Close

January 23, 2014

Press Note Guj Dt: 23/01/2014

Click here to view/download Press Note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત

 

અખબારી યાદી                                            તા. ૨૩-૦૧-૨૦૧૪

  • સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાતના મહેસુલ મંત્રી આનંદીબેન પટેલને ફટકાર.
  • કચ્છમાં કરોડો રૂપિયાની જમીન ખાનગી કંપનીને આપવાનો મહેસુલ મંત્રી આનંદીબેનનો નિર્ણય ગેરકાયદેસર ઠેરવતી સુપ્રિમ કોર્ટ.
  • કચ્છના કુકમા અને મોટી રેલડી ખાતેની બે લાખ ચો.મી. જમીન ઈન્ડીગોલ્ડ કંપનીને વેચવાની મંજૂરી મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે આપી હતી.
  • સરકારના તમામ અધિકારીઓ અને મુખ્ય સચિવશ્રીએ પણ ફાઈલ પર સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે, જમીન સરકારની બને છે તેમ છતાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા લઈને આનંદીબેને ઈન્ડીગોલ્ડ કંપનીને મંજૂરી આપી હતી.
  • ઈન્ડીગોલ્ડ કંપનીને જમીન આપવાનો નિર્ણય ભ્રષ્ટાચારથી ભરપૂર હોવાનો પર્દાફાશ તા. ૨૪-૪-૨૦૧૧ના રોજ જે-તે સમયના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો હતો.
  • ભ્રષ્ટાચાર સામેની કોંગ્રેસની લડત અને નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયના કારણે ગુજરાતની પ્રજાની તિજોરીમાં કરોડો રૂપિયાનો ફાયદો.
  • નહીં જેવી વાતમાં અન્યના રાજીનામા માંગનાર ભાજપ ગુજરાતના મહેસુલ મંત્રીને પદભ્રષ્ટ કરે.
  • વાયબ્રન્ટ ગુજરાત એ ગુજરાતના મુખ્યમંત્રીનું ભ્રષ્ટાચાર માટેનું મોટું પ્લેટફોર્મ છે, તેનું સર્ટીફીકેટ એટલે સુપ્રિમ કોર્ટનો આજનો હુકમ.

આજે સુપ્રિમ કોર્ટે ગુજરાતના મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે કરોડો રૂપિયાની જમીન ઈન્ડીગોલ્ડ કંપનીને ગેરકાયદેસર ફાળવણીનો જે હુકમ કર્યો હતો તેને રદ્દબાતલ કર્યો છે. આજે સુપ્રિમ કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, આનંદીબેનનો હુકમ એ ગેરકાયદેસરનો હતો. આ જમીનના સંદર્ભમાં પાંચ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ સુપ્રિમ કોર્ટે હુકમ કર્યો છે.

ગુજરાતમાં પ્રજાની માલિકીની કરોડો રૂપિયાની જમીનો પોતાના માનીતા ઉદ્યોગપતિઓને મફતના ભાવે આપીને ખુબ મોટો ભ્રષ્ટાચાર ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના નજીકના મંત્રીઓ કરી રહ્યા છે, તેનો સૌથી મોટો પર્દાફાશ આજના સુપ્રિમ કોર્ટના હુકમથી થયો છે. ૨૦૦૯માં કચ્છના કુકમા અને મોટી રેલડી ખાતેની ૨ લાખચોરસમીટર જમીન કે જે ખરેખરસરકાર ખાલસા થઈ હતી તેને વેચવા માટે ઈન્ડીગોલ્ડ કંપનીએ મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત એ ભ્રષ્ટ્રાચાર માટેનું એક મોટુંપ્લેટફોર્મ બનાવેલું છે તેમાં ઈન્ડીગોલ્ડ કંપની સાથે ભ્રષ્ટ વહીવટ કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ ઈન્ડીગોલ્ડ કંપનીને કચ્છ ખાતેની જમીન એલ્યુમીના રીફાઇનરીને વેચવા માટેની અરજી મેળવી તે મહેસુલ મંત્રીને મોકલી હતી. મુખ્યમંત્રીના સૌથી નજીકના અને મંત્રીમંડળમાં બે નંબરના મંત્રી મહેસુલ વિભાગ ધરાવતા શ્રી આનંદીબેન પટેલે ઈન્ડીગોલ્ડ કંપનીને મંજુરી આપવાની અરજી મહેસુલ વિભાગને મોકલી હતી. મહેસુલ વિભાગના તમામ અધિકારીઓ તથા મુખ્ય સચિવશ્રીએ ફાઈલ ઉપર સ્પષ્ટનોંધ લખી હતી કે આ જમીન સરકાર ખાલસા થયેલી છે અને ઈન્ડીગોલ્ડ કંપની આ જમીનને વેચી શકે જ નહીં. મુખ્ય સચિવશ્રીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આ જમીન સરકારની જ ગણાય અને ખાનગી કંપનીનો કોઈ અધિકાર નથી. આ તમામ હકીકતો ફાઈલ ઉપર હોવા છતાં ભ્રષ્ટ્રાચારના ખુબ મોટા વહીવટથી ગુજરાતના મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે ફાઈલ પર આદેશ કર્યો કે ખાસ કિસ્સા તરીકે ઈન્ડીગોલ્ડ કંપનીને કચ્છની બે લાખ ચોરસ મીટર જમીન એલ્યુમીના કંપનીને વેચવાની મંજુરી આપવામાં આવે. તમામ રીતે ગેરકાયદેસર થયેલા આ હુકમ અંગેની માહિતીઆર.ટી.આઈ. હેઠળ મેળવવામાં આવી હતી. જે-તે સમયે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયાને આર.ટી.આઈ. હેઠળ મેળવેલી ફાઈલ પરની તમામ નોંધો સાથે મહેસુલ મંત્રીશ્રીના ભ્રષ્ટ વહીવટ અંગે માહિતી આપી હતી. જેના વિરુદ્ધમાં ગુજરાતના ભાજપ સરકારના પ્રવક્તા મંત્રીશ્રીઓએ કોંગ્રસ અને વિરોધપક્ષના નેતા જુઠાણાં ચલાવે છે તેવો રદિયો આપ્યો હતો. જેની સામે શક્તિસિંહ ગોહિલે ચેલેન્જ કરીને ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે તા. ૨૬-૦૪-૨૦૧૧ને મંગળવારે બપોરના બે કલાકે જાહેરચર્ચા કરવા માટે ભાજપના ગુજરાતના પ્રવક્તા મંત્રીશ્રીઓ અને મહેસુલ મંત્રી આનંદીબેનને આમંત્રણ આપ્યું હતું. શ્રી ગોહિલ તા. ૨૬-૦૪-૨૦૧૧ના રોજ આપેલી ચેલેન્જ મુજબ ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં અને અનેકલોકો તેમજ મીડિયાના લોકો એકત્રિત થયા હતાં, પરંતુ શ્રી આનંદીબેન કે ભાજપના પ્રવક્તા મંત્રીઓ જાહેર ચર્ચા કરવા આવ્યા ન હતા. આજે નામદાર સુપ્રિમ કોર્ટે આપેલા હુકમથી સત્યની જીત થઈ છે અને ગુજરાતમાં જે ભ્રષ્ટ્રાચાર ચાલે છે તેનો પર્દાફાશ થયો છે.

જાહેરહિતની અરજી આજે નામદાર સુપ્રિમ કોર્ટની બેચ જસ્ટિસ શ્રી ગોખલે સાહેબ  તથા જસ્ટીસ શ્રી ચેલામેશ્વર સાહેબની બેચે મંજુર કરી છે. નામદાર સુપ્રિમ કોર્ટે મહેસુલ મંત્રીશ્રીના હુકમને ગેરકાયદેસર ઠેરવેલો છે અને પાંચ કરોડ રૂપિયાનું વળતર જમા કરવા માટે આદેશ પણ કરેલો છે.

ગુજરાત વિકાસમાં વર્ષોથી અગ્રેસર હતું અને ગુજરાતમાં ભૂતકાળની તમામ સરકારોએ પ્રજાની મિલકતોની જાળવણી કરી હતી. પ્રવર્તમાન ગુજરાતના મુખ્યમંત્રીએ છેલ્લા ૧૦ વર્ષમાં અબજો રૂપિયાની પ્રજાની મિલકતો કોઈપણ જાતના પારદર્શક વ્યવહાર કે સ્પર્ધાત્મક બીડ વગર ભ્રષ્ટ વહીવટથી માનીતાઓને પધરાવી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાતના નામે ભ્રષ્ટ્રાચારનું મોટું પ્લેટફોર્મ ઉભું કરે છે. ઉદ્યોગપતિઓને મનગમતી જમીનો વાયબ્રન્ટ ગુજરાતમાં જે પડાવી લેવાય છે અને ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર થાય છે તેનો માત્ર એક નમુનો એ આજનો નામદાર સુપ્રિમ કોર્ટનો હુકમ છે.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર સામેની કોંગ્રેસ પક્ષની લડત અને નામદાર સુપ્રિમ કોર્ટના આજના ન્યાયિક નિર્ણયને કારણે પ્રજાની તિજોરીમાં કરોડો રૂપિયાનો ફાયદો થયો છે તેનો અમને આનંદ છે. નામદાર સુપ્રિમ કોર્ટના આજના સ્પષ્ટ જજમેન્ટ પછી ગુજરાતના મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને ભારતીય જનતા પક્ષે તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા જોઈએ. કોંગ્રેસ પક્ષ સામે હંમેશા કાદવ ઉછાળતાં ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર પોતાની જ સરકારમાં ભ્રષ્ટ અને ગુનાહિત લોકોને મંત્રીમંડળમાં રાખી રહ્યા છે. આજે નામદાર સુપ્રિમ કોર્ટે જ્યારે મહેસુલ મંત્રીના હુકમને ગેરકાયદેસરનો ગણાવીને પાંચ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે ત્યારે તાત્કાલિક મહેસુલ મંત્રીને તેમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.

સુપ્રિમ કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી શ્રી દીપકભાઈ તથા અન્ય દ્વારા કરવામાં આવી હતી અને તેમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી અનિરુદ્ધભાઈ તથા સિનિયર એડવોકેટ શ્રી હુજેફા અહેમદી એપીયર થયા હતા.

—————————————————————————————————–