Close

August 27, 2012

Press Note Guj Dt:27/08/2012 on G.H.B

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                                       તા.૨૭-૮-ર૦૧ર

૧૨ વર્ષ સુધી ભાજપની સરકારે કોઈપણ આમ ગુજરાતી માટે ઘર આપવા માટેની વિચારણા કરી નહીં અને જ્યારે કોંગ્રેસ પક્ષ તરફ લોકોની શ્રદ્ધા વધી ત્યારે ૧૨ વર્ષ પછી અચાનક લોકોની ક્રૂર મશ્કરી કરવી હોય તે રીતે હાઉસીંગ બોર્ડને પુનઃજીવિત કરવાની વાત કરીને આજે અમદાવાદ ખાતે હાઉસીંગ બોર્ડની કચેરી પર મહિલાઓને ફોર્મ આપવાના છે એમ કરીને સરકારે મહિલાઓની ક્રૂર મશ્કરી કરી છે. અમદાવાદ ખાતેની હાઉસીંગ બોર્ડની કચેરી પર ફોર્મ લેવા ગયેલી મહિલાઓ પર પુરુષ પોલીસ દ્વારા આડેધડ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને અનેક મહિલાઓ ધાયલ થઈ છે.

શું આ જ છે ગુજરાતના મુખ્યમંત્રીની મહિલાઓ માટેની સદ્‍ભાવના ? શું આ જ છે મહિલાઓનું સન્માન ગુજરાતમાં ? કોંગ્રેસ પક્ષ સત્તામાં નથી, કોઈ વહીવટીતંત્ર કે મોટું ઈન્ફ્રાસ્ટ્રકચર નથી, તેમ છતાં સમગ્ર ગુજરાતમાં બહેનોને સન્માન સાથે ફોર્મ પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકી, પરંતુ અહીં સરકાર હોવા છતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એક નાટકના ભાગરૂપે જે વ્યવસ્થા ગોઠવી અને મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે તેને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

જો ખરેખર ગુજરાતની આમ જનતાની મકાન માટેની ચિંતામાં સરકાર સહભાગી થવા માંગતી હોત તો છેલ્લા ૧૨ વર્ષથી પ્રવર્તમાન મુખ્યમંત્રી સત્તાસ્થાને બેઠા છે, શા માટે તેમણે ગુજરાતના જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર આપ્યું નહીં ? ૧૨ વર્ષ સુધી કેમ કોઈપણ દિવસ આ બાબતની ચિંતા ન કરી ? ઉલટાનું હાઉસીંગ બોર્ડની મોટાભાગની જમીનો જે કોંગ્રેસ પક્ષે વિકાસને, જરૂરિયાતને પહોંચી વળવા માટે આમ આદમીને ઘરનું ઘર મળી શકે તે માટે અનામત રાખી હતી, તેવી જમીનો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સત્તામાં આવતાંની સાથે ડી-રિઝર્વ કરીને માનીતાઓને આપી દેવાની ભયંકર મોટી ગુનાહિત બેદરકારી સાથેનું કૃત્ય કર્યું છે. કોઈક જગ્યાએ પ્રવર્તમાન સરકારે ભૂતકાળમાં હાઉસીંગ બોર્ડના મકાનો બનાવ્યા, તે મકાનોની સ્થિતિ પણ એવી છે કે એમાં કોઈ રહેવા જ જઈ શકે નહીં. ભાવનગરના નારી ચોકડી પાસે ખૂબ મોટી સંખ્યામાં હાઉસીંગ બોર્ડના મકાનો બનાવવામાં આવ્યા. હિંમત હોય તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ વાત જાહેર કરે કે, આ મકાનના કોન્ટ્રાક્ટમાં યુવા ભાજપના ગુજરાત રાજ્ય લેવલના નેતા એમાં ભાગીદાર, કોન્ટ્રાક્ટર કે શું હતા ? આ મકાન એવા બન્યા કે જેમાં યુવા ભાજપના કાર્યકર્તાએ માત્રને માત્ર ભ્રષ્ટાચારથી પૈસા ખાઈ લીધા અને મકાન રહી જ ન શકાય તેવા બન્યા. આજે ખંડેર હાલતમાં નારી ચોકડી પાસે આ મકાનો ઉભા છે અને એકપણ માણસ ત્યાં રહેવા જઈ શક્યો નથી. આ મકાન આપવાના છે એમ કરીને હજારો રૂપિયા જેમના લીધા છે તે ગરીબ ગુજરાતીઓના પૈસા પણ એમાં ફસાયેલા છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) દ્વારા પણ આ બનાવેલ મકાનોમાં ભ્રષ્ટાચાર થયો છે અને કોઈ રહેવા જ જઈ શક્યું નથી, તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ ગયા વર્ષના અહેવાલમાં કરવામાં આવ્યો છે. તો હવે કયા મોઢે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે ? કોંગ્રેસ પક્ષે પોતાની એક આગવી દૃષ્ટિ સાથે “વિઝન-૨૦૧૨”નો મુદ્દો રજૂ કર્યો અને ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ અને ભાવથી કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો, એ પછી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની નાટકીય કારકિર્દી શરૂ થઈ છે અને તેમણે આ વાદ જ કોંગ્રેસની કાર્યવાહી બાદ જ હાઉસીંગ બોર્ડના અધિકારીઓની મિટીંગ બોલાવી અને નાટકનું કૃત્ય કર્યું છે. અમારો સવાલ એ છે કે, શા માટે ૧૨ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી જાગ્યા નહીં ? ૧૨ વર્ષ સુધી તો હંમેશા તેમણે માનીતા ઉઘોગપતિઓની જ ચિંતા કરી છે. ટાટાને ટાઉનશીપ બનાવવા માટે ૧૦૦ એકર જમીન આપી, ૧૧૦૦ એકર જમીન જે અમદાવાદથી થોડે દૂર આવેલી અને ગૌવંશ માટેની ચિંતા કરવા માટે પશુસંવર્ધન યુનિવર્સિટી બનાવવાની હતી, તે જમીન એમણે પોતાના માનીતાઓને એટલે કે ટાટાને પધરાવી દીધી. ત્યારે પણ એમ નહીં સૂઝ્યું કે ગૃહિણીઓને ઘરના ઘરની જરૂર છે. ૧૧૦૦ + ૧૦૦ = ૧૨૦૦ એકર જમીન જો અમદાવાદની જ બાજુમાં રહી, એ ટાટાને આપવાને બદલે અમદાવાદની ગૃહિણીઓને આપી હોત તો આજે અમદાવાદમાં એક પણ વ્યક્તિ ઘર વગરની ન રહી હોત. ટાટા માટે ચારમાર્ગીય રસ્તાઓ બનાવ્યા એના બદલે ટાઉનશીપ બનાવીને એમના વચ્ચે બીઆરટીએસનો રૂટ બનાવી આપ્યો હોત તો અમદાવાદની એકેએક ગૃહિણીની વ્યવસ્થા ત્યાં થઈ શકી હોત. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મહિલાઓ ઉપર જે અત્યાચાર પોલીસ દ્વારા હાઉસીંગ બોર્ડની કચેરી પર કરવામાં આવ્યા છે તેની જીવંત તસ્વીરો પણ પ્રેસ અને મીડીયાના મિત્રોને આપી છે અને માંગણી કરી છે કે, મહિલઓ અને આમ આદમીઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના જવાબદરો સામે સરકાર પોલીસ ફરિયાદ દાખલ કરે, ૧૨ વર્ષ સુધી ગુજરાતના લોકોને ઘરનું ઘર નહીં આપનારી સરકાર ચૂંટણી માથા પર આવી અને કોંગ્રેસ પક્ષ તરફ વિશ્વાસ સાથે ગૃહિણીઓએ જ્યારે કોંગ્રેસના ફોર્મ ભર્યા છે ત્યારે મુખ્યમંત્રીએ જે નાટક કર્યું છે અને એ નાટકમાં પહેલાં જ દિવસે મહિલાઓ પર લાઠીચાર્જ થયો છે તેની ગુજરાતના મુખ્યમંત્રી માફી માંગે તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે.

————————————————————————————————–