Close

February 20, 2013

Press Note Guj Dt:20/02/2013 on Budget

Click here to view / download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                તા. ૨૦-૨-૨૦૧૩

 

        ગુજરાત વિધાનસભામાં રજુ થયેલ બજેટ પર પ્રતિભાવ આપતા પૂર્વ રાજ્ય નાણા મંત્રી અને પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર  પાણી ફેરવી નાખતું બજેટ છે. કરવેરામાં ૨૪૫ કરોડની રાહત સામે ૨૮૯ કરોડના નવા કરબોજ નાખેલ છે.વ્યવસાય વેરામાં રાહત માત્ર મશ્કરી સમાન છે, આજે વર્ગ – ૪ ના માણસનો પગાર પણ ૬,૦૦૦ હજારથી વધારે હોય છે ત્યારે ૬,૦૦૦ સુધીના પગારદારને રાહત એ ખરેખર રાહત જ  નથી. વિદ્યાથીના પેન્સિલ કે રબ્બરની કિમત સાવ નજીવી હોય છે અને તેની જરૂરિયાત પણ ખુબજ ઓછી હોય છે તેમાં વેટની રાહત એટલે માત્ર થોડા નજીવા પૈસાની રાહત છે. હકીકતમાં ગુજરાતમાં શિક્ષણનું વ્યવાસિયકરણ થઈ ગયેલ છે અને ગરીબના કે મધ્યમવર્ગના બાળક માટે શિક્ષણ અતિ મોધું બનેલ છે તેમાં કોઈ લાભ અપાયો નથી.

ખેડૂતોના માટેની યોજનાઓ કાગળ પરની છે. ફળવાયેલ રકમ અને લાભાર્થીની સંખ્યા જોઈએ તો કોઈ મોટો લાભ નથી.

ગુજરાત સરકારના આજના બજેટમાં પ્રવચનમાં મોટા મોટા શબ્દોનો ઉપયોગ કરેલો છે, પરંતુ વાસ્તવિક કામો માટે જે નાણાંની ફાળવણી કરી છે, તે નાણાંની ફાળવણી કરેલી જાહેરાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે અપૂરતી છે. આ કારણોસર ગુજરાત સરકારની બજેટમાં કરેલી જાહેરાતો માત્ર કાગળ ઉપર જ રહેવાની છે. દેશમાં સૌથી વધારે ઈલેકટ્રીસીટી ડયુટી ગુજરાતની સરકાર લઈ રહી છે. તમામ રાજ્યો પ્રતિ યુનિટ ઈલેકટ્રીસીટી ડયુટી લે છે અને તેથી જ્યારે ઈંધણના ભાવ વધે ત્યારે ઈલેકટ્રીસીટી ડયુટી આપોઆપ વધતી નથી અને પ્રજાને વીજ ડયુટીનો બોજ પડતો નથી. ગુજરાત સરકાર Ad Valorem રેટથી વીજ ડયુટી લે છે, આ કારણે જ જ્યારે કોલસાના ભાવમાં કે ગેસના ભાવમાં વધારો થાય ત્યારે આપોઆપ ઈલેકટ્રીસીટી ડયુટી વધી જાય છે. છેલ્લા થોડા સમયમાં આ કારણે જ કરોડો રૂપિયાની વીજ ડયુટીનો બોજ ગુજરાતની જનતા પર આવી પડેલો છે. આજે ગુજરાતમાં પ્રતિ યુનિટ ઘરવપરાશમાં વપરાતી વીજળી પર ૨૦% ડયુટી છે, એટલે પ્રતિ યુનિટ ૯૬ પૈસા વીજ ડયુટી લેવામાં આવે છે, જે દેશના તમામ રાજ્યો કરતાં વધારે છે. ગત વર્ષે જાહેર કરેલી રાહતો માત્ર ઘરવપરાશમાં જ નજીવી રાહત હતી અને તે રાહતને ગણીએ તો પણ ગુજરાતમાં ઘરવપરાશ માટે વીજળીના ઈલેકટ્રીસીટી ડયુટીના દર ૭૮ પૈસા થાય અને ટકાવારીની દૃષ્ટિએ ૧૬% થાય. ઉત્તરપ્રદેશમાં માત્ર ૯ પૈસા, બિહારમાં માત્ર ૮ પૈસા, તામિલનાડુમાં ૫%, કર્ણાટકમાં ૫%, ઓરિસ્સામાં ૪%, રાજસ્થાનમાં માત્ર ૪૦ પૈસા એમ તમામ રાજ્યોમાં વીજ ડયુટીના દર ગુજરાત સરકારે આજે જાહેર કરેલી રાહત પછી પણ ખૂબ જ ઓછા છે. ગુજરાતમાં કોમર્શીયલ વીજળી પર ૨૫% ઈલેકટ્રીસીટી ડયુટી એટલે કે ૧૪૩ પૈસા અને ઈન્ડસ્ટ્રીયલ પર ૭૭ પૈસા એટલે કે ૧૫% વીજ ડયુટીના દર છે, તેમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી. દેશના અન્ય રાજ્યોમાં કોમર્શીયલ અને ઈન્ડસ્ટ્રીયલમાં ૧૨ પૈસાથી લઈને ૪૦ પૈસા અને ટકાવારીમાં માત્ર ૩%થી લઈને માત્ર ૫% સુધી જ કોમર્શીયલ અને ઈન્ડસ્ટ્રીયલ વીજ વપરાશ પર ઈલેકટ્રીસીટી ડયુટી છે. ખૂબ જ અપેક્ષા હતી કે, રાજ્ય સરકાર વીજ ડયુટીમાં ખૂબ મોટી રાહતો આપીને ગુજરાતની જનતાને રાહત આપશે. પરંતુ આ આશા સંપૂર્ણ ઠગારી નીવડી છે.

પેટ્રોલ અને ડીઝલ પર ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમ્યાન માત્ર ૩% સેલ્સટેક્સ લેવામાં આવતો હતો. છેલ્લા વર્ષોમાં ૩% સેલ્સટેક્સ અને ૨% સેસ લેવામાં આવતો હતો. પરંતુ આજે ગુજરાતની સરકારે સમગ્ર દેશમાં સૌથી વધારે વેટનું ભારણ પેટ્રોલ અને ડીઝલ પર નાંખેલું છે. ગુજરાતમાં પેટ્રોલ ઉપર વેટના દર ૨૩% છે અને ડીઝલ પર વેટના દર ૨૧% છે. આમ ખૂબ જ ઊંચા વેટના દરના કારણે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળે છે, જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંધું છે. આ જ કારણોસર ગુજરાતના પેટ્રોલપંપના માલિકો તેમજ ઉપભોક્તાઓ બંનેને નુકસાનીનો સામનો કરવો પડે છે. ગુજરાતની જનતાને મોટી આશા હતી કે, પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ આ બજેટમાં ઘટાડવામાં આવશે, પરંતુ ગુજરાત સરકારે બજેટમાં કોઈ જ રાહત આપેલી નથી. કેરોસીન સામાન્ય વ્યક્તિ ઉપયોગમાં લેતી હોય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેરોસીન ઉપર ખૂબ જ ઊંચો વેટનો દર છે, તેને પણ ઘટાડવાની ચિંતા ગુજરાત સરકારે કરી નથી.

ભૂતકાળમાં ગુજરાતમાં હાથેથી બનતા બુટ અને ચંપલની કિંમત રૂપિયા ૧૫૦ હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો ન હતો. અન્ય રાજ્યોમાં આજે રૂપિયા ૨૦૦થી રૂપિયા ૩૫૦ સુધીના હાથ બનાવટના બુટ-ચંપલ ઉપર કોઈ જ વેરો નથી, જ્યારે ગુજરાતમાં આ પ્રકારના બુટ-ચંપલ પર પણ વેટનું ભારણ છે. ગુજરાતના મોચીકામ કરતા નાના કારીગરો અને આવા સસ્તા બુટ-ચંપલના ઉપભોક્તાઓને રાહત આપવાનું પણ ગુજરાત સરકાર ચૂકી ગઈ છે. ગુજરાતમાં આમ આદમીના વપરાશ માટેના ડીટર્જન્ટ કેક અને પાવડર પર માત્ર ૮%નો સેલ્સટેક્સ કોંગ્રેસના શાસનમાં હતો.

ગુજરાતના ખેડૂતોને અપેક્ષા હતી કે, આ વર્ષના બજેટમાં ખેડૂતોને કંઈક ન્યાય મળશે. સમગ્ર દેશમાં ખાતર ઉપર કોઈપણ રાજ્ય વેટ લેતું નથી. ગુજરાત એક જ માત્ર એવું રાજ્ય છે કે જે ખેડૂતોના ખાતર ઉપર પણ વેટ લે છે. આ વેટની નાબુદી માટેની ખેડૂતોની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નથી. ગુજરાતમાં વીજળીનું જોડાણ ઈચ્છતા લાખો ખેડૂતોને સમયબદ્ધ રીતે વીજજોડાણ મળે તે માટેની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી નથી. જે એક લાખ જોડાણ આપવાની વાત કરી છે તે પણ માત્ર કાગળ પર રહેશે કારણ કે, નાણા મંત્રીશ્રીના બજેટ પ્રવચનમાં જ આ જોડાણો માટે જે નાણાંની જરૂરિયાત બતાવી છે, તે જરૂરિયાતને અનુરૂપ નાણાંની ફાળવણી બજેટમાં કરવામાં જ નથી આવી. ઉપરાંત, ખેડૂતોને આ વીજજોડાણ મીટર વગર હોર્સ પાવર દીઠ આપવા અંગે પણ કોઈ જ ખાતરી આપવામાં આવી નથી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો તેમજ કોંગ્રેસના ટેકાવાળી શ્રી શંકરસિંહજી વાધેલાની સરકાર ડાર્કઝોનના ખેડૂતોને વીજજોડાણ આપતી હતી. પ્રવર્તમાન સરકારે ડાર્કઝોનમાં ઉઘોગપતિઓને વીજજોડાણ આપવાનું નક્કી કરીને ખેડૂતોને વીજજોડાણ આપવાનું બંધ કરેલું છે. આ બજેટમાં ડાર્કઝોનના ખેડૂતોને પણ વીજજોડાણ આપવા માટે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. આમ, સમગ્ર બજેટ ખેડૂતોને માટે નુકશાનકારક જ છે.

        ચુંટણી પહેલા જીલ્લે જીલ્લે જઈને કરોડો રૂપિયાની જાહેરાત કરનાર મુખ્યમંત્રીશ્રી એકપણ જિલ્લામાં પેકેજ અંગેની કોઈ વિગતો બજેટમાં રજૂ કરી શક્યા નથી. જે દર્શાવે છે કે, જિલ્લે જિલ્લે જઈને પેકેજની જાહેરાતો માત્ર રાજકીય નાટક હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જુદા જુદા જિલ્લાઓમાં ૪૦ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાતો કરી છે, પરંતુ સમગ્ર બજેટમાં કુલ સરવાળો પણ પ્લાન બજેટનો ૪૦ હજાર કરોડ થતો નથી. પગારભથ્થા અને નોન પ્લાન ખર્ચને પેકેજ ગણી જ ન શકાય, તો પછી મુખ્યમંત્રીશ્રીના ૪૦ હજાર કરોડ એ મુર્ખામીભર્યા નિવેદનો સિવાય કશું જ ન હતું તે સાબિત આજના બજેટ પરથી થયું છે.

        કોઈપણ સરકારનું બજેટ એ વાર્ષિક નાણાંકીય અંદાજો આપવા માટેનું હોય છે. આજના માન. નાણાં મંત્રીશ્રીના બજેટ પ્રવચનમાં જાણે કોઈ પંચવર્ષીય યોજનાની જાહેરાતો કરવાની હોય તે રીતે વાર્ષિક બજેટને બદલે ગુમરાહ કરનારી પાંચ વર્ષના આંકડાની માયાજાળ માત્ર દર્શાવવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ૧રર મીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી ચૂકી છે. આ યોજનામાં ગુજરાતના હિસ્સે આવતું પૂરતું પાણી હાલ પ્રાપ્ત થઈ રહ્યું છે, કારણ કે મધ્યપ્રદેશમાં પાંચ ડેમો વીજ ઉત્પાદન માટે પાણી છોડે છે, જે આપણા નર્મદા બંધમાં જ આવે છે. ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીને કારણે કેનાલના કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી અને તેથી નર્મદાનું પાણી કે જે ખેડૂતોને ખેતરમાં પ્રાપ્ત થવું જોઈએ તે દરિયામાં વહી જાય છે. નર્મદા નદીની મુખ્ય કેનાલનું કામ કોંગ્રેસના શાસનમાં પૂર્ણ કરવામાં આવેલું છે. ત્યારબાદ સમયબદ્ધ નક્કી થયેલાં ટાઈમટેબલ મુજબ પ્રવર્તમાન સરકારે નર્મદાની નહેરનું કામ પૂર્ણ કરવાનું હતું તે ર૦૦૪, ર૦૦પમાં થઈ જવું જોઈતું હતું. કમનસીબે પ્રસિદ્ધિ પાછળ કરોડો રૂપિયા વાપરનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ નર્મદાની નહેરની ૯૦,૩૮૯ કિ.મી.ની નિર્ધારીત લંબાઈ સામે કુલ મળીને માત્ર ૧૮,૮૦૩ કિ.મી.ની જ કેનાલ પૂર્ણતા સુધી પહોંચાડી છે. આ વર્ષના બજેટમાં કેનાલના બાકી રહેતાં કામો માટે કોઈ પૂરતી નાણાંની વ્યવસ્થા કરવામાં જ આવી નથી.

        સ્ટેમ્પ ડયુટીના ભાવોમાં કરેલો લખલૂટ વધારો હવે નજીવી રકમ ઘટાડવાથી સરભર થઈ શકે નહી. જંત્રીના ભાવોમાં ઘટાડા માટેની કે અન્ય કોઈ ગુજરાત માટે રાહત આપનારી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી. સમગ્ર રીતે જોતાં ગુજરાત સરકારનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક અને પ્રજા વિરોધી છે.

        ભાગ્યે જ ઉપયોગમાં લેવાતી અથવા તો જેની કિંમતી સૌથી તુચ્છ અને નજીવી હોય તેવી વસ્તુઓમાં નજીવી રાહત આપીને ગુજરાત સરકાર પોતાની પીઠ થાબડીને પ્રજાને ગુમરાહ કરવામાં સફળ નહીં રહે તેમ પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

૧ .૧   વેરાના દરમાં ધટાડો:

  • ડીટરજન્ટ કેક અને પાવડર:

        ડીટરજન્ટ કેક અને પાવડર ઉપર ગુજરાત વેચાણવેરા અધિનિયમ-૧૯૬૯ હેઠળ વેરાનો દર અનુસુચિ-૨ ભાગ-ક ની એન્ટ્રી-૯૨ અન્વયે ૮% હતો પરંતુ વેટમાં આ અંગેની કોઈ ચોક્કસ એન્ટ્રી શીડ્યુલમાં નહી હોવાથી તે અનુસુચિ-૨ ની રેસીડયુ ચીજોની એન્ટ્રી-૮૭ માં સમાવાયેલ છે અને પરિણામે વેરાનો દર ૧૨.૫% લાગુ પડેલ છે. આ ચીજોનું ઉત્પાદન નાના ઉત્પાદકો ગૃહઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ દ્વ્રારા કરે છે અને તેનો વપરાશ મહદઅંશે નાના અને ગરીબ લોકો કરે છે ત્યારે આ ચીજની અલગ એન્ટ્રી બનાવી વેરાનો દર ૪% રાખવો જોઈએ.

  • ઓટોમોબાઇલ્સ સ્પેરપાર્ટસ :

       ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટસ ઉપર અગાઉ ૮% વેચાણવેરો હતો પરંતુ વેટ હેઠળ આ ચીજો ઉપર ૧૨.૫% વેરો લાગુ પડ્યો છે. આ વિશાળ વપરાશની ચીજો હોઈ વેરાનો દર ૪% કરવો જોઈએ. પ.બંગાળમાં ઓટોસ્પેરપાર્ટસ અને એસેસરીઝ ઉપર અગાઉ ૧૨.૫ ટેક્ષ હતો તે ધટાડીને ૨૩-૩-૦૭ ના રોજથી નોટીફીકેશન નં. ૪- ૧૯ (એલ) દ્વ્રારા ૪% કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહાર તથા છત્તીસગઢ રાજ્યએ પણ વેરાનો દર ધટાડીને ૪% કર્યો છે. આના પરિણામે ગુજરાતના વેપારીઓનો ધંધો ધટ્યો છે અને ટ્રેડ ડાઈવર્ઝન  થઈ રહ્યું છે.

 

  •   પેઈન્ટસ :

       રાજ્યમાં પેઇન્ટ ઉપર કુલ વેટનું ભારણ ૧૫% છે જયારે તેની સામે સી.એસ.ટી.ઉપર આ માલ ૨% ના દરે મોટા વપરાશકારો અન્ય રાજ્યોમાંથી મેળવે છે અને તેના પરિણામે પેઈન્ટસના વેપારીઓનો વેપાર ધટી ગયો છે. રાજ્યની આવકો જળવાઈ રહે તે સારું આ ચીજ ઉપર વેટનો દર ધટાડીને ૪% કરવો જોઈએ. આમાં પણ રાજ્ય સરકારના એકમો તથા મોટી કંપનીઓ તેમની આ ચીજની જરૂરિયાત બ્રાન્ડનેમથી ઉત્યાદન કરતા એકમો જેવા કે એશીયન પેઇન્ટ, બર્જર પેઇન્ટ, શાલીમાર, જોરુન, વિગેરે પાસેથી મંગાવે છે તેના લીધે રાજ્યના આ ચીજનું ઉત્પાદન કરતા લધુક્ક્ષાન એકમો હરીફાઈમાં ઉભા રહી શકતા નથી.

  • માર્બલ ગ્રેનાઇટ તથા કોટાસ્ટોન.

      ગુજરાતમાં વપરાતા માર્બલ, કોટાસ્ટોન તથા ગ્રેનાઇટનો મોટાભાગનો જથ્થો રાજસ્થાનમાંથી આવે છે, રાજસ્થાન સરકારે ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં રાખીને માર્બલ, કોટાસ્ટોન, તથા ગ્રેનાઇટના ઉદ્યોગો જીવંત રહે તે ઉદેશથી તા .૨૫-૨-૨૦૦૮ના રોજ રાજસ્થાન સરકારના નોટીફીકેશન થી અમલી બને તે રીતે અગાઉ જે વેટનો દર ૧૨.૫% હતો તે ધટાડીને ૪% કરેલ હતો જે હાલમાં પણ ૫% પ્રમાણે ચાલુ છે.

  • ક્વાર્ટઝ સિલિકા :

પંચમહાલ જીલ્લાની આજુબાજુમાં ક્વાર્ટઝ સિલિકાના ઘણાં એકમો આવેલાં છે જે ક્વાર્ટઝ પથ્થરનો ભૂકો બનાવી અલગ અલગ ગ્રેડમાં રૂપાંતર કરે છે અને આ પ્રકિયા દરમ્યાન પથ્થર સિવાય અન્ય કોઈ વસ્તુનો ઉમેરો કરવામાં આવતો નથી. આ તૈયાર થયેલ માલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ, સિલિકેટ ઈન્ડસ્ટ્રીઝ, સિરામિક તેમજ ફાઉન્ડ્રી ઈન્ડસ્ટ્રીઝમાં કાચામાલ તરીકે વપરાય છે. હાલના વેટના માળખામાં અને ઈન્ડસ્ટ્રીયલ ઇનપુટ તરીકે ગણતરી કરાય છે અને તેના ઉપર ૧૨.૫ ટકાનો વેત વસુલ કરવામાં આવે છે . આપણાં પડોસી રાજ્ય રાજસ્થાનમાં આવા જ એકમો માટેનો રાજ્યનો દર ૪ ટકા જેટલો છે જેથી આપણાં રાજ્યના એકમોને વિપરીત અસર પડે છે તેથી આનો સમાવેશ ૪ ટકાના દરમાં કરવો જોઈએ.

  • લિગ્નાઇટ :

      લિગ્નાઇટનો ઉપયોગ ફ્યુઅલ તરીકે ભઠ્ઠીમાં થાય છે અને આ હલકા પ્રકારનો કોલસો જ છે. લિગ્નાઈટ ઉપર ફક્ત ૪% વેટ ને બદલે ૨૦% વેટ લેવામાં આવે છે જે લધુ અને મધ્યમ ઉદ્યોગો માટે અવરોધજનક છે તેથી લિગ્નાઇટ પર કોલસાની જેમજ ૪% વેટ લાગુ પડવું જોઈએ.

———————————————————————————————————————–