Close

January 28, 2014

Press Note Guj Dt:28/01/2014

Click here to view/download press note. 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                            તા. ૨૮-૦૧-૨૦૧૪

 

      શ્રી અરુણ જેટલીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીના ઈન્ટરવ્યૂ બાદ લખેલા બ્લોગ ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે  જણાવ્યું હતું કે જોર જોરથી જુઠું બોલનારા કરતા સાફ દિલથી  સાચું બોલનારા સમાજ માટે હિતકારી હોય છે.

      અને હા ૫૬ની છાતી એને ન કહેવાય કે જે ઈન્ટરવ્યૂ દરમ્યાન પ્રશ્નનો જવાબ ન આપે અને ઘમંડ તથા ઉદ્ધતાઈ થી ચાલતી પકડે. ૫૬ની છાતી તો એને કહેવાય જે કોઈ પણ પ્રશ્નનો જવાબ સૌમ્યતા,સરળતા અને સચ્ચાઈ થી આપે.

      ગુજરાતના ૨૦૦૨ના કોમી રમખાણોને ૧૯૮૪ ના શીખ રમખાણો કે અન્ય કોઈ પણ રમખાણો સાથે ક્યારે પણ તુલના કરી શકાય નહી કારણકે ૨૦૦૨ ના રમખાણો રાજ્ય સરકાર પ્રેરિત કોમી રમખાણો હતાં. ૧૯૮૪માં જયારે ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે તુરંતજ રમખાણો ફાટી નીકળ્યા હતાં અને રાજીવ ગાંધીએ માની લાશ ઘરમાં પડી હોવા છતાં રોડ પર જઈ જઈ ને લોકો શાંતિ જાળવે તેના માટે રમખાણ ગ્રસ્ત વિસ્તારોમાં જઈ ને પ્રયત્નો કર્યા હતાં. જયારે ૨૦૦૨માં રમખાણમાં ભોગ બનનારા લોકોના આંસુ લુંછવા માટે કે શાંતિ સ્થપાય તેમાટે ગુજરાતના મુખ્યમંત્રીએ લેશ માત્ર પ્રયત્ન કર્યો ન હતો. ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની મેલી શાશન પદ્ધતિના કારણે ગોધરામાં રામ સેવકો સળગ્યા તે પછી તુરંતજ ગુજરાતમાં કોઈ અઘડિત ઘટના બની ન હતી. ત્રણ દિવસ સુધી એક પણ મુસ્લિમ બિરાદરનું મુત્યુ નોધાયું ન હતું. આ ત્રણ  દિવસ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી, આર.એસ.એસ અને ભાજપના ઝેરી પ્રચાર અને સુયોજિત કાવતરાના કારણે ત્રણ દિવસ પછી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતાં. ગોધરાના જે તે સમયના કલેકટરે કાર સેવકોની લાશોનું પોસ્ટમોર્ટમ ગોધરા ખાતે કરીને જે તે વ્યક્તિના કુટુંબીજનો સૂધી લાશો પહોચાડવા માટે નિર્ણય લીધો હતો. આ નિર્ણય મુજબ કામ થયું હોત તો ગુજરાતમાં કોમી રમખાણો થયા જ ન હોત. કલેક્ટરના આ નિર્ણયને ઉલટાવીને ગુજરાતના મુખ્યમંત્રીએ હુકમ કર્યો કે તમામ લાશોને અમદાવાદમાં સોલા ખાતે ભેગી કરવામાં આવે. કલેકટરશ્રી અને કેટલાક તટસ્થ અધિકારીઓએ મંતવ્ય આપ્યું હતું કે લાશોનું પ્રદર્શન તંગદિલી કરાવી શકશે પરંતુ તેમની આ વાતને ધ્યાને લેવામાં આવી ન હતી. તમામ લાશોને અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે લાવીને પોસ્ટમોર્ટમ બાદ જે તે વ્યક્તિના કુટુંબને લાશો આપી દેવાના બદલે વિશ્વ હિંદુ પરિષદના નેતાઓને કાર સેવકોની લાશો સોપવામાં આવી હતી આ બાબતનો ઉલ્લેખ સુપ્રિમ કોર્ટે બનાવેલી એસ.આઈ.ટી ના રીપોર્ટમાં પણ છે. વિધાનસભાનું સત્ર સરુ હતું અને તેમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તે પ્રસ્તાવ ઉપર ગુજરાતના મુખ્યમંત્રીએ જે શબ્દો ના પ્રયોગ કર્યા તે ગુજરાતમાં શાંતિ સ્થપાય તે માટેના નહી પરંતુ કોમી રમખાણો ફાટી નીકળે તે માટેના ઉતેજના પેદા કરનારા હતાં. આમ સતત ૩ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં તંગદિલી ફેલાવા માટેના પ્રયત્નો થયા અને તેના કારણે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

      કોમી તોફાનો કાબુમાં લેવા માટે કેટલાક અધિકારીઓએ નિષ્ઠા અને પ્રમાણીકતાથી પ્રયત્ન કર્યો અને વી.એચ.પી, આર.એસ.એસ તથા બીજેપીના નેતાઓ ને કોમી રમખાણો કરવા દેવામાં સહમતી નહી આપી તો તે અધિકારીઓને તાત્કાલિક સાઈડ લાઈનમાં ધકેલી દઈને કોમી રમખાણોમાં  શાંત બેસી રહે તેવા અધિકારીઓને ફિલ્ડમાં પોસ્ટીંગ સરકારે આપ્યા હતા. ભાવનગર શહેરમાં કોમી રમખાણોની શરૂઆત થતા તેને મજબુતીથી દાબી દઈ ને તેમજ એક મદરેસાના ૩૮૨ બાળકોને જીવતા સળગાવી દેવાની પરીસ્થિત પેદા થઈ ત્યારે પોતાના જાનના જોખમે ટોળાને પાછુ ધકેલી ૩૮૨ બાળકોને મર્દાનગી થી જે ડી.એસ.પી રાહુલ શર્માએ બચાવ્યા તેમને તાત્કાલિક ભાવનગરમાં થી ફેરબદલી કરી નાખવામાં આવ્યા હતાં. શ્રી રાહુલ શર્માને ભાવનગરમાં ડી.એસ.પી તરીકે પોસ્ટીંગ ને માત્ર ૭ જ દિવસ થયા હતાં અને આ ૭ જ દિવસ માં તેમની ફેરબદલી કરવાનું કોઈ કારણજ ન હતું. શ્રી શર્માએ ભાવનગરમાં કોમી તોફાનોને કાબુમાં લઈ લીધા તેટલાજ માત્ર  કારણથી  સાત જ દિવસ માં શ્રી રાહુલ શર્માની ફેરબદલી કરી નાખવામાં આવી હતી.

      શીખ રમખાણોમાં જેમના સામે આંગળી ચીંધવામાં આવી હોય તેવા કોઈને પણ બચાવવાનો પ્રયત્ન કે તેમને પ્રમોશન આપવાનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી એ કર્યો નથી જયારે ગુજરાતમાં જેમણે સક્રિય ભાગીદારી કોમી તોફાનોમાં કરી અને ફરિયાદમાં મુખ્ય તોહમતદાર હતાં તેવા માયાબેન કોડનાનીને મિનિસ્ટર તરીકેની બઢતી આપીને ગુજરાતના મુખ્યમંત્રી એ પોતાની કોમી માનસીકતા અને એજન્ડાને જાહેર કર્યો હતો. ગુજરાતમાં કોમી વાતાવરણ સતત જળવાય રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ગૌરવ યાત્રા કાઢીને સતત વ્યમનસ્વય પેદા કરવાનું કામ કર્યું હતું. ગૌરવ યાત્રા દરમ્યાન કોમી તંગદિલી ફેલાવનારા ઝેરીલા ભાષણો શ્રી મોદીએ કર્યા હતાં તેની સીડી મંગાવીને શ્રી જેટલીએ સાંભળવી જોઈએ.

      શ્રી અટલ બિહારી બાજપાઈની નારાજગી અને સુપ્રિમ કોર્ટની કડક ટિપ્પણી કે  “જો તમારા નાગરીકોને ન બચાવી શકો તો ગાદી છોડો  આવ્યા બાદ પોતાની ખુરશીને જોખમ લાગતા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના ઈશારે ચાલતા કોમી રમખાણો શાંત થાય તેવી ગોઠવણી કરવી પડી હતી. ગુજરાતમાં કોમી તંગદિલીની પરીસ્થિત ચાલુ રાખવા માટેજ નકલી એન્કાઉન્ટરો કરવામાં આવ્યા હતાં જે હકીકત સૌના ધ્યાને આવી છે.

      નામદાર સુપ્રિમ કોર્ટે નિયુક્ત કરેલી એસ.આઈ.ટી ના ચેરમેનની ભૂમિકા શરુઆતથીજ શંકાસ્પદ હતી. જે અધિકારીઓ કોમી તોફાનોમાં ખોટી ભૂમિકા કરતા હતાં અને જે અધિકારીઓના કોમી તોફાનોની ફરિયાદોમાં તોહમતદાર તરીકે નામો હતાં તેવા અધિકારીઓને એસ.આઈ.ટી.ના ચેરમેને પોતાની ટીમમાં લીધા ત્યારે સ્પષ્ટ થયું હતું કે સુપ્રિમ કોર્ટની આંખોમાં ધૂળ નાખવાનું કામ એસ.આઈ.ટી કરવાની છે. એસ.આઈ.ટી નો રીપોર્ટ અને એસ. આઈ.ટી દ્વ્રારા અપાયેલી ક્લીન  ચીટ સુપ્રિમ કોર્ટને પણ ગળે ઉતરી ન હતી. એસ.આઈ.ટી ના ચેરમેને રજુ કરેલા રીપોર્ટ બાદ સુપ્રિમ કોર્ટે પણ કહ્યું હતું કે તમારા રીપોર્ટ ની કેટલીક હકીકતો અને તમારા તારણ વચ્ચે મેળ બેસતો નથી. એસ.આઈ.ટી દ્રારા તારણમાં અપાયેલી ક્લીન ચીટ સુપ્રિમ કોર્ટને વ્યાજબી ન લાગતા સુપ્રિમ કોર્ટે જ એસ.આઈ.ટીના રીપોર્ટ બાદ એક પ્રતિષ્ઠિત અને તટસ્થ એડવોકેટ શ્રી રાજુ રામચંદ્રનને એમાયક્સ તરીકે નિયુક્ત કરીને રીપોર્ટ આપવા જણાવ્યું હતું. શ્રી રાજુ રામચંદ્રને સંપૂર્ણ ખાનગી રીતે ગુજરાતની મુલાકાત લઈ ને તેમજ એસ.આઈ.ટીના રિપોર્ટનો યોગ્યતાપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુપ્રિમ કોર્ટને પોતાનો રીપોર્ટ આપ્યો હતો અને તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય તોહમતદારો સામે ચાર્જશીટ ફાઈલ થઈ શકે તેમ છે અને ફર્ધર ઇન્વેસ્ટીગેશન (વધારાની તપાસ)  પણ જરૂરી જણાય છે. સુપ્રિમ કોર્ટે રાજુ રામચંદ્રનજીનો રીપોર્ટ સ્વીકાર્યો હતો અને એસ.આઈ.ટી તથા શ્રી રાજુ રામચંદ્રન એ બનેના રીપોર્ટ ટ્રાયલ કોર્ટને મોકલ્યા હતાં.

      ગુજરાતમાં યોગ્ય અને તટસ્થ વાતાવરણ નથી અને ટ્રાયલ કોર્ટ ન્યાય પૂરો આપી શકશે કે કેમ?  તેવી શંકાના  કારણેજ ગુજરાતના કેસો રાજ્યની બહાર મોકવાનું કામ પણ સુપ્રિમ કોર્ટેજ કરવું પડ્યું છે. આવા સંજોગોમાં ગુજરાતની એક ટ્રાયલ કોર્ટ કોઈ નિર્ણય આપે જેના સામે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જવાનું બાકી છે.  તેમજ સુપ્રિમ કોર્ટના એમાયક્સનો રીપોર્ટ સ્પષ્ટ રીતે ગુજરાતના મુખ્યમંત્રીને રમખાણો માટે  જવાબદાર ગણતો હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને ક્લિક ચીટ મળી ગઈ છે તેવું શ્રી અરુણ જેટલી જેવા વિધવાન વકીલ પોતાના બ્લોગમાં લખે તે ગુનાહિત માનસવાળા અસીલ માટે આધાર વગરની વકીલ ની દલીલ જેવું લાગે છે.

      જો ટ્રાયલ કોર્ટમાં આવેલો હુકમ ભારતીય જનતા પાર્ટી માટે આખરી ગણાતો હોય તો ગુજરાતના મંત્રી મંડળમાં રહેલા શ્રી બાબુ બોખરીયા સામે ટ્રાયલ કોર્ટે સજાનો હુકમ કર્યો છે તેમ છતાં તેમને મંત્રી મંડળમાં કેમ ચાલુ રાખ્યા છે? બાબુ બોખરીયાના કેસમાં ભાજપની દલીલ છે કે ટ્રાયલ કોર્ટનો હુકમ એ આખરી નથી અપીલ હજી બાકી છે જયારે બીજી તરફ મોદીના કિસ્સામાં ટ્રાયલ કોર્ટ નો હુકમ આવી ગયો છે માટે ક્લીન ચીટ તે ભાજપની બેવડી રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ છે. કોંગ્રેસના કોઈ મિનિસ્ટરના ભાણેજ સામે આક્ષેપ થયો તો પણ તે મિનિસ્ટરે રાજીનામું નૈતિકતાના આધાર પર આપ્યાનો દાખલો છે જ્યારે ગુજરાતમાં ભ્રષ્ટ્રાચારના કરોડો રૂપિયા ખાનાર શ્રી બાબુ બોખરીયાને સજા કર્યા પછી તેઓ મંત્રી મંડળમાં બેઠા છે. જયારે બીજા એક મંત્રી શ્રી પુરષોત્તમ સોલંકીએ ૪૨૦ કરોડ રૂપિયા ખાધા છે તે હાઈકોર્ટે સાબિત માન્યું અને તેના સામેની અપીલ સુપ્રિમ કોર્ટે કાઢી નાખી ત્યાર બાદ એફ.આઈ.આર દાખલ કરી છે અને ૪૨૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે તે મંત્રી પુરષોત્તમ સોલંકી પણ ગુજરાતના મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં મિનિસ્ટર તરીકે બેઠા છે. મંત્રી મંડળમાં બે નંબરનું સ્થાન ધરાવતા અને ગુજરાતના મુખ્યમંત્રીના સૌથી નજીકના મંત્રી આનંદીબેન પટેલ સામે સુપ્રિમ કોર્ટે કડક સ્ટ્રીકચર પાસ કરાયા છે અને કરોડો રૂપિયાની જમીન આપવાના આનંદીબેન ના નિર્ણયને રદ બાતલ કર્યો છે આમ છતાં આનંદીબેન એ ગુજરાતના મંત્રી મંડળમાં બેઠા છે

      સ્વ. રાજીવ ગાંધીએ ૧૯૮૪ના શીખ રમખાણો સમી ગયા પછી જયારે દેશમાં કોઈ રમખાણો ચાલુ ન હતા કે કોઈ રમખાણો પેદા થાય તેવી પરીસ્થિત ન હતી ત્યારે તમામ લોકો એક થાય એ આશ્રયથી જૂની ઘટના એ માત્ર જેમ કોઈ મોટું ઝાડ પડે અને ધરતી ધ્રુજે તેવી બાબત હતી તેમ કહ્યું હતું. જયારે ગુજરાતના મુખ્યમંત્રીએ ગોધરાની ધટના બન્યા પછી તુરંતજ દરેક આધાતનો પ્રતિધાત હોય છે અને ગુસ્સો કાઢી લેવો જ  જોઈએ તેવા શબ્દપ્રયોગ કરીને કોમી રમખાણો પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ રમખાણો ને શાંત કરીને દેશમા એકતા સ્થપાય તે માટે સ્વ. રાજીવ ગાંધીના બોલાયેલા શબ્દોને તોફાનો કરાવનાર શ્રી મોદીના શબ્દો સાથે ક્યારે પણ સરખાવી ન શકાય.    

     

—————————————————————————————————–