Close

July 10, 2014

Press Note Guj Dt:10/07/2014 on Central Budget-2014

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                      તા.૧૦.૦૭.૨૦૧૪

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે આજે કેન્દ્રીય બજેટ અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ નિરાશાજનક અને મોંઘવારી વધારનારું કેન્દ્રીય બજેટ ભાજપની સરકારે આજે રજૂ કર્યું છે. સમગ્ર બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવી છે અને તેની સામે નાણાની ફાળવણી નહીંવત્ છે. માટે મોટી મોટી વાતો એ કાગળ ઉપર જ રહેવાની છે. ડીસેમ્બર-૨૦૧૨માં શ્રી મોદીએ કહ્યું હતું કે, ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) કોંગ્રેસની સરકાર લાવીને દેશને વિદેશીઓના હાથમાં મૂકી રહી છે અને આજે પોતે વડાપ્રધાન બન્યા પછી પોતાના બજેટમાં ૪૯% એફડીઆઈ રક્ષામાં પણ આપી દઈને દેશની સુરક્ષા સાથે ચેડા કરવાનો પ્રયત્ન આ બજેટમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં જ મોદી કહેતા હતા કે, પાશ્ચાત્ અસરથી નંખાયેલા ટેક્સ અન્યાયકર્તા છે અને તે ન જ હોવા જોઈએ. જ્યારે આજના બજેટમાં પાશ્ચાત્ અસરવાળા એ જ કર કે જેનો વિરોધ કર્યો હતો તેને પરત ખેંચવાની કોઈ વાત જ નથી. સમગ્ર બજેટમાં ભ્રષ્ટાચાર સામે લડવાની કોઈ યોજના જ નથી. કાળા નાણા અંગે માત્ર ઉલ્લેખ કરીને આખું પ્રકરણ સમેટી લેવાનો બજેટમાં પ્રયત્ન છે.

એપ્રિલ ૨૦૧૪માં આજે બજેટ રજૂ કરનાર નાણા મંત્રીએ માંગણી કરી હતી કે, આવકમર્યાદાની મુક્તિ ૫ લાખ રૂપિયા કરવી જોઈએ. પરંતુ આજે જ્યારે બજેટ રજૂ કર્યું છે ત્યારે માત્ર ૫૦ હજારનો જ સ્લેબ વધારીને બેવડી નીતિનું દર્શન કરાવ્યું છે. ૨૦૧૩-૧૪માં ભાજપ કહેતું હતું કે, ફીસ્કલ ડેફીસીટ ઘટાડી દેવી જોઈએ, પરંતુ આજના બજેટમાં કોઈ નક્કર અને અસરકારક આ માટેના પગલાંઓ દૃષ્ટિગોચર થતા જ નથી. ૨૦૧૩માં અરૂણ જેટલીએ કહ્યું હતું કે, દરેક પ્રવૃત્તિ માણસ કરે છે એમાં સીધો કે આડકતરો ટેક્સ છે. આજના બજેટમાં એ જ જેટલીજીએ જ્યારે ભૂતકાળમાં કહ્યું હતું તેને અનુરૂપ કોઈ રિફોમ્સ બજેટમાં દેખાડયા નથી. જે ભાજપ અને તેના નેતાઓ જી.એસ.ટી. લાવવાનો વિરોધ કરી રહ્યા તે જ ભાજપની સરકાર આજે જી.એસ.ટી.ની તરફેણ કરી રહી છે. ગયા વર્ષે ખેડૂતો માટે થઈને બજેટમાં કંઈ નથી, આજના આ બજેટમાં ખેડૂતો માટે માત્રને માત્ર નિરાશાઓ જ છે. પ્રસિદ્ધિના શોખીન અને હંમેશા ટીવીની ચેનલોમાં પોતાનો જ ચહેરો અને પોતાના જ ભાષણો ઈચ્છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન ચેનલના નામે પોતાની પ્રસિદ્ધિ માટેના નાણા ફાળવીને ખેડૂતોના હિતના રૂપિયા બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કાશ્મીરી પંડિતો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા હોય તેવી રીતે રૂ. ૫૦૦ કરોડની ફાળવણીને વાહવાહ કહેવડાવનાર ભાજપના આ બજેટ સમયે તેમને યાદ કરાવવું પડે છે કે, મનમોહનસિંહજીએ રૂ. ૧૬૦૦ કરોડ ૨૦૦૮માં કાશ્મીરી પંડિતોના પુનઃવસન માટે ફાળવ્યા હતા. “બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાના સુંવાળા શબ્દોથી મોટી વાત કરનારે બેટીને બચાવવાની પણ અને ભણાવવાની પણ અને તેના માટે માત્ર રૂ. ૧૦૦ કરોડ આટલા મોટા દેશમાં ફાળવેલા છે. એટલે દીકરી દીઠ રોજના નજીવા પૈસા માત્ર આવે અને એ નજીવા પૈસામાં દીકરીને બચાવવાની કેમ અને ભણાવવાની કેમ ? મેટ્રો ટ્રેન આપવાના નામે રૂ. ૧૦૦ કરોડની ફાળવણી એ ગુજરાતની મશ્કરી છે. હકીકતમાં, ગુજરાત પછી રાજસ્થાનમાં મેટ્રોનો પ્રોજેક્ટ મંજૂર થયો હતો. આમ છતાં, રાજસ્થાનમાં મેટ્રો કોંગ્રેસની સરકારે દોડતી કરી દીધી, જ્યારે ગુજરાતમાં શ્રી મોદીએ ચૂંટણી સમયે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડબ્બા ઉભા કરવાના અને મેટ્રોની વાતો કરવાની અને ચૂંટણી પૂરી થાય એટલે મેટ્રો ડબ્બામાં જાય તેવી જ સ્થિતિ રાખી છે. રૂ. ૧૦૦ કરોડ એ કશું જ નથી, કારણ કે મુંબઈ મેટ્રોનો એક લાઈનનો ટ્રેકનો ખર્ચો રૂ. ૪,૩૨૧ કરોડ હમણાં જ મહારાષ્ટ્રની સરકારે કર્યો છે. એવરેજ એક કિલોમીટરની કિંમત રૂ. ૨૦૪ કરોડ થાય છે. હવે આ સંજોગોમાં, રૂ. ૧૦૦ કરોડ એ શું કામના ? ગુજરાત સરકારે ગયા વર્ષે મેટ્રો માટે જે રૂપિયા ફાળવ્યા હતા તે પણ વાપરી શકી નથી.

ગુજરાતના ખેડૂતોને આઠ કલાકથી વધારે વીજળી મળતી નથી અને ગુજરાત મોડેલના નામે ૨૪ કલાક વીજળીની બજેટમાં વાતો કરવામાં આવી છે. દુષ્કાળ ડોકિયા કરે છે ત્યારે દુષ્કાળ સામે લડવા માટેનું કોઈ પ્રયોજન સમગ્ર બજેટમાં નથી. રમતવીરોને ટ્રેનિંગ માટે માત્ર રૂ. ૧૦૦ કરોડ ફાળવીને આવતી કોમનવેલ્થ ગેમ્સમાં અને એશિયન ગેમ્સમાં ભારત સારા ખેલાડીઓ તૈયાર ન કરી શકે. ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સ માટે કોંગ્રેસની સરકારે રૂ. ૬૭૮ કરોડ ફાળવ્યા હતા. આમ છતાં, તેનો કોઈ ઢંઢેરો ટીપવાની વાત નહોતી. સમગ્ર બજેટ એ દેશવાસીઓના બુરા દિનની શરૂઆતની નિશાની છે. ગયા વર્ષે શ્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના બજેટની ટીકા કરતાં કહ્યું હતું કે, આ બજેટમાં મોંઘવારી સામે લડવાની કોઈ જોગવાઈ નથી અને તેથી બજેટ એ આમ જનતા માટે નકામું છે, જ્યારે આજના બજેટમાં મોંધવારી સામે લડવાની કોઈ જ વાત નથી. ઉલટાનું, મોંઘવારીનો સામનો કરવા માટે તૈયાર રહેજો તેવી વાત ભાજપના બજેટમાં કહેવામાં આવી છે. દુનિયામાં મંદી છે એટલે ભારતનું અર્થતંત્ર નબળું છે એમ કહેવું તે આ દેશ માટે બરાબર નથી. આપણા દેશને વિશ્વની મંદીની કોઈ અસર થાય જ નહીં એવા ચૂંટણી સમયે ભાષણ કરનાર નરેન્દ્ર મોદીના શબ્દો આજના ભાજપના બજેટમાં જુદા જ જોવા મળ્યા. આજના ભાજપ સરકારના બજેટમાં જેટલીએ કહ્યું કે, વિશ્વમાં મંદી છે માટે ભારતમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરનાર ભાજપે આજે બજેટમાં જ કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલનો હજુ પણ વધારે ભાવ વધી શકે છે. આમ, સંપૂર્ણ નિરાશાજનક બજેટ ભાજપની કેન્દ્રની સરકારે રજૂ કર્યું છે, જેમાં ખેડૂતો, ગામડાઓ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને દેશના વિકાસની દિશા નક્કી કરી શકે તેવું કશું જ નથી.

———————————————————————————————————