Close

August 21, 2013

Press Note Guj Dt:21/08/2013 on Minority Votes

 Click here to view / download press note.

 

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                         તા. ૨૧-૮-૨૦૧૩

  • ગુજરાતમાં મુસલમાનો મને ૨૦ થી ૨૫% મતો આપે છે તેમ કહેનાર મોદીને જાહેર ચર્ચા કરવા પડકાર.
  • મુસ્લિમો જ નહીં પરંતુ સેક્યુલર હિન્દુઓ પણ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને મત આપતા નથી.
  • ૧૯૯૦માં કોંગ્રેસને માત્ર ૩૦% મતો અને ૩૩ જ બેઠકો મળી હતી, પરંતુ મોદીનું નેતૃત્વ ભાજપમાં આવ્યા પછી કોંગ્રેસને ૨૦૨માં લગભગ ડબલ બેઠકો અને ૪૦% મતો મળ્યા છે.
  • મહાત્મા ગાંધીએ સત્યનો રાહ બતાવી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, તે રાજ્યના મુખ્યમંત્રી જૂઠ્ઠું બોલીને “ફેંકુ”નું બિરુદ મેળવી ગુજરાતને બદનામ ન કરે.
  • સલામતી આપવાની સલાહ આપનાર ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના શાસનમાં રામસેવકો કે રહીમના બંદાઓ કોઈને પણ સલામતી આપી નથી.

       ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપના પદાધિકારીઓની મીટીંગમાં દિલ્લી ખાતે એવું કહ્યું હતું કે, ગુજરાતમાં મને ૨૦ થી ૨૫% મુસ્લિમોના મતો મળ્યા છે. આ હળહળતા જૂઠ્ઠાણાંની સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે અનેક બુથોના ઓફિશીયલ આંકડાઓ આપીને ગુજરાતના મુખ્યમંત્રીને એકમંચ ઉપર જાહેરચર્ચા કરવા પડકાર ફેંકતો ખુલ્લો પત્ર લખેલ છે. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, લઘુમતી જ નહીં પરંતુ બિનસાંપ્રદાયિકતામાં માનતા હિંદુઓએ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને મતો આપ્યા નથી. ૧૯૯૦માં જ્યારે ગુજરાતમાં સક્રિય રાજકારણમાં મોદીનો પડછાયો પણ ન હતો ત્યારે કોંગ્રેસને વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી માત્ર ૩૩ જ બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર ૩૦% મતો મળ્યા હતાં. તે જ રીતે ૧૯૯૫માં કોંગ્રસને માત્ર ૩૨% જ મતો ગુજરાતમાં મળ્યા હતાં. મોદીના આવ્યા પછી ૨૦૦૨માં ૩૮% મતો મળ્યા હતાં અને ૫૧ બેઠકો મળી હતી. છેલ્લી વિધાનસભાની ચુંટણી-૨૦૧૨માં કોંગ્રેસને ૪૦.૫૦% મતો મળ્યા છે અને કોંગ્રેસને ૬૧ બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસ સાથે બેઠકોની સમજૂતી કરનાર એન.સી.પી.ને પણ ૨ બેઠકો મળી છે. આમ ૧૯૯૦ની સરખામણીમાં મોદીના આવ્યા પછી ગુજરાતમાં કોંગ્રસને ૧૯૯૦ કરતાં લગભગ બમણી બેઠકો મળી છે. તેનું કારણ ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધસમજદાર સેક્યુલર મતદાતાઓનું મતદાન તેમજ મોદીનો અહંકાર છે.

મુસ્લિમ વસ્તીવધારે ધરાવતી વિવિધવિધાનસભાની બેઠકોના બુથોના સત્તાવાર આંકડાઓની વિગતો આપતા શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, મોદીને સેક્યુલર મતો મળ્યા જ નથી. ચૂંટણીકમિશનદ્વારા અપાયેલા ઓફીશીયલ ફીગરના બુથ મુજબના આંકડાઓ જોઈએ તો વેજલપુર વિધાનસભામાં સીરીયલ નંબર ૨૧૬ બુથ વેજલપુર-૧૩૪માં કુલ ૮૮૨ મતોમાંથી માત્ર ૧૪ મત ભાજપને મળ્યા છે. તે જ રીતે વેજલપુર-૧૩૫ બુથમાં ૧૧૩૨ મતદાતાઓમાંથી માત્ર ૧૮ મત ભાજપને મળ્યા છે. વેજલપુર-૧૩૭માં ૧૧૪૩ મતોમાંથી ભાજપને માત્ર ૯ મતો મળ્યા છે. વેજલપુર-૧૩૮માં ૯૧૪ મતોમાંથી ભાજપને માત્ર ૯ મત મળ્યા છે. મકરબા-૧૪ બુથમાં ૧૦૭૫ મતોમાંથી ભાજપને માત્ર ૧૪ મતો મળ્યા છે. એ જ રીતે, જમાલપુર-ખાડીયાના મુસ્લિમ વસ્તી-વહેવરોવાળા બુથો જોઈએ તો રાયખડ-૨માં ૪૬૦ મતોમાંથી ભાજપને માત્ર ૯ મતો મળ્યા છે. રાયખડ-૩માં ૮૪૬ મતોમાંથી ભાજપને માત્ર ૧૮ મતો મળ્યા છે. જમાલપુર-૧માં ૮૪૩ મતોમાંથી માત્ર ૩૯ મતો ભાજપને મળ્યા છે. જમાલપુર-૨માં ૧૦૯૭ મતોમાંથી ભાજપને માત્ર ૨૪ મતો મળ્યા છે. બહેરામપુરા-૩૮માં ૧૨૭૯ મતોમાંથી ભાજપને માત્ર ૧૫ મતો જ મળ્યા છે. એ જ રીતે, સુરતમાં જોઈએ તો, સુરત (ઈસ્ટ) વિધાનસભા બેઠકમાં બુથ નં. ૨૨માં ૬૪૫માંથી માત્ર ૬ મત ભાજપને મળ્યા છે. બુથ-૬૩માં ૬૦૬માંથી માત્ર ૩ મત ભાજપને મળ્યા છે. એ જ રીતે, બુથ નં. ૬૫માં ૭૦૯ મતમાંથી ભાજપને માત્ર ૨૧ મત મળ્યા છે. બુથ નં. ૧૩૮માં ૫૯૦માંથી ભાજપને માત્ર ૧૪ મતો જ મળ્યા છે. એ રીતે અનેક બુથોમાં થોડા ઘણા હિન્દુ મતો હોવા છતાં ભાજપને નજીવા જ મતો મળ્યા છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં મુસ્લિમ કે હિન્દુ સેક્યુલર મતો છે ત્યાં ભાજપને મતો મળ્યા નથી. આ સત્ય હકીકત હોવા છતાં, મને ૨૦ થી ૨૫% મતો મળ્યા છે તેવું સદંતર જૂઠ્ઠાણું ગુજરાતના મુખ્યમંત્રીની જૂઠ્ઠું બોલવાની પરાકાષ્ઠા છે. મોદીને આ માટે ચેલેન્જ કરતાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ૨૦ થી ૨૫% મુસ્લિમ મતોનો મોદી દાવો કરે છે, તો ગુજરાતના આ બુથોના નંબર અને નામ શ્રી મોદી આપે તે બુથોની મતદાર યાદી અને ઈલેકશન કમિશને પ્રસિદ્ધ કરેલા ઓફિશીયલ આંકડાઓ સાથે એક મંચ ઉપર જાહેર ચર્ચા હું કરીશ અને મોદીના જુઠ્ઠાણાંઓને સાબિત કરીશ.

મોદીને લખેલા ખુલ્લા પત્રમાં શ્રી ગોહિલે જણાવ્યું છે કે, જે મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં જન્મ લઈને સમગ્ર વિશ્વને સત્યનો રસ્તો બતાવ્યો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું, એ જ ગુજરાતના મુખ્યમંત્રી સદંતર જૂઠ્ઠું બોલે છે, જે જૂઠ્ઠાણું લોકો પકડી પાડે છે અને પછી ટ્વીટર પર ગુજરાતના મુખ્યમંત્રીને “ફેંકું” કહેતા શબ્દોનો ટ્રેન્ડ બને છે, તેનાથી ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય છે. શ્રી ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રીને જૂઠ્ઠાણાંથી દૂર રહેવા અને ગુજરાતીઓનું ગૌરવ ખંડિત ન કરવા વિનંતી કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રીને ખુલ્લા પત્રમાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, બીજાની સલામતી માટેની સલાહ આપતાં પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ જ પોતાના શાસનનું જોવું જોઈએ. ગુજરાતમાંથી ભૂતકાળમાં ૧૯૯૨માં સૌથી વધારે કારસેવકો અયોધ્યા ગયા હતા, પરંતુ તે વખતની કોંગ્રેસની સરકારે કોઈપણ કારસેવકનો વાળ પણ વાંકો થવા દીધો નહોતો. કોઈપણ ધર્મના વ્યક્તિને સલામતી આપવા માટે ગુજરાતની ભૂતકાળની તમામ સરકારોએ ચિંતા કરી હતી. રામના નામે મત લીધા પછી ગુજરાતમાં રામસેવકોની પણ સલામતી ગુજરાતના મુખ્યમંત્રીએ આપી નથી. રામસેવકોને જીવતા સળગાવ્યા બાદ રહીમના બંદાઓને જીવતા સળગાવીને મતબેંકનું રાજકારણ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું હતું. આમ, ગુજરાતમાં હિન્દુ કે મુસલમાન કોઈને પણ સલામતી ન આપી. એટલું જ નહીં. વોટબેંકના રાજકારણ માટે અનેક વ્યક્તિઓને આતંકવાદી છે તેમ કહીને નકલી એન્કાઉન્ટરમાં મરાવીને મતબેંકની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. જો ગુજરાતમાં ખૂબ સારો વિકાસ મોદીના આવ્યાથી જ થયો હોત તો મોદીના પહેલાના ભાજપના શાસનમાં કોંગ્રેસની જે બેઠકો અને ટકાવારી હતી તે ઘટવી જોઈએ, પરંતુ હકીકતમાં ગુજરાતનો આ વિકાસનું મોડેલ પણ નકલી એન્કાઉન્ટર, નકલી આંકડાઓની જેમ જ નકલી વિકાસ મોડેલ છે અને તેથી જ મોદીના આવ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વિધાનસભામાં બમણી થઈ છે અને મતોની ટકાવારી પણ ગુજરાતમાં કોંગ્રેસની વધી છે. વિકાસના નામે કરોડો રૂપિયા પ્રજાની તિજોરીના ખર્ચીને વિકાસના મોડેલનું માર્કેટીંગ કરનારા ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણીના સમયે વિકાસના નામે મતો માંગતા નથી, પરંતુ હિન્દુ-મુસ્લિમ વચ્ચેનું વિભાજન કરીને તેમજ સદંતર જૂઠ્ઠાણાંથી અને અસલામતીનો ભય પેદા કરી મતો મેળવે છે. મોદીના આવ્યા પછી ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિકાસના નામે મતો માંગવાના બદલે અફઝલ ગુરુને ફાંસી, મિયા મુશર્રફ, કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસ માટે પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે, કોંગ્રેસ જીતશે તો ગુજરાતમાં હિન્દુઓ સલામત નહીં રહે અને છેલ્લી ચૂંટણીમાં પાકિસ્તાનને સિરક્રીક કોંગ્રેસની કેન્દ્રની સરકાર આપી દેવાની છે તેમ કહીને જ મતો માંગ્યા હતા. આ જ બતાવે છે કે, વિકાસના નામે ગુજરાતના મુખ્યમંત્રીને મતો મળતા નથી, કારણ કે તેમનું વિકાસનું મોડેલ પણ નકલી મોડેલ છે.

——————————————————————————————-