જ્‍યારે ગુજરાતમાં ૨૦% છે. ગુજરાત વીજ આયોગ પંચે પણ વીજ ડયુટીના ભાવ ગુજરાતમાં અનેકગણા વધારે છે તે ઘટાડવા જોઈએ તેવી ટકોર કરેલ છે.

શ્રી ગોહિલે જણાવ્‍યું હતું કે, ખેલાડીઓ માટે સારું ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર બનાવવું જોઈએ, સારા કોચીસ આપવા જોઈએ અને એવી પરિસ્‍થિતિ ઉભી કરવી જોઈએ કે, રમશે આખું વિશ્વ, પણ જીતશે ગુજરાત. પરંતુ ખેલ ઉત્‍સવ વખતે કહેવામાં આવ્‍યું હતું કે, રમશે ગુજરાત અને જીતશે ગુજરાત પરંતુ ગુજરાત જ રમે તો ગુજરાત જ જીતે ને ? બીજું કોણ જીતે ? વિશ્વ રમે પણ ગુજરાત જીતે એ ભાવના ઉભી થવી જોઈએ.

શ્રી ગોહિલે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સ્‍ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા દરિયામાં પ્‍લેટફોર્મ બનાવવાનું કામ એલ. એન્‍ડ ટી. કંપનીને આપવામાં આવ્‍યું. આ કામ એસ્‍ટીમેટ કરતાં રૂા. ૨૧૭ કરોડથી વધારેમાં આપી દેવામાં આવ્‍યું. જી.એસ.પી.સી.એ કહ્યું હતું કે, ૨૦૧૧માં અમે ગુજરાતમાં કે.જી. બેઝીનમાંથી ગેસ લઈ આવીશું. ટ્‍વેન્‍ટી ટી.સી.એફ. ગેસ અને ઓઈલ મળવાનું છે, ‘‘ખેડૂત કેનમાં દૂધ નહિ પરંતુ તેલ વેચવા જશે” અને હવે એમ કહે છે કે આ ગેસ અને ઓઈલ ૨૦૧૩માં મળે તેમ કરીશું.

શ્રી ગોહિલે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારે બે દિવસ પહેલાં કહ્યું હતું કે, કેન્‍દ્ર સરકાર ગુજરાતમાં ગેસ આપતી નથી અને રિલાયન્‍સ અને એસ્‍સારને ગેસ આપે છે. પરંતુ જી.એસ.એફ.સી. હોય, જી.એન.એફ.સી. હોય, ગુજરાતના ફર્ટિલાઈઝર માટે થઈને ૩.૭૫ એમ.એમ.એસ.સી.એમ.ડી. ગેસ આપવામાં આવે છે. ગુજરાતમાં પાવર સેક્‍ટરમાં ૮.૧૪ એમ.એમ.એસ.સી.એમ.ડી. ગેસ આપવામાં આવે છે. ગેસ ફાળવણીની નીતિ કેન્‍દ્રમાં જ્‍યારે એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે જે નક્કી કરવામાં આવી હતી તે જ છે.

        કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિની વાત કરતાં શ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજીના ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થામાં એક સલામત અને આખું ગુજરાત અસલામત એવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત પોલીસ દ્વારા જે લોકો પકડાયા છે એ આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને મોટા અધિકારીઓ બચી જાય એટલા માટે નાનાને પકડીને જેલમાં નાંખવામાં આવે છે અને મોટા મહેલમાં રહે છે. કાયદો સહુના માટે સમાન હોવો જોઈએ.

________________________________________________________________________