Close

October 14, 2011

Press Note Guj Dt: 14/10/2011 on Ten Years of Misrule

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                               તા.૧૪.૧૦.ર૦૧૧

  • ગુજરાતમાં દુઃશાસનના ૧૦ વર્ષ.
  • જિલ્‍લા મથકો પર પ્રશ્નો ઉકેલવાના બદલે મુખ્‍યમંત્રીશ્રીનું રાજકીય નાટક.
  • જિલ્‍લાના સરકારી તંત્ર અને સરકારી નાણાંનો મુખ્‍યમંત્રીશ્રીના રાજકીય નાટકો માટે બેફામ દુરપયોગ.
  • ૧૦ વર્ષમાંગુજરાત પરનું દેવું ૧,૩૭૦૦૦/- કરોડ.
  • ૧૦ વર્ષમાં એસ.ટી.બસોના પ,૯૦૦ રુટો બંધ થયાં.
  • ર૦૦૦ની સાલમાં એસ.ટી.ના વાહનો ૮,પ૭૩ હતાં તે ૬,પ૧૪ થયાં.
  • ૧૯૯પમાં સરકારી કર્મચારીઓ ર,૧પ,૦૦૦ હતાં તે ભાજપના શાસનમાં વસ્‍તી મુજબ વધવાના બદલે ઘટીને ૧,૭૪,૦૦૦.
  • ૧૦ વર્ષમાં અર્ધ સરકારી કર્મચારીઓની સંખ્‍યામાં ૮૦,૦૦૦નો ઘટાડો.
  • સરકારના ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગાર ૮,રપ,૪૮૮.
  • રક્ષિત જંગલ, ગૌચર અને પડતર જમીનો મફતના ભાવે માનીતાઓને ભ્રષ્‍ટાચારથી મુખ્‍યમંત્રીશ્રીએ પધરાવી.
  • ૧૦ વર્ષમાં પહેલાં ખેડૂતોને મળતી વિજળીમાં ૩,૭પ૬ (યુનિટ ૧૦ લાખમાં) વિજળીનો ઘટાડો.
  • રાજકીય લાભ માટે નકલી એન્‍કાઉન્‍ટરો .
  • નિર્દોષ જેલમાં અને ગુનેગારો મહેલમાં.
  • ૧૦ વર્ષના શાસનમાં ગુજરાતને થયેલાં નુકશાનની આધારભૂત માહિતીઓ રજૂ કરતાં વિરોધપક્ષના નેતા.

 

ગુજરાતમાં દુઃશાસનના ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જિલ્‍લા મથકો પર જઇને પ્રજાની હાડમારીઓ ઉકેલવાના બદલે ૧૦ વર્ષ પછી માત્ર નાટક કરવા જઇ રહ્યાં છે. પ્રજાની તિજોરીને કરોડો રુપિયાનું નુકશાન ૧૦ વર્ષના સમયગાળામાં થયું છે. જિલ્‍લા મથક પર સમગ્ર સરકારી તંત્રના અને પ્રજાના નાણાંના દુરુપયોગથી જે નાટકની શરુઆત મુખ્‍યમંત્રીશ્રી કરવાના છે તેનાથી તેમણે કરેલાં ભ્રષ્‍ટાચાર અને દુઃશાસન છાવરી નહીં શકાય. જામનગરના દ્વારકા ખાતે મુખ્‍યમંત્રીશ્રીના નાટક માટે સમગ્ર સરકારી તંત્રનો દુરપયોગ થઇ રહ્યો છે. કોંગ્રેસપક્ષને પોતાના કાર્યક્રમ માટે મંજૂરી મેળવવામાં પણ જે મુશ્‍કેલીઓ પેદા કરી છે તે લોકશાહી પ્રણાલિકાથી વિપરીત છે. જામનગરના સંસદ સભ્‍યશ્રીને સરકીટ હાઉસમાં એક રુમ પણ ન મળે તે આપખુદશાહીનું સૌથી મોટું દ્રષ્‍ટાંત છે.

 ગુજરાતમાં ૧૦ વર્ષના દુઃશાસનમાં જન સુવિધાઓ ઘટી છે, અને આમ આદમીની મુશ્‍કેલીઓ વધી છે. જયારે પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ સત્તા સંભાળી ત્‍યારે ગુજરાત પર નજીવું દેવું હતું જે આજે વધીને ૧,૩૭,૦૦૦/-કરોડને આંબી ગયું છે. આમ જનતા માટે ઉપયોગી એવી એસ.ટી.બસોના બસ માર્ગોની સંખ્‍યા ર૦૦૦ની સાલમાં ર૦,૧૦૪ હતી તેમાં વધારો થવો જોઇએ તેના બદલે આજે ઘટીને ૧૪,૯૪૭ થઇ ગઇ છે. માર્ગ પર દોડતાં એસ.ટી.બસના વાહનોની સંખ્‍યા ર૦૦૦ની સાલમાં ૮,પ૭૩ હતી તે ઘટીને આજે ૬,પ૧૪ જેટલી થઇ ગઇ છે. ર૦૦૦ની સાલમાં એસ.ટી.બસની સુવિધાનો ઉપયોગ રોજના ૩૭,૪ર,૦૦૦ મુસાફરો કરતાં હતા. તે આજે ઘટીને માત્ર ર૩,ર૩,૦૦૦ મુસાફરો જ લાભ મેળવી શકે છે. પ્રજ્ઞાચક્ષુઓને પણ એસ.ટી. બસની મુસાફરીમાંથી મળતાં લાભમાં ઘટાડો કરવામાં આવ્‍યોછે. (આંકડાકીય માહિતીનું પ્રાપ્‍તી સ્‍થાન જી.એસ.ટી.સી. આંકડાકીય પત્રક ૯.૬ પ્રકાશન-૩૪) એસ.ટી નિગમની બસોનો મુખ્‍યમંત્રીશ્રી પોતાના રાજકીય નાટકો માટે બેફામ ઉપયોગ કરે છે અને મુસાફરો વારંવાર રઝળી પડે છે. દ્વારકાના એક દિવસના કાર્યક્રમ માટે પણ એસ.ટી.બસોને રોકી લેવાનો નિર્ણય થયો છે. આમ નિગમને નુકશાન મુખ્‍યમંત્રીશ્રીના ૧૦ વર્ષના શાસનમાં થયું છે અને તેથી નિગમના રહેમરાહેના કર્મચારીઓને નોકરી પણ આપવામાં આવતી નથી.

 ગુજરાતમાં રાજ્ય સરકારની નોકરીઓમાં અનેક જગ્‍યાઓ ખાલી રાખવામાં આવે છે. રાજ્યના બેરોજગાર યુવાનો લાયકાત ધરાવતાં હોવા છતાં સરકારી નોકરી મેળવી શકતાં નથી. કોંગ્રેસના શાસન વખતે ૧૯૯પમાં રાજ્ય સરકારની નોકરીમાં ર,૧પ,૦૦૦/-કર્મચારીઓ હતાં જે ભાજપના શાસનમાં વસ્‍તીના ધોરણે અને કામના બોજના ધોરણે વધવા જોઇએ તેના બદલે ર૦૧૦માં ઘટીને ૧,૭૪,૦૦૦/- જ સરકારી નોકરીમાં રહ્યાં છે. અર્ધ સરકારી સંસ્‍થાઓમાં પણ ૮૦,૦૦૦/- જેટલાં અર્ધ સરકારી કર્મચારીઓની સંખ્‍યા ઘટી છે. આમ યુવાનોને રોજગારીના નામે દુઃશાસનના ૧૦ વર્ષના શાસનમાં ખૂબ મોટો અન્‍યાય થયેલો છે. (રોજગારી અંગેના આંકડાની માહિતીનું પ્રાપ્‍તિ સ્‍થાન રોજગાર અને તાલિમ નિયામકશ્રીની કચેરી આંકડાકીય પત્રક ૧૪.૧).

 ગુજરાતમાં સતત વિકાસની બૂમો પાડતાં મુખ્‍યમંત્રીશ્રીના ૧૦ વર્ષના શાસનમાં શિક્ષિત બેરોજગારો કે જે સરકારી ચોપડે નોંધાયેલા છે. તેની સંખ્‍યા ઘટવાના બદલે વધી રહી છે. આજે સરકારના જ બજેટ પ્રકાશનના આંકડા મુજબ ગુજરાતમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની સંખ્‍યા ૮,રપ,૪૮૮ની થઇ ગયેલી છે જે કોંગ્રેસના શાસન કરતાં અઢી લાખ કરતાં વધારેની છે.

ગુજરાતમાં પ૦ વર્ષથી જે સરકારી જમીનો પ્રજા હિતમાં અનામત રાખવામાં આવી હતી તે મફતના ભાવે માનીતા ઉદ્યોગપતિઓને આપીને કરોડો રુપિયાનો ભ્રષ્‍ટાચાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ  કરેલો છે. રાજ્યના જંગલો પણ ગુજરાતના ૧૦ વર્ષના દુઃશાસનમાં ઘટેલાં છે. પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ ૩૦,૦૦૦ હેકટર જેટલું રક્ષિત જંગલ તેમના શાસનમાં ઘટેલું છે. રાજ્યમાં છેલ્‍લાં ૧૦ વર્ષમાં જ ચાલું પડતર જમીન ર,૮ર,૦૦૦ હેકટર ઘટી ગઇ છે. આ ઉપરાંત ગૌચર તથા અન્‍ય પડતર અને ખેડવા લાયક પડતર તેમજ અન્‍યજમીનો છેલ્‍લાં ૧૦ વર્ષમાં ઘટી ગઇ છે.(આંકડાકીય માહિતીનું પ્રાપ્‍તિ સ્‍થાન ખેતી નિયામકશ્રીની કચેરી આંકડાકીય પત્રક ૩.ર જમીન વપરાશ) સરકારની ગૌચર અને પડતરજમીનો વેચીમારવાની નીતિના કારણે પશુ પાલકોએ ન છૂટકે તેમના પશુઓ કતલખાતે મોકલવા પડે છે. હકીકતમાં રાજ્યની પડતર જમીનો મફતના ભાવે ઉદ્યોગપતિઓને આપવાના બદલેજો પશુપાલકો માટે ખુલ્‍લી રાખી હોત તો કોઇપણ પશુ કતલખાને જતું ન હોત.

 ગુજરાત રાજયના ખેડૂતોને વિજળી આપવાની નીતિ છેલ્‍લાં ૧૦ વર્ષના દુઃશાસનના રાજયમાં ખેડૂત વિરોધી રહી છે. ગુજરાતના ખેડૂતોને છેલ્‍લાં ૧૦ વર્ષમાં મીટર વગરના નિયમીત જોડાણો બિલકુલ આપવામાં આવેલા નથી. ગુજરાત સરકાર વિજળી બહારના રાજ્યોમાં વેચે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને વિજળી આપવામાં આવતી નથી. ગુજરાતના ખેડૂતોને આજથી ૧૦ વર્ષ પહેલાં એટલે કે ર૦૦૦ની સાલમાં ૧પ,૪૮૯ (યુનિટ ૧૦ લાખમાં) ખેતી માટે વિજળી આપતી હતી. ગુજરાતના ખેડૂતોને મળતી આ વિજળીમાં વધારો થવો જોઇએ તેના બદલે દુઃશાસનના ૧૦ વર્ષમાં ખેડૂતોને મળતી આ વિજળીમાં ઘટાડો થઇને ગત વર્ષે માત્ર ૧૧,૭૩૩ (યુનિટ ૧૦ લાખ) આપવામાં આવી છે. આમ ૩,૭પ૬ (યુનીટ ૧૦ લાખમાં) જેટલી વિજળી જે ખેડૂતોને મળતી હતી તે પણ ઓછી કરી દેવામાં આવી છે. (આંકડાકીય માહિતનું પ્રાપ્‍તિ સ્‍થાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.નાં આંકડાકીય પત્રો ૮.૩ ઉપયોગ અનુસાર વિજ વપરાશ સરકારી પ્રકાશન ક-૭૪ માંથી)

        ગુજરાત સરકારે વાયબ્રન્‍ટ ગુજરાતના નામે મૂડીરોડકાણોના તદ્દન ખોટાએમ.ઓ.યુ.થી ૧૦ વર્ષના શાસનમાં બણગાં ફૂંકેલા છે. ગુજરાત સરકારના સામાજિક આર્થિક સમીક્ષા પુસ્‍તકના અહેવાલ પરથી એ વાતનો પર્દાફાશ થાય છે કે, હકીકતોનું મૂડીરોકાણ માત્ર નહીંવત  થયેલું છે.વાયબ્રન્‍ટ વગુજરાતના એમ.ઓ.યુ.ના નામે કોઇપણ પ્રકારની  પારદર્શક પ્રક્રિયા વગર સરકારી મિલકતો માનીતા ઉદ્યોપતિઓને  અપાઇ ગઇ છે. સર્વોના માટેની એકસરખી નીતિને બદલે ભ્રષ્‍ટાચારથી ઉદ્યોગપતિઓને મનપસંદ ઔદ્યોગિક નીતિ અપનાવીને પ્રજાની તિજોરીને લૂંટવામાં આવી છે. સરકારી સામાજિક,આર્થિક સમીક્ષા ફેબ્રુઆરી-ર૦૧૧ના અહેવાલ મુજબ વાયબ્રન્‍ટ ગુજરાતના ર૦૦૩, ર૦૦પ, ર૦૦૭ અને ર૦૦૯ના સમિટમાં થયેલાં મૂડીરોકાણોનું વાસ્‍તવિક મૂડીરોકાણ એમ.ઓ.ની. સરખામણીમાં નહીંવત છે. ર૦૦૯માં ૮,૬૬૦ એમ.ઓ.ની. જાહેરાત થયેલી અને ૧ર,૩૯,પ૬ર કરોડ રુપિયાના મૂડીરોકાણ આવશે તેવી મોટી અને ખોટી વાતો કરવામાં આવી હતી.  તેનીસામે સરકારી અહેવાલી મુજબ મૂડીરોકાણ માત્ર ૮૮૦૦૦ કરોડનું થયેલં છે. વાયબ્રન્‍ટ ગુજરાતના ખોટા ખર્ચાઓ અને સરકારી મિલકતની લૂંટ ન ચલાવી હોત તો પણ આટલું મૂડીરોકાણ આવવાનું જ હતું.

        કાગળ પરના એમ.ઓ.યુ. કરીને પ્રજાની મિલકતો મફતમાં પડાવવા માટે સ્‍વાર્થી લોકો વાયબ્રન્‍ટ ગુજરાતમાં આવે છે. ખરેખર જે લોકો ભ્રષ્‍ટાચારથી રુપિયાઆપવા માંગતા નથી અથવા આપી શકતા નથી. તેવા વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવતાં નથી જે બતાવે છે કે, મૂડીરોકાણનીવાતો ભ્રામક છે. રીઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાના રજૂ થયેલાં આંકડાઓ જોઇતો તો દુઃશાસનના ૧૦ વર્ષમાં ગુજરાતમાં ફોરેન ડાયરેક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એફ.ડી.આઇ. ઇકવીટીનો ઇન્‍ફલો ગુજરાતમાં માત્ર ૩,ર૯૪ યુ.એસ.ડોલર ઇન મીલીયનનો  ર૦૧૦-૧૧નોછે. જેની સામે મુંબઇમાં ર૭,૬૬૯, દિલ્‍હીમાં ૧ર,૧૮૪, બેંલોરમાં ૬,૧૩૩ ચેન્‍નાઇમાં ૬,૧૧પ યુ.એસ.ડોલર ઇન મીલીયન એફ.ડી.આઇ.નો ઇન્‍ફલો છે. જે બતાવે છે કે, ગુજરાતના વિકાસની વાતો કરનાર સરકાર એફ.ડી.આઇ.મેળવવામાં નિષ્‍ફળ રહેલી છે.

        ગુજરાતનો સ્‍ટેટ જી.ડી.પી. કોંગ્રેસના શાસનમાં ૧૧ ટકાથી લઇને ૧૪ ટકા સુધીનો રહેલોહતો. જયારે આજે સ્‍ટેટ જી.ડી.પી તેના કરતાં ઓછો છે. જે બતાવે છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સમયમાં સુઃશાસન હતું અને અત્‍યારે દુઃશાસનનો પ્રભાવ છે.

        માનવ અધિકાર આયોગના વિધાનસભામાં રજૂ થયેલાં અહેવાલ મુજબ ગુજરાતમાં ગુનાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતની જેલોમાં ૮૧ .૪૭ ટકા ક્ષમતા કરતાં વધારે કેદીઓ એટલે કે, રાજયોની જેલોમાં ક્ષમતા કરતાં ૬,પ૧૯ કેદીઓ વધારે છે અને માનવ અધિકારનો સદંતર ભંગ થાય છે. પાસાના કાયદાનો દુરપયોગ થાય છે.તે માનવ અધિકાર પંચે પણ નોંધીને તેની ટીકા કરી છે. છેલ્‍લાં ૧૦ વર્ષમાં મહિલાઓ સબંધી ગુન્‍હાઓ ૩૦૦૦ કરતાં પણ વાર્ષિક વધારા સાથે નોંધાયેલા છે. અનુસૂચિત જાતિપર અત્‍યાચારોની સંખ્‍યામાં પણ ચિંતાજનક વધારો ૧૦ વર્ષના દુઃશાસનમાં માનવ અધિકકાર પંચે નોંધેલ છે.

        પોતાના પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે અને તે ન ફૂટે તે માટે કંસ પોતાના જ રાજ્યના નિર્દોષ લોકોને જેલમાં નાંખીને બચવાની કોશીષ કરતો હતો તેજ રીતે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતાના દુઃશાસનના પાપોને બચાવવા માટે નિર્દોષ લોકોને જેલમાં નાખવાનું અપકૃત્‍ય કરી રહયાં છે. પોતાની રાજકીય વોટબેન્‍કને મજબૂત કરવા ૧૦ વર્ષમાં અનેક હિન્‍દુ-મુસ્‍લીમ નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યા હતાં. સહાનુભૂતિ મેળવવા એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલાં પાસેથી મુખ્‍યમંત્રીશ્રીને મારવા આવ્‍યા હોવાની વાર્તા કરવામાં આવી હતી. પોતાના પગ નીચે રેલો  ન આવે તે માટે જે પોલીસ અધિકારીઓ રાજકીય એજન્‍ડાનેપાર પાડતા હતાં તેમને જેલમાં નાંખવાનું કામ કરાયું છે. તાજેતરમાં ગુજરાતી આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટને જેલ હવાલે એટલા માટે કરાયા છે, કારણ કે, તેઓએ સુપ્રિમ કોર્ટ સમક્ષ સત્‍ય કહેવાનો પ્રયત્‍ન કર્યો અને જયારે સ્‍વ.હરેન પંડ્યાના કેસમાં મહત્‍વની  હકીકતો એફિડેવીટથી રજૂકરી ત્‍યારે તેમને જેલમાં નખાયા છે. જે ફરિયાદ શ્રી સંજીવ ભટ્ટ સામે દાખલ થઇ છે તે ફરીયાદી પાસે મેનેજ કરીને દાખલ કરાઇ હોય એવું સ્‍પષ્‍ટ દેખાય છે. ગુનો તા.૧૬.૬.ર૦૧૧ના રોજ બન્‍યો છે તેવો આક્ષેપ કરનાર ફરિયાદી કે જે  પોલીસ ખાતાનો કર્મચારી અને કાયદાનો જાણકાર છે તે ફરિયાદ છેક તા.રર.૬.ર૦૧૧ના રોજ દાખલ કરી છે. ફરિયાદી પોતાની ફરિયાદમાં જ અક્ષરસઃ નીચે મજબનું લખાણ આપે છે. ” તમામ કોપી અમોને આપી દેવા જણાવેલ એમ એફીડેવીટની પાંચ અસલ કોપી અમોએ લઇ લીધેલ અને પાંચ કોપીઓ ઓ./સી. કોપી નોટરી  પાસે રાખેલ જેનો દુરપયોગ કે અમારી જાણ બહાર કોઇને પણ ન આપવા જણાવેલ અને અમરા હસ્‍તાક્ષરી (ઓસી) ઓ./સી. કોપીમાં સીરીયલ નંબર નાંખી ઓ./સી. લખી છેલ્‍લાં પાના ઉપર સહી કરેલ અને કોપી એડવોકેટનાઓએ રાખેલ તે કોપીમાં અમોએ તમામ પાના ઉપર સહી કરી ઉપર ઓ./સી. લખી અને છેલ્‍લે પાને સહી કરી કોપીનો દુર ઉપયોગ ન થાય તે હેતુસર ઓ./સી. અને નોટ ફોર સબમીશન એવું અંગ્રેજીમાં લખેલ છે.”

         આમ ફરીયાદી એફીડેવીટની ઓરીજીનલ કોપીઓ પોતે લઇ લેતો હોય અને ઝેરોક્ષ કોપીની નીચે ઓ.સી.અને નોટ ફોર સબમીશન એવું અંગ્રેજીમાં  લખતો હોય તે સ્‍વીકારીને જયારે ફરીયાદમાં જ એમ કહે કે આવું લખાણ પછી આનો દુરઉપયોગ ન થઇ શકે તો પછી ગુનો કેવી રીતેબને ? એફિડેવીટ જો ધાક ધમકીથી કરાવાતું હોય તો ફરીયાદીને કોઇ આવું લખવા દે ખરું ? આમ પણ એફિડેવીટની આ પ્રકારની નકલ કઇ રીતે ગુનો બને ?સામાન્‍ય ફરીયાદીની ગંભીર ફરિયાદો લેવામાં આવતી નથી અને રાજકીય સમીકરણો માટે ૧૦ વર્ષમાં બોગસ ફરીયાદોની હારમાળા ઉભી  થઇ છે. પોલીસની પાયા વગરની ફરિયાદના કારણે કરાયેલી કાર્યવાહીને યેનકેન પ્રકારે સાબિત કરવા માટે પ્રતિષ્‍ઠિત વકીલોને વિના કારથે પરેશાન કરવાનું પાપો પણ પ્રવર્તમાન દુઃશાસનમાં ચાલી રહ્યું છે.ભવિષ્‍યમાં નામદાર સુપ્રિમ કોર્ટ કે નામદાર ગુજરાત હાઇકોર્ટ, સી.બી.આઇ. કે એસ.આઇ.ટી.ની આજ કેસમાં તટસ્‍થ તપાસ કરાવશે તો ખોટું કરનારા અને ખોટું કરાવનારા કેટલાંયને જેલ જવાનો વારો આવશે.

        ગુજરાતમાં કયારેય આતંકવાદી હુમલા થતાં ન હતાં. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના વાણીવિલાસ અને કોમી વિભાજનના રાજકીય એજન્‍ડાનાકારણે ગુજરાતમાં છેલ્‍લાં ૧૦ વર્ષમાં આતંકવાદી હુમલા થયા. મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે સેંકડો કમાન્‍ડો હાજર રહે અને આખુ ગુજરાત અસલામત બને તેવા પ્રકારનું શાસન ચાલે છે. ગુજરાતની સરહદો ખુલ્‍લી રાખવામાં આવે છે. રાજયના પોલીસદળમાં અનેક જગ્‍યાઓ ખાલી છે. કારણ કે, મુખ્‍યંમત્રીશ્રી ઇચ્‍છે છે કે, ગુજરાતમાં આતંકવાદી આવે  અને પોતે સલામત રહે પરંતુ આતંકવાદી ઘટનાથી પોતાની વોટબેન્‍ક મજબૂત બને.

        ફિકસ પગારના કર્મચારીઓ, આશ્રિતની નોકરીની રાહ જોનાર અરજદારો, પેન્‍શનમાં વધારો ઇચ્‍છતી વિધવા બહેનો, સાંથણીની જમીન ઇચ્‍છતા દલિતો, જંગલની જમીન પર અધિકાર માંગતા આદિવાસીઓ, ગૌચરની જમીન ઇચ્‍છતા પશુપાલકો, નર્મદાની કેનાલ ઇચ્‍છતા ખેડૂતો, ડાર્કઝોનમાં વિજ જોડાણ માંગતા કિસાનો, એચ.આઇ.વી.ગ્રસ્‍તને સહાય માંગતા પરિવારજનો, ગુજરાતના પોતાના નાના અને સીમાંત ઉદ્યોગો માટે મદદ ઇચ્‍છતા ગુજરાતી ઉદ્યોગકારો તેમજ આમ ગુજરાતીઓ માટે છેલ્‍લાં ૧૦ વર્ષમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કશું જ કર્યુ નથી. જે કાંઇ થયું છે તે મુઠ્ઠીભર માનીતાઓને માલા-માલ કરવાનું કામ થયું છે. છેલ્‍લાં ૧૦ વર્ષમાં એકપણ દુષ્‍કાળ ગુજરાતમાં પડ્યો નથી. કેન્‍દ્ર સરકારની દેવા નાબૂદીની નીતિ તેમજ ખેડૂત તરફી નીતિના કારણે ખેડૂતોને ખૂબ લાભ થયાંછે. ગુજરાતના મહેનતકસ લોકોએ કુદરતની મહેરબાનીથી વિકાસ કર્યો છે. તેનો યશ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી લઇને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યાં છે. ગુજરાતની સાચી પરિસ્‍થિતિના આધારભૂત આંકડાઓ આપીને દુઃશાસનના ૧૦ વર્ષનો ચિતાર વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મિડિયા સમક્ષ રજૂ કર્યો હતો.

———————————————————————————————–