Press Note Guj. Dt: 27.01.2018 પાર્લામેન્ટરી સેક્રેટરીની નિમણુંક બાબતે.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી
અખબારી યાદી તા:- ૨૭/૦૧/૨૦૧૮
પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી (સંસદીય સચિવો) બનાવતી હતી પરંતુ હવે નામદાર સુપ્રિમકોર્ટે રીટ પીટીશન,પીઆઈએલ ૩૦/૨૦૦૫માં તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય છે અને સંસદીય સચિવોની નિમણુંક કરતો કાયદો બનાવવાની પણ સત્તા રાજ્ય સરકારો પાસે નથી. રાજ્ય સરકારોએ મંત્રીમંડળનું કદ કેટલું રાખવું તે બાબતે સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલાક સમયે ખુબ મોટા જમ્બો મંત્રીમંડળ ભૂતકાળમાં રહેતા હતા. પરંતુ તા. ૦૧/૦૧/૨૦૦૪ના રોજ દેશના બન્ને સંસદીય ગૃહમાં ૯૧મો બંધારણીય સુધારો પસાર થયો અને જેને માન. રાષ્ટ્રપતિશ્રીની મંજુરી મળતા કાયદો બની ગયો. આ બંધારણીય સુધારા બાદ એ સુનિશ્ચિત થયેલ છે કે કોઈ પણ રાજ્યમાં મંત્રીમંડળનું કદ તેની કુલ સભ્ય સંખ્યાના ૧૫% કરતા વધારે હોઈ શકે નહીં. આમ છતાં પ્રજાના પૈસે સભ્યોને મંત્રી જેવી સુવિધાઓ આપવા અને રાજકીય રીતે સાંચવી લેવા ગુજરાતમાં પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવવામાં આવેલ.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના ગવર્નર સાહેબને સુપ્રિમકોર્ટના ચુકાદાની નકલ (૨૦૧૭ SSC પાના નં. SC ૮૧૩) સાથે પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ અનેક ખાતાઓ પોતાના હસ્તગત રાખેલા છે અને સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળમાં સામેલ થવા માટેના અનેક વિવાદો ચાલી રહ્યા છે. મને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુપ્રિમકોર્ટના ચુકાદાની જાણ હોવા છતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતાના પક્ષના અંદર રહેલા અસંતોષને ડામવા માટે પાર્લામેન્ટરી સેક્રેટરીઝની ખુબ મોટા પાયે લ્હાણી કરવાની વાતો કરી રહ્યા છે જે બંધારણથી વિરુધ્ધ અને નામદાર સુપ્રિમકોર્ટના ચુકાદાથી વિરુધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાય. ગુજરાતમાં અનેક સિનીયર અને પ્રમાણિક ધારાસભ્યશ્રીઓ સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળથી બહાર છે. ગુજરાતમાં ભૌગોલિક સંતુલન કે જ્ઞાતીગત સંતુલન પણ મંત્રીમંડળમાં નથી ત્યારે માત્ર રાજકીય કારણોસર ગેરબંધારણીય રીતે સંસદીય સચિવોની નિમણુંકો ન થાય તે આપના મારફતે એક બંધારણીય વડા તરીકે કાળજી લેવાની આપની ફરજ છે.
રાજ્ય સરકારનો વહીવટ આપના હુકમ અને સહીથી આદેશાત્મક બનતો હોય છે ત્યારે સંસદીય સચિવોની કોઈ પણ નિમણુંક અંગેની પેરવીમાં આપશ્રીની સહી કે નામનો ઉપયોગ ન થાય તે પણ આવશ્યક છે કારણકે બંધારણીય જોગવાઈઓ તેમજ નામદાર સુપ્રિમકોર્ટના હુકમનું પાલન કરવા તેમજ કરાવવા માટે આપશ્રી આપની ફરજોથી બંધાયેલા છો.
—————————————————————————————————
Click here to download & view the Press Note