Close

October 12, 2012

Press Note Guj Dt: 12/10/2012 on Railway

Click here to view / download press note

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                            તા. ૧૨-૧૦-ર૦૧ર

  • ગુજરાતમાં રેલ્વેલાઈન ઘટાડવાનું પાપ કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે થયું છે.
  • ગુજરાત સરકારના આધારભૂત દસ્તાવેજમાંથી સાબિત થયું કે, કેન્દ્રની કોંગ્રેસની સરકારે ગુજરાતની રેલ્વેની લાઈન વધારી છે અને ભાજપની કેન્દ્રમાં સરકાર આવી ત્યારે ગુજરાતને અન્યાય થયો છે.
  • ગુજરાતમાં નેશનલ હાઈવે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે ઘટયા છે.
  • કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર આવતાંની સાથે નેશનલ હાઈવેમાં માત્ર છેલ્લા વર્ષમાં ,૨૪૫ કિ.મી.નો રેકોર્ડ બ્રેક વધારો થયો છે.
  • વાણિજ્ય બેંકોની કચેરીઓ કેન્દ્રમાં જ્યારે ભાજપની આગેવાનીવાળી સરકાર હતી ત્યારે વધી નથી.
  • કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર આવી તો ગુજરાતમાં બેંકોની કચેરીઓની સંખ્યા ,૬૮૯માંથી વધીને ,૪૩૩ થઈ છે.
  • એનડીએના શાસનમાં ગુજરાતને શું મળતું હતું ? અને યુપીએના શાસનમાં ગુજરાતને શું મળે છે ? તેની જાહેર ચર્ચા કરવા પડકાર.
  • મુખ્યમંત્રીની થપ્પડની જાહેરાતમાં સત્ય હકીકત નીકળી કે, ગુજરાતને થપ્પડ ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે મારી છે.
  • ગુજરાતમાં પોતે કરેલા કામોના નામે મત માંગી શકે તેમ નથી માટે ગુજરાતના મુખ્યમંત્રી સદંતર જૂઠ્ઠાણાં કેન્દ્ર સરકારના અન્યાયના કહે છે.
  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેમાં ચૂંટણી લડી શકે કે જે ગુજરાતનો મતદાર હોય. સત્ય હકીકત છતાં મનમોહનસિંહજીને ચૂંટણી લડવાનું કહેવું તે મૂર્ખતાપૂર્ણ.
  • વિરોધપક્ષના નેતાએ ગુજરાત સરકારે બજેટ રજૂ કરતી વખતે આપેલા સરકારી પુસ્તકોના આધારભૂત પુરાવાઓ પ્રેસ અને મીડીયાને આપ્યા.

કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે તેવી જાહેરાતો અને ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદ યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે જે જૂઠ્ઠાણાંઓ ફેલાવ્યા હતા, તેની સામે ગુજરાત સરકારે જ વિધાનસભામાં રજૂ કરેલા આધારભૂત દસ્તાવેજો રજૂ કરીને વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસંહ ગોહિલે પ્રેસ અને મીડીયા પાસે એ સાબિત કરી આપ્યું હતું કે, જ્યારે જ્યારે કેન્દ્રમાં ભાજપ કે ભાજપના ટેકાવાળી સરકારો આવી છે ત્યારે ગુજરાતને અન્યાય થયો છે અને નુકસાન થયું છે. કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે કેન્દ્રમાં સત્તામાં આવી છે ત્યારે તમામ ક્ષેત્રોમાં ગુજરાતને હંમેશા વધારે મદદ મળી છે અને ફાયદો થયો છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ભાષણોમાં તેમણે કહ્યું હતું તે ઉપરાંત મીડીયાની ચેનલોમાં સરકારી ખર્ચે એક જાહેરાત આપીને ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને જણાવ્યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતમાં ૫,૩૯૬ કિ.મી.ના રેલ્વેના પાટાઓ (રેલ્વેલાઈન) હતી, જે કેન્દ્ર સરકારના અન્યાયના કારણે ઘટીને ૫,૩૨૮ કિ.મી. થઈ ગઈ છે. જાહેરાતમાં ગુજરાતને કેન્દ્ર સરકારની થપ્પડ અને હળહળતો અન્યાય આવા શબ્દો વપરાયા હતા. તેની સામે આજે પ્રેસ અને મીડીયા સમક્ષ વિધાનસભામાં જ રજૂ થયેલા ગુજરાત સરકારના અંદાજપત્ર પ્રકાશન ૩૪, સામાજિક-આર્થિક સમીક્ષા ૨૦૧૧-૧૨, ગુજરાત રાજ્યના પુસ્તકના પાના નં. ક-૬૧ની નકલો તેમજ ઓરીજનલ પુસ્તક પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને સત્ય જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ૧૯૬૦માં ૫,૩૯૬ કિ.મી.ની રેલ્વેલાઈન હતી અને જેમાં ક્રમશઃ વધારો થતો હતો. છેલ્લે કેન્દ્રમાં શ્રી રાજીવ ગાંધીએ સત્તાના સૂત્રો છોડયા ત્યારે ગુજરાતમાં રેલ્વેની લાઈન ૫,૩૯૬માંથી વધીને ૫,૬૧૯ કિ.મી. થઈ હતી. ત્યારબાદ ભાજપના ટેકાવાળી વી. પી. સીંગની સરકાર ૧૯૮૯-૯૦માં આવી, તેણે ગુજરાતમાં રેલ્વેલાઈન વધારવાના બદલે રેલ્વેલાઈનમાં ઘટાડો કરીને ૫,૬૧૯ કિ.મી.માંથી ૫,૨૪૪ કિ.મી. કરી નાંખી હતી. એટલે કે ભાજપના ટેકાવાળી કેન્દ્રમાં રહેલી ૧૯૮૯-૯૦ની સરકારે ૩૭૫ કિ.મી. રેલ્વેલાઈન ગુજરાતમાંથી ઘટાડી હતી. ત્યારબાદ જ્યારે ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારે ગુજરાતમાં ૨૦૦૦ની સાલમાં ૫,૩૧૨ કિ.મી.ની રેલ્વેલાઈન હતી. ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર કે જેમાં ગુજરાતમાંથી જ ચૂંટાઈને ગયેલા શ્રી એલ. કે. અડવાણી નાયબ વડાપ્રધાન હતા અને ત્યારે ખરેખર ગુજરાતને થપ્પડ એ રીતે પડી કે ૨૦૦૦ની સાલમાં રેલ્વેલાઈન જે ગુજરાતમાં ૫,૩૧૨ કિ.મી. હતી, તે વધવાને બદલે જ્યારે એનડીએની સરકારે ૨૦૦૪માં સત્તા છોડી ત્યારે ઘટીને ૫,૧૮૬ કિ.મી. થઈ ગઈ હતી. આમ, ૧૨૬ કિ.મી. રેલ્વેલાઈન ઘટાડીને ગુજરાતને હળહળતો અન્યાય કરવાનું કે ગુજરાતને થપ્પડ મારવાનું કામ કરનારી કેન્દ્રની સરકાર એ ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર હતી. ૨૦૦૪માં એનડીએની સરકારનો શાસનકાળ પૂરો થયો અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તાસ્થાને આવ્યા બાદ ૨૦૦૪થી લઈને ૨૦૦૯ સુધીમાં ગુજરાતમાં રેલ્વેલાઈન ઘટાડવાના બદલે વધારવાનું કામ કર્યું છે અને ગુજરાતમાં રેલ્વેલાઈન જે ૫,૧૮૬ કિ.મી. હતી, તે વધારીને કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે ૫,૩૨૮ કિ.મી. કરી છે. એટલે કે, ગુજરાતમાં ૧૪૨ કિ.મી.ની રેલ્વેલાઈન વધારવાનું કામ એ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે કર્યું છે.

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે) કેન્દ્ર સરકાર દ્વારા અપાતા હોય છે. ૨૦૦૦ની સાલમાં જ્યારે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર આવી ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ એ ૨,૩૮૨ કિ.મી. હતી અને એ ૨,૩૮૨ કિ.મી.ની લંબાઈ વધવાને બદલે ૨૦૦૨-૦૩માં એ ઘટીને ૨,૩૫૪ કિ.મી. થઈ અને ૨૦૦૩-૦૪માં ૨,૩૫૬ કિ.મી. થઈ. આમ, ૨૦૦૦થી ૨૦૦૪ સુધી એટલે કે જ્યારે ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર દિલ્હીમાં રહી ત્યારે ગુજરાતને રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઈવે)માં કશો જ લાભ મળ્યો નહીં અને ઉલટાની થોડી લંબાઈ ઘટી હતી. ૨૦૦૪માં દિલ્હીમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર શાસનમાંથી દૂર થઈ અને મનમોહનસિંહજીની અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી યુપીએની સરકાર દિલ્હીમાં આવતાંની સાથે જ પહેલાં જ વર્ષે એટલે કે ૨૦૦૪-૦૫માં ગુજરાતમાં જે નેશનલ હાઈવેની લંબાઈ ૨,૩૫૬ કિ.મી. હતી, તે વધીને ૨,૬૪૭ કિ.મી. એટલે કે લગભગ ૨૯૦ કિ.મી. જેટલી લંબાઈ વધારવામાં આવી. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોઈએ તો, દર વર્ષે કેન્દ્રમાંથી યુપીએની સરકારે ગુજરાતને નેશનલ હાઈવેમાં વધારો અને વધારો જ કરી આપ્યો છે. ૨૦૦૮-૦૯ના આંકડા જે વિધાનસભામાં ગુજરાત સરકારે જ આંકડાકીય પત્રકોના પાના નં. ક-૬૨, પત્રક નં. ૯.૨ આપેલું છે તેમાં સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએની સરકાર સત્તામાં આવી ત્યારે ગુજરાતમાં ૨,૩૫૪ કિ.મી.ની જ લંબાઈવાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે) હતા, તે ૨૦૦૮-૦૯માં રેકોર્ડ બ્રેક રીતે વધીને ૩,૨૪૫ કિ.મી.ના થયા છે. આમ, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ખૂબ વધી છે, તે માત્ર ને માત્ર કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના શાસન દરમ્યાન જ વધી છે.

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીયકૃત બેન્કો અને વાણિજ્ય બેંકોની કચેરીઓ જે ગુજરાતમાં હતી તેમાં પણ જ્યારે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર હતી ત્યારે ગુજરાતને કોઈ ખાસ ફાયદો થયો નહોતો, પરંતુ યુપીએની સરકાર આવ્યા બાદ ગુજરાતમાં આ બેંકોની કચેરીઓની સંખ્યામાં પણ ખૂબ જ મોટો ફાયદો ગુજરાતને થયો છે. ગુજરાત વિધાનસભામાં જ રજૂ થયેલા આંકડાકીય પત્રક ૧૦.૧ને આધારભૂત અને પ્રમાણિત દસ્તાવેજ તરીકે રજૂ કરીને વિરોધપક્ષના નેતાશ્રીએ પ્રેસ અને મીડીયાને જણાવ્યું હતું કે, જ્યારે ૨૦૦૦માં કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકાર આવી ત્યારે ગુજરાતમાં બેંકોની કચેરીઓની સંખ્યા ૩,૬૬૭ હતી. ૨૦૦૪માં જ્યારે એનડીએની સરકારની વિદાય થઈ ત્યારે આ કચેરીઓમાં માત્ર ૨૨નો જ વધારો થયો અને ગુજરાતમાં બેંકોની કચેરીઓ, ૩,૬૮૯ની થઈ. યુપીએની સરકાર ૨૨ મે, ૨૦૦૪ના રોજ સત્તામાં આવતાંની સાથે જ પહેલાં જ વર્ષે ૩,૬૮૯માંથી બેંકોની કચેરી વધારીને ૩,૭૧૦ કરવામાં આવી અને છેલ્લા છ વર્ષમાં એટલે કે ૨૦૦૪થી લઈને ૨૦૧૧ સુધીમાં બેંકોની કચેરીઓ ગુજરાતમાં જે ૩,૬૮૯ હતી, તેને લગભગ બમણી કહી શકાય તે રીતની વધારીને ૬,૪૩૩ કરવામાં આવી છે. માત્ર આ થોડા જ વર્ષમાં ૨,૭૪૪ કચેરીઓ બેંકની ગુજરાતમાં વધારવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા જે અન્યાયની વાત કરે છે તે તમામ આંકડાઓ પરથી સ્પષ્ટ પ્રસ્થાપિત થાય છે કે, ગુજરાતને અન્યાય કરનારી કેન્દ્રની સરકાર હંમેશા ભાજપની સરકાર રહી છે અથવા તો કેન્દ્રમાં ભાજપના ટેકાવાળી સરકાર રહી છે. કેન્દ્રમાં જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે ગુજરાતને હંમેશા ખૂબ વધારે મદદ મળી છે, તે વાતનો પર્દાફાશ અહીંથી જ થાય છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ કરી છે કે, હિંમત હોય તો અને પોતાની વાતમાં સત્યતા હોય તો એક મંચ પર આવીને ચર્ચા કરે કે જ્યારે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર હતી ત્યારે કેન્દ્રમાંથી ગુજરાતને કઈ કઈ યોજનાના કેટલાં નાણાં મળતાં હતા ? ગુજરાતમાંથી કેટલો કર કેન્દ્રમાં જતો હતો અને તેની સામે ગુજરાતને પરત કેટલી રકમ મળતી હતી ? કઈ કઈ કેન્દ્રની યોજનાઓમાં ગુજરાતમાં કેટલાં નાણાં આવતાં હતાં ? અને કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર આવ્યા પછી ગુજરાતની શું પરિસ્થિતિ છે ? તેની ચર્ચા જાહેર મંચ પર કરે. હકીકત તો એ છે કે, ગુજરાતને હંમેશા કેન્દ્રમાંથી કોંગ્રેસની આગેવાનીવાળી સરકારે મહત્તમ મદદ મોકલી છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ ચૂંટણી કે જે ગુજરાત રાજ્યની ચૂંટણી છે અને તેમાં પોતે કરેલા કામોના નામે મત માંગી શકે તેમ નથી, માટે સદંતર જૂઠ્ઠાણાંથી જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના આમ લોકોની ચિંતા કરવાને બદલે મુઠ્ઠીભર માનીતા ઉઘોગપતિઓ માટે વાયબ્રન્ટ બનીને ગુજરાતની ગૌચરની જમીન, રાજ્યની તિજોરી અને રાજ્યના સંસાધનોને લૂંટાવનાર ગુજરાતના મુખ્યમંત્રીએ વિધવા બહેનના પેન્શનમાં એક રૂપિયાનો વધારો કે ગૃહિણીને ઘરનું ઘર કે દલિતને સાંથણીની જમીન કે આદિવાસીને વનસંપત્ત્િા પરનો અધિકાર કે યુવાનને રોજગારી કે સસ્તું શિક્ષણ કે વેટમાં ઘટાડો, આમાંથી કશું જ કામ કર્યું નથી. ખેડૂતોને વીજળીના કનેકશન કે નર્મદાનું પાણી પહોંચાડયું નથી અને માટે હવે ચૂંટણીના સમયે વાહીયાત અને હાસ્યાસ્પદ વાતો કરીને લોકોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્ન કરે છે. ગુજરાતની ચૂંટણી છે અને ગુજરાતની ચૂંટણીમાં એ જ વ્યક્તિ ઉમેદવારી કરી શકે કે જે ગુજરાતનો મતદાર હોય. આ વાત એક નાના બાળકને પણ સમજાય તેવી છે ત્યારે મનમોહનસિંહજી મારી સામે ચૂંટણી લડે તેવી વાત કરવી એ કોઈપણ રીતે બુદ્ધિગમ્ય કે એક સ્વસ્થ મગજવાળાથી ન થાય તેવી વાત છે.

————————————————————————————————–