Close

February 25, 2011

Press note Guj Dt: 25/02/2011on Budget

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                            તા.રપ/૦ર/ર૦૧૧

 

  • સ્‍વર્ણિમ ગુજરાતના વર્ષમાં ગુજરાતની જનતાને રાહતના બદલે બજેટમાં પર૪ કરોડનો કરબોજ.
  • દેશમાં સૌથી વધારે વેટ અને તેના પરનો સરચાર્જ હોવા છતાં બજેટમાં એકપણ પૈસાની રાહત નહી.
  • કેગ દ્વારા ના પડાયા છતાં આ બજેટમાં ગુજરાતની સરકાર ર૧,૧રપ.૮૭ કરોડ રુપિ‍યાનું દેવું વધારશે.
  • ગ્રીન એનર્જીના નામે પંદર રુપિ‍યે વિજળીની ખરીદીના કોન્‍ટ્રાકટ કરી મોટા ઉદ્યોગપતિઓને લાભ આપવા ગુજરાતની જનતા પર ગ્રીન સેસના     નામે ર૪૪ કરોડનો કરબોજ.
  • ગ્રામીણ, ગરીબ, આદિવાસી, દલિત અને લઘુમતિ માટે ફળવાયેલા નાણાં વણવપરાયેલાં રહે છે.

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલું આજનું બજેટ ગુજરાતની જનતાને રાહત આપવાના બદલે પર૪ કરોડના કરબોજનું રજૂ કરવામાં આવ્‍યું. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે સ્‍વર્ણિમ વર્ષમાં વેટ અને પ્રોફેશનલ ટેક્ષથી માંડીને અનેક બાબતોમાં રાહતની અપેક્ષાએ બેઠેલી ગુજરાતની જનતાને કમરતોડ કરબોજ આપીને મોંઘવારી વધારનારા બજેટ તરીકે આજના બજેટને ગણાવ્‍યું હતું. ગુજરાતની જનતા ઉપર દેશના કોઇપણ રાજ્ય કરતાં વધારે વેલ્‍યુએડેડ ટેક્ષ(વેટ)નું ભારણ છે, આ વેટના દર નીચા લાવવામાં આવે તો જ ગુજરાતમાં મોંઘવારી ઘટે. ગુજરાત સરકારે વેટના દેશમાં સૌથી વધારે દર હોવાછતાં તેને ઘટાડવા માટે કોઇપણ જાતના પગલાં આ બજેટમાં જાહેર કર્યા નથી. કમરતોડ વેટના ઉપરાંત રપ ટકાનો સરચાર્જ ગુજરાતની જનતા ઉપર નાંખવામાં આવેલો છે. સમગ્ર દેશમાં કોઇપણ જગ્‍યાએ વેટ ઉપર આવો કમરતોડ સરચાર્જ નથી. ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા હતી કે આ વર્ષે વેટ ઉપરનો સરચાર્જ ઘટશે અને જનતાને રાહત થશે, પરંતુ પ્રજાની આ આશા પણ આ બજેટમાં ઠગારી નીવડી છે.

કેન્‍દ્ર સરકારની યોજનાઓને પોતાના નામે ચડાવીને જાહેરાતો કરનારી ગુજરાતની સરકારે રાજ્યના સમતુલિત વિકાસ માટે નાણાની ફાળવણી યોગ્‍ય રીતે કરી નથી. ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે ખોટા અંદાજો દર્શાવવામાં આવે છે અને ખાધવાળા બજેટને પુરાંતવાળા તરીકે તેમજ મોટી મહેસૂલી ખાધને ખોટી રીતે નાની મહેસૂલી ખાધ દર્શાવવાની રાજ્ય સરકારની મેલી ચાલ પણ આ બજેટમાં ઉજાગર થાય છે. સન-ર૦૦૮-૦૯માં મહેસૂલી હિસાબ ઉપર ર૮૬.પ૬ કરોડ રુપિ‍યાની પુરાંત છે તેમ કહીને મોટા બણગાં ફૂંકવામાં આવ્‍યા હતાં. પરંતુ આજના બજેટમાં ર૦૦૮-૦૯ના ચોખ્‍ખા હિસાબો રજૂ થયા ત્‍યારે એ વાત સ્‍પષ્‍ટ થઇ કે, ર૦૦૮-૦૯માં પુરાંત નથી પરંતુ મહેસુલી હિસાબ ઉપર ૬પ.૭પ કરોડ રૂપિ‍યાની ખાધ છે. તેજ રીતે ર૦૦૯-૧૦ના વર્ષના બજેટમાં મહેસુલી ખાધ રુપિ‍યા ૩૯૧૩.૧૯ કરોડની બતાવેલી હતી, પરંતુ આજના બજેટમાં રજુ થયેલાં સુધારેલા અંદાજ મુજબ મહેસુલી ખાધ ૪૩પ૬.પ૦ કરોડ રુપિ‍યા થઇ ગઇ છે. આમ રાજ્ય સરકાર જાણી જોઇને ગુજરાતની જનતા પાસે ખોટા અંદાજો રજૂ કરીને પ્રજાને ગુમરાહ કરે છે.

તટસ્‍થ બંધારણીય સંસ્‍થા કેગ દ્વારા કડક ટીકા કરવામાં આવી છે કે, ગુજરાતની સરકારે હવે દેવું વધારવું ન જોઇએ. કેગ દ્ગારા લખાયું છે કે, જો ગુજરાતની સરકાર દેવું લેવાની પ્રવૃત્તિ નહીં ઘટાડે તો દસ વર્ષ પછી ગુજરાતના નાણાકીય રીતે છેડા ભેગા થઇ શકશે નહીં અને રાજ્યનું અર્થતંત્ર અસ્‍તવ્‍યસ્‍ત થઇ જશે. આમ છતાં, ગુજરાત સરકારે આ બજેટમાં દેવું ઘટાડવાના બદલે ર૧૧રપ.૮૭ કરોડ રુપિ‍યાનું જાહેર દેવું વધારેલું છે. ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં આટલું મોટું દેવું એક જ વર્ષમાં કોઇપણ સરકારે લીધેલું નથી. આટલી મોટી રકમ દેવા પેટે લીધા છતાં ગુજરાતની જનતાને કરવેરામાં કોઇપણ જાતની રાહત આપી નથી અને ઉલ્‍ટાનું રાજ્યની જનતા ઉપર કરોડો રુપિ‍યાનો નવો કરબોજ નાખેલો છે. અન્‍ય રાજ્યોમાં તમાકુ પરનો વેરો વધારે છે તેમ કહીને ગુજરાતમાં વેરો વધારવામાં આવ્‍યો છે, પરંતુ અનેક આઇટમોમાં દેશના અન્‍ય રાજ્યોમાં વેરાની રકમ ઓછી છે તો ગુજરાતમાં વેરો ઘટાડવાની સરકાર ચિંતા કરતી નથી.

ગુજરાત સૌથી મોટો દરિયાઇ સરહદી વિસ્‍તાર ધરાવે છે અને સરહદી વિસ્‍તારનો વિકાસ રાજ્ય અને
રાષ્‍ટ્રની સલામતી માટે પણ અત્‍યંત જરુરી છે. બજેટના કદની સાથે સરહદી વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ માટે નાણા વધારે ફાળવવા જોઇએ. તેના બદલે સરહદી વિસ્‍તાર વિકાસ કાર્યક્રમમાં ગયા બજેટમાં ફાળવાયેલા નાણામાં ખૂબ જ મોટો ઘટાડો કરીને માત્ર ૦.૩૬ ટકા જ રકમ ફાળવવામાં આવી છે. આ બતાવે છે કે, મુખ્‍યમંત્રીશ્રી સરહદી વિસ્‍તારની અવગણના કરીને સરહદો પરથી આતંકવાદીઓ ગુજરાત અને દેશમાં આવે તેવું ઇચ્‍છી રહ્યાં છે. આતંકવાદી આવે અને કોઇ આતંકવાદી ઘટના બને તો જ મુખ્‍યમંત્રીશ્રીનું આતંકવાદના નામે રાજકારણ ચાલે અને પોતાની વોટ બેન્‍કની રાજનીતિ તેઓ ખેલી શકે.

ગુજરાતમાં ગ્રીન એનર્જીના નામે પોતાના માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ૧પ રુપિ‍યા પ્રતિ યુનિટ વિજળી ખરીદવાના ગુજરાતની સરકાર કોન્‍ટ્રાકટ કરે છે જયારે આ જ વિજળી કેન્‍દ્ર સરકારના સાહસ પાસેથી માત્ર ર.૯ રુપિ‍યામાં મળે છે. ગ્રીન એનર્જીના નામે પંદર રુપિ‍યે યુનિટ વિજળી ખરીદાય છે તેના કારણે જે નાણાની જરુર પડવાની તે આમ ગુજરાતી પાસેથી જ વસુલ કરવા માટે જ ગ્રીન સેસના નામે ર૪૪ કરોડ રુપિ‍યાનો કરબોજ આ બજેટમાં વિજળી વાપરતા ઉપભોક્તાઓ પાસેથી ઉત્‍પાદનના સ્‍તરે જ બે પૈસાના દરે ટેક્ષ વસુલ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાત સરકાર બજેટની જોગવાઇના જે આંકડાઓ બજેટ પ્રવચનમાં દર્શાવે છે, જયારે ખરેખર ખર્ચ કરવાનો હોય છે ત્‍યારે ગરીબ અને ગ્રામીણલક્ષી યોજનાઓમાં આ ખર્ચ કરવામાં આવતો નથી અને કરોડો રુપિ‍યા વપરાયા વગરના રહે છે તે વાતનો પર્દાફાશ છેલ્‍લાં ચાર વર્ષના બજેટનાં આંકડાઓ જોઇએ તો સામાજીક સેવાઓ, ગ્રામીણ વિકાસ, કૃષિ‍ અને સંલગ્‍ન સેવાઓમાં ફાળવાયેલી રકમ કરતાં અનેકગણો ઓછો ખર્ચ કરીને સરકારે બજેટ પ્રવચનમાં કરેલી જાહેરાતો માત્ર કાગળ ઉપર રહી છે અને લોકોને લોલીપોપ આપવાનું કામ કર્યુ છે.

ગુજરાતના લોકોને બજેટ પ્રવચનમાં કેટલાંક વચનો આપી દેવામાં આવે છે. પરંતુ પછી પ્રગતિ જયાંની ત્‍યાં જ રાખીને બજેટ પ્રવચનમાં બીજા વર્ષે પણ એની એ જ વાત કરવામાં આવે છે. જેમ કે, ગાંધીનગર-અમદાવાદ વચ્‍ચે મેટ્રો ટ્રેનની વાત અગાઉ પણ બજેટ પ્રવચનમાં થઇ પરંતુ ત્‍યારબાદ પ્રગતિ શૂન્‍ય છે. કલ્‍પસર યોજનાના નામે છેલ્‍લાં કેટલાંય વર્ષોથી બજેટ પ્રવચનમાં વાતોના વડા થાય છે. પરંતુ પ્રિફીઝીબીલીટી રિર્પોટ પણ હજુ સુધી સરકારે તૈયાર કરેલો નથી. આવી અનેક બાબતો છે કે, જેમાં માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્‍નો જ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં નર્મદા ખાતે પુષ્‍કળ પાણી ઉપલબ્‍ધ છે. કોંગ્રેસના શાસનમાં ૧૭૦૦૦ કિ.મી. કરતાં વધારે નર્મદાની નહેરનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્‍યું હતું. બાકી રહેતી નહેરોનું કામ ર૦૦૪ સુધીમાં સંપૂર્ણ પૂરું કરવાની જવાબદારી ભાજપની સરકારની હતી, પરંતુ નર્મદા યોજનામાં ખેડૂતોને પાણી પહોંચાડવાનું કામ ભાજપની સરકાર કરી શકી નથી. છેલ્‍લાં બે વર્ષમાં માત્ર પ૮૦ કિ.મી.ની નહેરોનું કામ થયું છે અને હજી ૪૧૪૪ કિ.મી. કેનાલોનું કામ બાકી છે. આ કામને પહોંચી વળવા પૂરતાં નાણાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી નથી.

——————————————————————————————————————-