Close

October 31, 2012

Press Note Guj Dt:31/10/2012

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                               તા. ૩૧-૧૦-ર૦૧ર

ભારતીય જનતા પક્ષના ઈશારે કોંગ્રેસના આગેવાન શ્રી કદીરભાઈ પીરજાદા તથા અન્‍યની સામે માંડવી પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ આચારસંહિતાના ભંગ અને ક્રિમીનલ પ્રોસીજર કોડ નીચે દાખલ કરવામાં આવેલી ફરિયાદ એ મુખ્‍યમંત્રીશ્રીના ઈશારે કરવામાં આવેલી બદઈરાદાપૂર્વકની ફરિયાદ છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનું સદ્‌ભાવના તો માત્ર એક નાટક હતું અને તેમના દિલમાં જે બદભાવના છુપાયેલી છે તેનું સૌથી મોટું ઉદાહરણ એ માંડવી ખાતે મુખ્‍યમંત્રીશ્રીના ઈશારે થયેલી ફરિયાદ છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે માંડવી ખાતે શ્રી કદીરભાઈ પીરજાદાએ કરેલા પ્રવચનને કોમ્‍યુનલ હાર્મની (કોમી એકતા) માટેના ઉત્તમ પ્રવચન તરીકે એવોર્ડ આપવો જોઈએ તેવું પ્રવચન છે અને તેમ છતાં તેમની સામે મુખ્‍યમંત્રીશ્રીના ઈશારે ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. જો મુખ્‍યમંત્રીશ્રીમાં હિંમત હોય તો એક સંયુક્‍ત પ્રેસ કોન્‍ફરન્‍સમાં માંડવી ખાતેના શ્રી કદીરભાઈ પીરજાદાના પ્રવચનને સહુની સામે જાહેરમાં વીડીયો દ્વારા બતાવવાની ચેલેન્‍જ કરવામાં આવી છે. હકીકતમાં, આ પ્રવચનમાં શ્રી કદીરભાઈ પીરજાદાએ જણાવ્‍યું હતું કે, બહુ જ જવાબદારી સાથે અમે વાત કરીએ છીએ. મહાત્‍મા ગાંધી, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર સહુએ આ દેશમાં જે આઝાદી પછી વ્‍યવસ્‍થા આપી છે તેમાં દરેકને પોતાને યોગ્‍ય લાગે તે ધર્મ પોતાની રીતે પાળી શકે તેવી આઝાદી આપવામાં આવી છે. આમ જણાવીને શ્રી પીરજાદાએ કહ્યું હતું કે, ઈસ્‍લામ ધર્મ ઈન્‍સાનિયતને પ્રેમ કરવા માટેનો રસ્‍તો બતાવે છે. અમારો ધર્મ કોઈ દિવસ મારાકાપીની પરવાનગી આપતો નથી. શ્રી પીરજાદાએ પોતાના પ્રવચનમાં આગળ વધીને કહ્યું હતું કે, પડોશમાં કોઈપણ ભૂખ્‍યું હોય તો તેને પહેલાં ખાવાનું આપવાની વાત ઈસ્‍લામ ધર્મમાં કરવામાં આવી છે. ઈસ્‍લામ ધર્મ કોઈને પણ મારવાની પરવાનગી આપતો જ નથી. હિન્‍દુ હોય તો પણ તેને મારવાની પરવાનગી ક્‍યાંય આપણા ધર્મમાં આપવામાં આવી નથી. જજબાતથી નહીં પરંતુ અક્કલમંદીથી આ દેશમાં સહુએ કામ કરવું જોઈએ, કોઈ અન્‍યાય થાય તો રેલીઓ કાઢીને કાયદો અને વ્‍યવસ્‍થા તૂટે તેમ કરવાને બદલે રજૂઆત સંસદ હોય, ધારાસભા હોય કે ગર્વનર સાહેબ પાસે કરવી જોઈએ અને જરૂર પડયે હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત પણ શ્રી પીરજાદાએ પોતાના પ્રવચનમાં કરી છે. શ્રી પીરજાદાએ હિન્‍દુ અને મુસ્‍લિમની એકતાની વાત કરીને કહ્યું હતું કે, બ્રાહ્મણ હોય કે જૈન હોય કે હિન્‍દુ હોય, આપણે સહુએ સાથે મળીને, સહુને સાથે લઈને ચાલવાનું હોય છે. શ્રી પીરજાદાએ ઈતિહાસને ટાંકીને એમ પણ કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ જંગ થતો ત્‍યારે દુશ્‍મનના પણ સ્‍ત્રી કે બાળકો હોય તો તેને નુકસાન ન પહોંચે તેની કાળજી લેવાનું ઈસ્‍લામમાં કહેવાયું છે. આતંકવાદ એ દેશનો વિરોધી છે અને દેશને તોડનારા આતંકવાદીને ક્‍યારેય કોઈપણ રીતે આપણા દેશમાં જગ્‍યા ન હોવી જોઈએ તેવું પણ તેમણે પોતાના પ્રવચનમાં કહેલું છે. ગેરકાનુની કામ કરનારને ક્‍યારેય આપણે સાથ ન આપવો જોઈએ અને જેણે પાપ કર્યું હોય છે તેને ઉપરવાળો જ સજા કરતો હોય છે તેવી વાત પણ શ્રી પીરજાદાના પ્રવચનમાંથી બહાર આવી છે. બંધારણની જોગવાઈ મુજબ અવાજ ઉઠાવવાની વાત શ્રી પીરજાદાએ પોતાના પ્રવચનમાં કરી હતી અને જણાવ્‍યું હતું કે, કાયદાથી જે રક્ષણ મળવું જોઈએ તે મેળવવા માટે જ આપણા પ્રયત્‍નો હંમેશા હોવા જોઈએ. શ્રી પીરજાદાએ પોતાના પ્રવચનમાં પ્રખ્‍યાત શેર ટાંકીને કહ્યું હતું કે, ‘‘મજહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના, હિન્‍દી હૈ હમ, વતન હૈ હિન્‍દોસ્‍તાં હમારા.” આમ, દેશભક્‍તિની વાત અને ધર્મના નામે કોઈપણ ઝઘડા ન થાય કે ન કરવા જોઈએ તેવી સ્‍પષ્‍ટ વાત શ્રી પીરજાદાના પ્રવચનમાંથી ઉપસ્‍થિત થાય છે. આમ ખૂબ જ સ્‍પષ્‍ટ વાત હોવા છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના ઈશારે મૌલવીઓ સામે તેમજ શ્રી કદીર પીરજાદા સામે માંડવી ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે માત્રને માત્ર બદઈરાદાથી પ્રેરાયેલી છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે આ સમગ્ર કેસેટને સંયુક્‍ત પ્રેસ કોન્‍ફરન્‍સમાં સંભળાવવા માટેની ખુલ્લી ચેલેન્‍જ ભારતીય જનતા પક્ષને કરી છે.

હકીકતમાં, આ બનાવ તા. ૨૧-૧૦-૨૦૧૨ના રોજ બનેલ હતો. જ્‍યારે બનાવ બન્‍યો ત્‍યારે ત્‍યાં આગળ સંપૂર્ણ પોલીસ બંદોબસ્‍ત અને આચારસંહિતાના અમલ માટેના નિરીક્ષકો ઉપસ્‍થિત હતા. સમગ્ર સભામાં શ્રી કદીર પીરજાદાનું પ્રવચન એ કોમી એકતા માટેનું ઉત્તમ પ્રવચન હતું અને તેથી જ તા. ૨૧-૧૦-૨૦૧૨ના રોજ બનેલ બનાવની કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ નહોતી. પરંતુ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને જ્‍યારે એવો ડર લાગ્‍યો કે, સત્તા પોતાના હાથમાંથી જઈ રહી છે ત્‍યારે એક ભયનું વાતાવરણ ફેલાવવા માટે દબાણ ઉભું કરીને છ દિવસ પછી એટલે કે         તા. ૨૮-૧૦-૨૦૧૨ના રોજ મામલતદારશ્રીને ફરિયાદી બનાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આટલી મોડી ફરિયાદ દાખલ કરવા પાછળનું કોઈ જ કારણ ફરિયાદની અંદર દર્શાવવામાં આવ્‍યું નથી. બીજી તરફ શ્રી પીરજાદાને આચારસંહિતાના ભંગની જે દિવસે નોટીસ મળે છે તે જ દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવે છે, આ પણ સ્‍પષ્‍ટ બદઈરાદો સરકારનો દેખાઈ આવે છે. જો આચારસંહિતા ભંગની નોટીસ આપવામાં આવી હોય તો કમસે કમ તે નોટીસનો જવાબ આપવાની જે મુદ્દત હોય ત્‍યાં સુધી તો ફરિયાદ દાખલ ન જ કરવી જોઈએ અને જો ખરેખર ફરિયાદ તાત્‍કાલિક જ દાખલ કરવી પડે તેમ હતી તો પછી તા. ૨૧-૧૦-૨૦૧૨ના બનાવની ફરિયાદ તા. ૨૮-૧૦-૨૦૧૨ના રોજ કેમ દાખલ કરી ? આ સ્‍પષ્‍ટ બતાવે છે કે, ફરિયાદ માત્રને માત્ર સરકારના ઈશારે ગુજરાતમાં એક ધાકધમકીભરી પરિસ્‍થિતિ પેદા કરવા માટે સરકારે દાખલ કરી છે.

શ્રી પીરજાદાએ પોતાના પ્રવચનમાં શ્રી મહેન્‍દ્રભાઈ મેઘાણી લિખિત એક પુસ્‍તકનો હવાલો ટાંકીને કેટલીક વાતો કરી છે. આ પુસ્‍તક એ પ્રતિબંધિત કરવામાં આવ્‍યું નથી અને પુસ્‍તકમાં જે સત્‍ય ઐતિહાસિક ઘટના લખી છે તે ટાંકવી એ કોઈ સંજોગોમાં ગુનો બનતો નથી. આમ છતાં, ફરિયાદમાં આ પુસ્‍તકમાં લખાયેલા અવતરણો શ્રી પીરજાદાના મુખેથી બોલાયા હોય તે રીતે મૂકીને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે સંપૂર્ણ બદઈરાદાને પ્રદર્શિત કરે છે.

શ્રી પીરજાદા સામે કરેલી ફરિયાદ એ માત્રને માત્ર ભય પેદા કરવા માટે અને સત્તાના દુરુપયોગથી પ્રેરિત છે. આ ફરિયાદ દાખલ કરીને શ્રી પીરજાદાની પ્રતિષ્‍ઠા ખંડન કરવા બદલ ફરિયાદીની સામે માનહાનિનો દાવો દાખલ થઈ શકે તે પ્રકારની ફરિયાદ હોવાનું પણ વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું છે.ગુજરાતમાં આ જ રીતે ચૂંટણી દરમ્‍યાન કોઈ અધિકારીઓ સરકારના હાથા બનીને નાચતા હોય તો તેમની સામે યોગ્‍ય પગલાં ચૂંટણી કમિશ્નર દ્વારા ભરવામાં આવશે તેવી આશા પણ વિરોધપક્ષના નેતાશ્રી શક્‍તિસિંહ ગોહિલે વ્‍યક્‍ત કરી હતી.

——————————————————————————-