Press Note Guj. Dt: 18.07.2018 અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોમાં કામગીરી માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર.
માનનિય મુખ્યમંત્રીશ્રી (ગુ.રા.)
સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં મારા નીચે મુજબના સૂચનો ગુજરાતના હિતમાં છે તો તેને રાજકીય રીતે ન લેતા સકારાત્મક ભાવથી કાર્યાન્વિત કરવા વિનંતી છે.
- પ્રધાનમંત્રીશ્રી ૨૦ જુલાઈના ગુજરાત આવવાનો કાર્યક્રમ બનાવી ચુક્યા છે તે રાજકીય કાર્યક્રમમાં ફેરબદલ કરી રાહત કામગીરી માટે પ્રભાવિત લોકોને જમીન પર ઉતરીને મળે તથા પુરતી કેન્દ્રીય સહાય માત્ર જાહેરાત નહીં વાસ્તવિક રીતે આપે તે માટે વિનંતી. કુદરતી આફતના સમયે રાજકીય નેતાઓએ રાજકીય પ્રવાસ રદ કરવા જોઈએ પરંતુ સત્તામાં બેઠેલા રાજકીય નેતાઓએ રાજકીય પ્રવાસોને રાહત કામગીરી માટે સરકારી પ્રવાસમાં ફેરવીને લોકોની વચ્ચે જવું જોઈએ તે વાતમાં આપ સહમત થશો.
- તાલુકા અને જીલ્લાના મુખ્ય અધિકારીઓને મીટીંગો અને કોન્ફરન્સમાં કે મુખ્યમંત્રીઓની મુલાકાતોમાં વ્યસ્ત રાખવાના બદલે પ્રભાવિત ક્ષેત્રમાં ફિલ્ડની કામગીરી કરવા દેવામાં આવે. ગઈકાલે આપશ્રીનો પ્રવાસ હોવાના બહાના નીચે મામલતદાર થી લઈને કલેકટર સુધી તમામ અધિકારીઓ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની મીટીંગોમાં વ્યસ્ત રહ્યા હતા. વેરાવળ જેવા નગર થી લઈ ને કાણકિયા જેવા અનેક શહેરો અને ગામોના લોકો બચાવ અને રાહત માટે અધિકારીઓને મળવા તથા વાત કરવા માંગતા હતા તેમને એક જ જવાબ મળતો હતો કે, સાહેબ મીટીંગમાં વ્યસ્ત છે. જીલ્લાનો કે તાલુકાનો અહેવાલ એક કારકુન પાસેથી મેળવી શકાય અને તેમાં મુખ્ય અધિકારીને રોકી રાખવાની જરૂર નથી.
- પ્રભાવિત ક્ષેત્રમાં પીવાનું શુદ્ધ પાણી, ફૂડ પેકેટ, જરૂરી દવાઓ તેમજ હંગામી આશ્રયસ્થાન ઉભા કરવામાં આવે તથા કેશડોલની હજુ ચુકવણી શરુ નથી થઈ તે શરુ કરવામાં આવે.
- ખેતીની જમીનોનું ખુબ મોટા પાયે ધોવાણ થયેલ છે. નવા બિયારણો માટે તાત્કાલિક મફત બિયારણની જોગવાઈ કરવામાં આવે અને જમીન નવસાધ્ય કરવા માટેના પૈસા આપવામાં આવે.
- ગરીબ,દલિત,ખેત મજદૂર અને ઝુંપડામાં રહેતા લોકોની તારાજી થયેલ છે. તેમનું પુનઃવસન કરવામાં આવે.
- કંટ્રોલરૂમના ફોન નો-રીપ્લાય આથવા એન્ગેજ આવે છે તેમજ ફરિયાદનો નિકાલ થતો નથી તો આ વ્યવસ્થા સુદ્ધઢ કરવામાં આવે.
- મરેલા પશુઓનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરી રોગચાળો ફેલાતો રોકવામાં આવે અને ધોવાઇ ગયેલા ગ્રામ્ય રસ્તાઓ વાહનવ્યવહાર યોગ્ય બનાવવામાં આવે તેમજ વીજ જોડાણ સત્વરે પુન:સ્થાપિત કરવામાં આવે.
- નબળા અને જર્જરિત મકાનો શોધી કાઢી તેમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ફેરવી ભરૂચમાં બનેલી ઘટના જેવી ઘટના ન બને તે માટે વ્યવસ્થા કરવામાં આવે.
- ૨૦૧૭ માં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠાના જે ખેડૂતોને અતિવૃષ્ટિમાં ભયંકર નુકશાન થયું હતું અને તેમને જમીન નવસાધ્ય કરવા તથા સહાય માટે પ્રધાનમંત્રીશ્રી તેમજ આપશ્રીએ જાહેરાતો કરી હતી તે રાહત હજુ સુધી ખેડૂતોને મળી નથી. તો તે રાહત પહોંચાડવા વિનંતી.
આભાર સહ,
આપનો સ્નેહાધીન,
(શક્તિસિંહ ગોહિલ)
———————————————————————————————————————————————