Close

August 18, 2012

Press Note Guj Dt:18/08/2012

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                                                         તા. ૧૮-૮-ર૦૧ર

 

સમગ્ર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્‍ય તાલુકાઓમાં ખેડૂતોએ કરેલી વાવણી સંપૂર્ણ નિષ્‍ફળ ગઇ છે. કેટલાંક વિભાગોમાં બે બે વખત ખેડૂતોએ વાવેલું બિયારણ નિષ્‍ફળ ગયું છે. કેન્‍દ્ર સરકાર તરફથી રાહત માટે અપાયેલું નાણાનું પૂરતું ભંડોળ ગુજરાત પાસે ઉપલબ્‍ધ છે, આમ છતાં જરૂરી એવા મોટા ભાગના વિસ્‍તારોમાં હજુ સુધી અછત જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં દરેક ગ્રામ પંચાયતમાં વરસાદનું આંકલન કરવા માટે વરસાદ માપક સાધન રહેતું હતુ અને કોઇપણ તાલુકામાં વરસાદ ઓછો હોય ત્‍યારે તાલુકાના તમામ ગામોના વરસાદના આંકડા ધ્‍યાને લઇને ખૂબજ ઉદાર રીતે અછતની જાહેરાત કરી દેવામાં આવતી હતી. વર્તમાન ભાજપ સરકારે કોઇ જ વ્‍યાજબી પરિસ્‍થિતિ ધ્‍યાને લીધા વગર ઘણાં બધા મોટા વિસ્‍તારોમાં અપૂરતો વરસાદ અને પાક નિષ્‍ફળ ગયો હોવાછતાં હજુ પણ અછત જાહેર કરી નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જરૂરિયાત ઉભી થતી ત્‍યારે અછત જાહેર થઇ હોય કે ન થઇ હોય પરંતુ ઘાસ અને પાણીની વ્‍યવસ્‍થા તાત્‍કાલિક કરી દેવામાં આવતી હતી. ગુજરાતની ભાજપની સરકારે હજુ સુધી ઘાસની કોઇ જ વ્‍યવસ્‍થા અને વિતરણની વ્‍યવસ્‍થા કરી નથી. પશુધન અત્‍યંત મુશ્‍કેલીમાં મુકાયું છે ત્‍યારે તાત્‍કાલિક ઢોરવાડા અને ઘાસ વિતરણના કેમ્‍પ ચાલુ કરવાં જોઇએ એવી માંગણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે. મુખ્‍યમંત્રીશ્રી ભાવનગર અને અન્‍ય જગ્યાઓએ જાહેરાત કરીને ગયા હતાં કે, નર્મદાના પાણીથી સૌરાષ્‍ટ્રના તલાવડાઓ અને ડેમ ભરવામાં આવશે તેમજ નદીઓમાં પાણી છોડવામાં આવશે. આમ આ જાહેરાતને ઘણાં દિવસો થઇ ગયાં છે અને નર્મદાનું મહામૂલું પાણી દરિયામાં જઇ રહ્યું છે પરંતુ સૌરાષ્‍ટ્રના કોઇપણ ડેમ કે તલાવડાઓને નર્મદાના પાણીથી ભરવામાં આવ્‍યા નથી. રેલ્‍વેની ટ્રેક પર ઘાસ ઉગાડવાની હસ્‍યાસ્‍પદ વાત કરનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જો ખરેખર નર્મદાનું પાણી રેલ્‍વેની ટ્રેકને બદલે ખેડૂતોના ખેતરમાં પહોંચાડે તો ખેડૂતો સામેથી ઘાસ પકવવા તૈયાર છે અને પોતાની જમીનમાં પશુધન બચાવવા માટે ઘાસચારો ઉગાડવા આપવા માટે તૈયાર છે.

કેટલાંક ખેડૂતોના કુવાઓમાં થોડુ ઘણું પાણી ઉપલબ્‍ધ છે તેનાથી ઘાસચારો ઉગાડીને પોતાનું પશુધન બચાવવા માંગે છે, પરંતુ ખેડૂતોને પૂરતી વિજળી આપવામાં આવતી નથી.ગુજરાતના ખેડૂતોને દિવસે પૂરતી વીજળી આપવામાં આવેકે જેથી જે થોડુ ઘણું પાણી બોર કે કુવામાં છે તેનો સદ્દપયોગ ખેડૂતો કરી શકે તેવી માંગણી કોંગ્રેસપક્ષ દ્વારા કરવામાં આવી છે.

———————————————————————————————————-