Author: Shaktisinh Gohil

  • પ્રેસ નોટ ૨૮/૦૨/૨૦૧૭ માનનીય રાજયપાલશ્રીનું પ્રવચન

    માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન પર
    શ્રી શક્તિસિંહજી ગોહિલના વક્તવ્યની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ

    • રાજ્યપાલશ્રીનું પ્રવચન રાજ્ય સરકારની દૃષ્ટિ, દિશા કે આયોજન વગરનું.
    • અહંકાર કરતા ભાજપના મંત્રીઓને શક્તિસિંહએ શેરની પંક્તિઓ ટાંકીને કહ્યું હતું કે, “નાદાન હૈ વહ જો કરતા હૈ, અપની બુલંદીઓ પે ગુરૂર, હમને ચડતે હુએ સુરજ કો ભી ડુબતે હુએ દેખા હૈ
    • મહાલેખાકારનો અહેવાલ જણાવે છે કે, તજજ્ઞ ડોક્ટરોની સરકારી હોસ્પિટલમાં ૭૭% ઘટ છે.
    • મહાલેખાકારના અહેવાલમાં લખ્યું છે, આદિવાસીઓની સરકાર અવગણના કરે છે. આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં એક ખાટલા ઉપર બે-બે દર્દીને સુવડાવી બાટલા ચડાવાય છે.
    • કોંગ્રેસના શાસનમાં ઉત્તમ શિક્ષણ મળતું હતું. ભાજપના આજના મંત્રીઓ કોંગ્રેસના શાસનમાં સરકારી નિશાળોમાં ભણ્યા હતા, જ્યારે આજે સરકારી શાળાઓમાં શિક્ષણ એટલું ખરાબ છે કે ભાજપના મંત્રીઓનો એક પણ બાળક સરકારી શાળામાં ભણતો નથી.
    • ભાજપની સરકારે જીએસપીસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. જેમ કોઈ મૂર્ખ લાખના બાર હજાર કરે તેમ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નજીવી રકમમાં કેન્દ્રના સાહસને હિસ્સો વેચ્યો છે.
    • ચકલી ખોલો તો હવે પેટ્રોલ અને ડીઝલ નીકળશે તેમ કહેનારને હવે પૂછવું છે કે કેમ એક ટીપું પણ નીકળ્યું.
    • વિદેશમાં ૧૭૩૪.૧૨ કરોડ જીએસપીસીએ નાંખ્યા અને પછી પૂરેપૂરી રકમ માંડવાળ કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.
    • ઈજીપ્તના ઉમરહાથી બ્લોકમાં જીએસપીસીએ વચનબદ્ધ ખર્ચ કરતા ૭૬% કરતાં વધારે ખર્ચી નાંખ્યા અને ૨૬૩૦.૯૯ લાખ યુએસ ડોલર પાણીમાં નાંખ્યા છે.
    • કચ્છની કેનાલ પૂરી કરવાની જાહેરાત ૨૦૧૩-૧૪માં કરી હતી અને આજે ૨૦૧૭માં પણ કેનાલ પૂરી કરી નથી, પરંતુ નવી મુદ્દત નાંખી છે.
    • નર્મદાના પાણીનું દર્શન અને પ્રદર્શન થાય પરંતુ ખેડૂતના ખેતર સુધી પહોંચતું નથી, કારણ કે ૩૮૦૦૦ કિ.મી. કેનાલ ભાજપના ૨૨ વર્ષના શાસનમાં બની નથી.
    • સમાન કામ, સમાન વેતન બંધારણીય સિદ્ધાંત છે. ભાજપ ગુજરાતના યુવાનોને ફીક્સ પગાર આપી બંધારણનો ભંગ કરે છે.
    • આઉટ સોર્સીંગ પદ્ધતિ યુવાનોનું શોષણ છે. યુવાનોને પૂરતો પગાર મળવો જોઈએ.
    • કરાર આધારિત નિમણુંકના બદલે કાયમી નિમણુંક થવી જોઈએ.
    • હોમગાર્ડના જવાનોને માત્ર રૂ. ૨૦૪ દૈનિક વેતન આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અન્ય રાજ્યો ૫૦૦થી ૭૦૦ રૂપિયા દૈનિક આપે છે.
    • શિક્ષકોની ભરતીમાં પસંદગીના જિલ્લા માટે ચાલુ નોકરીમાં હોય તે શિક્ષકોને નિમણુંક મળે, તેને નવી નિમણુંક ગણતા જેટલી જગ્યાઓ ભરવાની હોય તે પૂરતી ભરવી જોઈએ.
    • ટેટ પાસ કરેલ યુવાનોને નોકરી મળવી જોઈએ.
    • આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી ગણવા જોઈએ, તેમને પૂરતો પગાર મળવો જોઈએ, ફેરબદલીનો અધિકાર મળવો જોઈએ.
    • નલિયાકાંડની પીડિતા દીકરીને ન્યાય મળે તેવી દાનત સરકારની નથી.
    • તહોમતદારોનો નાર્કોએનાલીસ ટેસ્ટ થાય તે માટે સરકાર કામ કરે છે.

     

    Click here to view and download press note.

  • Press Note Guj. Dt: 21.02.2017 સાવરકુંડલા લઠ્ઠાકાંડ

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭   

     

           સાવરકુંડલા  ખાતે લઠ્ઠાકાંડ થતા ભરતભાઈ વલકુભાઈ ખુમાણનું આજે સવારે ૧૧:૦૦ કલાકે મૃત્યુ નીપજેલ છે. અને બીજા લોકો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. ગુજરાતની ભાજપ સરકારની ભ્રષ્ટ્રાચારી નીતિના કારણે દારૂ અને લઠ્ઠાનું બેફામ વેચાણ ગુજરાતમાં થાય છે. ખુલ્લેઆમ વેચાતો આ દારૂ મંત્રી થી લઈને સંત્રી સુધીનાના આશીર્વાદ સિવાય શક્ય નથી. સાવરકુંડલા ખાતે બનેલા લઠ્ઠાકાંડને છુપાવવા ગુજરાતની ભાજપ સરકાર પ્રયત્નશીલ હોવાનો અહેવાલ પણ સ્થાનિક લોકોએ આપેલ છે. ગુન્હેગારોને તાત્કાલિક પકડવા અને અસરગ્રસ્તોને સારવાર તથા સહાયની શક્તિસિંહ ગોહિલે માંગણી કરેલ છે.

     —————————————————————————————————–

     

     

    Click Here to view and download the Press Note 

     

  • Press Note Guj. Dt: 21.02.2017 Budget

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭   

            ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, નિષ્ફળ, ભ્રષ્ટ અને હતાશ ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હતું. હવે ફરી આવતા વખતે બજેટ રજૂ કરી શકાય તેમ નથી એટલે એક પ્રકારે હવાતિયાં મારતાં હોય તે પ્રકારની આજે નાયબ મુખ્યમંત્રી કમ નાણામંત્રીની બજેટ સ્પીચ હતી.

    ભાજપ સરકાર બજેટમાં વાતો ખૂબ મોટી મોટી કરે છે, પરંતુ એની સામે નાણાંની ફાળવણી નહીંવત્‍ હોય છે. કેટલાક દાખલાઓ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષથી ભાજપ સરકાર છે. ભાડભૂત વિયર કે જેના માટે કોઈની મંજૂરીની જરૂર નહોતી, કોઈ કોર્ટનો સ્ટે નહોતો, જો ભાડભૂત વિયર બને તો માત્ર ભરૂચ કે નર્મદા જિલ્લો નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ક્ષાર આવતો અટકે અને આદિવાસી ખેડૂતભાઈઓને ફાયદો થાય. ભાડભૂત વિયર માટે આ બજેટમાં એસ્ટીમેટ અપાયો છે કે, આ રૂ. ૪,૦૫૦ કરોડનું કામ છે અને તેના માટે બજેટમાં કેટલા પૈસા ફળવાયા ? તો કહે માત્ર રૂ. ૧૦૦ કરોડ. દર વર્ષે ૧૦૦ કરોડ લેખે ગણીએ તો કેટલાં વર્ષો સુધી આ કામ પૂર્ણ નહીં થાય. નર્મદાની કેનાલના કામો ખૂબ મોટાપાયે બાકી છે. ૩૮ હજાર કિ.મી.ના માઈનોર, સબમાઈનોર, ફીલ્ડ ચેનલોના કામો બાકી છે. દર વર્ષે બજેટમાં ડેમના દરવાજા બંધ કરવાના, કેનાલના કામ કરવા માટે રૂ. ૦૯ થી ૧૦ હજાર કરોડની ફાળવણી થાય છે, જે પણ ઘણા ઓછા ગણાય જ્યારે  આ બજેટમાં તેના કરતા પણ નાણાંની ફાળવણી ઘટી ગઈ છે.

    નાણામંત્રીશ્રીએ પાના નં. ૧૪ ઉપર ૯ રસ્તા અને ૫ બ્રિજ ફોર લેન બનશે તેમ જણાવ્યું છે, તેના માટે નાણાંની ફાળવણી કરી છે માત્ર રૂ. ૧,૧૫૧ કરોડ. ૯ રસ્તાને બદલે ૧ રસ્તો પણ ફોર લેન કરવાનો હોય તો આમાંથી થાય નહીં, તો આ ૯ રસ્તા અને ૫ બ્રિજ કેવી રીતે શક્ય બનશે તે સવાલ છે. ૯ કોરીડોર છે તેને ચારમાર્ગીય બનાવી દેશું તેમ પાના નં. ૧૫ પર તેમણે જણાવ્યું છે. તેના માટે કુલ ખર્ચ રૂ. ૨,૦૮૭ કરોડની સામે ચાલુ બજેટમાં ફાળવણી માત્ર રૂ. ૨૪૨ કરોડ કરી છે. શું કોંગ્રેસની સરકાર આવશે પછી આ બધા કામો કરવાના અને જાહેરાત જ તેઓએ માત્ર આ વર્ષે કરવાની છે ?

    આ બજેટમાં કચ્છને સૌથી મોટો અન્યાય થયો છે. કચ્છને ૧ મિલિયન એકર ફીટ પાણી આપવું હોય તો રૂ. ૧૩,૧૮૭ કરોડનો બજેટ એસ્ટીમેટ છે. ૨૨ વર્ષમાં એકપણ રૂપિયો તેના માટે વાપર્યો નથી. આ વર્ષે મશ્કરી કરીને માત્ર રૂ. ૭૬ કરોડની જ ફાળવણી તેના માટે કરી છે. ગુજરાત સરકારનો નાણાં વિભાગનો પરિપત્ર છે કે, જો કુલ બજેટની રકમના ૨૦% ન ફાળવીએ ત્યાં સુધી કામને વહીવટી મંજૂરી જ ન મળે, કામ શરૂ જ ન થાય. તો રૂ. ૭૬ કરોડ બજેટના આંકડામાં આપ્યા પછી એક રૂપિયો પણ કચ્છ માટે વાપરી શકાશે નહીં. બજેટમાં મહેનતકશ લોકોની મશ્કરી કરવામાં આવી છે. દરજી, મોચી, કુંભાર, સુથાર, વાળંદ વગેરે નાના-ધંધા રોજગાર કરનારાઓ માટે વિકાસની વાતો કરી, પરંતુ બજેટમાં તેના માટે વર્ષે માથાદીઠ રૂ. ૧૦ની સહાય પણ ન કરી, કુલ માત્ર ૧૦ કરોડ રૂપિયાની આ બજેટમાં ફાળવણી કરી છે. આ વર્ગની તેમણે મશ્કરી કરી છે. અમારી માંગણી છે કે, જે રીતે નાના ઈંટ ઉત્પાદકો છે, જે ૫૦ લાખ કરતાં ઓછી ઈંટ પેદા કરે છે, જેનું ટર્નઓવર ઓછું છે, કોંગ્રેસ શાસનમાં તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો, આ પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિના ભાઈઓ કે જે ઈંટ પેદા કરે છે તેના પર વેટ નાબુદ કરો, ૫૦ લાખથી ઉપરનું ટર્નઓવર હોય તો તેના પર ૨% જ વેટ રાખવો જોઈએ. કોંગ્રેસ શાસનમાં મોચી જ્ઞાતિના ભાઈઓ હાથે બુટ-ચંપલ બનાવતા હતા, તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો. અમારી માંગણી છે કે હાથે જે મોચી જ્ઞાતિના ભાઈઓ બુટ-ચંપલ બનાવે છે, તેના હજાર રૂપિયાનું બુટ કે ચંપલ બને તેના પર વેટ શૂન્ય કરવો જોઈએ. ભૂતકાળમાં નાના ઉઘોગો માટે જીઆઈડીસીઓ બનતી હતી, તે આજે બંધ-ઠપ્પ પડી છે. નાના ઉઘોગકારો માટે કોઈ જોગવાઈ આજના આ બજેટમાં કરવામાં આવી નથી.

    શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, લિગ્નાઈટ કે જે તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નીકળે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં માત્ર ૨% અને ૪% વેટ છે, જ્યારે ગુજરાત સરકાર તેની પર ૨૦% ટેક્સ લે છે, પરિણામે મોદીના માનીતા ઉઘોગપતિ કોલ ઈમ્પોર્ટ કરે, એ ઈમ્પોર્ટેડ કોલ ગુજરાતમાં વેચાય અને કચ્છની તથા ધોધા તાલુકાની ખાણો કે જ્યાં લિગ્નાઈટ છે તેનું ખોદકામ થાય જ નહીં, જેનાથી ગુજરાતના નાના-નાના શ્રમિકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેમાં વેટ ધટાડવાની અમારી માંગણી છે. સીએનજી પર ૧૫% વેટ ગુજરાત સરકાર લે છે. સમગ્ર દેશમાં ૦થી લઈ વધુમાં વધુ ૪% વેટ છે, તેનાથી વધુ વેટ ક્યાંય નથી. પેટ્રોલ અને ડીઝલ પર ૨૪% વેટ અને ૪% સરચાર્જ એમ કુલ ૨૮% ટેક્સ આખા દેશમાં કોઈ લેતું નથી. આશા હતી કે આ વેટ ધટે, પરંતુ તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર ખેડૂતો પાસે તત્કાલ વીજ કનેકશન લેવડાવે, મીટર મૂકાવે, રેગ્યુલર પેન્ડીંગ રાહ જોઈને બેઠેલા મીટર વગરના કેટલા કનેકશન આપ્યા ? અને હવે કેટલા આપશે ?  તેની બજેટમાં કોઈ વાત નથી.

    બજેટ આવે ત્યારે સરકાર કહે કે, પુરાંતવાળું બજેટ છે, ખાધ નથી. પછી વર્ષના અંતે સુધારેલું હોય, બીજું વર્ષ પૂર્ણ થાય ત્યારે ખરું બજેટ આવે. આજના બજેટ પ્રકાશનમાં છેલ્લા પાંચ વર્ષમાં એકપણ વખત ખાધ વગરનું બજેટ ભાજપ સરકારનું રહ્યું નથી. આ વર્ષે પણ બહુ મોટી ખાધ રહેવાની છે. નાણામંત્રી કહે છે કે, રાહત આપી, રાહત આપી, રાહત આપી. આજના બજેટથી ગુજરાતની જનતા પાસેથી રૂ. ૨૯૨.૧૪ કરોડ વધારાના ખંખેરવાના છે અને રાહત આપવાની છે ફક્ત રૂ. ૧૦ કરોડ. વાહનવ્યવહારમાં ટેક્સની સરળતાના નામે માણસને ઓપ્શન રહેતા હવે  વાહન લો તો દર વર્ષે ટેક્સ ભરવાનું ઓપ્શન નહીં આજીવન ટેક્સ ભરી દેવાને પરિણામે રૂ. ૨૯૨.૧૪ કરોડનું ભારણ ગુજરાતની જનતા પર આવવાનું છે, તેની સામે માત્ર રૂ. ૧૦ કરોડની રાહતની વાત કરવામાં આવી છે. આમ, બજેટ સંપૂર્ણપણે ગુજરાતની જનતાની વિરુદ્ધનું છે, ગુજરાતની જનતા માટે નુકસાનકારક છે અને જે આદિવાસી, બક્ષીપંચ, દલિત, ખેડૂત, ગ્રામીણ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ નથી થતી નથી. ગયા વર્ષે જે વાતો કરી હતી, એ જ વાત આ વર્ષે કરી છે. એની સામે રકમની ફાળવણી કાંઈ નહીં.

    સામાજિક સેવાઓ માટે આજના બજેટ પ્રકાશનના પુસ્તકો જોઈએ તો સામાજીક સેવાઓ માટે જે પૈસા પાળવ્યા હતા તેમાથી રૂ. ૮ હજાર કરોડ વણવપરાયેલા રહ્યા છે. દેવું સતત વધતું જતું હતું તેને ઓછું કરવાને બદલે આ બજેટમાં કરવેરા તો વધાર્યા, છેલ્લા પાંચ વર્ષના આંકડા જુઓ તો ગુજરાતની જનતા ઉપર ચાર વર્ષમાં જ રૂ. ૧૮ હજાર કરોડના કર વધુ પડયા છે. એમ છતાં દેવું આ વર્ષે ન કલ્પી શકાય એટલી મોટી રકમનું લોન અને પેશગીઓનું ગુજરાતની જનતા પર ભારણ વધે અને તે રીતે આજના આ બજેટમાં રૂપિયા ૪૫ હજાર ૩૭૬ કરોડ ૩૪ લાખનું દેવું માત્ર એક વર્ષમાં નવું દેવું ગુજરાતની જનતા પર વધશે. ભાજપે સ્વીકારી લીધું છે કે, આ વર્ષે બજેટના ૪૦% જેટલી રકમનું દેવું આ વર્ષે જ લઈ લો, કારણ કે આવતા વર્ષે તો ભાજપની સરકાર બનવાની જ નથી. એવો ખાડો ખોદીને જાવ કે નવો આવે એ ભલે મહેનત કરે. જો કોંગ્રેસ પક્ષને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં નવસર્જન ગુજરાત કરીશું, ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળશે, વીજ કનેકશનો મીટર વગરના મળશે, યુવાનોને શિક્ષણનું વેપારીકરણ નહીં સારું શિક્ષણ મળશે, વૃદ્ધોને-દિવ્યાંગોને પૂરતું પેન્શન મળશે, આંગણવાડીની વર્કર કે તેડાગર બહેનોને પૂરતો પગાર, સમાન કામ સમાન વેતન, ફીક્સ પગારવાળાને પૂરતો પગાર આપીશું, ગરીબ લોકોને ધરનું ધર આપીશું, દલિતોને સાંથણીની જમીન મળશે.

    આમ, આજનું બજેટ હતાશ, ભ્રષ્ટ અને નિરાશ થયેલ સરકારનું નકારાત્મક બજેટ છે તેમ  શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

                યુવાનો માટે ભ્રામક જાહેરાતો સિવાય કશું જ બજેટમાં નથી. વિદેશ અભ્યાસ માટે જનાર યુવાનો માટે નજીવી રકમની ફાળવણી કરવામાં આવેલ છે હકીકતમાં ઘર આંગણે શિક્ષણ સુધારવાની જરૂર છે. પૂરતા શિક્ષકો, પુરતા પ્રોફેસરોની ગુજરાતમાં સરકાર ભરતી કરતી  નથી અને શિક્ષણ કથળે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પોતાના  ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ પણ યોજના કે સહાય નથી.

            આદિવાસી વિસ્તારની સતત અવગણના ગુજરાત સરકાર કરે છે. આદિવાસી સમાજને વનબંધુ કહીને અપમાનિત કરનાર સરકારના બજેટ પુસ્તકના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે બજેટમાં ફાળવેલી રકમ માત્ર કાગળ ઉપર રહે છે તેનો ખર્ચ કરવામાં આવતો નથી.

            ગુજરાત પાસે તેજસ્વી મહિલાધન છે પરંતુ રાજ્યની મહિલાઓના વિકાસ માટે બજેટમાં કોઈ જ જોગાવાઈ નથી.

             ભાજપના ૨૨ વર્ષના સતત શાશન પછી એક પણ શહેરમાં મેટ્રો નથી. અમદાવાદને કોંગ્રેસની કેન્દ્ર સરકારે મેટ્રો પ્રોજેક્ટ મંજુર કર્યા બાદ ઘણા લાંબા સમય પછી જયપુર અને લખનઉને મેટ્રો માટે મંજુરી મળી હતી. જયપુરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મેટ્રો દોડતી કરી દીધી. લખનઉમાં શ્રી અખિલેશ યાદવે મેટ્રો ટ્રેન દોડતી કરી દીધી, જ્યારે ગુજરાતની ભાજપ સરકારે કરોડોનો ભ્રષ્ટ્રાચાર કર્યો પરંતુ ગુજરાતમાં મેટ્રો નથી. હવે સુરત માટે મેટ્રોની પુરતી જોગવાઈ કરવાના બદલે માત્ર પ્રોજેક્ટ  રીપોર્ટ તૈયાર કરવા બજેટમાં દસ કરોડ રૂપિયા ફળવાયા છે.

            ભાવનગર-તારાપુર અને ભચાઉ થી ભુજના મુખ્ય માર્ગો કેટલાય વર્ષોથી સારા બનતા નથી. અકસ્માતોની પરંપરા સર્જાય છે તેમ છતાં આજના બજેટમાં આ રસ્તાઓ માટે કોઈ જોગવાઈ નથી.

    ——————————————————————————————————

     

     

    Click to view and download the Press Note

     

  • Press Note Guj 17.02.2017 નલિયા દુષ્કર્મ મામલે વિરોધ યાત્રા

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                        તા. ૧૭.૦૨.૨૦૧૭

            કચ્છ જીલ્લાની સંસ્ક્રુતિ ખુબજ ઉમદા પ્રકારની અને ગૌરવ પૂર્ણ રહી છે. વીર અબડા અડભંગજીએ સુમરીદાદીઓના રક્ષણ માટે શહાદત વોરી અને આજે પણ એ ગૌરવવંતો ઈતિહાસ મોજુદ છે. કચ્છનો ગૌરવશાળી ઈતિહાસ કલંકિત થાય તે રીતે ભાજપના નેતાઓએ નલિયામાં એક દીકરી પર અત્યાચાર કરેલો છે. સમગ્ર કચ્છમાં આજે પણ સ્ત્રી સન્માનની ખૂબ ઉમદા પરંપરા કચ્છી માડુંમાં રહેલી છે. કચ્છની આ ઉમદા પરંપરાને ભાજપના કેટલાક નેતાઓએ કલંકિત કરી છે ત્યારે ભાજપના નેતાઓનું શરમ થી માથું ઝૂકી જવું જોઈએ તેના બદલે પોતાના પક્ષના નેતાઓના કરતૂતથી કચ્છ બદનામ થયું છે અને કચ્છની દીકરીના ન્યાય માટે કોઈ વાત કરે ત્યારે તેનો વિરોધ કરીને પોતાની હલકી  માનસિકતા દર્શાવે છે.

            કચ્છમાં ભારતીય જનતા પાર્ટી ધ્વારા થયેલા દુષ્કર્મનો વિરોધ એ દુષ્કર્મ કરનારનો વિરોધ છે અને તેમાં સમગ્ર કચ્છની જનતાનો સાથ છે. ન્યાય માટેની લડતને કચ્છની વિરુધની લડત કહેવી તે હલકી માનસિકતા અને સ્ત્રી વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. કોંગ્રેસ પક્ષ ધ્વારા દુષ્કર્મના વિરોધમાં તેમજ ન્યાયની માંગ તેમજ ભવિષ્યમાં કોઈ પણ કુકર્મી અપકૃત્ય ન કરે તેના માટે તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના સવારે ૧૦:૦૦ કલાકે નલિયા ખાતેથી યાત્રાનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકી તથા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં થશે. નલિયા ખાતે યાત્રા શરુ થતા પહેલા વીર અબડા અડભંગજીની પૂષ્પ માલા કરી યાત્રા ગાંધીનગર સુધી જશે. આ યાત્રામાં પ્રદેશના મુખ્ય આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ વિગેરે જોડાશે.

            કચ્છમાં અનેક આસ્થાના યાત્રાધામો તેમજ પ્રવાસન માટેના ઉત્તમ સ્થાનો આવેલા છે. આ યાત્રાધામો અને પ્રવાસન સ્થાનોની મુલાકાતે દુનિયા ભરમાંથી સારા લોકો આવે છે અને કચ્છી માડુંઓની મીઠાશનો જીવનભર યાદ રહે તેવો અહેસાસ તેઓને થાય છે. કેટલાંક ભાજપના નેતાઓજ કુકર્મ  કરે છે જેનાથી કચ્છની ગૌરવવંતી પ્રતિષ્ઠાને નુકશાન થાય છે. કેટલાંક વિકૃત અને ગુનાહિત માનસિકતાવાળા ગુનેગારોને મદદ કરવા માંગે છે માટે પીડિતાને ન્યાય માટેની લડતનો વિરોધ કરે છે. આવા લોકો એવી દલીલ કરે છે કે, પીડિતાને ન્યાયની લડતથી કચ્છ બદનામ થશે અને નલિયા બદનામ થશે પરંતુ હકીકતો એ છે કે, કચ્છ અને નલિયાની નામના એટલી મોટી છે કે તે ક્યારે બદનામ થઈ જ ના શકે. ન્યાયની લડત માટે કચ્છી માડુંઓનો સુવર્ણ ઈતિહાસ છે અને હવે જો નલિયાની પીડિતાને ન્યાય ન મળી શકે તો કચ્છીયતને લાંછન લાગે. પીડિતાને ન્યાય અપાવવા સૌ કોઈએ આગળ આવવું જોઈએ અને ગુનેગારોને આડકતરી રીતે મદદ કરનારને જાકારો આપવો જોઈએ.

    ——————————————————————————————————

     

    Click to view and download Press Note 

     

  • Press Note Guj Dt: 15.02.2017 ભાજપની ખેડૂત વિરોધી નીતિ

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૧૫.૦૨.૨૦૧૭     

           કચ્છ જીલ્લાનાં મોખાણા ગામના લોકો પર ભાજપની સરકારે તંત્ર દ્રારા કરવામાં આવેલ  અમાનુષી વ્યવહારનો કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વિરોધ કર્યો છે. ધર વપરાશમાં વપરાતી વીજળી ટકાવારીની દ્રષ્ટિએ ખુબજ નહિવત છે. જયારે ઉદ્યોગોમા વપરાતી વીજળીનું પ્રમાણ ટકાવારીની દ્રષ્ટિએ ખુબ મોટું છે. ભાજપની સરકારના માનીતા ઉદ્યોગપતિઓ કરોડોની વીજચોરી કરે છે તેને ભાજપની સરકાર જ છાવરે છે. જયારે ગામડામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઉપર વીજ ચેકિંગના નામે આંતક ફેલાવવામાં આવે છે. કચ્છ જીલ્લાના મોખાણા ગામ ખાતે ગઈકાલે જાણે કોઈ આંતકવાદીઓનું ગામ હોય તેમ પી.જી.વી.સી.એલ.ના તથા  પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા હતા. નાના એવા ગામના સામાન્ય લોકો પર પોલીસ ધ્વારા અમાનુષી વ્યવહાર કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ. ધ્વારા લોકો પર સીધો ગોળીબાર કરવાથી સામાન્ય ગ્રામજનોને ગંભીર ઈજાઓ પહોચી છે. ભાજપની સરકાર નાના ગ્રામજનોને પરેશાન કરવાનું બંધ કરે અને મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ કરોડોની વીજચોરી કરે છે તેની સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

            ખેડૂત એ જગતનો તાત છે અને જેમ માંના ધાવણ પર દીકરાનો અધિકાર હોય તેમ પાણી પર ખેડૂતનો પ્રથમ અધિકાર છે. ગઈકાલે સાણંદ તાલુકાના ખેડૂતો કે જેમાંનાં મોટા ભાગના કોળી સમાજ (બક્ષીપંચ) ના નાના ખેડૂતો હતા તેઓ પોતાની જમીન માટે પાણીની માંગ કરી રહ્યા હતા ત્યારે ભાજપની સરકારના ઈશારે અને ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે ભાજપની ખેડૂત વિરોધી નીતિનું દર્શન કરાવે છે. ઊલટો ચોર કોટવાળને દંડે તે રીતે ખેડૂતોને બેફામ મારમાર્યા બાદ ખેડૂતો પર ૩૦૭ જેવી ગંભીર કલમો લગાડીને ભાજપ સરકારે સત્તાના દુરુપયોગનો નમુનો પૂરો પાડ્યો છે. સાણંદ તાલુકો સિંચાઈના કમાન્ડમાં આવરી ખેડૂતોને અગ્રતાથી પાણી આપવા સરકારે કામ કરવું જોઈએ તેના બદલે ભાજપની સરકાર ખેડૂતોના અધિકારનું પાણી ઝુંટવી લઈ ને ઉદ્યોગોને પાણી આપી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ખેડૂતો ઉપર કરવામાં આવેલ કેસો તાત્કાલિક પરત ખેંચવા અને સાણંદ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી તાત્કાલિક પૂરું પાડવા માંગ કરી છે.

    ————————————————————————————————-

     

    Click here to view and download Press Note

  • Press Note Guj. Dt. 13.02.2017 ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો સાથે કેન્દ્રની ભાજપની સરકારનું ઓરમાયું અને અન્યાય કર્તા વર્તન

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                    તા. ૧૩.૦૨.૨૦૧૭

            

           ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો સાથે કેન્દ્રની ભાજપની સરકારનું ઓરમાયું અને અન્યાય કર્તા વર્તન. ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લામાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થાય છે. ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તે માટે રેલ્વેની ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેલ્વેની રેન્ક ફાળવવામાં આવતી નથી. જયારે મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં ખેડૂતોને ડુંગળીના લોડીંગ માટે પાંચ  રેન્ક પોઈન્ટ છે અને એકજ દિવસમાં ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેન્ક ચાર-ચાર ફાળવી દેવામાં આવે છે. ભાવનગર જીલ્લામાં ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેન્ક આપવામાં આવતી નથી અને તેથી મોટા પાયે ખેડૂતોના ડુંગળીના પાકની બરબાદી થાય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી તથા રેલ્વે મંત્રીને ગુજરાત સાથે થઈ રહેલા અન્યાય બાબતે લેખિત જાણ કરી છે. કોંગ્રેસના શાશનમાં ભાવનગરને તથા મહુવાને ડુંગળીના સ્થળાંતર માટે ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેલ્વેની રેન્ક તાત્કાલિક ફાળવી દેવામાં આવતી હતી. કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારમાં ડિમાન્ડ મુક્યાના ૧૦ થી ૧૨ કલાકમાં રેન્ક રેગ્યુલર મળી જતી હતી. ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને મોટા પાયે અન્યાય કરવામાં આવી રહ્યો છે તે અંગેની જાણ સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ  ધ્વારા કેન્દ્ર સરકારને તથા ડી.આર.એમ. ને વારંવાર જાણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ધ્વારા કોઈ જ પગલાં નહીં ઉઠાવાતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગરના સેક્રેટરીએ શક્તિસિંહ ગોહિલને લેખિત ફરિયાદ કરી છે. આ લેખિત ફરિયાદની નકલ પણ પ્રેસ અને મીડિયાને શ્રી ગોહિલે આપીને તાત્કાલિક કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ઓરમાયું વર્તન બંધ કરે તેવી માંગ કરી છે.                                                                                                                                                                                                                                                        

    ————————————————————————————————-

    Click here to view and download Press Note