Close

February 23, 2011

Press Note Guj Dt: 23/02/2011 on speaker Election

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                             તા.ર૩.ર.ર૦૧૧

 

  •   ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રીની ચૂટણીમાં કોંગ્રેસપક્ષનું સમર્થન.
  •   ગુજરાતની ઉમદા સંસદીય પ્રણાલિકાઓને જાળવી રાખીને કોંગ્રેસપક્ષે અધ્‍યક્ષ માટેના પ્રસ્‍તાવને સમર્થન આપ્‍યું.
  •   ગુજરાતની પ્રસ્‍થાપીત પ્રણાલિકાઓ મુજબ ઉપાધ્‍યક્ષનું પદ કોગ્રેસને આપવું જોઇએ.
  •   વિધાનસભામાં તટસ્‍થ સંચાલન માટે નવા અધ્‍યક્ષશ્રી પાસે કોંગ્રેસપક્ષની અપેક્ષા.
  •   જે રીતે લોકસભામાં વિરોધપક્ષને પુરતુ માન અને સન્‍માન મળે છે તેજ રીતે વિધાનસભામાં વર્તન થાય તેવી માંગ.
  •   કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.ની સરકાર કે લોકસભાના અધ્‍યક્ષ વિરોધપક્ષના સભ્‍યોને એક દિવસ માટે પણ સસ્‍પેન્‍ડ કરતાં નથી   તેવું વર્તન ગુજરાતમાં થવું જોઇએ.

         ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે શ્રી ગણપતભાઇ વસાવાના ઉમેદવારીપત્રને કોગ્રેસપક્ષ તરફથી સમર્થન આપવામાં આવ્‍યુ હતું. ગુજરાત વિધાનસભાની ઉમદા પરંપરાઓને જાળવી રાખવાની કોંગ્રેસપક્ષે પૂરતી ખેવના અને ખેલદિલી રાખી છે. સાથોસાથ વિધાસનભા કોંગ્રેસપક્ષે સત્તાધારી પક્ષ પાસેથી અપેક્ષા રાખી છે અને સ્‍પષ્‍ટ માંગણી કરી છે કે, વિધાનસભાના ઉપાધ્‍યક્ષનું પદ પરંપરાગત રીતે વિરોધપક્ષને આપવામાં આવે છે તો તે પરંપરાનું પાલન કરીને વિધાનસભાના ઉપાધ્‍યક્ષનું પદ કોંગ્રેસને આપવામાં આવે.

        વિધાનસભાના અધ્‍યક્ષ અધ્‍યક્ષસ્‍થાને રહીને તટસ્‍થતાથી ગૃહનું સંચાલન કરવાની જવાબદારી નિભાવતા હોય છે. સ્‍વ.પુરષોત્તમ માવલંકરજીના વારસા સાથે જોડાયેલી ગુજરાતની વિધાનસભાનું ગૌરવ સમગ્ર દેશમાં અગ્રેસર હતું. ભૂતકાળમાં સ્‍વ.શ્રી રાઘવજી લેઉવા તથા સ્‍વ.શ્રી નટવરલાલ શાહ અને શ્રી બરજોરજી પારડીવાલા જેવા મહાનુભાવોએ અધ્‍યક્ષસ્‍થાને રહીને એક તટસ્‍થ અને ઉમદા અધ્‍યક્ષ તરીકેની પ્રતિભા પ્રસ્‍થાપીત કરી હતી. વિરોધપક્ષનો અવાજ ન રુંધાય  અને બંધારણીય પરંપરાનું પુરું પાલન થાય તે રીતે તટસ્‍થતાથી તેઓએ ગૃહનું સંચાલન કર્યુ હતું.

        વિધાનસભા કોગ્રેસપક્ષે નવા વરાયેલા અધ્‍યક્ષ પણ તટસ્‍થતાથી ગૃહનું સંચાલન કરીને ગુજરાતની ઉમદા પ્રણાલિકાઓને જાળવી રાખશે તેવી આશા વ્‍યક્ત કરી હતી. નવા વરાયેલા અધ્‍યક્ષશ્રીને વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સિધ્‍ધાર્થભાઇ પટેલ, પૂર્વ નેતાશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, ઉપનેતાશ્રી મોહનસિંહ રાઠવા, દંડકશ્રી ઇકબાલભાઇ પટેલ વિગેરેનાઓએ અભિનંદન પાઠવીને ગૃહનું સંચાલન લોકશાહી ઢબે ચાલશે તેવી આશા વ્‍યક્ત કરી હતી.

         લોકસભામાં વિરોધપક્ષે આક્રોશપૂર્ણ રીતે ગૃહની કાર્યવાહી ઘણાં દિવસો સુધી ખોરવી નાખે છે છતાં પણ કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.ની સરકારે કે, લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી દ્વારા એક દિવસ માટે પણ વિરોધપક્ષના સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરવામાં આવતા નથી. વિરોધપક્ષની લાગણી સામે કેન્‍દ્રની યુ.પી.એ.ની આગેવાનીવાળી સરકારે સમાધાનકારી વલણ અપનાવીને પણ વિરોધપક્ષનું માન અને સન્‍માન જાળવેલ છે. તેજ રીતની પરંપરા ગુજરાતમાં પણ પ્રસ્‍થા‍‍પીત થાય તેવી આશા વિધાનસભા કોંગ્રેસપક્ષે વ્‍યક્ત કરી છે.

————————————————————————————————–