Close

March 20, 2014

Press Note Guj Dt: 20/03/2014 on Coastal Security

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                 તા.૨૦.૦૩.૨૦૧૪

 

  • કોઈ રાજકારણ માટે નહીં પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે ન છુટકે અતિગંભીર ક્ષતિઓ જાહેર કરવી પડી છે.
  • રાષ્ટ્રની સુરક્ષા માટે અત્યત ગંભીર પરિસ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા છતા કોઈજ જવાબ ન મળવાથી  રાષ્ટ્રના હિતમાં ન છુટકે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે.
  • પાકિસ્તાનથી તદ્દન નજીક આવેલા ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષાની છડેઆમ બેદરકારી.
  • કેન્દ્ર સરકારે અતિઅધતન ૩૦ બોટ્સ નાઇટ વિઝન કેમેરા સાથે ગુજરાતને આપી પરંતુ ગુજરાતના દરિયાકાંઠે નાઇટ પેટ્રોલિંગ થતું નથી.
  • દરિયાકાંઠે બનાવવાના કોસ્ટલ પોલીસ સ્ટેશન પૈકીના બિનજરૂરી એવા અમદાવાદ અને બનાસકાંઠામાં બનાવ્યા.
  • ગુજરાતમાં ૨૧ કોસ્ટલ ચેક પોસ્ટમાં થી એક પણ ઓપરેશનલ નથી.
  • પાકિસ્તાનથી સાવ નજીક આવેલા કચ્છના ૨૩૮ના દરિયાકાંઠા પર માત્ર એકજ પોલીસ સ્ટેશન.
  • હર્ષદ માતાના મંદિર થી દ્રારકા સુધીના દરિયાકાંઠા પરના કોસ્ટલ પોલીસ સ્ટેશનના સ્થળ ફેરવીને ગુજરાત સરકારે આંતકવાદીઓ માટે ખુલ્લો મુક્યો.
  • દરેક બોટે વાર્ષિક ૧૮૦૦ કલાક દરિયામાં પેટ્રોલિંગ કરવાની કેન્દ્ર સરકારે સુચના આપી હોવા છતા ગુજરાતમાં ૭૮% થી ૯૧% ઓછું પેટ્રોલિંગ.
  • દરિયામાં પેટ્રોલિંગ માટેની બોટ્સ મહિનાઓથી દરિયાકાંઠાની બહાર જમીન પર પડી છે,
  • દેશની સુરક્ષા માટે ઓલવેધર જેટીઓ ગુજરાતના દરિયાકાંઠે બનાવવાની હતી પરંતુ ગુજરાત સરકારે એક પણ ન બનાવી.
  • ૨૦૦૯ના કેગના રીપોર્ટમાં સ્પષ્ટ સુચના હતી કે ATSમાં ખાલી જગ્યાઓ ભરી દેવી પરંતુ ગુજરાતમાં આજે પણ એન્ટી ટેરેરીસ્ટ સ્કોડમાં ૮% થી ૧૦૦% જગ્યાઓ  ખાલી.
  •  મરીન  એક્સક્લુઝિવ ઇન્ટેલિજન્સ એન્ટ ઇન્વેસ્ટીગેશન વીંગ ગુજરાતમાં સ્થાપવાની હતી પરંતુ ગુજરાતે તેની સ્થાપના ન જ કરી.
  • મુંબઇના હુમલામાં પણ આંતકવાદીઓ ગુજરાતના પોરબંદરની બોટ લઈ ગયા હતા.
  • ગુજરાતના મુખ્યમંત્રી દેશને જણાવે કે સીએજી ના કહેવા છતા સુરક્ષાની શા માટે અનદેખી કરી?
  • આંતકવાદી સામે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા શા માટે નથી કરી?

               કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે રાષ્ટ્રની સુરક્ષા રાજકારણ થી ઉપર કોંગ્રસ પક્ષે હંમેશા ગણી છે. રાષ્ટ્રની સુરક્ષા સામેની અતિગંભીર ક્ષતિઓ ન છુટકે પ્રેસ અને મીડિયા સમક્ષ જાહેર કરવી પડી રહી છે. રાષ્ટ્રની સુરક્ષા માટેની અતિગંભીર પરીસ્થિત અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનુ ધ્યાન દોરીને તે અંગેની બાબતોને અત્યંત ખાનગી રાખી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરફથી અપાયેલી સમય મર્યાદામાં કોઈજ જવાબ ન મળ્યો  ત્યાર બાદ અઠવાડિય પછી રાષ્ટ્રના હિત માં ન છુટકે ગુજરાત ની સરહદ પર સુરક્ષામાં રાખવમાં આવેલી અતિગંભીર ક્ષતિઓ અંગે પ્રેસ અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવાની ફરજ પડી છે.  

          ગુજરાત રાજ્ય પાકિસ્તાનની સરહદથી એક્દમ નજીક આવેલું રાજ્ય છે. ગુજરાતને ૧૬૪૦ કિલોમીટરનો દરિયાકાંઠો ૧૩ જિલ્લાઓને સ્પર્શેતો આવેલો છે. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યની તદ્દન નજીક પાકિસ્તાનની સરહદ આવેલી છે. આ કારણોસર રાષ્ટ્રની સુરક્ષા માટે અને આંતકવાદી પ્રવૃતિ તથા ગુનાહિત પ્રવૃતિને રોકવા માટે સજ્જડ દરિયાઈ સુરક્ષા ગુજરાતના કાંઠે અત્યંત જરૂરી છે. જીરો થી બાર નોટીકલ માઈલ Nautical Miles સુધીના દરિયાકાંઠા ની સુરક્ષા રાજયના પોલીસ દળ ઉપર હોય છે. મુંબઇમાં આંતકવાદીઓ વર્ષ ૨૦૦૮માં આવ્યા તે ગુજરાતના પોરબંદરની કુબેર બોટ પડાવીને આવ્યા હતા. દરિયાકાંઠાની આ સુરક્ષા માટે ભારત સરકારે અત્યંત ગંભીરતાપૂર્ણ રીતે કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ (દરિયાઈ સુરક્ષા યોજના, CSS) ૨૦૦૫માં બનાવીને ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત રાજ્યને કરોડો રૂપિયાની સહાય પણ આપી છે. કમ નશીબે ગુજરાત સરકારે દરિયાઈ સુરક્ષાની સંપૂર્ણ અનદેખી કરી છે અને દરિયાઈ સુરક્ષા યોજનાના કામોને પૂર્ણ કરવાના બદલે બેજવાબદારી પૂર્ણ રીતે દરિયા કાંઠો  ખુલ્લો મૂકી દીધો છે.

       કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દેશની સુરક્ષા માટે અત્યંત ગંભીર મુદાઓ અંગે  ચિંતા વ્યક્ત કરીને ગુજરાતની દરિયાકાંઠાની સુરક્ષાની બેદરકારી ગુજરાત સરકાર દ્વ્રારા કરવામાં આવી રહી છે તેના આધારભૂત પુરવા આપ્યા હતા ભારત સરકારે જાન્યુઆરી ૨૦૦૬માં ગુજરાત સરકારને ૧૦ કોસ્ટલ પોલીસ સ્ટેશન (CPS) ૨૫ કોસ્ટલ ચેક પોસ્ટ (CCP) અને ૪૬ કોસ્ટલ આઉટ પોસ્ટ (COP) બનાવવા માટે તેમજ ફર્નીચર અને જરૂરી સાધન સામગ્રી માટે ખુબ મોટી રકમ આપી હતી. ઉપરાંત ૩૦ અદ્યતન બોટ્સ ભારત સરકારે ગુજરાત સરકારને આપી છે. પરંતુ ગુજરાત સરકારે રાષ્ટ્રની સુરક્ષા  માટે દરિયાઈ સુરક્ષાની જે યોજનાનો અમલ કરવાનો હતો તેમાં સંપૂર્ણ બેદરકારી રાખી છે. દરિયા કાંઠા પર સુરક્ષા માટે જે બોટોનું પેટ્રોલિંગ રાત્રે પણ કરવાનું હતું અને રાત્રી પેટ્રોલિંગ માટે નાઈટ વિઝન કેમેરા (રાત્રે પણ જોઈ શકાય તેવા કેમેરા) થી સુસજ્જ બોટ્સ ગુજરાતને ફાળવી હોવા છતાં ગુજરાત સરકારે બોટને રાત્રી પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લીધેલ નથી.

       જામનગર અને કચ્છ જીલ્લાની સરહદ એ પાકિસ્તાનથી એકદમ નજીક આવેલી છે. આ દરિયાઈ વિસ્તાર દરિયાઈ  સુરક્ષા માટે અતિસંવેદનશીલ છે. આમ છતા આ અતિસંવેદનશીલ દરિયાઈ કિનારાની ૨૩૮ કિલોમીટરની કચ્છની સરહદ ઉપર માત્ર એક જ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે.  દરિયાઈ સુરક્ષાના ઓરીજીનલ પ્લાન મુજબના જરૂરિયાત મુજબના પોલીસ સ્ટેશનો કોઈ જ કારણ વગર બનાવવામાં આવ્યા નથી. હજીરા અને પીપાવાવ થી ડાયવર્ટ કરેલી બોટ મારફત અતિસંવેદનશીલ દરિયાકાંઠો બિલકુલ કવર થઈ શકતો નથી. તેજ રીતે જામનગર જીલ્લાના અતિસ્વેદનશીલ દરિયાકાંઠા પર બે કોસ્ટલ પોલીસ સ્ટેશન (CPS) ના સ્થળ ગુજરાત સરકારે વ્યાજબી કારણ વગર બદલી નાખેલા છે.  ભાટિયાનું કોસ્ટલ પોલીસ સ્ટેશન વાડીનાર ખાતે અને હર્ષદ માતાજીના મંદિર પાસે નું કોસ્ટલ પોલીસ સ્ટેશન ઓખા ખાતે ફેરવી નાખવામાં આવેલું છે જેના કારણે દ્વ્રારકાધીશ ના મંદિરથી લઈ ને હર્ષદ માતાના મંદિર સુધીનો દરિયાકાંઠો કોઈ પણ જાતના સુરક્ષા ના પેટ્રોલિંગ વગરનો થઈ ગયેલો છે. આ પોલીસ સ્ટેશનોના સ્થળ બદલવા માટે ઓરીજીનલ પ્લાન વખતે બનાવવામાં આવેલા પોઈન્ટસ ને ગુજરાત સરકારે ફેરવીને રાષ્ટ્રની સુરક્ષા સાથે ગંભીર ચેડા કરેલા છે.

              કચ્છના માતાનો મઢ, હાજીપીર ની જગ્યા, જામનગર જીલ્લાનું દ્રારકાધીશનું મંદિર તેમજ હર્ષદ માતાજીનું મંદિર એ હિન્દુ તેમજ મુસ્લિમ લોકો માટે આસ્થાના ખૂબજ મોટા કેન્દ્રો છે. આમ આ જગ્યાઓ પર અતિચુસ્ત સુરક્ષા રાખવી જોઈએ તેના બદલે દરિયાઈ સુરક્ષા માટે કેન્દ્ર સરકારે આપેલા પ્લાન અને ખૂબજ મોટી રકમ મંજુર કરાઈ હોવા છતા આ સ્થળો પર સુરક્ષામાં ખૂબજ મોટા છીંડા મૂકી દેવામાં આવેલા છે.

           દરિયાઈકાંઠા પર પોલીસ સ્ટેશનો બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ મંજુર કરેલો છે અને તેના માટે ખૂબ મોટું ભંડોળ પણ ગુજરાતને આપવામાં આવેલું છે. ગુજરાત સરકારે દરિયાકાંઠે બનાવવાના પોલીસ સ્ટેશનો પૈકી અમદાવાદ અને બનાસકાંઠા ખાતે પોલીસ સ્ટેશનો બનાવી નાખ્યા અને તેમાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના પૈસા નો ખર્ચ કરી  નાખવમાં આવેલો છે જે બતાવે છે કે ગુજરાત સરકાર રાષ્ટ્રની સુરક્ષા સાથે કેવા પ્રકારના ચેડા કરી રહી છે. ગુજરાતમાં ૨૧ કોસ્ટલ ચેક પોસ્ટ (CCP) તૈયાર કરવાની હતી કમનસીબે ગુજરાતની આ બધીજ ૨૧ કોસ્ટલ ચેક પોસ્ટ સ્ટાફના અભાવે નોન-ઓપરેશનલ છે. જ્યારે ૨૯ કોસ્ટલ આઉટ પોસ્ટ સ્ટેશન (COP) માંથી ૧૫ નોન-ઓપરેશનલ છે કારણકે ગુજરાત સરકારે ત્યાં સ્ટાફ જ બિલકુલ મુકેલો નથી. જે ૧૪ કોસ્ટલ આઉટ પોસ્ટ ઓપરેશનલ છે તેમાં માત્ર બે કે ત્રણ પોલીસના વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. જે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અથવા હેટ કોન્સ્ટેબલ અથવા પોલીસ કોન્સ્ટેબલ કક્ષાની છે. આમ ખરેખર મંજુર થયેલા મહેકમના ટકાવારી માં જોઈએ તો માત્ર ૨૯% જ પોલીસ સ્ટાફની ભરતી કરવામાં આવી છે.

             ગુજરાતના દરિયાકાંઠે ઓલવેધર (તમામ ઋતુઓમાં કામ આવી શકે તેવી) જેટીઓ બનાવવાની હતી કે જેના પરથી ગુજરાતના દરિયા કિનારની પૂરે પૂરી સુરક્ષા થાય અને ૨૪ કલાક પેટ્રોલિંગ થઈ શકે. ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા માટેની સ્વતંત્ર ઓલવેધર એક પણ જેટી બનાવવામાં જ આવી નથી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અન્ય પ્રાઈવેટ જેટીઓના ઉપયોગના કારણે સુરક્ષા માટેની ઇન્ટરસેપ્ટ બોટ્સનો પ્રેક્ટીકલ ઉપયોગ લગભગ થઈ શકતો જ નથી. અલાયદી સ્વતંત્ર જેટીઓ નહી હોવાના કારણે દરિયાઈ સુરક્ષાનું પેટ્રોલિંગ પ્રાઇવેટ કંપનીઓ અને માછીમારી માટે જતી બોટોની સાથે સૌને ખબર પડી જાય તે પ્રકારનું જ થાય છે.  ઘણાબધા બંદરો પર અન્ય વિપરીત કારણો સર સુરક્ષા માટેની બોટ્સ ઉપયોગમાં લઈ શકાતી નથી. કેગના રીપોર્ટની કોપી રજુ કરીને શ્રી ગોહિલે પ્રસ્થાપિત કર્યું હતુ કે ગુજરાત સરકારને આપવામાં આવેલી સુરક્ષા અંગેની બોટ્સ બીનઉપયોગી હાલતમાં રહે છે.

            કોસ્ટલ સિક્યોરિટી પ્લાન મુજબ ગુજરાતના અતિસંવેદનશીલ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મરીન  એક્સક્લુઝિવ ઇન્ટેલિજન્સ એન્ટ ઇન્વેસ્ટીગેશન વીંગ ની સ્થાપના કરવા જરૂરી નાણા અને સુચના ગુજરાત સરકારને આપી હતી. આ વીંગના દ્વારા ખૂબજ મહત્વની કામગીરી દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ, દરિયા કિનારે વ્યક્તિઓનું આવન જાવન, દરિયાઈ વિસ્તામાં આવતા અને જતા લોકોને કોણ અને  શા માટે મળે છે તેની માહિતી એકત્ર કરવાની હતી પરંતુ ગુજરાત સરકારે આ મરીન ઇન્ટેલિજન્સ એન્ટ ઇન્વેસ્ટીગેશન વીંગની સ્થાપના કરી જ નથી.          

             ભારત સરકારે ૩૦ અદ્યતન ઇન્ટરસેક્ટર (Interceptor) બોટ્સ ગુજરાતને ફાળવી છે. જેમાં બે અતિઆધુનિક ૨ ટનની તથા એક ૫ ટનની શક્તિશાળી બોટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારને આ બોટ્સ ફાળવીને સપ્ટેમ્બર ૨૦૦૯ તથા ઓકટોબર ૨૦૧૦ માં  ભારત સરકારે સ્પસ્ટ સુચના આપી હતી કે બોટ્સ દ્વ્રારા ગુજરાતની દરિયાકાંઠાની સુરક્ષા માટે દરેક બોટે માસિક ૧૫૦ કલાક અને વાર્ષિક ૧૮૦૦ કલાક દરિયામાં પેટ્રોલિંગ કરવાનું.  ભારત સરકારની આ સ્પષ્ટ સુચના છતા ગુજરાત સરકારે દરિયાઈ સુરક્ષા માટે બેદરકારી રાખીને દરિયાકાંઠા પર પેટ્રોલિંગ ૭૮% થી લઈ ને ૯૧% ઓછું કરેલ છે. રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં જે બોટ્સનું પેટ્રોલિંગ ૭૮% થી લઈ ને ૯૧% સુધી ઓછું થયેલું છે તેની સંપૂર્ણ આધારભૂત વિગતો પ્રેસ અને મીડિયાને આપી હતી. શ્રી ગોહિલે કેટલીક બોટ્સ પાણીમાં થી બહાર કાઢીને મહિનાઓ સુધી મૂકી રાખવામાં આવી હોય તેના ફોટોઓ પણ આપ્યા હતા.

           ૨૦૦૯માં સીએજીના રીપોર્ટમાં ગુજરાત સરકારની સુરક્ષા માટેની ગંભીર બેદરકારીની સખ્ત શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી. સીએજીના આ રીપોર્ટની નકલો શ્રી ગોહિલે પ્રેસ અને મીડિયાને આપીને જણાવ્યું હતુ કે  ૨૦૦૯ મા સીએજીના રીપોર્ટના પાના નંબર ૧૩, પારા નંબર ૧, ૧૧, ૪ માં નોધાયું હતુ કે ગુજરાતમાં એન્ટી ટેરેરીસ્ટ સ્કોડ (ATS) ની સ્થાપના  ૧૯૯૩માં કરવામાં આવી છે પરંતુ વર્તમાન સમયમાં વિવિધ કેડરમાં ૮%  થી લઈ ને ૧૦૦% જેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાં પણ ઉચ્ચ અધિકારીની જગ્યાઓ સૌથી વધારે ખાલી છે. આમ આ ખાલી જગ્યાઓના કારણે ATS માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. આ ટીકા પછી ગુજરાત સરકારે ATS માં સુધારો કરવાના બદલે હાલમાં ગુજરાતમાં જે ૨૦૦૯માં ખાલી જગ્યાઓ હતી તેના કરતા પણ ATS માં પોલીસ જવાનોની અને અધિકારીઓની જગ્યા વધારે ખાલી કરી નાખી છે. હાલમા ડી.આઈ.જી કક્ષાના અધિકારીની ૧૦૦% જગ્યા ખાલી છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની જગ્યા ૧૦૦% ખાલી છે. ડીવાયએસપી ની ૬૭% જવ્યો ખાલી છે તેજ રીતે પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર, હેડ કોન્સ્ટેબલ વેગેરેમાં પણ મહેકમ મુજબની જગ્યાઓ ભરાયેલ નથી. ગુજરાત સરકાર કેગના કહેવા છતા પણ બેદરકારી રાખે છે તેના પાછળ કોઈક મેલીમુરાદ જ કામ કરતી હોઈ શકે.

              ૨૦૦૯ના કેગના રીપોર્ટમાં સ્પષ્ટ લખાયું છે કે પેટ્રોલિંગ કરતા વાહનો માટે ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS) અને ઓટોમેટિક વિહ્ક્લ લોકેટર સીસ્ટમ (AVLS) પ્રસ્થાપિત કરવા માટે નાણાની જોગવાઈ કરવામાં આવેલી હોવા છતા કાર્યાન્વિત ગુજરાત સરકારે કરેલ નથી અને એ રીતે ગુજરાતમાં સુરક્ષાની સદંતર અનદેખી કરવામાં આવી છે. ગુજરાતમાં બંધુકો છે પરંતુ તેના કાર્ટેજ નથી અને તે પણ કેટલાક કિસ્સાઓમાં ૧૦૦% ખામી હોવાના આંકડાઓ પણ કેગ દ્વ્રારા આપવામાં આવ્યા છે, ગુજરાત સરકારે ખરીદ કરવાના કાર્ટેજ માટે સમયસર ઓડર પણ રજુ ન કર્યા હોવાની ટીકા કેગના રીપોર્ટમાં છે.

         ઉપરોક્ત બાબતો એ રાષ્ટ્રની સુરક્ષા માટે અતી ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય સુરક્ષાને મતબેંક માટે વાપરે છે અને ગુજરાતના મુખ્યમંત્રીતો ચૂંટણીઓના સમયે બેજવાબદાર મુદ્દાઓ ઉપસ્થિત કરીને દેશના વડાપ્રધાનને પત્રો લખીને તે પત્ર મીડિયામાં લીંક કરીને રાષ્ટ્રની સુરક્ષા ના ભોગે પણ મતબેંકની રાજનીતિ કરતા હોવાના અનેક દાખલાઓ મોજુદ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય સુરક્ષાના આ મુદ્દાઓ અંગે મે તા. ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ પત્ર લખ્યો હતો અને તે પત્ર કોઈ પણ જગ્યાએ જાહેર ન થાય તેની કાળજી રાખી હતી. મે લખેલા પત્રમાં રાષ્ટ્રની સુરક્ષાના આ તમામ મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરીને ગુજરાતના મુખ્યમંત્રીને સ્પષ્ટતા પૂર્વકનો જવાબ આપવા ૧૦ દિવસનો સમય આપ્યો હતો. મારા આ પત્રના અંગે કોઈ પણ જાતનો પ્રતિ ઉત્તર ગુજરાતના મુખ્યમંત્રીએ આપેલો ન હોવાથી રાષ્ટ્રની સુરક્ષાના હિતમાં  આ મુદ્દાઓ ઉપસ્થિત કરવાની ફરજ પડી છે.

        ગુજરાતના મુખ્યમંત્રી દેશની જનતાને જણાવે કે સીએજીના કહેવા છતા પણ સુરક્ષા માટેની ગંભીર ક્ષતિઓ શા માટે દુર નથી કરી? શક્તિસિંહ ગોહિલ દ્રારા લખાયેલા અત્યંત ખાનગી પત્રનો જવાબ શા માટે નથી આપ્યો? આતંકવાદીઓ સામે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવાને બદલે શા માટે ગુજરાતની સરહદ આંતકવાદીઓ આવી શકે તે રીતેની ખુલ્લી  મુકવામાં આવી છે. પોતાની આજુબાજુ સખ્ત પોલીસ બંદોબસ્ત રાખવાનો અને પોતાના ધરની સામેના અક્ષરધામને આંતકવાદીઓના હવાલે કરવાનો ઈતિહાસ પણ ગુજરાતના મુખ્યમંત્રીનો પણ છે. આ સંદર્ભમાં રાષ્ટ્રના હિતમાં ગુજરાતમાં જે રાષ્ટ્રીય સુરક્ષા માટેની ગંભીર અને ચિંતાજનક પરીસ્થિત છે તે દેશ સમક્ષ રજુ કરવાની ફરજ  પડી છે.

—————————————————————————————

Copy of Letter to Narendra Modi

Letter to Narendra Nodi Page 2

 Encl:- 

Click here to get a copy of pages of CAG audit report on General and Social Sector for the year ended March 2012

Click here to get a copy of pages of Audit Report (Civil) for the year ended 31 March 2009

Copy of  letter to Narendra Modi