Press Note Guj Dt: 11/09/2012 on Modi’s Rhetoric
Click here to view / download press note.
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર
અખબારી યાદી તા. ૧૧-૯-ર૦૧ર
- હંમેશા માનીતા ઉઘોગપતિઓ માટે વાયબ્રન્ટ બનીને રહેનારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકોની વચ્ચેની યાત્રા કાઢે છે.
- જનતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ઓળખી ચૂકી છે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ઘાંઘા બનીને યાત્રાની શરૂઆતથી જ વાણીવિલાસ શરૂ કર્યો.
- કેન્દ્રની સરકાર કેગના અહેવાલની સંસદમાં ચર્ચા કરવા તૈયાર હતી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર એ જ કેગ દ્વારા કહેવાયા છે, તેની ચર્ચા કરવા ગુજરાતના મુખ્યમંત્રી તૈયાર નથી.
- ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ચૂંટણી સમયે કહ્યું હતું કે, મારો ગુજરાતનો ખેડૂત ચકલી ખોલશે અને પાણી નહીં, પેટ્રોલ મેળવશે. હવે આ બીજી ચૂંટણી આવી ત્યારે લોકોને ચકલી ખોલતાં પેટ્રોલ તો શું પણ પાણીય મળતું નથી.
- જે કેગના અહેવાલના નામે કોલસાનું રાજકારણ ભાજપ કરે છે, તે જ કેગના અહેવાલમાં છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીનો ૧૬,૭૦૬.૯૯ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર શોધીને અપાયો છે.
- કેન્દ્ર સરકારને કેગના અહેવાલને આધારે રાજીનામું આપવાનું કહેનાર ભાજપ ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના માનીતા અદાણીને લોકો માટેનો સસ્તો ગેસ કરોડો રૂપિયે સસ્તે આપ્યો, એમ કેગ કહે છે, તો ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું કેમ નથી આપતા ?
- ૧૦ વર્ષ સુધી ગુજરાતના લોકોને ઘરનું ઘર નહીં આપનારા ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતની જનતા ગાંધીનગરના ઘરની બહાર મૂકશે.
- સ્વ. હરેન પંડયાની હત્યા થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં તેમનો પક્ષ સત્તામાં હતો, છતાં સાચા તહોમતદાર કેમ ન પકડ્યા ?
- બીજે એસ.આઈ.ટી.ની વાત કરનારા ગુજરાતના મુખ્યમંત્રી સુપ્રિમ કોર્ટમાં હરેન પંડયાની હત્યાના સાચા તહોમતદારો સામે એસ.આઈ.ટી. કેમ નથી માંગતા ?
- સ્વ. હરેન પંડયાની હત્યા થઈ ત્યારે આર.એસ.એસ.ના મુખ્ય નેતા અને હરેન પંડયાના પિતા પોતે જ કહી ચૂક્યા હતા કે, હરેન પંડયાના કેસમાં પકડાયેલા તહોમતદારો નિર્દોષ છે અને સાચા તહોમતદાર ગુજરાતના મુખ્યમંત્રી છે.
- ગુજરાતના ખેડૂતોને શા માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી ?
- વીજળીના નામે વિકાસની ડંફાસ મારનારા મુખ્યમંત્રી ગુજરાતમાં ૧૨ લાખ ખેડૂતો વીજજોડાણથી વંચિત છે તેના માટે મૌન કેમ ?
- ગુજરાતીઓની વચ્ચે ગુજરાતમાં જ હિન્દીમાં ભાષણ કરીને મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય નેતાનું મુંગેરીલાલ જેવું પોતાનું સ્વપ્ન દેખાડ્યું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હંમેશા માનીતા મોટા ઉઘોગપતિઓ માટે જ વાયબ્રન્ટ બની જાય છે, પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જનતાની વચ્ચે જઈને કોઈ પોતાની સત્તા દરમ્યાન થયેલ સાચી વાતો કરવાને બદલે ભડકાઉ અને ગેરમાર્ગે દોરવાનો વાણીવિલાસ કરે છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ બહુચરાજી ખાતે જે વાણીવિલાસ કર્યો છે, તેમાં સત્ય જો તપાસે તો પોતાને જ ખબર પડશે કે એમની વાતને કશું જ સુસંગત નથી. કેન્દ્રમાં કેગનો રિપોર્ટ રજૂ થયો, કેન્દ્રની સરકારે કહ્યું કે, આવો પાર્લામેન્ટમાં ચર્ચા કરીએ અને કોલસાના કૌભાંડ અંગે જે કરવી હોય તે ખુલ્લી ચર્ચા કરવા મનમોહનસિંહજીએ આહ્વાન આપ્યું. જ્યારે ગુજરાતમાં આ જ કેગ દ્વારા મોદીજીના ભ્રષ્ટાચારની પરંપરાઓ સાથેનો અહેવાલ રજૂ થયો ત્યારે એક તો છેલ્લા દિવસ સુધી અહેવાલ જ રજૂ ન કરવા દીધો અને અહેવાલ રજૂ થયા પછી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણપણે વિધાનસભા ગૃહમાંથી વિધાનસભાના વિરોધપક્ષના સભ્યોને સસ્પેન્ડ કર્યા અને સસ્પેન્ડ કરાયા પછી જ કેગનો અહેવાલ રજૂ થયો, તો શું ગુજરાતની વિધાનસભામાં આની ચર્ચા કરવાની તૈયારી એમની શા માટે નહોતી ? કેન્દ્રમાં કેગના અહેવાલમાં કહેવાયું તો એસ.આઈ.ટી.ની માંગણી અને તપાસ સી.બી.આઈ. કરે એવી માંગણી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કરે છે, તો હવે ગુજરાતની જનતા એ પણ સવાલ પૂછે છે કે, શું ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતમાં કેગના અહેવાલમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનો માત્ર છેલ્લા વર્ષનો આંકડો ૧૬,૭૦૬.૯૯ કરોડ રૂપિયા છે. આ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે કેમ મુખ્યમંત્રી નથી કહેતા કે સુપ્રિમ કોર્ટ એસ.આઈ.ટી. બનાવે અથવા સી.બી.આઈ. તપાસ કરે ? પ્રશ્ન એ પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના સૌથી માનીતા ઉઘોગપતિ અદાણીને જનતા માટે જે સસ્તા ભાવનો ગેસ મંગાવવામાં આવ્યો હતો, તેની પડતર કિંમત કરતાં પણ કરોડો રૂપિયાનો લાભ આપીને ઓછી કિંમતે ગેસ અપાયો છે, જે ભ્રષ્ટાચાર છે, એમ કેગના ગુજરાતના અહેવાલમાં કહેવાયું છે તો એ અંગે કેમ મુખ્યમંત્રી ચૂપ છે ?
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે ભૂતકાળમાં ચૂંટણી સમયે ભાષણો કર્યા હતા, તેને જનતા ભૂલી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ચૂંટણી સમયે ઉત્તર ગુજરાતમાં જ કહ્યું હતું કે, મને ૨૦ ટીસીએફ ઓઈલ અને ગેસ એ કેજી બેસીનમાં મળી ગયો છે, ઉત્તર ગુજરાત હોય કે ગુજરાતમાં રહેતા મારા કોઈપણ ગુજરાતીઓ ચકલી ખોલશે તો પાણી નહીં પણ પેટ્રોલ અને ડીઝલ મળશે. મારો ગુજરાતનો ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા હવે નહીં જાય, પરંતુ પેટ્રોલ વેચવા જશે. આવી વાતો કરનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. કેજી બેસીનમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ૨૦ ટીસીએફની વાત કરનારને એક ટીપું પણ ઓઈલ કે ગેસ ત્યાંથી મળ્યો નથી, કારણ કે જીએસપીસીમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતે જ ભરપેટ પૈસા ખાઈ ગયા છે. ગુજરાતની ચૂંટણી આવે છે, ૧૨ વર્ષ સુધી ગુજરાતની જનતા માટે કાંઈ કર્યું નથી અને જ્યારે કોંગ્રેસ પક્ષ તરફ લોકોએ મીટ માંડી છે, આશા બંધાણી છે અને પરિવર્તનનો પવન ફૂંકાયો છે ત્યારે ઘાંઘા થયેલા મુખ્યમંત્રીશ્રી ગમે તેવી ભાષા બોલી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીને ગમે તેમ કહેનારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સૌથી પહેલાં તો પોતાની વાણી ઉપર લગામ લગાવવાની જરૂર છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં કોઈ ટપોરી બોલે તેવી ભાષા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી બોલે તે આમ ગુજરાતની સંસ્કૃતિનું સૌથી મોટું અપમાન છે. ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં ઘરવિહોણા લોકોને ઘર આપવાનું ગુજરાતના મુખ્યમંત્રીને સૂઝ્યું નથી. જે આંકડો છાપામાં પ્રજાના પૈસે, ટીવીની ચેનલો ઉપર જાહેરાતોમાં આપીને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, એ આંકડો આર.ટી.આઈ.માં મળેલી માહિતીથી સદંતર વિપરીત સાબિત થયો છે. ગુજરાતમાં ખેડૂતોને વીજળીની જ્યારે જરૂર છે ત્યારે દિવસે વીજળી આપવામાં આવતી નથી, રાત્રે વીજળી મળે અને ચૂંટણી સમયે ભૂતકાળમાં ૧૮ કલાક અને ૧૬ કલાકની વાત કરનાર જ્યારે સત્તામાં આવ્યા ત્યારથી ગુજરાતના ખેડૂતોને ક્યારેય પૂરતી વીજળી મળી નથી. ઉઘોગપતિ માનીતો હોય, માંગે ત્યારે સરકારી ખર્ચે એને વીજજોડાણ મળે, પરંતુ ગુજરાતમાં ડાર્ક ઝોનના લગભગ ૬ લાખ કરતાં વધારે ખેડૂતો વર્ષોથી વીજળીની રાહ જોઈને બેઠા છે અને ડાર્ક ઝોન સિવાયના ખેડૂતો પણ ૧૯૯૪-૯૫ની સાલથી જે રાહ જોઈને બેઠા હતા, જેને વીજજોડાણો આપી દેવા જોઈએ, એમને આજ સુધી ગુજરાતની સરકારે વીજજોડાણ આપ્યા નથી અને હવે જ્યારે ચૂંટણી માથા ઉપર આવી છે ત્યારે માત્રને માત્ર મતોના રાજકારણ માટે થઈને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી મનમાં આવે તેવી જાહેરાતો કરે છે, તો શું અત્યાર સુધીના આ સમયગાળામાં સત્તાઓ ભોગવી ત્યારે એમને સોમનાથ હોય કે છોટા ઉદેપુર હોય, નવો જિલ્લો આપવાનું કેમ નહીં સૂઝ્યું ? હાઉસીંગ બોર્ડને વિખેરી નાંખ્યું, સ્લમ ક્લીયરન્સ બોર્ડને ખાડામાં નાંખી દીધું, ગુજરાતના લોકોને ઘર મળે એની ચિંતા જ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૧૦ વર્ષ સુધી ન કરી, જ્યારે કોંગ્રેસે ખૂબ મહેનત કરીને તર્કસંગત અર્થશાસ્ત્રીઓને બેસાડીને, નિષ્ણાતોનો અભિપ્રાય લઈને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે તો દરેક ગૃહિણીને “ઘરનું ઘર’ મળે તે માટેનો કાર્યક્રમ આપ્યો અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ ગૃહિણીઓને ઘરના ઘરનું ફોર્મ નહીં લેવા અપીલ કરી, છતાં લાખો બહેનોએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને ઘરના ઘરના ફોર્મ ભરેલા છે અને કોંગ્રેસ સત્તામાં આવતાંની સાથે જ આ વચનને પરિપૂર્ણ કરવાની છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આટલા લાંબા સમય સુધી જાગ્યા નહીં અને હવે લોકોને ઘર આપવાની ચ્યુઈંગમ આપવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પરંતુ તેમની બનાવટ કરનારને ગુજરાતની જનતા હવે ઓળખી ચૂકી છે.
ગુજરાતમાં મોટા ઉઘોગકારોને લાભો આપ્યા, તેમાં યુવાનને રોજગારી મળવી જ જોઈએ તેવી જે જૂની કોંગ્રેસ સમયની નીતિ હતી કે જેમાં ટેકનીકલ ક્ષેત્રે પણ રિઝર્વેશન ગુજરાતીઓનું અને જનરલમાં પણ ગુજરાતીઓ માટેની નોકરીનું રિઝર્વેશન હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચારથી આ ઉઘોગપતિઓને એ જૂની નીતિમાંથી સંપૂર્ણ મુક્તિ આપી દીધી છે અને પરિણામે ગુજરાતનો યુવાન બેરોજગાર રખડે છે. વિકસિત બીજા રાજ્યો ઉઘોગકારો એ કોઈ કામદારોનું શોષણ ન કરે તેની ચિંતા કરે છે, કોન્ટ્રાક્ટ બેઈઝ નહીં પરંતુ પૂરતા પગાર સાથે નોકરી મળે તેની ચિંતા કરતા હોય છે. જ્યારે ગુજરાતમાં યુવાનોનું ઉઘોગકારો શોષણ કરે છે તેના અંગે ગુજરાતના મુખ્યમંત્રી સંપૂર્ણપણે મૌન છે. નર્મદામાં એક ઈંચ ઊંચાઈ વધારવાની હવે જરૂર નથી. આપણા ભાગે આવતું પૂરતું પાણી ઉપલબ્ધ છે. આ પાણી દરિયામાં વહી જાય છે. ૧૦ વર્ષમાં જે કેનાલોના કામ પૂર્ણ થઈ જવા જોઈતા હતા તે કેનાલોના કામ આજ સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી અને પરિણામે ખેડૂતોને પાણી વગર ટળવળવું પડે તેવી પરિસ્થિતિ થઈ છે. ગાયોના નામે રાજનીતિ કરનારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૩ લાખ ૩૦ હજાર હેક્ટર ગૌચરની જમીન માનીતા ઉઘોગપતિઓને આપી છે અને પરિણામે ખેડૂતો કે પશુપાલકો વૃદ્ધ ઢોરને સાચવી જ ન શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કાયદો બનાવવાની જરૂર નથી, જો ગૌચર હોય તો કોઈપણ ગુજરાતી એ પોતાનું ઢોર મરે ત્યાં સુધી ક્યારેય વેચતો નહીં, પરંતુ હવે ગૌચર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વેચી ખાધું છે અને માટે જ ગુજરાતમાં પશુધન એ કતલખાને જઈ રહ્યું છે અને એના પાપના મુખ્ય સૂત્રધાર એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છે.
ગુજરાતમાં જ્યારે સ્વ. હરેન પંડયાની હત્યા થઈ ત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ ભાજપની સરકાર હતી. અડવાણીજી કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રીના ગુરુ છે, તેઓ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા, એ સમયે હરેન પંડયાની હત્યામાં જે લોકોને પકડીને પૂરી દેવામાં આવ્યા હતા તે ખોટા છે અને સાચા તહોમતદારો બીજા છે, ગુજરાતના મુખ્યમંત્રી જ હરેન પંડયાની હત્યા માટે જવાબદાર છે એમ કહેનાર આર.એસ.એસ.ના અમદાવાદના એક વખતના મુખ્ય આગેવાન અને સ્વ. હરેન પંડયાના પિતા એ સતત કહેતા રહ્યા, એમની વાત સાંભળવામાં આવી નહીં. હવે ગુજરાતની હાઈકોર્ટમાં સ્પષ્ટ રીતે માનનીય બે ન્યાયાધીશ સાહેબોએ જણાવી દીધું કે જે હરેન પંડયાની હત્યામાં પકડાયેલા હતા તે ખોટા લોકો પકડાયેલા છે, તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આખા દેશની વાતોની ડંફાસ મારે છે, કેમ એમ નથી કહેતા કે, હરેન પંડયાના હત્યાના કેસમાં ખોટા લોકોને જ્યારે અડવાણી ગૃહપ્રધાન હતા ત્યારે પૂરાયા હતા એ વાતનો સ્વીકાર કરીએ છીએ અને શા માટે સુપ્રિમ કોર્ટ પાસે એમ નથી કહેતા કે સુપ્રિમ કોર્ટ સારા તટસ્થ અધિકારીઓની એસ.આઈ.ટી. બનાવે અથવા સી.બી.આઈ. ફરી વખત તપાસ કરે અને સાચા સૂત્રધારોને પકડવામાં આવે એની વાત ગુજરાતના મુખ્યમંત્રી કેમ કરતા નથી ? સવાલ એ પણ છે કે, ગુજરાતના લોકો અનેક વ્યથામાં પીડાય છે, મુખ્યમંત્રી પોતાની આજુબાજુ સેંકડો કમાન્ડો રાખે છે, પોતે સલામત અને ગુજરાતમાં એક નાનું બાળક હોય કે બહેનના ગળામાં રહેલું મંગળસૂત્ર હોય, એ કશું જ ગુજરાતમાં સલામત નથી, તો એ કાયદો અને વ્યવસ્થાની વાતમાં ગુજરાતના મુખ્યમંત્રી આજના ભાષણમાં એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. ગુજરાતમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે, આ આત્મહત્યાના પાપના ભાગીદાર એ ગુજરાતના મુખ્યમંત્રી છે. ભૂતકાળમાં જ્યારે પણ દુષ્કાળ પડતો, ગુજરાતની સરકાર તુરત જ મહેસુલ માફ કરતી, બિયારણ તગાવી આપતી, કેશડોલ્સની વહેંચણી થતી અને ગુજરાતના ખેડૂતોને હામ મળતી હતી કે ભલે દુષ્કાળ પડયો, સરકાર અમારી સાથે છે. પરંતુ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તો સૌરાષ્ટ્રના લોકો દુષ્કાળમાં મુશ્કેલીમાં હતા ત્યારે મિજબાની કરવા જેવો જલસો જૂનાગઢ ખાતે કર્યો, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતો માટે એક શબ્દ ન બોલ્યા. કેટલ કેમ્પ તુરત જ શરૂ થતા હતા, ઘાસનું વિતરણ શરૂ થતું હતું, જે ગૌશાળાઓ ચલાવે છે તેમને સબસીડી મળવાનું શરૂ કરવામાં આવતું હતું, આ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આમાનું કશું જ કર્યું નથી.
જનતાની પાસેથી ચૂંટણીની અંદર લોકો પાસેથી ખંડણીની જેમ ભાજપના કાર્યકર્તાઓ પાસેથી ધનસંગ્રહ ઉભું કરાયું છે. આ ધનભંડોળ એ ગુજરાતની જનતાના મહેનતના પરસેવાના નાણાં ભેગા કરાયા છે, આ વિષે પણ ગુજરાતના મુખ્યમંત્રી પોતાના રાજકીય પ્રવચનમાં મૌન રહ્યા છે. જેમ મુંગેરીલાલને હસીન સપના આવતા હતા એ રીતે વારંવાર ભાજપના નેતાઓને પ્રધાનમંત્રીની ખુરસી દેખાય છે અને એટલા જ માટે વારંવાર નિવેદનો થાય છે. ગુજરાતમાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીમાં નહીં, પરંતુ હિન્દીમાં ભાષણ કર્યું, એ એમની પ્રધાનમંત્રી થવાની અથવા રાષ્ટ્રીય નેતા થવાની અંદર રહેલી જે જીજીવિષા છે, મુંગેરીલાલના હસીન સપના જેવી જે ઈચ્છાશક્તિ છે, એનું જ આ કારણ છે. પરંતુ એમનું આ સપનું ક્યારેય સાકાર નહીં થાય, કારણ કે દેશમાં લોકો ક્યારેય એમને સાથ આપવાના નથી. એનડીએના ઘટક દળો પણ એમને સાથ આપવા માંગતા નથી અને ગુજરાતની જનતા પણ હવે એમને ઓળખી ગઈ છે કે હવે અહીંયા સૌનો સાથ અને સૌનો વિકાસ નથી, સાથ આખા ગુજરાતનો લે છે અને મોદીના માનીતાનો વિકાસ છે, એ વિકાસ આમ ગુજરાતીનો નથી અને એટલા જ માટે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા એ કોંગ્રેસને સમર્થન આપવાની છે એ વાત દિવાલ પર લખાયા જેટલી સત્ય દેખાવાથી ઘાંઘા થયેલા મુખ્યમંત્રીશ્રીએ આજે બહુચરાજી ખાતે પ્રવચન આપીને ગુજરાતની સંસ્કૃતિનું અપમાન કર્યું છે તેમ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
———————————————————————————————————