Close

November 22, 2013

Press Note Guj Dt: 22/11/2013

Click here to view / download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત

https://shaktisinhgohil.com

અખબારી યાદી                                                              તા. ૨૨-૧૧-૨૦૧૩

        ગુજરાતના પત્રકારોમાં આતંકવાદી હોવાના બહાના નીચે પત્રકારોને સચિવાલયમાં પ્રવેશબંધી એ પત્રકારોનું અપમાન છે. રોજેરોજ સચિવાલયને કવર કરતા પત્રકારોને અધિકારીથી માંડીને ચોકીદાર સુધી સહુ સારી રીતે ઓળખતા હોય છે અને આ પત્રકારોને એક્રેડીટેશન કાર્ડ સરકાર દ્વ્રારા જ અપાયું હોય છે, એવા પત્રકારોને સચિવાલયમાં પ્રવેશબંધીનો ગઈકાલે મુખ્યમંત્રીની સૂચનાથી કરાયેલો હુકમ બતાવે છે કે, મુખ્યમંત્રી પોતાના કાળા કરતૂતો પ્રજાની નજરે ન આવે તે માટે જાગૃત બન્યા છે. ગેરકાયદેસર રીતે મહિલાની જાસુસી, સમગ્ર પોલીસતંત્રનો વ્યક્તિગત કારણોસર દુરુપયોગ, એક નિર્દોષ અધિકારીને વણઝારા કરતા વધારે સમય જેલમાં રાખવાની સૂચના, ટેલિગ્રાફ એક્ટ અને સુપ્રિમ કોર્ટની સૂચનાઓ વિરુદ્ધ ટેલીફોન ટેપિંગ અને સર્વેલન્સ, એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ, આઈ.બી., ક્રાઈમ બ્રાંચનો એક મહિલાની હિલચાલ પાછળ દુરુપયોગ, મહિલાને સુરક્ષા મહિલા અધિકારી અને મહિલા કોન્સ્ટેબલોથી આપવાના બદલે મહિલાની જાસુસી માટે પુરુષ અધિકારીઓ તહેનાત કરનાર તેમજ મહિલા પાસે સમાધાન કરવા ગુજરાતના કરોડો રૂપિયાના કોન્ટ્રેક્ટ મહિલાના પરિવારને આપનાર ગુજરાતના મુખ્યમંત્રીના કાળા કરતૂતો બહાર આવી જવાથી બીજા જ દિવસે મુખ્યમંત્રી જે બિલ્ડીંગમાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલમાં ગુજરાતના પત્રકારોને પ્રવેશબંધી કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ લોકશાહીનું ખૂન કર્યું છે.

       વર્ષોથી ગુજરાતની ઉચ્ચ પ્રણાલિકા રહી હતી કે, વિધાનસભા અને સચિવાલય કે જે પ્રજાના પૈસે અને પ્રજા માટે બનેલા છે તેના દરવાજા આમજનતા માટે તથા પત્રકારો માટે કોઈપણ જાતની અડચણ વગર ખુલ્લા રહેતા હતા. પત્રકારો માટે મુખ્યમંત્રીશ્રી નિયમિત પ્રશ્નોનો સામનો કરી શકે તે રીતે મળવાના સમય અને દિવસ નક્કી રહેતા હતા. પ્રવર્તમાન મુખ્યમંત્રીએ આ તમામ પરંપરાઓને તોડીને સચિવાલય એ જાણે કે પોતાની અંગતપેઢી હોય અને તેઓ ઈચ્છે એ જ ધનપતિઓ અને પોતાને પ્રિય વ્યક્તિઓ ત્યાં આવી શકે તેવી વ્યવસ્થાલોકશાહી માટે કલંકરૂપ છે. ગુજરાતની ઉચ્ચ પ્રણાલિકાઓને પ્રવર્તમાન મુખ્યમંત્રીએ ખંડિત કરી છે. પત્રકાર જગત એ લોકશાહીનું એક આધારસ્થંભ ગણાય છે ત્યારે પત્રકારોને ગઈકાલથી સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશબંધી ફરમાવવી તે કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં. પત્રકારોને આંતકવાદી સાથે સરખાવવા એ પત્રકારશ્રીઓનું અપમાન છે. પત્રકારશ્રીઓને ચહેરા-મોઢાથી સૌ કોઈ સારી રીતે પરિચિત સચિવાલયમાં હોય છે, કારણકે પત્રકારશ્રીઓ નિયમિત સચિવાલયનું અને સરકારનું કવરેજ કરતા હોય છે. આ પત્રકારશ્રીઓને ફોટા સાથેના ઓળખપત્રો સરકાર જ આપતી હોય છે ત્યારે પત્રકારોના સ્વાંગમાં આંતકવાદી આવી જશે તેમ કહી પત્રકારોને પ્રવેશબંધીની દલીલ એ હાસ્યાસ્પદ છે. ઉદ્યોગપતિના સ્વાંગમાં આંતકવાદી આવી શકે તેનો વાંધો નથી. કોઈ મહિલાના માટે એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડનો દુરુપયોગ ગુજરાતના મુખ્યમંત્રી કરી શકે છે અને બીજી બાજુ પત્રકારોને આંતકવાદી સાથે સરખાવવા એ કેટલા અંશે વ્યાજબી ?

           ગુજરાતના મુખ્યમંત્રી નહીં કરવાના કામો કરી રહ્યા છે. તાજેતરમાં જ જે સ્ટીંગ ઓપરેશન બહાર આવ્યું તેનાથી દેશના વડાપ્રધાનના સ્વપ્ન જોનાર ગુજરાતના મુખ્યમંત્રીની માનસિકતા એક મહિલા માટેની કેવા પ્રકારની છે તેની સચ્ચાઈ દેશને જાણવા મળી છે. પોતાના વડાપ્રધાનની ખુરશીના સ્વપ્ન માટે ગુજરાતની પ્રજાની તિજોરી અને સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ સ્વર્ણિમ સંકુલમાંથી જ ગુજરાતના મુખ્યમંત્રીના ઈશારે થઈ રહ્યો છે તે દેશની જનતા સામે કોઈ પત્રકારના માધ્યમથી ઉજાગર ન થઈ જાય એટલા માટે જ પત્રકારોને સ્વર્ણિમ સંકુલમાં કે જે પ્રજાની માલિકીનું છે ત્યાં પ્રવેશબંધીના ગઈકાલે આદેશ કરવામાં આવ્યા છે. લોકશાહી વ્યવસ્થામાં પત્રકારશ્રીઓને મુખ્યમંત્રીથી લઈને અધિકારી સુધીનાને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. પ્રજાનો વહીવટ પારદર્શક હોવો જોઈએ તે પાયાનો સિધ્ધાંત છે. આમ છતાં, પહેલા વિધાનસભામાં વિડીયો કેમેરાનો પ્રતિબંધ કરવામાં આવ્યો અને હવે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે કોઈપણ પત્રકારને ગઈકાલથી સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં જે પ્રવેશબંધી કરાઈ છે તે ગેરકાયદેસરની હોવાથી તાત્કાલિક આ પ્રતિબંધ ઉઠાવી લેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.

————————————————————————————————–