Close

August 24, 2012

Press Note Guj Dt:24/08/2012 on Coastal Security

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                                       તા.૨૪-૮-ર૦૧ર

  • ખૂબ જ મોટી કિંમતે ખરીદાયેલી સુરક્ષા માટેની બોટ્સ વણવપરાયેલી પડી છે.
  • કેન્દ્ર સરકારે ૩૦૦ કરોડ રૂપિયાનો કોસ્ટલ પ્લાન ગુજરાત માટે મંજૂર કર્યો છે.
  • મહિનાઓથી બોટ્સ માટેના સ્ટાફની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ નિમણુંકની ફાઈલ મુખ્યમંત્રીશ્રીના વિભાગમાં પડી રહી છે.
  • ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ઈચ્છે છે કે, ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ.
  • ગુજરાતમાં આતંકવાદીઓ આવે, પોતે મજબૂત બંદોબસ્તમાં સલામત રહે અને આમ ગુજરાતી આતંકવાદીઓના હુમલામાં હોમાય તો જ મુખ્યમંત્રીની વોટ બેંક મજબુત બને.

ભારત સરકાર દ્વારા ગુજરાતની સીમાસુરક્ષા માટે કોસ્ટલ પ્લાન નીચે ગૃહ મંત્રાલયે ૩૦૦ કરોડ રૂપિયાનો પ્લાન મંજૂર કરેલ છે. ગુજરાતની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે અને તે સંજોગોમાં, ગુજરાતીઓની સલામતીની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકારે બંનેએ રાખવી જરૂરી છે. કમનસીબે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વર્તણુંક એવી લાગે છે કે, ગુજરાતની સરહદ અસલામત બને. ભારત સરકારે આપેલા નાણામાંથી કેટલાય મહિનાઓ પહેલાં સુરક્ષા માટેની બોટ્સ ખરીદવામાં આવી છે. આ બોટના સંચાલન માટે ડ્રાઈવર, ક્લીનર અને શેરીંગ એમ એક બોટમાં ત્રણ જણાનો સ્ટાફ ભરતી કરવાનો હોય છે. આ જગ્યાઓ માટેના ઈન્ટરવ્યુ લઈને સિલેકશનની સંપૂર્ણ પ્રક્રિયા જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવી છે, માત્ર નિમણુંક આપવાની મંજૂરીના બહાના નીચે મુખ્યમંત્રીશ્રીના વિભાગમાં મહિનાઓથી ફાઈલ રોકી રાખવામાં આવી છે. સલામતી માટે અત્યંત ઉપયોગી બોટ્સ સારી એવી સંખ્યામાં ખરીદાયેલી પડી છે અને માત્ર મુખ્યમંત્રીશ્રીના વિભાગમાંથી સિલેક્ટ થયેલા સ્ટાફની મંજૂરી નહીં મળવાને કારણે સરહદોની સુરક્ષા માટે ખરીદાયેલી બોટ્સ ઉપયોગમાં લઈ શકાતી નથી. દરિયાઈ સરહદ પર મરીન પોલીસ સ્ટેશનની આધુનિકતા અને મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફની યોગ્ય નિમણુંક પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવતી નથી. મુખ્યમંત્રીશ્રીની આ પ્રકારની વર્તણુંક પરથી સ્પષ્ટ થાય છે કે, મુખ્યમંત્રીશ્રી પોતે જ ઈચ્છે છે કે ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ. પોતાની આજુબાજુ મજબુત પોલીસ બંદોબસ્ત રાખીને પોતે સલામત રહે અને આતંકવાદીઓ દ્વારા ભલે આમ ગુજરાતીઓ હોમાઈ જાય. જો આતંકવાદી હુમલા ગુજરાતમાં થાય તો મુખ્યમંત્રીશ્રીના ભ્રષ્ટાચાર અને તેમની નબળાઈઓ ઢંકાઈ જાય અને આતંકવાદીઓના નામે મુખ્યમંત્રીશ્રી પોતાની રાજકીય વોટ બેંક મજબુત કરી શકે.

વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારમાંથી મંજૂર થયેલા ૩૦૦ કરોડ જેવા સીમા સુરક્ષાના પ્લાન પછી ખરીદાયેલ બોટ્સ પર ઈન્ટરવ્યુ લેવાયેલા છતાં નહીં મૂકાયેલા કર્મચારીઓ માટે મુખ્યમંત્રીશ્રીની ગુનાહિત બેદરકારી છે તેમ જણાવ્યું છે. અગાઉ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો ત્યારે પણ પાકિસ્તાનના આતંકવાદીઓ પોરબંદરની બોટ “કુબેર’ લઈને મુંબઈ પહોંચ્યા હતા. આમ છતાં, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતાની પ્રસિદ્ધિ અને પોતાની સલામતી સિવાય આમ ગુજરાતીની ચિંતા કરતા નથી તે સ્પષ્ટ થાય છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, જેમના ઈન્ટરવ્યુ થઈ ગયેલા છે તે કર્મચારીઓને તાત્કાલિક બોટ્સ પર કામ કરવા માટે નિમણુંક આપવાના હુકમો કરીને ગુજરાતની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે.

————————————————————————————————–